5 ટ્રિલિયનની વાતો વચ્ચે શ્રીલંકા આપણાથી થયું આગળ

ક ટ્રિલિયન એટલે એકડા પાછળ 12 મીંડા. આજકાલ ફાઇવ ટ્રિલિયન ઇકૉનોમીના ઢોલ પીટવામાં આવે છે. ખેડૂતોની આવક બમણી કરી દેવાના નગારા પણ ઘણા સમયથી વાગી રહ્યા છે. આ માટે ખેડૂતોને જ પૂછી લેવું કે 2022 સુધીમાં તમારી આવક બમણી થશે – તેઓ આગવી ભાષામાં જવાબ આપશે. તેમની પાસે એકમ, દશક. સો, હજાર, દશ હજાર, લાખ, દશ લાખ, કરોડ, દશ કરોડ, અબજખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય અને પરાર્ધ એવા શબ્દો પણ નહિ. ટ્રિલિયન શબ્દ પણ નહિ મળે. આપણે સમજવા માટે ભાષાની આ મથામણ કરીએ છીએ, બાકી આમાં કંઈ સમજવા જેવું નથી, સપનાને કંઈ થોડા સમજવાના હોય!

ટ્રિલિયન સમજવા માટે નીચેનો કોઠો જુઓ, પછી વાત આગળ કરીએઃ

100,00,000એક કરોડ

10,00,00,000દસ કરોડ

100,00,00,000સો કરોડ – અબજ

10,00,00,00,000 દસ અબજ

100,00,00,00,000 સો અબજ – ખર્વ

10,00,00,00,00,000હજાર અબજ – નિખર્વ

ભારતની જીડીપી 2.3 ટ્રિલિયન થવા આવી છે. અમેરિકાની 20થી વધુ, ચીનની 12થી વધુ છે. તે પછી ખાડો પડે છે અને ત્રીજા નંબરે જાપાનની પાંચ ટ્રિલિયને પહોંચી છે. એ પછી જર્મની 4 અને ઇંગ્લેન્ડ 3 આવે છે અને ભારત પાંચમાં ક્રમ અઢી સાથે છે. અમેરિકા મહાસત્તા છે અને બાકીના દેશો ઓછી વસતિ ધરાવે છે એટલે સરખામણી માત્ર ચીન સાથે, તો વિચાર કરો કે પાંચે પહોંચ્યા પછીય ચીનથી કેટલા પાછળ હોઈશું.

જીડીપી દેશની સમૃદ્ધિનું એક આંકડાકીય માપ છે.વધારે જીડીપીથી દેશના નાગરિકોવધારેસુખી થાય તેવું જરૂર નથી. માથાદીઠ આવક કેટલી છે, ખરીદશક્તિ કેટલી છે, શિક્ષણ અને આરોગ્યનું માળખું કેવું છે, સામાજિક સુરક્ષા સરકાર કેટલી હદની મળે છે એવા માપદંડના આધારે નાગરિકોની સુખાકારી નક્કી થતી હોય છે. ભૂતાન જેવો ભારતનો પડોશી દેશ કુલ રાષ્ટ્રીય ઉત્પાદનને બદલે કુલ રાષ્ટ્રીય સુખાકારીને વધારે મહત્ત્વ આવે છે.

આ સંદર્ભમાં વધુ એક આંકડો એવો બહાર આવ્યો છે, જેમાં ભારતનો અન્ય એક પડોશી દેશ પણ ભારત કરતાં આગળ નીકળ્યો છે. પહેલી જુલાઈએ વિશ્વ બેન્કે આવકના સ્તરના આધારે દેશોની યાદી બહાર પાડી છે. 2020ના નાણાકીય વર્ષમાં જુદા જુદા દેશોમાં આવકનું સ્તર કેટલું હશે તેના આધારે તૈયાર થયેલી યાદીમાં શ્રીલંકા આગળ વધ્યું છે.

વિશ્વ બેન્કની વ્યાખ્યા પ્રમાણે શ્રીલંકા એક ડગલું આગળ વધીને ઉચ્ચ-મધ્યમ-આવક ગ્રુપમાં પ્રવેશ્યું છે, જ્યારે ભારત હજીય નિમ્ન-મધ્યમ-આવક જૂથમાં છે. ભારત ઉપરાંત 46 દેશો આ યાદીમાં છે.

શ્રીલંકા બે દાયકા પહેલાં નિમ્ન-આવક જૂથમાં હતું. 1999માં નિમ્ન-મધ્યમ-આવક જૂથમાં પ્રવેશ્યું અને હવે ઉચ્ચ-મધ્યમ-આવક સ્તરે પહોંચ્યું છે. આ બાબતમાં પણ ભારત શ્રીલંકાથી એક દાયકો પાછળ હતું. ભારત 2009માં નિમ્ન-આવક જૂથમાંથી નિમ્ન-મધ્યમ-આવક જૂથમાં પ્રવેશ્યું હતું. પાંચ હજાર અબજ ડૉલરની ઇકૉનોમી થઈ ગયા પછીય ભારત ઉચ્ચ-મધ્યમ-આવક જૂથમાં પ્રવેશવામાં કદાચ એક દાયકો પાછળ હશે.

અર્થાત માથાદીઠ આવકની બાબતમાં ભારત ત્યારે પણ પાછળ હશે. વિશ્વ બેન્ક કાચી માથાદીઠ આવકના આધારે આ ગણતરી કરે છે. ગણતરીના આધારે દુનિયાના દેશોને ચાર કેટેગરીમાં મૂકે છેઃ નિમ્ન-આવક, નિમ્ન-મધ્યમ-આવક, ઉચ્ચ-મધ્યમ-આવક અને ઉચ્ચ-આવક. ઉચ્ચ આવકમાં પહોંચેલા દેશોમાં નાગરિકોની માથાદીઠ આવક 12,376 ડૉલર (અંદાજે 8 લાખ 46 હજાર) હોય છે.

2018ના આંકડાને આધારે વિશ્વ બેન્કે 281 દેશોની યાદી તૈયાર કરી તેમાં ઉચ્ચ-આવકમાં 80 દેશો આવે છે. ઉચ્ચ-મધ્યમ-આવકમાં 60 દેશો આવે છે, નિમ્ન-મધ્યમ-આવકમાં 47 અને નિમ્ન-આવકમાં 31 દેશો છે. શ્રીલંકા ઉપરાંત કોસોવો અને જ્યોર્જિયા પણ એક ડગલું ઉપર ઉચ્ચ-મધ્યમ-આવકમાં પ્રવેશ્યા. કોમોરોસ,સેનેગલ અને ઝિમ્બાબ્વે નિમ્ન-આવકમાંથી નિમ્ન-મધ્યમ-આવક જૂથમાં પ્રવેશ્યા. આર્જેન્ટિનાની સ્થિતિ કથળી અને તે ઉચ્ચ-આવકમાંથી ઉચ્ચ-મધ્યમમાં નીચે આવ્યો. બાકીના દેશો યથાવત રહ્યા.

શ્રીલંકા ઉપરાંત ભારતનો બીજો નાનો પડોશી દેશ માલદીવ પણ માથાદીઠ આવકની બાબતમાં ભારતથી આગળ છે. માલદીવ પણ શ્રીલંકાની સાથે ઉચ્ચ-મધ્યમ-આવક જૂથમાં જ છે. શ્રીલંકાના નાગરિકોની માથાદીઠ આવક 4060 ડૉલર (અંદાજે 2 લાખ 77 હજાર) છે, જ્યારે પ્રવાસીઓને આકર્ષી શકતા માલદીવના નાગરિકોની કમાણી તેનાથી ય બમણી છે – માથાદીઠ 9,310 ડૉલર (અંદાજે 6 લાખ 36 હજાર રૂપિયા).

વિશ્વ બેન્કના અહેવાલના આંકડાં પ્રમાણે ભારતના નાગિરકોની માથાદીઠ આવક શ્રીલંકા કરતાં અડધી છે – 2020 ડૉલર (અંદાજે 1 લાખ 38 હજાર રૂપિયા). આપણા કરતાં સારી સ્થિતિમાં ભૂતાનનો નાગરિક છે (3,080 ડૉલર, અંદાજે  2 લાખ 10 હજાર રૂપિયા); જ્યારે બાંગલાદેશ (1750 ડૉલર, અંદાજે 1 લાખ 19 હજાર રૂપિયા) અને પાકિસ્તાન (1,580 ડૉલર, અંદાજે 1 લાખ 8 હજાર રૂપિયા) પાછળ છે.

ભારત દુનિયાની આગળ વધી રહેલી પાંચ આર્થિક તાકાતના સંગઠન BRICS અને દુનિયાના ગ્રેટ ગણાતા G20 જેવા સંગઠનનું પણ સભ્ય છે અને ભારતનું મહત્ત્વ દુનિયાના સ્તરે સ્વીકારવામાં આવે છે. પણ તેનું કારણ એ છે કે ભારત અત્યંત વિશાળ વસતિ ધરાવે છે અને વેપાર કરવા માટેનું બહુ મોટું બજાર છે.

બધા દેશોને ભારતમાં ધંધો કરવામાં રસ છે, ભારતના નાગરિકો સુખી થાય તેમાં કોઈને રસ નથી. દેશના નાગરિકોને સુખી અને સમૃદ્ધ કરવાનું કામ દેશે સ્વંય કરવું પડે અને તે માટે પાંચ ટ્રિલિયનના ખાલી સપના જોવાનો મતબલ નથી. તેના માટે ચીન જેમ નક્કર કામ કરવું પડે, કેમ કે વિશાળ વસતિ છતાં ચીન માથાદીઠ આવકની બાબતમાં પણ ઘણો આગળ નીકળી ગયો છે.

વિશ્વ બેન્કના અહેવાલના આંકડાંના આધારે વધુ એક ચાર્ટ બનાવીને જોઈએ તો તમને સમજાઈ જશે કે ભારત અને ચીન – સરખી વિશાળ વસતિ અને લગભગ સરખો ઇતિહાસ અને લગભગ સરખા સંજોગો ધરાવતા હોવા છતાં – કેટલા અલગ પડે છે. પાંચેય દેશોમાં ભારત અલગ પડી આવે છે.

પાંચ દેશોમાંથી ચારેય દેશો ઘણા આગળ છે, જ્યારે ભારત અહીં પણ સૌથી છેલ્લે અને ઘણું પાછળ છે. બાકીના દેશોની ઓછી વસતિ તેમના ફાયદામાં છે તે ખરું, પણ ચીનને એવો કોઈ ફાયદો નથી. આ પાંચ દેશોમાંથી બાકીના ચારેય ઉચ્ચ-મધ્યમ-આવક જૂથમાં જતા રહ્યા છે. ભારત હજીય નિમ્ન-મધ્યમ-આવક જૂથમાં જ છે.

વિશાળ ભૂગોળ, ખનીજ સંપત્તિ અને ઓછી વસતિના કારણે રશિયા સૌથી આગળ છે (10,230 ડૉલર, અંદાજે 7 લાખ રૂપિયા), પણ બીજા સ્થાને ચીન (9,470 ડૉલર, અંદાજે 6 લાખ 47 હજાર રૂપિયા) આવી શક્યું છે. બ્રાઝીલ (9,140 ડૉલર, અંદાજે 6 લાખ 24 હજાર રૂપિયા) પણ બહુ દૂર નથી અને તેની પછી છે ભારતની જેમ ગુલામી અને રંગભેદની મુશ્કેલી પછી આઝાદ થયેલું રાષ્ટ્ર દક્ષિણ આફ્રિકા  (5,720 ડૉલર, અંદાજે 3 લાખ 91 હજાર રૂપિયા).

ભારતમાં આવી સ્થિતિ આજની નથી રહી. સદીઓથી કદાચ આ જ સ્થિતિમાં ભારતીયો રહ્યા છે. અને કદાચ તેના કારણે જ જેનો રાજા વેપારી, તેની પ્રજા ભીખારી એવી કહેવતો પડી હશે. એ કહેવત સાચી છે એવું માની લેવાની જરૂર નથી. વિશ્વ વેપારમાં ચીન પાકા ગુજરાતી વેપારીને જેમ વર્તે છે તેના કારણે જ તેનો નાગરિક સુખી પણ થઈ રહ્યો છે.

બદલાયેલી દુનિયામાં લશ્કરી તાકાત તો ખરી જ, પણ અસલી તાકાત આર્થિક ગણાય છે. બંને પરસ્પર જોડાયેલા છે. અમેરિકા ત્રણ સદીથી વેપાર, ઉદ્યોગ અને આર્થિક બાબતોમાં સતત આગળ વધતો રહ્યો છે અને તેથી જ આર્થિક મહાસત્તા પણ છે. સાંસ્કૃત્તિક પરંપરા ખાતર બજેટને ખાતાવહી કહેવાથી કે તેને લાલફિતાશાહીની યાદ અપાવે તેવા લાલ કપડામાં વીંટવાથી દેશનું અર્થતંત્ર દોડતું થવાનું નથી. અર્થતંત્રને દોડતું કરવા માટે જે કલ્પનાશક્તિ અને મક્કમ રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ તે ભારતીય શાસકોમાં આજ સુધી આવી શકી નથી.

 

છુટ્ટક પ્રયાસો થતાં રહે છે અને ભારત ધીમે ધીમે આગળ વધે છે, પણ દુનિયાની ઝડપ જે રીતે વધી છે અને સુખી દેશો વધારે સુખી થવાના અને બીજાને વેપાર ના કરવા દેવાના મૂડમાં છે ત્યારે ભારતને મંદ ગતિ પરવડે નહિ. અર્થશાસ્ત્રીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ભારત મંદ રહેશે તો મંદિના એવા ચક્કરમાં પડી જશે કે મધ્યમ-આવકના ગોખલામાંથી કદી બહાર નહિ નીકળી શકે.

ગોખલામાંથી નીકળવા માટે નીચે દેખાતી ખાઈમાં પણ કૂદકો મારવો પડે. ઘરે ઘરે નળ આપવાની વાતનો પ્રચાર વધારે થઈ શકશે. વીસ વર્ષથી ઘરે આવતા ગેસના બાટલા પર પણ સરકારે ઉજ્જવલા યોજનાના સિક્કા મારી દીધા. વિચાર પ્રચાર કરવાનો છે. ઘરે ઘરે નળ આપવાનો વિચાર જળ આપવા સાથે પ્રચાર કરી લેવાનો છે. નળની ચકલીઓ પર યોજનાના સિક્કા અવશ્ય હશે, જોજો.

વિચાર જળસંપત્તિને વધારવાનો હોવો જોઈએ. સ્થાનિક ધોરણે જળસંગ્રહ વધે, તળાવો વધે, ચેકડેમ વધે, કુવા રિચાર્જ થાય અને લોકોના ઘરે નળ નાખવાના બદલે, લોકો વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા ખોદાવે એવું કશુંક કરવું પડે, નહિ તો દેશ સમૃદ્ધ થશે, નાગરિકો સુખી નહિ થાય.