મુખ્ય ન્યાયાધીશ સામે મહાભિયોગ – મહાસંકટનું રાજકારણ

બંધારણીય સત્તા પર બેઠેલી વ્યક્તિ નિર્ભય થઈને પોતાની ફરજ બજવણી કરી શકે તે માટે એવી જોગવાઈ કરાયેલી છે કે સહેલાઈથી તેમને પદચ્યૂત કરી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવો જ એક બંધારણીય હોદ્દો છે. તેમને હોદ્દો પરથી હટાવી શકાય નહીં. હટાવવા માટે લાંબી વિધિ કરવી પડે. ઇમ્પિચમેન્ટ મોશન સંસદમાં લાવવી પડે. તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ તેને દાખલ થવા દે છે કે કેમ તે જોવાનું રહે છે. પણ છેલ્લે મળતાં સમાચાર મુજબ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દીધો છે.બંધારણના અનુચ્છેદ 61, 124(4), (5), 217 અને 218 પ્રમાણે ઇમ્પિચમેન્ટ એટલે કે મહાભિયોગની કાર્યવાહી કરવાની હોય છે. પોતાની બંધારણીય ભૂમિકા ભજવવા માટે ન્યાયાધીશ અક્ષમ છે તેવી ફરિયાદ ઊભી થાય ત્યારે આ પ્રમાણે કાર્યવાહી કરી શકાય છે. સંસદના બેમાંથી કોઈ પણ એક ગૃહમાં પ્રસ્તાવ લાવી શકાય છે. લોકસભામાં ભાજપની સંપૂર્ણ બહુમતી છે, જ્યારે રાજ્યસભામાં વિપક્ષોની સંયુક્ત બહુમતી છે. તેથી રાજ્યસભામાં સાત પક્ષોએ ભેગા થઈને દરખાસ્ત આપી છે.

બીજું લોકસભામાં ઓછામાં ઓછા 100 સંસદ સભ્યોની સહી કરીને દરખાસ્ત મૂકવાની હોય છે, પણ રાજ્યસભામાં 50 સંસદ સભ્યોની સહી જરૂરી હોય છે. સહી કરવાના મામલે પણ કોંગ્રેસમાં અને કેટલાક પક્ષોમાં વિવાદ થયા હતા. લોકસભાના સ્પીકર કે રાજ્યસભાના અધ્યક્ષ પ્રસ્તાવ સ્વીકારે તે પછી ત્રણ સભ્યોની સમિતિ બને. તે સમિતિ ન્યાયાધીશ સામે મૂકાયેલા આક્ષેપોની તપાસ કરે અને અહેવાલ આપે. તપાસના તબક્કે જ આક્ષેપો યોગ્ય ના લાગે તો વાત મતદાન સુધી પહોંચતી નથી. ભૂતકાળમાં છવાર દરખાસ્ત આવી હતી, પણ એકેય વાર તેની તપાસ કરવાની કે મતદાન કરવાની નોબત આવી નહોતી. કેમ કે પાંચ વાર જેમની સામે ફરિયાદ થઈ તે ન્યાયાધીશોએ જ ફરિયાદ દૂર થાય તેવા પગલાં લીધાં હતા. અન્ય એક કિસ્સામાં ન્યાયાધીશ પોતે સ્પીકરને મળીને આક્ષેપો ખોટા છે તે જણાવ્યું ત્યારે દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી.આ રીતે લાંબી પ્રક્રીયા હોય છે. બીજું તપાસ સમિતિ ન્યાયાધીશને દોષિત માને તે પછી પણ મતદાન કરવું જરૂરી હોય છે. બહુમતી સાંસદો અહેવાલ સ્વીકારે ત્યાર પછી રાષ્ટ્રપતિ ન્યાયાધીશને દૂર કરી શકે. બહુમતી સાંસદો તપાસ સમિતિના અહેવાલને નકારી કાઢે તો વાત આગળ વધે નહીં. બીજું બે તૃતિયાંશ બહુમતીની જરૂર પડે, જે વિપક્ષ પાસે નથી.

ભારતમાં આવી સ્થિતિ ક્યારે આવી નથી. તેથી આ વખતે શું થશે તેના પર સૌની નજર છે. પરિણામ જે આવે, ન્યાયતંત્ર પર શંકા ઊભી થઈ તે સ્થિતિ જ આઝાદ ભારત માટે ચિંતાજનક છે. આઝાદીના સાત દાયકા બાદ મુખ્ય ન્યાયાધીશની તટસ્થતા પર શંકા કરવી પડે તે સ્થિતિ શરમજનક છે. વધારે શરમજનક સ્થિતિ એ છે કે આ મુદ્દે બધા જ રાજકીય પક્ષો રાજકારણ કરી લેવા માગે છે. શાસક પક્ષ પણ તેમાં એટલો જ દોષિત છે. ન્યાયાતંત્રની સ્વાયત્તતાનો મુદ્દો માત્ર હોત તો સરકારે મામલાને જુદી રીતે સંભાળ્યો હતો. પરંતુ શાસક પક્ષને પણ ક્યાંક રસ પડ્યો હતો કે આ મુદ્દો જેટલો વધારે ચગે એટલો પોતાની વિધારધારાનો પ્રચાર કરી શકાય છે. ભાજપની સરકારે સરકાર તરીકે વિચાર્યું નથી, પણ ભાજપ પક્ષ તરીકે વિચાર્યું છે તે ચિંતાજનક છે. સત્તામાં બેઠા પછી બંધારણીય બાબતો માટે, લોકતંત્રની મૂળભૂત પ્રણાલીઓની બાબતમાં સત્તાપક્ષે રાષ્ટ્રીય સરકાર તરીકે વર્તવાનું હોય છે. માત્ર રાજકીય પક્ષ તરીકે વર્તવાનું હોતું નથી.પોતાના વિરોધી એવા ડાબેરી અને લિબરલ તત્ત્વો મુખ્ય ન્યાયાધીશો મારફતે પોતાને નિશાન બની રહી છે તેવું સાબિત કરવામાં ભાજપને રસ પડ્યો છે. બીજી બાજુ આ વાત જાણતા હોવા છતાં વિપક્ષ પણ પોતાનો પાક લણી લેવા માગે છે. તેના કારણે લોકતંત્રની પ્રણાલીઓને હાનિ થાય તેની તેમને જરાય ચિંતા હોય તેમ લાગતું નથી.
સાત પક્ષો આમાં જોડાયા છે. કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, એસપી, બીએસપી અને મુસ્લિમ લીગ. આ સાતેય પક્ષો જાણે છે કે પોતે બેમાંથી એક પણ ગૃહમાં આ દરખાસ્ત પસાર કરાવી શકે તેમ નથી, છતાં એક મુદ્દો ઊભો કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

આની શરૂઆત થઈ હતી, ચાર ન્યાયાધીશોએ કરેલી ફરિયાદમાંથી. ફરિયાદ આમ નિર્દોષ લાગે છે – મુખ્ય ન્યાયાધીશ કેસોની ફાળવણી જુદી જુદી બેન્ચોને કરે છે, તેમાં સિનિયોરિટીની અવગણના થાય છે એમ જણાવાયું હતું. પોતાના નિવાસસ્થાને પત્રકારોને એકઠા કરીને જસ્ટિસ જે. ચેલમેશ્વરમે કહ્યું હતું કે “અમને ચારેય ન્યાયાધીશોને એમ લાગે છે કે ન્યાયતંત્રને બચાવવામાં નહીં આવે તો આ દેશમાં કે કોઈપણ દેશમાં લોકશાહી ટકી નહી શકે. સુપ્રીમ કોર્ટ નહીં બચે તો લોકશાહી નહીં બચે.’ તેમની સાતે જોડાયેલા જસ્ટિસ હેગડેએ પણ કહ્યું હતું કે ભારતને તો હવે ભગવાન બચાવે, કેમ કે ‘ન્યાયાધીશોએ જ હવે ન્યાય માગી રહ્યા છે.’

“સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર માટેના અમારા તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. અમે ચારેય મુખ્ય ન્યાયધીશને મળ્યા હતા અને તેમને અમારી વાત જણાવી હતી, પણ તેમણે અમારી વાત માની નહોતી તેથી અમારી પાસે કોઈ વિકલ્પ ના રહ્યો. અમારે દેશના લોકો સમક્ષ અમારી વાત મૂકવી પડી છે.”

સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ આ રીતે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા સામે અવિશ્વાસ વ્યક્ત કર્યો તેના કારણે ખળભળાટ મચી ગયો હતો. દેશના ન્યાયતંત્રના ઇતિહાસમાં આવું ક્યારેય જોવા મળ્યું નહોતું. તે વખતે રાજકીય નેતાગીરીએ જાગી જવાની જરૂર હતી, પણ તેના બદલે બધા પક્ષોએ આને ચૂંટણીમાં કામ આવે એવો એક મુદ્દો સમજીને તેને ચગાવ્યો છે.કટોકટી પછી ભારતના ન્યાયતંત્ર અને સંસદ બંનેએ વિચારવું પડે તેવો આ સમય આવ્યો છે. કટોકટી વખતે પણ ન્યાયતંત્ર અડગ ઊભું રહ્યું હતું અને તેના કારણે લોકોમાં વિશ્વાસ જાગ્યો હતો કે કટોકટી જેવા કાળમાં પણ દેશનું મૂળભૂત માળખું અકબંધ રહે તો નાગરિકો માટે આશાનું કિરણ છે.

ન્યાયાધીશોની પસંદગીનો મુદ્દો પણ સંસદ અને ન્યાયતંત્ર વચ્ચે ગજગ્રાહનો મામલો બન્યો હતો. ન્યાયાધીશોની બનેલી સમિતિ જ ન્યાયાધીશોની નિમણૂંક કરે છે, પણ સરકારની ઇચ્છા હતી કે વ્યવસ્થા બદલવામાં આવે અને સિસ્ટમને વધારે પારદર્શી બનાવવામાં આવે. તેનો પણ વિરોધ થયો હતો, કેમ કે ન્યાયાધીશોની નિમણૂકમાં જ જો સરકારનો હાથ હોય તો ન્યાયતંત્રની સ્વાયત્તતા જળવાઈ રહે નહિ. આમ છતાં વર્તમાન વ્યવસ્થામાં પણ ન્યાયાતંત્ર કેટલું સ્વતંત્ર રીતે કામ કરે છે તે એક સવાલ રહે જ છે.

કાનૂન મંત્રાલયની અસર ન્યાયતંત્ર પર કેટલી તે સવાલ છે. બાહ્ય રીતે ન્યાયતંત્રમાં કોઈ દખલ કરી શકાતી નથી, પરંતુ સત્તા પર બેઠેલા ન્યાય પ્રણાલી પર અસર પાડતા આવ્યા છે તેવી શંકા લોકોના મનમાં જાગી છે. આવી શંકા પણ ના હોવી જોઈએ તે સ્થિતિ શ્રેષ્ઠ છે. જે તે સરકારની વિચારસરણીને વરેલા ન્યાયાધીશો અમુક પ્રકારનો ચુકાદો આપશે તેવું લોકો ધારી લે છે તે દર્શાવે છે કે લોકોનો વિશ્વાસ કેટલો ઊઠી ગયો છે. સત્તાધીશો સીધી દખલ કરી શકતા નથી, પણ તેમને ફાવે તેવા ચુકાદા આપવામાં આવે તો આડકતરી રીતે લાભ આપવાની લાલચ અપાતી હોય છે તેવું ન્યાયતંત્રના જાણકારો બિનસત્તાવાર રીતે કહેતા હોય છે.

દેશની મોટા ભાગની બંધારણીય સત્તાઓ સામે ચિંતા થાય તે રીતે લોકોમાં શંકા ઊભી થઈ છે, પણ ન્યાયતંત્રમાં અવિશ્વાસ જાગે તે વધારે ચિંતાજનક છે. કેમ કે લોકો હજી પણ કહેતા હોય છે કે છેલ્લો આશરો ન્યાયતંત્રનો છે. રાજકારણીઓ પણ અત્યાર સુધી કોર્ટ પૂરતું પોતાનું રાજકારણ મર્યાદિત રાખતા હતા. લોકોને લાગે છે કે રાજકારણીઓ સંસદ જેવું રાજકારણ ન્યાયતંત્રમાં પણ કરવા માગે છે. 2019ની ચૂંટણી નજીક છે અને તેમાં આ મુદ્દો કામ આવશે તેવી ગણતરી બંને તરફના રાજકીય પક્ષોએ કરી છે તેનો ઇનકાર થઈ શકે તેમ નથી.

મુખ્ય ન્યાયાધીશ સામે ઇમ્પિચમેન્ટના પ્રયાસનું આખરી પરિણામ જે આવે તે, પરંતુ તેના બહાને સંસદ અને સુપ્રીમ કોર્ટ બંનેની ગરીમા ઘટે તેવું કાર્ય રાજકારણીઓએ કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]