બનાસકાંઠા ACBએ દાખલ કર્યો ફોજદારી ગુનો, 5,26,110 રુપિયાની ખાયકીનો કેસ

અમદાવાદ– તાજેતરમાં ગુજરાતભરમાં થયેલ ખેતતલાવડી કૌભાંડ પકડાયું હતું જેની તપાસ ચાલી રહી છે.તેમાં 5,26, 110 રુપિયાના ભ્રષ્ટાચાર મામલે બનાસકાંઠા એસીબીએ પાંચ વ્યક્તિ સામે ફોજદારી ગુનો દાખલ કર્યો છે.આ સંદર્ભે ગાંધીનગર ખાતે ઓફિસમાંથી મોટી રકમ જપ્ત થઈ અને અધિકારીઓની સંડોવણી બહાર આવી હતી. ત્યારબાદ વધુ તપાસ કરતા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આ કૌભાંડના તાર જોડાયેલા જોવા મળ્યાં અને એક બાદ એક મોટા ખુલાસાઓ થયા જે વધુ ચોંકાવનારા હતા. ખોટી સહીઓ કરી કે કોઈક જગ્યાએ તો માત્ર 2-3 ફૂટનું ખોદકામ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. અમુક જગ્યાએ કામગીરી વિના રુપિયા અધિકારીઓની સંડોવણીથી ફાળવી દેવામાં આવ્યા હતા અને અમુક કિસ્સાઓમાં ખેડૂત પણ અજાણ હતાં કે તેમને ત્યાં ખેતતાલાવડીના નામે પૈસા ઉધારી દેવામાં આવ્યાં છે.

આ કેસની તપાસને લઈ ને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગુના નોંધવામાં આવ્યાં છે અને તપાસ ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સરકારની ખેતતાલાવડી યોજના અંતર્ગત 2017-18 માં જિલ્લામાં ખેતતલાવડી મંજુર થઈ, જે પૈકી દાંતા તાલુકાના થલવાડા ગામના ખેડૂતોની મંજૂર થયેલ ખેત તલાવડીની ગ્રાન્ટમાંથી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ અધિકારીઓ તથા ખાનગી વ્યક્તિઓના મેળાપણાથી ખેડૂતોના નામે ખોટા ફોર્મ ભરી ખોટી સહીઓ કરીને નાણાં ગેરરીતિથી હડપ કરી લેવા ષડયંત્ર રચાયું હતું. જેમાં ખેડૂતોના ખેતરોમા તલાવડીઓ ન બનેલ હોવા છતાં ખોટા દસ્તાવેજો ઉભા કરી તેને સાચા બતાવી ખોટું એલિજિબલ આપી બાયસેગની પ્રિ-ઇમેજ મેળવી રેકર્ડ પર ખોટા વર્કઓર્ડરો ઇસ્યુ કરી કામ ન થયેલ હોવા છતાં ફિલ્ડ સ્ટાફ દ્વારા ખોટા વાઉચરો મૂકી બાયસેગના પોસ્ટ ઇમેજ મેળવી જેમાં કુલ નવ ખેત તલાવડીના નામે 5,26, 110 રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે. અને પોતાની સત્તાનો દુરુપયોગ કરી આ ભ્રષ્ટાચાર અધિકારીઓ કર્યો છે

ઉપરોકત મુદ્દાઓને લઇને એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરતા આરોપીઓના નામ નીચે મુજબ છેઃ
(1) હસમુખભાઇ દર્શાવાઈ મેવાડા, ગામ-નારગઢ, તાલુકો-દાંતા, જી-બનાસકાંઠા
(2) સોનાજી મેલાજી પરમાર ઠાકોર, ગામ-બાણોદરા, તા-દાંતા, જી-બનાસકાંઠા
(3) ડાહ્યાભાઈ બેચરભાઈ ચૌધરી, ક્ષેત્ર નિરીક્ષક હાલ નિવૃત, ગામ-બોરીયાળી, જિલ્લો-મહેસાણા
(4) રઘુભાઈ દેસાઈ, ક્ષેત્ર મદદનીશ વર્ગ-3, ગામ-જુનામોકા ,જિલ્લો-પાટણ
(5) ડી.કે.પરમાર, મદદનીશ નિયામક, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ, પાલનપુર, બનાસકાંઠા

તથા અન્ય આરોપીઓ જેમને આ કાવતરું રચીને ભ્રષ્ટાચાર આચાર્યો હતો જેને લઈ ને તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને કે.જે પટેલ આ મુદ્દે તપાસ ચલાવી રહ્યા છે અને વધુ આગળ ની તપાસ પાટણ એસીબી અને ભુજ ના એસીબી મદદનીશ તરીકે કરી રહ્યા છે..