જૈતાપુર અણુઊર્જા પ્રોજેક્ટના હાલ ‘એનરોન’ જેવા થશે? મહારાષ્ટ્રમાં જબરી ચડસ

ચાર દાયકા પહેલાં મહારાષ્ટ્રમાં એનરોન કંપનીનો પ્રોજેક્ટ નક્કી થયો હતો. આ પ્રોજેક્ટના કારણે રાજકીય પક્ષો સામસામે આવી ગયા હતા. મુદ્દો આર્થિક રીતે પ્રોજેક્ટ કેવો છે, વિસ્થાપિતોને પૂરતું વળતર મળ્યું છે કે નથી મળ્યું, પ્રોજેક્ટ આપવામાં ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો, એવા મુદ્દાઓને બદલે રાજકીય રીતે કોણ પ્રબળ છે તેની લડાઈમાં પ્રોજેક્ટ અટવાયો હતો. આગળ જતાં દાભોલ ઈલેક્ટ્રિસિટી કંપની તરીકે પ્રોજેક્ટ આગળ વધ્યો, પણ તેનું નુકસાન થવાનું હતું તે થઈ ગયું હતું.

1992માં અમેરિકાની એનરોન કંપનીએ જાહેરાત કરી હતી કે તે કુદરતી ગેસ આધારિત વિશાળ પાવર પ્લાન્ટ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાપશે. કેન્દ્રમાં કોન્ગ્રેસની સરકાર હતી અને નરસિંહ રાવે આર્થિક ઉદારીકરણ શરૂ કર્યું હતું. આ પ્લાન્ટ સૌથી પહેલો મોટો વિદેશી મૂડીરોકાણથી થનારો પ્રોજેક્ટ હતો એટલે બહુ ગાજ્યો હતો. પરંતુ તેનો વિરોધ પણ થયો, કેમ કે શરદ પવારની સરકાર ત્યારે મહારાષ્ટ્રમાં હતી, તેની સામે લાંચરુશ્વતથી માંડીને સગાવાદ સહિતના આક્ષેપો થયા હતા. દરમિયાન અમેરિકામાં એનરોન કંપનીએ ઓડિટમાં ગોટાળા દબાવ્યા હતાં તે ખુલ્લાં પડી ગયાં એટલે કંપનીએ દેવાળું કાઢવાનો વારો આવ્યો હતો. તે વખતની સૌથી મોટી બેન્કરપ્સી હતી, 63.4 બિલિયન ડોલરની.

મહારાષ્ટ્રના રાજકારણમાં એનરોન પ્રોજેક્ટને કારણે થયેલા વિવાદની રાજકીય અસરો પડી હતી. હાલમાં બીજા એવા જ એક વિશાળ પાવર પ્રોજેક્ટને કારણે વિવાદ ચાલી રહ્યો છે. ભારતે અણુઊર્જા માટે મોટું આયોજન કર્યું છે. મનમોહન સરકારે અમેરિકા સાથે કરાર કર્યો તે પછી ભારતને અણુટેક્નોલોજી અને યુરેનિયમ મળે તે શક્ય બન્યું છે. માત્ર અણુઊર્જા માટે આ ટેક્નોલોજી અને યુરેનિયમનો ઉપયોગ કરવા ભારત સહમત થયું છે. તેમાંનો એક પ્લાન્ટ જૈતાપુરમાં તૈયાર થઈ રહ્યો છે. ગુજરાતમાં ભાવનગર નજીક મીઠી વીરડીનો પ્લાન્ટ કેન્સલ થઈ ગયો છે. નેવુંના દાયકામાં એનરોનના વિવાદ વધતે આર્થિક મુદ્દાને બદલે રાજકીય મુદ્દા મહત્ત્વના બન્યા હતા. તે જ રીતે જૈતાપુરમાં પણ કોંગ્રેસ, એનસીપી અને શિવસેના વચ્ચે બરાબર જામી છે. શિવસેનાએ સવાલો ઉઠાવ્યા હતા કે જૈતાપુરના વિરોધ કરનારા શા માટે વિરોધ કરી રહ્યા છે. બીજી બાજુ સ્થાનિક લોકોને વળતર આપવા સહિતના મુદ્દાઓ છે જ, જેમાં પોતે સ્થાનિક લોકોને મદદરૂપ થઈ રહ્યા છે તેવું દેખાડવાની હોડ બધા રાજકીય પક્ષોમાં ચાલી છે.

કોંકણ વિસ્તારમાં બીજો પણ એક મોટો પ્રોજેક્ટ છે. રત્નાગીરીના નાનર નજીક મેગા કેમિકલ રીફાઇનરી સ્થાપવાની છે. સાઉદી અરેબિયાની કંપની અરામ્કો સાથે સાથે એમઓયુ થયા છે. બંને પ્રોજેક્ટ્સ કોંકણમાં થયા છે અને કોંકણમાં શિવસેનાનું સ્થાન મજબૂત છે. શિવસેનાએ રિફાઇનરીનો વિરોધ શરૂ કર્યો છે. હાલમાં ભાજપ સાથેના સંબંધો વધારે બગડ્યાં છે, પણ એકાદ વર્ષ પહેલાં ઓછા બગડેલા સંબંધો હતાં ત્યારે પણ શિવસેનાએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. સાથી પક્ષ તરીકે ભાજપ પોતાની માગણીઓ સ્વીકારશે તેમ શિવસેનાને હતું, પરંતુ સેના અને સ્થાનિકોના વિરોધ છતાં ભાજપે એમઓયુ પર સહીસિક્કા કરી નાખ્યા છે.

ઉદ્વવ ઠાકરેએ મુખ્યપ્રધાન ફડણવીસની આકરી ટીકા કરતાં કહ્યું કે તમે સ્થાનિક લોકોના ભરોસોને તોડ્યો છે. લોકોની ઇચ્છા નહીં હોય તો પ્રોજેક્ટ ત્યાં નહિ લાવવામાં આવે તેવું નિવેદન યાદ કરાવીને શિવસેના કહે છે કે ફડણવીસ બોલ્યું ફરી ગયાં છે. ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રની ભાજપની સરકારને પણ સાથે લઈ લીધી હતી અને કહ્યું કે, ‘મહારાષ્ટ્રના લોકો સાથે ફડણવીસે ચિટિંગ કર્યું છે. સ્થાનિકોના વિરોધ છતાં પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે તેનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારમાં ફડણવીસનું કશું ઉપજતું નથી.’

લોકસભાની ચૂંટણી આડે એક જ વર્ષ છે ત્યારે કોંકણમાં આ અગત્યનો મુદ્દો છે અને શિવસેનાએ કહ્યું છે કે તેમનો વિરોધ ચાલતો રહેશે. કોઈ પણ સંજોગોમાં રીફાઇનરીનો પ્રોજેક્ટ થવા દેવાશે નહીં એવી હાકલ કરાઈ છે. એનરોનની જેમ આ પ્રોજેક્ટ પણ વિલંબમાં પડશે એટલું નક્કી છે. ચૂંટણી પતી જશે, પછી મામલો ઠરી જશે અને હિતધારક લોકો પ્રોજેક્ટને આગળ વધારાવશે, પણ ત્યાં સુધીમાં મોટું આર્થિક નુકસાન થયું હશે.

પરંતુ આર્થિક નુકસાન કરતાં રાજકીય નુકસાન વધારે અઘરું હોય છે અને રાજકીય પક્ષો તે ટાળવા માગતા હોય છે. શિવસેના માટે આગામી ચૂંટણી કરો યા મરો જેવી સ્થિતિમાં થવાની છે. ભાજપ સાથે સમજૂતિ નહી કરાય તેવી જાહેરાત કરી દેવાઈ છે. એકલા હાથે ચૂંટણી લડવાનું જોખમ લઈને શિવસેનાએ મોટો જુગાર ખેલવાનો છે.
જોકે બીજી બાજુ હજી શિવસેનાએ મહારાષ્ટ્ર સરકારમાં ભાગીદારી છોડી નથી અને ભાજપના પુરતા પ્રયાસો છે કે કોઈક સમાધાન કરી લેવાશે. મુંબઈમાં ભાજપનું અધિવેશન ગયા મહિને મળ્યું, તેમાં અમિત શાહે આશા વ્યક્ત કરી હતી કે શિવસેના જેવો જૂનો સાથી સાથ નહીં છોડે.

રીફાઇનરી પ્રોજેક્ટમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ અને ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન પણ સામેલ છે. તેના કારણે આ દુનિયાનો સૌથી મોટો રિફાઇનરી પ્રોજેક્ટ બનવાનો છે, જેની ક્ષમતા વર્ષે 6 કરોડ ટન ઉત્પાદનની હશે. બે લાખ કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર થાય છે, ત્યારે ભાજપ માટે તે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બન્યો છે. આર્થિક બાબતોમાં કશુંક કરી બતાવ્યું છે તેવું બતાવવા માટે આ પ્રોજેક્ટ ભાજપ માટે મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રની બહાર પણ અગત્યનો છે.

જોકે પ્રોજેક્ટ બહુ વિશાળ હોવાથી 16,000 હેક્ટર જમીન એક્વાયર કરવાની છે. તેના કારણે સ્થાનિક લોકોમાં વિરોધ થવો સ્વાભાવિક છે. 14 ગામોની જમીન તેના માટે એક્વાયર કરવી પડશે. પાંચ ગામોનું પૂરું સ્થળાંતર કરવું પડે તેમ છે. આ સમગ્ર વિસ્તારને ઇન્ડસ્ટ્રીયલ ઝોન જાહેર કરી દેવાયો છે.

બીજી બાજુ જૈતાપુર અણુઉર્જા પ્રોજેક્ટમાં જમીન એક્વાયર થઈ ગઈ છે, પણ તે પ્રોજેક્ટમાં પણ શિવસેનાના વિરોધનો સામનો કરવો પડશે. 10,000 મેગાવોટનો જંગી પાવર પ્લાન્ટ સલામત નથી તે મુદ્દે શિવસેનાએ વિરોધ કર્યો છે. ફ્રેન્ચ કંપનીને આ પ્રોજેક્ટ અપાયો છે, પણ ફ્રેન્ચની અણુઉર્જા ટેક્નોલોજી ટેસ્ટેટેડ નથી એમ જણાવીને વિરોધ થઈ રહ્યો છે. જોકે ફ્રેન્ટ કંપની ઈડીએફ જેણે આરેવા કંપનીને ટેકઓવર કરી લીધી છે, તેણે હાલમાં જ સીએમ સાથે બેઠક કરી હતી. તેમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે તેની ટેક્નોલોજી ટેસ્ટેટેડ છે. યુરોપમાં તેનો એક પ્લાન્ટ કાર્યરત છે એમ કંપનીએ જણાવ્યું. જોકે કયો પ્લાન્ટ તે જાહેર કરવામાં આવ્યું નથી. જાપાનમાં 2011માં સુનામી પછી ફુકુશીમા અણુઉર્જા પ્લાન્ટને નુકસાન થયું હતું. આ બાબતને ધ્યાનમાં લઈને ડિઝાઇન તૈયાર કરાઈ છે તેવો દાવો પણ થયો છે.

આ ટેક્નિકલ દાવા અને વિશ્વની સૌથી મોટી રીફાઇનરીના આર્થિક ફાયદાના દાવા સૌ કોઈ સ્વીકારી લેવા તૈયાર નથી. પોતપોતાના હિત ખાતર આ દાવાઓનો પડકાર થયો છે. શિવસેના માટે રત્નાગીરી સહિતનો સમગ્ર કોંકણ પ્રદેશ અગત્યનો છે. મુંબઈમાં ભાજપના સમર્થન વિના ચૂંટણી લડવાને કારણે સત્તા મળી, પણ સમર્થનમાં ગાબડું પડ્યું હતું. કોંકણમાં પોતાના સમર્થકોમાં ભાજપ ગાબડું ના પાડે તેમ શિવસેના ઇચ્છે છે. તેના કારણે આગામી ચૂંટણી સુધી શિવસેના આ બે પ્રોજેક્ટના મુદ્દે વિરોધ છોડશે તેમ લાગતું નથી. છેલ્લી ઘડીએ કોઈ કારણસર બન્ને પક્ષો વચ્ચે સમજૂતી થાય તો પણ સ્થાનિક મતોને ધ્યાનમાં રાખીને સેનાનો વિરોધ ઓછો થવાનો નથી, ત્યારે આ બેમાંથી કયા પ્રોજેક્ટના હાલ એનરોન જેવા થશે તેવું પણ અર્થતંત્રના નિષ્ણાતો વિચારી રહ્યાં છે અને ચિંતા કરી રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]