વિપક્ષી એકતાનો ફૂગ્ગો, ટાંચણીથી દૂર રાખવો રહ્યો

ગુરુએ પોતાના શિષ્યોને નાનીનાની સળીઓ આપી અને તેને તોડવા માટે કહ્યું. દરેક શિષ્યે આસાનીથી દરેક સળી તોડી નાખી. ગુરુએ હવે નાનાનાની સળીઓને ભેગી કરીને, દોરાથી બાંધીને શિષ્યોને આપી. શિષ્યો માટે હવે નાનકડા ભારા જેવી સળીઓનો તોડવી મુશ્કેલ હતી. સારઃ એકતા સળીઓના ભારા જેવી હોવી જોઈએ. એકબીજા સાથે મજબૂત રીતે જોડાઈ ગયેલી હોવી જોઈએ અને તેમને એકસાથે બાંધી રાખવા માટે દોરો વીંટળાયેલો હોવો જોઈએ.આધુનિક ગુરુએ એક ફૂગ્ગો શિષ્યોને આપ્યો. દરેક શિષ્યે તેમાં થોડી થોડી હવા ભરી. બધાં જ શિષ્યોની હવા સાથે ફૂગ્ગો ફુલાઈને ખાસ્સો મોટો પણ થયો, પણ ગુરુએ નાનકડી એવી ટાંચણી મારી એ સાથે જ ફૂગ્ગો ફૂટી ગયો. બધાં જ શિષ્યોએ ભેગા થઈને ભરેલી હવા નીકળી ગઈ. સારઃ હવામાં જ તૈયાર થયેલી એકતા હવામાં જ ભળી જાય.
વિપક્ષની એકતા ભારતમાં મોટા ભાગે ફૂગ્ગા જેવી રહી છે. નાની નાની લાકડીઓ ભારો બનીને વિપક્ષી એકતા તૈયાર થાય અને મુખ્ય ધારાના પક્ષોને હટાવીને તદ્દન નવી રાજનીતિ તૈયાર થાય તેવું હજી સુધી થઈ શક્યું નથી. નજીકના ભવિષ્યમાં થવાનું પણ નથી તેમ લાગે છે.

કોંગ્રેસ સામે ચાર દાયકાથી વિપક્ષી દળોની એકતા થતી રહી છે, પણ કોંગ્રેસ હજી સુધી ટકી ગઈ છે. લોકસભાની આગામી ચૂંટણી પછી 44 કરતાંય તેની બેઠકો ઓછી થાય ત્યાર પછીની વાત જુદી છે, પણ તે ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સૌથી અગત્યના બે રાષ્ટ્રીય પક્ષ તરીકેમાંથી એક તરીકે ગણતરીમાં રહેવાનો છે. ભાજપ બીજો રાષ્ટ્રીય પક્ષ છે. ભાજપ રાષ્ટ્રીય પક્ષ બન્યો તેને પણ હવે ત્રણ દાયકા થઈ ગયા એમ કહેવાય, કેમ કે માત્ર બે બેઠકો સુધી નીચે ગયા પછી ઝડપથી 182 બેઠકો સુધી તે પહોંચી શક્યો હતો. અદ્દલ કોંગ્રેસની પદ્ધતિએ વી. પી. સિંહની સરકારને ટેકો આપ્યા પછી તેને જ પછાડી દીધી ત્યારથી ભાજપ રાષ્ટ્રીય પક્ષ તરીકે ઉપસ્યો છે.
તેથી હવે તેની સામે વિપક્ષનો મોરચો ઊભો થઈ રહ્યો છે, પણ તે મોરચો ફૂગ્ગા જેવો થશે કે ભારા જેવો થશે તે સવાલ ચર્ચાતો રહેશે.
આ અઠવાડિયે કેટલીક ઘટનાઓ એવી બની કે વિપક્ષ કઈ રીતે એકતા સાધશે તે સવાલ ફરી ઊભો થાય. સૌ પ્રથમ તો રાજ્યસભામાં ડેપ્યુટી સ્પિકરની પસંદગી કરવાની હતી. વિપક્ષની બહુમતી રાજ્યસભામાં છે, પણ સ્ટ્રેટેજીના અભાવે આ પદ વિપક્ષે ગુમાવ્યું. તેની સામે ભાજપે છેક સુધી પ્રયત્નો ના છોડ્યા અને આ પદ આખરે પોતાના સાથી પક્ષ જેડી (યુ)ના નેતાને અપાવ્યું. સંયુક્ત ઉમેદવાર મૂકવા માટેની તૈયારી પણ થઈ ગઈ હતી. એનસીપીના નેતા વંદના ચવ્હાણની પસંદગી પણ કરી લેવાઈ હતી. મોટા ભાગના પક્ષો તેમના નામ માટે સહમત થઈ ગયા હતા. બીએસપી, એસપી, આરજેડી, ટીએમસી સૌનો ટેકો હતો, પણ ઓડિશાના નવીન પટનાયકનું અકળ મન સમજવું મુશ્કેલ હતું. છેવટે લાગ્યું કે બીજેડીના 9 સભ્યોના મતો મળે તેમ નથી, ત્યારે શરદ પવારે પોતાના પક્ષની હાર થાય તેના બદલે સ્પર્ધામાંથી ખસી જવાનું જ નક્કી કર્યું. તેથી શરદ પવારના પક્ષે તેમના ઉમેદવાર વંદના ચવ્હાણને ના ઊભા રાખવાનું નક્કી કર્યું. હવે સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસે કાંતો લડાઇ આપ્યા વિના ખસી જવાનું હતું, અથવા લડત આપીને હારવાનું હતું. આખરે મુખ્ય વિપક્ષ તરીકે લડત આપવાનું નક્કી કરાયું હતું. કોંગ્રેસ તરફથી બી. કે. હરિપ્રસાદને સંયુક્ત ઉમેદવાર તરીકે મૂકવામાં આવ્યા.
તે વખતે જ નક્કી થઈ ગયું હતું કે એનડીએ આ પદ હાંસલ કરી લેશે. બીજું હજી ગયા મહિને જ અમિત શાહ રૂબરૂ મળીને આવ્યા તે પછી પણ ઉદ્ધવ ઠાકરેએ ટીકા કરવાનું છોડ્યું નહોતું, છતાં અમિત શાહે ફરી તેમને ફોન કર્યો હતો. ઇગોને બાજુએ રાખીને પણ અમિત શાહે ફોન કર્યો અને આ વખતે શિવસેના સામા પક્ષે ના જાય તેવી સફળ કોશિશ કરી. ગયા મહિને અવિશ્વાસના પ્રસ્તાવ વખતે પણ અમિત શાહે ફોન કર્યો હતો અને છતાં શિવસેનાએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે કોંગ્રેસના નેતાઓએ શું કર્યું? આમ આદમી પાર્ટીએ ચૂંટણી પતી ગયા પછી કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે તેના નેતાઓએ ફોન કરીને ટેકો માગવાની કર્ટસી પણ દાખવી નહોતી. એવરીથિંગ ઇઝ ફેર ઇને લવ એન્ડ વૉર. પોલિટિક્સમાં પણ એવરીથિંગ ઇઝ ફેર ગણાય અને ઇગો તો વચ્ચે આવે જ નહીં. ભાજપના નેતાઓએ જેડી (યુ)ના ટોણા છતાં તેમના ઉમેદવાર હરિવંશ સિંહને એનડીએના ઉમેદવાર બનાવ્યા અને શિવસેના જેવા આકરાપાણીએ સાથીને ફરી ફોન પણ કર્યો. કોંગ્રેસે સંપર્ક જ ના કર્યો એટલે આમ આદમી પાર્ટીના બે સભ્યોએ પણ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. એ જ રીતે તેલંગણાના ટીઆરએસને પણ મનાવવા માટે કોંગ્રેસે કોશિશ કરી નહોતી તેમ લાગે છે. તેના બે સભ્યોનો અણધાર્યો ટેકો પણ એનડીએને મળી ગયો.

આ ચૂંટણી પછી હવે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તે 2019ની ચૂંટણીમાં મહાગઠનબંધનમાં જોડાશે નહિ. પોતે એકલા હાથે જ ચૂંટણી લડશે એવી જાહેરાત અરવિંદ કેજરીવાલ હરિયાણાના અંબાલામાં કરી હતી. પંજાબ પછી હવે હરિયાણામાં ચૂંટણી લડવા માટે આમ આદમી પક્ષ તૈયાર થઈ રહ્યો છે. દિલ્હીમાં લોકસભામાં સાત જ બેઠકો છે, પણ મહાગઠબંધન સાથે આપનું જોડાણ થયું હોત તો ભાજપને તકલીફ પડી શકી હોત. હવે દિલ્હીની સાત બેઠકો પર ત્રિપાંખીયો જંગ થાય ત્યારે ભાજપને સરળતા રહેશે.
એ જ રીતે શિવસેના પણ લોકસભાની ચૂંટણી એકલે હાથે લડવાની વાત કરે છે અને ભાજપનો વિરોધ કરે છે. પરંતુ મહાગઠબંધન સાથે જોડાવાની સ્પષ્ટતા કરી નથી. હજી સુધી શક્યતા પણ ઊભી થઈ નથી. તેઓ અર્થ એ થયો કે એનસીપી અને કોંગ્રેસ ભેગા થઈ જાય તે પછીય શિવસેનાને કારણે મહારાષ્ટ્રમાં ત્રિપાંખીયો જંગ થશે. યુપી, બિહાર પછી ત્રીજું અગત્યનું રાજ્ય એટલે મહારાષ્ટ્ર. ત્રિપાંખીયા જંગમાં ભાજપને જ ફાયદો છે.
ઓડિશામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પટનાયક પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસનો અહમ્ ઓછો થાય અને તે પોતાને પ્રાદેશિક પક્ષોની સમકક્ષ માને તેવી સ્થિતિ ઊભી થઈ રહી નથી. ફરી એકવાર કોંગ્રેસનો અહમ્ બોલતો હોય તેમ નિરંજન પટનાયકે કહ્યું કે ઓડિશામાં કોંગ્રેસ ફરી મજબૂત સ્થિતિમાં આવી રહ્યો છે, તેથી બીજેડીના નવીન પટનાયક કોંગ્રેસની સામે મોરચો માંડવા ભાજપની તરફેણ કરી રહ્યા છે. સાચી વાત એ છે કે ઓડિશામાં અને પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ બીજા સ્થાને પહોંચ્યો છે અને કોંગ્રેસને ત્રીજા કે ચોથા સ્થાને ધકેલી દીધો છે. તે સંજોગોમાં મુખ્ય લડાઇ ભાજપ અને પ્રાદેશિક વચ્ચેની છે અને રહેવાની છે. છતાં કોંગ્રેસ એમ માનતી હોય કે ઓડિશામાં બીજેડી સામે મુખ્ય પડકાર કોંગ્રેસનો છે તો તેના માટે કશું કહેવું મુશ્કેલ છે.
બીજી બાજુ બીજેડીએ ભાજપની ખુલ્લેઆમ તરફેણ કરી નથી અને પોતાના ઓપ્શન ઓપન રાખ્યા છે, તે કોંગ્રેસે સમજવું જોઈએ. બીજેડીના સૌથી અગત્યના નેતા પાંડાને ભાજપે તોડી નાખ્યાં તેની નારાજગી નવીન પટનાયકને છે, પણ રીઢા રાજકારણીની જેમ નવીન પટનાયકે ઇગોને વચ્ચે લાવ્યા સિવાય જરૂર પડી ત્યારે હજીય ભાજપને ફાયદો થાય તેવું કર્યું છે. આ વખતે પણ બીજેડીના પ્રવક્તાએ કહ્યું કે હરિવંશ સિંહને ટેકો આપવામાં આવ્યો છે, ભાજપને ટેકો આપ્યો નથી. હરિવંશ સિંહ જેડી (યુ)ના ઉમેદવાર હોવાથી જેડી (યુ)ને ટેકો આપ્યો છે એવું જ્યારે બીજેડી કહી રહ્યો હોય ત્યારે તેની સાથે વાતચીતના સંબંધો ટકાવી રાખવા કોંગ્રેસે પણ નિવેદનબાજીમાં કાળજી રાખવી જોઈએ. આ ચૂંટણીના મુદ્દાને એવી રીતે ના ઉપાડવા જોઈએ કે ઓડિશામાં બીજેડી વર્સિસ કોંગ્રેસની સ્થિતિ આવીને ઊભી રહે. રાષ્ટ્રીય પક્ષ તરીકે પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે ઓડિશા જેવા રાજ્યોમાં કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોના જૂનિયર સાથી બનવું જરૂરી છે. વિપક્ષી એકતા માટે ભારો બનાવવો પડે, ફુગ્ગો ના ચાલે તે રીતે રાજકારણમાં જરૂર પડે નાના ભાઈ પણ થઈ જવાય અને પછી મોટા ભા પણ થવાય. મહારાષ્ટ્રમાં 25 વર્ષ શિવસેનાને મોટો ભાઈ કહીને ફુલાવ્યા પછી ભાજપ હવે ત્યાં મોટા ભા થઈને ફરે છે. આવું નવા જમાનાનું રાજકારણ જૂની કોંગ્રેસે શીખવું રહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]