રામ જેઠમલાનીઃ કાયદાક્ષેત્રના જે રત્ન હતા…

ભારતના મહાન ધારાશાસ્ત્રી, કાયદાવિદ્દ તથા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ જેઠમલાનીનો જીવનદીપ રવિવાર, 8 સપ્ટેંબરે સવારે બુઝાઈ ગયો. એમણે દિલ્હીમાં એમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો. એ 95 વર્ષના હતા.

એમના નિધનને પગલે રાજકારણ ક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓએ ટ્વીટ કરીને શબ્દાંજલિ વ્યક્ત કરી હતી.

રામ જેઠમલાનીના પરિવારમાં એમના ધારાશાસ્ત્રી પુત્ર મહેશ જેઠમલાની અને એક પુત્રી છે, જે અમેરિકામાં રહે છે. એમની બીજી પુત્રી રાની જેઠમલાનીનું 2011માં નિધન થયું હતું. તેઓ પણ ધારાશાસ્ત્રી અને સમાજસેવિકા હતાં.

રામ જેઠમલાનીએ કોર્ટ તથા સંસદભવન, બંનેમાં સમૃદ્ધ પ્રકારનું યોગદાન આપ્યું હતું. તેઓ એમની પ્રતિભા, વાકછટા, શક્તિશાળી વકીલાત આવડત અને કાયદાઓની ઊંડી સૂઝને કારણે પ્રસિદ્ધ થયા છે. એમને કાયદાઓનું અગાધ જ્ઞાન હતું.

એક નજર જેઠમલાનીની જીવનસફર પર…

  • રામ જેઠમલાનીનો જન્મ 1923ની 23 સપ્ટેંબરે પાકિસ્તાનના સિંધ પ્રાંતના શિખરપુર નગરમાં થયો હતો. શિખરપુર હવે તો પાકિસ્તાનનું છે, પરંતુ એ વખતે તે અખંડ ભારતનું અને બોમ્બે પ્રેસિડન્સીના સિંધ ડિવિઝનનું હતું.
  • રામ જેઠમલાનીએ 17 વર્ષની ઉંમરે એલએલબી ડિગ્રી હાંસલ કરી હતી અને એમના વતનમાં જ કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.
  • રામ જેઠમલાની છઠ્ઠી અને સાતમી લોકસભામાં સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
  • મુંબઈમાંથી તેઓ બે વખત ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
  • ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીની સરકારમાં બે વખત તેઓ પ્રધાન બન્યા હતા. પહેલી વાર કાયદાપ્રધાન હતા અને બીજી વાર શહેરી વિકાસ પ્રધાન બન્યા હતા.
  • 2004ની લોકસભા ચૂંટણીમાં જોકે તેઓ લખનઉ મતવિસ્તારમાંથી વાજપેયી સામે જ ચૂંટણી લડ્યા હતા.
  • 2010માં  જેઠમલાની ફરી ભાજપમાં જોડાયા હતા અને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા.
  • તેઓ છ વખત રાજ્યસભાના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
  • 2013માં શિસ્તભંગના આરોપસર એમને ભાજપમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા હતા. એ પહેલાં, 2012માં પક્ષવિરોધી નિવેદનો કરવા બદલ એમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ચર્ચાસ્પદ કેસો લડવા માટે જેઠમલાની ફેમસ થયા હતા

  • તેઓ પ્રત્યેક કેસ માટે દેશમાં સૌથી ઊંચી ફી ચાર્જ કરતા ધારાશાસ્ત્રીઓમાંના એક હતા.
  • 2010માં એમને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
  • એમણે દેશના અનેક ચર્ચાસ્પદ અને હાઈપ્રોફાઈલ કેસો સુપ્રીમ કોર્ટ તથા જુદી જુદા હાઈકોર્ટ્સમાં લડ્યા હતા.
  • એમણે લડેલો અને ધ્યાનમાં આવેલો સૌથી પહેલો મોટો કેસ હતો 1959માં, જે તેમણે ભારતીય નૌકાદળના કમાન્ડર કે.એમ. નાણાવટી વતી લડ્યો હતો જેમાં તેઓ મહારાષ્ટ્ર રાજ્ય સામે જીત્યા હતા.
  • 1960ના દાયકામાં એ મુંબઈમાં દાણચોર હાજી મસ્તાનનો કેસ લડ્યા હતા જેને કારણે એ સ્મગલરોના વકીલ તરીકે ઓળખાવા લાગ્યા હતા.

દાણચોર હાજી મસ્તાન

  • 1984માં ભૂતપૂર્વ વડાંપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ એમના હત્યારાઓ સતવંત સિંહ તથા કેહર સિંહનો કેસ લડવા માટે દરેક વકીલે ઈનકાર કરી દીધો હતો ત્યારે જેઠમલાની આગળ આવ્યા હતા અને કેસમાં હત્યારાઓનો બચાવ કર્યો હતો.

  • રામ જેઠમલાનીએ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરનાર શ્રીલંકા સ્થિત એલટીટીઈ ત્રાસવાદી સંગઠનના ઉગ્રવાદીઓનો બચાવ કર્યો હતો.

  • જેઠમલાની શેરબજારને હચમચાવી મૂકનાર કૌભાંડ કેસોમાં હર્ષદ મહેતા અને કેતન પારેખ વતી પણ કેસ લડ્યા હતા.
  • જેઠમલાનીએ સંસદભવન હુમલા કેસના અપરાધી અફઝલ ગુરુને અપાયેલી મોતની સજા સામે પણ એનો બચાવ કર્યો હતો જ્યારે જેસિકા લાલ મર્ડર કેસમાં એમણે મુખ્ય આરોપી મનુ શર્મા વતી કોર્ટમાં દલીલો કરી હતી.

  • જેઠમલાનીએ અનેક ટોચના નેતાઓનો કોર્ટમાં કેસ લડ્યો હતો.
  • એમણે હવાલા કેસમાં લાલકૃષ્ણ અડવાણી, ઘાસચારા કેસમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુપ્રસાદ યાદવ, બિનહિસાબી આવકના કેસમાં તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતા, 2G સ્પેક્ટ્રમ કૌભાંડ કેસમાં ડીએમકે પાર્ટીનાં સંસદસભ્ય કનીમોળી, ખાણ કૌભાંડ કેસમાં ભાજપના બી.એસ. યેદીયુરપ્પા, માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો બચાવ કર્યો હતો.

  • સહારા ગ્રુપ અને SEBI વચ્ચેના કેસમાં જેઠમલાનીએ સુબ્રત રોયનો બચાવ કર્યો હતો.
  • 2011માં દિલ્હીના રામલીલા મેદાનમાં બનેલા લાઠીમાર કેસમાં એમણે યોગગુરુ બાબા રામદેવનો બચાવ કર્યો હતો.
  • જેઠમલાની 2017માં કાયદાના વ્યવસાયમાંથી નિવૃત્ત થયા હતા.