વિશ્વ હિન્દુ પરિષદમાં કોકજે યુગનો આરંભ, તોગડિયા યુગ સમાપ્ત

હિન્દુ સમાજના હિત માટે તેમજ રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની એક શાખા એટલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP). આ વીએચપીને 14 એપ્રિલથી નવા આંતરરાષ્ટ્રીય પ્રમુખ મળ્યા છે – વિષ્ણુ સદાશિવ કોકજે.

વીએચપીની સ્થાપના થઈ ત્યારપછી છેક બાવન વર્ષે – 1964 પછી પહેલી જ વાર, એમાં ચૂંટણી યોજવામાં આવી અને એમાં ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ અને હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર વિષ્ણુ સદાશિવ કોકજે વિજેતા બન્યા છે. વીએચપીના નવા આંતરરાષ્ટ્રીય પ્રમુખપદની ચૂંટણીમાં કોકજેએ રાઘવ રેડ્ડીને પરાજય આપ્યો છે. રેડ્ડી વીએચપીના નેતા પ્રવીણ તોગડિયાના નિકટના સહયોગી મનાય છે.

રેડ્ડીના પરાજય સાથે જ વીએચપીમાં તોગડિયાના વર્ચસ્વ, દબદબાનો અંત આવી ગયો છે. સ્વાભાવિક રીતે જ, તોગડિયાએ વીએચપીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ 3 દાયકાથી વીએચપી સાથે સંકળાયેલા રહ્યા છે, પણ હવે એ મંગળવારથી અચોક્કસ મુદતના ઉપવાસ પર બેસવાના છે. આ ઉપવાસ તેઓ હિન્દુઓના અધિકારોના રક્ષણ, કશ્મીરી પંડિતો અને દેશના કિસાનોનાં પુનર્વસન માટે કરવાના છે.

વીએચપીમાં આંતરરાષ્ટ્રીય પ્રમુખની પસંદગી પરિષદના સભ્યો મતદાનની પ્રક્રિયા અનુસાર કરે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખની પસંદગી ચૂંટાયેલા પ્રમુખ કરે છે. રેડ્ડીએ અગાઉ બંને વાર તોગડિયાને પસંદ કર્યા હતા.

નવા પ્રમુખ બનેલા કોકજેએ આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે તોગડિયાની જગ્યાએ આલોક કુમારને નિયુક્ત કર્યા છે.

કોકજે અગાઉ  ઉપપ્રમુખ હતા. એમને પ્રમુખપદ માટેની ચૂંટણીમાં કુલ 192માંથી 131 વોટ મળ્યા હતા. તોગડિયા ગ્રુપના રાઘવને 60 વોટ મળ્યા હતા.

નિવૃત્ત જજ કોકજે 1990ના જુલાઈથી 1994ના એપ્રિલ સુધી મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જજ હતા અને 1994ના એપ્રિલથી 2001ના સપ્ટેંબર સુધી રાજસ્થાન હાઈકોર્ટના જજ રહ્યા હતા.

કોકજે કેન્દ્રમાં અટલબિહારી વાજપેયીની સરકાર વખતે હિમાચલ પ્રદેશના ગવર્નર પદે હતા. 8 મે, 2003થી 19 જુલાઈ, 2008 સુધી કોકજે ગવર્નર પદે રહ્યા હતા.

કોકજે ઈન્દોરના રહેવાસી છે. એમનો જન્મ 1939ની 6 સપ્ટેંબરે મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કુકસી ગામમાં થયો હતો. ઈન્દોરમાંથી એમણે એલએલબીની ડિગ્રી હાંસલ કરી હતી અને 1964થી વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો હતો. એ સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ પણ હતા.

કોકજેએ ઈન્દોરની કોલેજમાંથી સોશિયોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી છે.

1992થી 1994 સુધી તેઓ મધ્ય પ્રદેશ કન્ઝ્યૂમર કમ્પલેઈન રિડ્રેસલ કમિશનના ચેરમેન હતા. એમને કંપની લૉ, કામદાર તથા ઉદ્યોગ ક્ષેત્રના કાયદાઓ તથા બંધારણનો ખાસ્સો એવો અનુભવ છે.

કહેવાય છે કે, આરએસએસ સંસ્થા વીએચપીમાંથી તોગડિયાના પ્રભાવને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માગતી હતી. આનું કારણ એ છે કે તોગડિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધનું વલણ અપનાવ્યું હતું. એની એમણે આકરી કિંમત ચૂકવવી પડી છે.

પોતાના ઉમેદવારના પરાજય બાદ તોગડિયાએ કહ્યું હતું કે પોતે હવે વીએચપીમાં નથી. ‘હું 32 વર્ષથી આ સંસ્થામાં રહ્યો છું. મેં હિન્દુઓના કલ્યાણ માટે કાર્ય કર્યું છે. એ માટે મેં મારું ઘર તથા મારો આકર્ષક તબીબી વ્યવસાય છોડી દીધા. હું હિન્દુઓની સુખાકારી માટે કાર્ય કરવાનું ચાલુ રાખીશ. હિન્દુઓ એ મારા જીવનનું પ્રથમ મિશન છે. હું અમદાવાદમાં બેમુદત ઉપવાસ પર બેસવાનો છું.’