પ્રવીણ તોગડિયાને અણ્ણા હજારે કોણ બનાવી શકે છે?

પ્રવીણ તોગડિયા ઉપવાસ પર ઉતરે તો અણ્ણા હજારે વખતે થયું હતું તે રીતે તેમના આંદોલનને પાછળથી કોઈ ઉપાડી લે તેવું બને ખરું? આ સવાલ થવો સ્વાભાવિક છે, પણ તે પહેલાં એ સવાલનો જવાબ શોધવો પડે કે પ્રવીણ તોગડિયા અણ્ણા હજારે થઈ શકે ખરા? અણ્ણા હજારેએ હંમેશા રાજકારણથી પોતાને દૂર રાખ્યાં છે. સરકારો સામે આંદોલનો ચલાવવા એ એમનો હેતુ રહ્યો છે. તેમનો ભોળિયા દિલનો સ્વભાવ આમ આદમીને આકર્ષી જાય. પ્રવીણ તોગડિયા પર ભોળિયા હોવાનો કે રાજકારણથી દૂર રહ્યાંનો આક્ષેપ કરી શકાય નહીં.વિશ્વ હિન્દુ પરિષદમાં તેમનું નેતૃત્ત્વ હતું ત્યારે સદાય એવું કહેવાતું હતું કે રાજકારણ સાથે સીધો તેને કોઈ સંબંધ નહીં. હિન્દુઓનું હિત અને રામમંદિર તેમની મુખ્ય લડાઈ હતી. જોકે કાશ્મીરની 370મી કલમ દૂર કરવી જોઈએ એવી માગણીઓ આવી જતી હતી, જે રાજકીય ગણવી પડે. સંઘ પરિવારની આ એક મુખ્ય શાખા થઈ ગઈ હતી. સાથે બજરંગ દળને પણ ગણો તો ભાજપની હરોળમાં જ આ સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠન આમ ખુલ્લામાં પણ આ પરદા પાછળ કામ કરે, ભાજપ ખુલ્લામાં કામ કરે. ચૂંટણી વખતે ભાજપના નેતાની સભા હોય તે પહેલાં વિહિપ અને બજરંગ દળની ગૌસંવર્ધનથી માંડીને રામમંદિર સહિતના કોઈ પણ મુદ્દે સભા હોય.

તેનો અર્થ એ થયો કે પ્રથમ વખતે અણ્ણા હજારેના રાષ્ટ્રીય ઉપવાસને સામાન્ય નાગરિકોએ ઉપાડી લીધો હતો, તેવું પ્રવીણ તોગડિયાના કિસ્સામાં થઈ શકે નહીં. જોકે અણ્ણા હજારેનો મુદ્દો નાગરિકોએ ઉપાડી લીધો હતો, તેવું માનવું થોડા અંશે નાદાની છે. સાચી વાત એ છે કે નાગરિકો કોઈ મુદ્દો ક્યારેય ઉપાડતાં જ નથી. મુદ્દાઓના આધારે નાગરિકો મત આપતાં હોય છે એટલું જ.

અણ્ણાનું આંદોલન મુખ્યત્વે સંઘની સંસ્થાઓએ ઉપાડી લીધું હતું. કેજરીવાલ આણી મંડળીને પણ એટલું જ જોઈતું હતું, એટલે તેમણે લોકપાલનો મુદ્દો હાઇજેક થતો હોય તો થવા દીધો હતો. કેજરીવાલ વગેરેથી પ્રેરિત સ્વંયસેવી સંસ્થાઓએ પદ્ધતિસર પ્રચાર કરીને ઉપવાસ આંદોલનને રાષ્ટ્રવ્યાપી કરી દીધું હતું. અન્ય એનજીઓ પણ તેમાં જોડાઈ હતી. સ્થાનિક એનજીઓ, જેમને રમતની ખબર નહોતી, તેઓ પણ જોડાઈ ગઈ હતી. જોકે સ્થાનિક એનજીઓના સંચાલકોને પણ સામાન્ય નાગરિકો ગણાય નહીં. તેમની લાગણીના તંતુ ક્યાંક ઉપર જોડાયેલા હોય છે. આ બધાએ ભેગા મળીને અણ્ણા હજારને અણ્ણા હજારે બનાવ્યાં હતાં.

એ મોરચામાં સૌ સ્વાર્થી એકઠા થયાં હતાં એટલે લોકસભાની ચૂંટણી પછી વિખેરાઇ ગયો. આમ આદમી પાર્ટીમાંથી પણ ત્રણેક ટુકડા થઈ ગયા છે. કિરણ બેદી જેવા ભાજપમાં જતાં રહ્યાં અને આખી જિંદગી કેદીઓને સુધારણા જેવા વધારે દેખાવવાળા અને ઓછા નક્કર એવા કાર્યક્રમો કરીને એકઠી કરેલી આબરૂ ગુમાવી દીધી. અણ્ણા હજારે પણ છેલ્લે છેલ્લે ગયા મહિને ઉપવાસ કરીને, બેપાંચ દિવસમાં પારણાં કરીને રહીસહી આબરૂ ગુમાવી દીધી.

તે મોરચામાંથી છૂટાં પડેલા અને અહીંતહીં ભડકતાં જૂથોને પ્રવીણ તોગડિયાને અણ્ણા હજારે બનાવવામાં રસ ન પણ પડે. કે પડે? સંઘ વિરોધાભાસી પ્રવાહોને એક સાથે વહાવી શકે છે. એટલે સંઘનું એક જૂથ પ્રવીણ તોગડિયાના ઉપવાસને થોડું મજબૂત બનાવવા કોશિશ કરે ખરું? ભાજપની આંતરિક જૂથબંધી જે હાલમાં દબાઈ ગયેલી છે, તે થોડી ઘણી મદદ કરી શકે ખરી? હરીફ ભાજપ જૂથમાં એટલી ક્ષમતા અને સમજદારી હવે રહ્યાં છે ખરા કે પ્રવીણ તોગડિયાના ઉપવાસ આંદોલનને ઢીલું ના પડવા દે?

અણ્ણાના આંદોલન બાદ ઘણા સમયે ભાગલા થયાં અને આમ આદમી પાર્ટી અલગ તરી આવી. તોગડિયાના ઉપવાસ સાથેસાથે જ વિહિપમાં તડાં પડી શકે છે અને એક હિસ્સો અલગ તરી આવી શકે છે. આવું થશે ખરું? વિહિપના ઘણા બધા માળખાં એવી રીતે બનેલા છે કે તેની ઈમારતો, ઓફિસો, ટ્રસ્ટમાં તોગડિયાના ટેકેદારોનું સીધું વર્ચસ છે. તેમણે વિહિપ કે સંઘ પર આધાર ના રાખવો પડે અને અલગ એક તંત્ર, નાનું તો નાનું, પણ ઊભું કરી શકે છે. પણ કરશે ખરા? આ સવાલ છે. કોંગ્રેસ રાષ્ટ્રીય કક્ષાએ અને પ્રાદેશિક પક્ષો પોતપોતાના રાજ્યોમાં ઉપવાસ આંદોલનને વેગ આપવાનું વિચારે ખરા? થોડું મુશ્કેલ છે, પણ અશક્ય કે અકલ્પનીય નથી.

દાખલા તરીકે કેરળમાં કેટલાક જૂથોએ તોગડિયાને ટેકો આપ્યો છે. મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્ર, કર્ણાટકમાં પણ ટેકો છે. કર્ણાટકમાં માથે ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ કે દેવે ગોવડાના જનતા દળને ખેલ કરવાનું મન થાય ખરું? ગુજરાતનો દાખલો પણ આપી શકાય છે. ગુજરાતમાં એક જૂથ એવું છે, જે પોણા ભાગનું રાજકીય છે, તેને રસ પડી શકે ઉપવાસ આંદોલનને આગળ ચલાવવામાં. બે ચાર દિવસમાં જ ખબર પડી જશે કે પ્રવીણ તોગડિયાનો લાભ અત્યાર સુધી સંઘ અને ભાજપે લઈ લીધો, હવે ભવિષ્યમાં બીજા કોણ તેમનો લાભ લેવાની કોશિશ કરશે.

પણ પ્રવીણ તોગડિયા અંગત રીતે અણ્ણા હજારે બની શકે ખરા તે સવાલ છેલ્લે ફરીને આવીને ઊભો રહેશે. સૈનિક તરીકે કામ કર્યા પછી પોતાના ગામમાં સામાજિક સુધારા અને પર્યાવરણ બચાવો જેવી ઝુંબેશો ચલાવીને અણ્ણા હજારેએ લોકચાહના મેળવી હતી. મહારાષ્ટ્રમાં જ તેમણે ચારેક વાર ઉપવાસ આંદોલનો કરીને લોકોના પ્રશ્નોમાં સરકારને ઉકેલ આપવાની ફરજ પાડી હતી. ભગવાન સૌનું ભલું કરે એવી સિમ્પલ એમની ફિલોસોફી રહી છે. તોગડિયાની ફિલોસોફી એટલી સિમ્પલ નથી. તેમણે કરેલું કામ હિન્દુઓના હિતનું હતું, કલ્યાણનું નહોતું. વિહિપ ગૌસેવા કરતી હતી, પણ ગૌસેવા રાજકીય સ્ટ્રેટેજી છે તે ભોળા ગોપાલકો પણ જાણે છે.અણ્ણાનું હિન્દુત્વ સોફ્ટ હતું (રાજકીય ટાઇપ સોફ્ટ નહીં, અધ્યાત્મિક ટાઇપ સોફ્ટ), જ્યારે તોગડિયાનું હિન્દુત્વ હાર્ડ હતું (છે). તેમણે ઉપવાસના પ્રથમ દિવસે કહ્યું તે પ્રમાણે હિન્દુહિત માટે, રામમંદિર માટે કામ કરતાં રહેવાના છે. સાથોસાથ તેઓ અન્ય મુદ્દાઓ પણ જોડવાના છે, જે રાજકીય સ્વરૂપના દેખાતા ન હોય. દેખાતા ન હોય, પણ હોય ખરા. તે મુદ્દાઓ વધારે સ્પષ્ટ થશે ત્યારે જ સ્પષ્ટ થશે કે કેટલા દિવસમાં તેમણે પારણાં કરવાના રહેશે. તેઓ એક અલગ સંગઠન બનાવી શકે તેવી સ્થિતિ છે, પણ તે સંગઠન કેટલું અને કેવી રીતે સક્રીય રહેશે તે પણ જોવાનું રહ્યું. પારણાં પછી તેના પારખાં થશે. થોડા વખતમાં એ પારખાં પણ થઈ જશે કે તોગડિયાનો ઉપયોગ અણ્ણા જેવો કરવામાં કોઈને રસ પડે છે ખરો. અણ્ણાએ માત્ર ઉપવાસ કર્યો હતો અને બાકીનું બધું બીજા લોકો પર છોડી દીધું હતું. પ્રવીણ તોગડિયાના કિસ્સામાં એવું શક્ય છે ખરું?