કોન બનેગા કોંગ્રેસ પ્રમુખઃ સરપ્રાઇઝ હજીય શરદ પવારના નામની

રદ પવારનું નામ સરપ્રાઇઝ તરીકે કોંગ્રેસના પ્રમુખ તરીકે આગળ આવશે તેવી ચર્ચા ફરીથી શરૂ થઈ છે. લોકસભાની ચૂંટણીના પરિણામ પછી તરત જ ચર્ચા થઈ હતી. (ચિત્રલેખાએ તે વખતે આપેલો અહેવાલ વાંચો…httpss://bit.ly/2Iew0MX) રાહુલ ગાંધી હારની નિરાશા સાથે તેમને મળવા ગયા હતા તેની તસવીરો પણ ફરતી થઈ હતી.

તે વખતે ચર્ચાએ એટલા માટે જોર પકડ્યું હતું કે વિપક્ષના નેતા હજી નક્કી થયા નહોતા. લોકસભામાં વિપક્ષના નેતાનું સત્તાવાર પદ મેળવવા માટે જરૂરી 55 બેઠકો આ વખતે પણ કોંગ્રેસના ના મળી. (જોકે વિપક્ષના નેતા પદ માટે સંખ્યા અગત્યની નથી એવું ઘણા નિષ્ણાતો કહે છે. કોંગ્રેસને માત્ર 52 બેઠકો મળી, જ્યારે એનસીપીનો દેખાવ પણ નબળો રહ્યો અને 5 બેઠકો મળી. બંને પક્ષોનું મર્જર થાય તો 57 બેઠકો સાથે સત્તાવાર વિપક્ષનો દરજ્જો મળે અને કોંગ્રેસને નવા પ્રમુખ પણ મળે.

જોકે શરદ પવાર કોંગ્રેસના જુદા જુદા જૂથોના નેતાઓને સ્વીકાર્ય થાય કે કેમ તે સવાલ રહે છે. તેના કારણે એક મહિના પછીય નિર્ણય લેવાયો નથી. રાહુલ ગાંધીને મનાવી લેશે તેમ લાગતું હતું, પણ કોંગ્રેસના મુખ્ય પ્રધાનો મળ્યા તે પછી ફરી એકવાર તેમણે કહ્યું કે નવા પ્રમુખ તમે શોધી લો. ગત બુધવારે તેમણે જાહેરમાં એક પત્ર પણ મૂક્યો અને મક્કમતા દાખવી કે પોતે પ્રમુખપદે રહેવા માગતા નથી. પ્રમુખ બિનગાંધી બને અને કોંગ્રેસની કારોબારી બેઠક બોલાવીને નવા પ્રમુખ શોધે એમ પણ તેમણે જણાવ્યું.


હાલમાં કર્ણાટકમાં કટોકટીની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે પણ વધારે સક્રિય થવાને બદલે પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓને જ સ્થિતિ સંભાળવા જણાવાયું છે. તેનો અર્થ એ થયો કે વચ્ચેનો થોડો સમય કોંગ્રેસમાં બિનગાંધી નેતા પ્રમુખપદે આવશે. કોણ હોઈ શકે તે નેતા તેના વિશે અનુમાનો ચાલી રહ્યા છે. અશોક ગેહલોત, કે. સી. વેણુગોપાલ, સુશીલકુમાર શિંદે, એ. કે. એન્ટની જેવા નામો ચાલી રહ્યા છે. અમરિન્દરનું નામ હતું, પણ તેમણે કહ્યું કે યુવા પ્રમુખ હોવો જોઈએ. પોતે 77 વર્ષના છે અને નિવૃત્તિભણી છે એવો ઇશારો તેમણે કર્યો.

અશોક ગેહલોતે મુખ્ય પ્રધાનપદ છોડવું પડે, કમલ નાથ અને ચિદંબરમ સ્પર્ધામાં આવ્યા નથી, કર્ણાટકમાં સરકાર જશે એટલે ખડગેની શક્યતા ના રહે, શિંદે ઉપયોગી થાય તેવા નથી, વેણુગોપાલ અને એન્ટની વફાદાર ખરા, પણ તેઓ મોટા ગજાના નેતા નથી, શશી થરૂર હિન્દી બેલ્ટમાં ઉપયોગી ના થાય અને તિવારી કે જ્યોતિરાદિત્ય કે સચીનને વફાદાર જૂથો સ્વીકારે નહિ.  કોઈને પણ પ્રમુખપદે બેસાડવાથી ફાયદો થવાનો નથી, ત્યારે શરદ પવારનો વિકલ્પ વધારે સારો નીવડી શકે છે. શરદ પવાર ગજાના નેતા હજીય છે અને તેમને ખ્યાલ છે કે કોંગ્રેસના જુદા જુદા જૂથો સાથે પનારો કેમ પાડવો. વિદેશી કૂળનો મુદ્દો તેમને હવે એટલા માટે ના નડે કે તે પછી લાંબો સમય વીતિ ગયો છે અને તેઓ ફરીથી મહત્ત્વના સલાહકાર તરીકે કામ કરતા રહ્યા જ છે.

બીજો ફાયદો મહારાષ્ટ્રની નજીક આવેલી વિધાનસભા ચૂંટણીમાં પણ થઈ શકે. લોકસભામાં કોંગ્રેસ અને એનસીપી સાથે લડ્યા પણ ફાયદો ના થયો. તેનું એક કારણે વિકાસ અઘાડી અને ઔવૈસી કરેલું સાત બેઠકોનું નુકસાન પણ છે. પરંતુ શરદ પવારના હાથમાં કમાન આવે તો તેઓ પ્રકાશ આંબેડકર અને રાજ ઠાકરે જેવા નેતાઓનો ઉપયોગ પોતાના ફાયદામાં કરાવી શકે છે. રાજ ઠાકરેએ ઉમેદવારો ઊભા રાખ્યા વિના મોદી વિરુદ્ધ ધમાકેદાર પ્રચાર કર્યો હતો. લોકસભામાં ના ચાલ્યો, પણ વિધાનસભામાં ફડણવીસ સામે અને સેના-ભાજપ વચ્ચેના અવિશ્વાસનો ફાયદો ઉઠાવવા ફરીથી ઠાકરે પ્રચારમાં ઉતરી શકે છે.

શરદ પવાર પણ હવે છેડે છે. તેઓ પોતાની દીકરી સુપ્રીયા સુલેનું રાજકીય ભવિષ્ય મજબૂત કરવા માગે છે. એનસીપી એકલા હાથે મહારાષ્ટ્રમાં લાંબું ટકી શકે તેમ નથી. કોંગ્રેસમાં ચમત્કાર થાય અને દસ વર્ષ પછી બેઠી થાય ત્યારે પવાર ના હોય, પણ દીકરી માટે કોંગ્રેસમાં સ્થાન હોઈ શકે. સુપ્રીયા સાથે પણ રાહુલ ગાંધીએ લાંબી મુલાકાતો કરી હોવાનું મનાય છે.  સવા મહિના દરમિયાન રાહુલની જગ્યાએ કોણ બિનગાંધી પ્રમુખ બને તે માટેની એકમતી સધાઈ નથી. થોડી એકમતી ના થાય ત્યાં સુધી કોંગ્રેસ કારોબારીની બેઠક બોલાવવી પણ અર્થહિન થાય તેમ છે. લાંબો સમય કોંગ્રેસને પ્રમુખ વિના રાખવું આત્મઘાતી પગલું ગણાશે. કર્ણાટકની સરકાર જવાની તૈયારીમાં છે અને રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પણ નાનકડું ગાબડું પડી ચૂક્યું છે. ઝારખંડ અને હરિયાણામાં પણ ચૂંટણી પહેલાં કદાચ પક્ષ સાવ ભૂંસાઈ જાય તેવું પણ બને. તેથી નિર્ણય જલદી કરવો પડે અને એકમતી ના થાય તો કોંગ્રેસ અને એનસીપીના મર્જરની શક્યતા વધી શકે છે. પરિણામો પછી તરત જ રાહુલ ગાંધી પવારને મળ્યા હતા, પણ ત્યારે હારના કારણોની ચર્ચા વધારે થઈ હશે. બીજું રાહુલ ગાંધીએ પ્રમુખપદ છોડવા વિશે સલાહ માગી હશે, પણ તેઓ ખરેખર છોડી દેશે અને મક્કમ રહેશે એવી ખાતરી પવારને નહિ હોય.

કોંગ્રેસ કલ્ચરને સારી રીતે જાણતા પવારને અંદાજ હશે કે રાહુલ પર પક્ષના જૂથો દબાણ લાવશે અને મહિના પછી ફરી તેમને મનાવી લેશે. તેઓ પ્રમુખ રહેવાના હોય અને એનસીપીનું વિલિનકરણ થાય તે સંજોગોમાં પવારની ભૂમિકા ઉલટાની મર્યાદિત થાય. પરંતુ હવે રાહુલ ગાંધી પ્રમુખપદ છોડવા મક્કમ જ છે અને પક્ષની જૂથબંધી કોઈ એક નામ પર એકમતી થવા દેતી નથી, ત્યારે શરદ પવાર માટે પણ તક છે. જુદા જુદા જૂથો એકબીજાને પછાડવા બહારના કોઈ નેતાને, શરદ પવાર જેવા વધુ જૂના અને લાંબો સમય સ્પર્ધામાં ના રહેનારા નેતાને પસંદ કરે પણ ખરા.

એકમતી ઊભી થઈ નથી એમ કહીને ગાંધી પરિવાર પણ પક્ષના જૂથો પર દબાણ કરી શકે છે કે તેઓ શરદ પવારને થોડા સમય માટે પ્રમુખ તરીકે સ્વીકારે. બીજું મહારાષ્ટ્રમાં ભાજપને લડત આપવાની છે. જોડાણ કરીને લડત આપવામાં આવે અને થોડા સારા પરિણામો આવે તો કોંગ્રેસના કાર્યકરોના શ્વાસ હેઠા બેસી શકે છે. હરિયાણામાં કોંગ્રેસ માટે ખાસ તક નથી અને ઝારખંડમાં પણ આરજેડી અને જએમએમ જેવા પ્રાદેશિક પક્ષોના એક સાથી તરીકે જ કોંગ્રેસે રહેવાનું છે. માત્ર મહારાષ્ટ્રમાં ભાજપને સીધી લડત આપવાની છે, ત્યારે સારી લડત આપી શકાય તો લોકસભાની હાર પછીની હતાશા દૂર કરવાની તક છે.

કોંગ્રેસ સાથે મર્જર થાય અને શરદ પવારને રાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્ત્વ અપાય તેનાથી મહારાષ્ટ્રમાં બંને પક્ષના કાર્યકરો માટે કામ કરવાનો થોડો ઉત્સાહ આવે પણ ખરો. બીજું પક્ષ અત્યારે એવી કટોકટીમાં છે કે રાહુલ ગાંધી મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને પણ ભારપૂર્વક કહી શકે છે કે પક્ષને ફરી દોડતા કરવા માટે પૂરા મન સાથે એનસીપી અને પવારને સ્વીકારવા રહ્યા.

અસલી સત્તા ગાંધી પરિવાર પાસે જ રહેશે તે શરદ પવાર પણ સમજે છે, પણ તે આ જ કોંગ્રેસી કલ્ચરમાં ઉછર્યા છે. તેઓ આ જ કલ્ચરનો ફાયદો પોતાના અને પોતાના રાજકીય વારસદારો માટે કેવી રીતે લાભદાયી થઈ શકે તે જાણે છે. નરસિંહ રાવ અને મનમોહન સિંહના પ્રયોગો પરથી તેઓ સમજે છે કે કેવી રીતે તેઓ બેલેન્સ કરી શકે છે. અડવાણી, માયાવતી, નીતિશ, ચંદ્રબાબુ જેવા નેતાઓની જેમ એકવાર વડાપ્રધાન બનવાની તેમની મહત્ત્વાકાંક્ષા અછાની નથી. મરાઠી નેતૃત્ત્વ રાષ્ટ્રમાં ઉપસાવવા માટે મહારાષ્ટ્રની ચૂંટણીમાં એનસીપી-કોંગ્રેસને મજબૂત કરવી જરૂરી છે એવો મેસેજ મતદારોને આપીને તેઓ વધુ એકવાર શરૂઆત કરી છે…