રામ જેઠમલાણીએ કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે શું કરેલું?

રામ જેઠમલાણીએ 2000ની સાલમાં વાજપેયીની સરકાર હતી ત્યારે કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે પ્રયાસો કર્યા હતા. તેમના અવસાન પછી તેમના કેટલાક જૂના સાથીઓ અને મિત્રો એ વખતના પ્રયાસોને નવેસરથી યાદ કરી રહ્યાં છે. જોકે અનેક પ્રયાસોની જેમ જેઠમલાણીના એ પ્રયાસો પણ સફળ રહ્યાં નહોતાં. તે વખતે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ 1953 પહેલાંની સ્થિતિ એટલે કે સ્વાયતત્તા માટે નવેસરથી ઠરાવ કર્યો હતો. સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકાર તેને સ્વીકારી શકે નહીં.

જોકે રામ જેઠમલાણીને લાગતું હતું કે કાશ્મીર ભારત સાથે જ રહેવા માગે છે ત્યારે આવી માગણી સ્વીકારી લેવી જોઈએ. સંરક્ષણ, ચલણ, વિદેશી બાબતો અને સંદેશવ્યવહાર એ ચાર બાબતો કેન્દ્ર પાસે જ રહેવાની હતી. વિધાનસભ્યો સ્વાયત્તતાના મુદ્દે કેન્દ્ર સાથે ચર્ચા કરવા માટે તૈયાર હતાં એટલે જેઠમલાણીને લાગતું હતું કે આ સારી તક છે. અડવાણીને તેમણે સમજાવાની કોશિશ કરી હતી કે કાશ્મીર સમસ્યાના ઉકેલની તક મળશે, પણ અડવાણીએ તે વખતે મક્કમ વલણ લીધું હતું (જેને આજની ભાજપ સરકાર પણ વળગી રહી છે) કે પાકિસ્તાન જ્યાં સુધી સરહદ પારથી ત્રાસવાદને ઉત્તેજન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી કોઈ જાતની વાટાઘાટ થઈ શકશે નહીં.

2001માં મુશર્રફ અને વાજપેયી વચ્ચે મુલાકાત થઈ પણ કશું હાંસલ થયું નહીં. વાજપેયીએ કશ્મીરિયતની વાત કરીને વાતચીત માટે પ્રયાસો કરેલા અને કે. સી. પંતને મધ્યસ્થી તરીકે નીમેલાં. પરંતુ કાશ્મીરમાં તેમની સાથે વાતચીત કરવા કોઈ તૈયાર નહોતું. તેની સામે રામ જેઠમલાણીએ હુર્રિયતના જુદા જુદા નેતાઓ સાથે કાશ્મીરમાં ઘણાં લોકો સાથે વાતચીત કરી હતી. પંતનું મિશન સફળ ન રહ્યું તે પછી જેઠમલાણીએ કાશ્મીર કમિટી એવા નામે એક મંડળ બનાવ્યું હતું, જેમણે કાશ્મીરી જૂથો સાથે વાત કરી હતી. તેની શરૂઆત એવી રીતે થઈ હતી કે જેઠમલાણીએ વકીલાતનું ભણતાં એક કાશ્મીરી વિદ્યાર્થીની મદદથી 45 સશસ્ત્ર ઉદ્દામવાદીઓ સાથે મુલાકાત કરી હતી. જેઠમલાણીની બાયોગ્રાફીમાં એવું વર્ણન છે કે બધાની વાત સાંભળ્યાં પછી જેઠમલાણીએ પોતાની વકીલ તરીકેની કુશળતાને કામે લગાવી એવી દલીલો કરી કે ભારત સાથે વાટાઘાટ કરવામાં અને ચૂંટણી લડીને સરકારમાં બેસવામાં જ સાર છે. હુર્રિયત સાથે જોડાયેલા તત્ત્વો પણ તેમાં હતાં અને તેમને પણ લાગ્યું હતું કે અમુક શરતો માની લેવામાં આવે તો ચૂંટણી લડીને સત્તા કબજે કરી શકાય.

જોકે હુર્રિયતના નેતાઓ લાગતું હતું કે માત્ર જેઠમલાણી સાથે ખાનગી મુલાકાતથી કંઈ વળે નહીં. તેમનું કહેવું હતું કે તમારા જેવા જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો સાથે સત્તાવાર રીતે વાતચીત થવી જોઈએ. તેથી જ તેમણે ઑગસ્ટ 2002માં કાશ્મીર કમિટી બનાવી હતી. અશોક ભાણ, ફલી નરીમાન અને શાંતિ ભૂષણ જેવા પ્રખર ધારાશાસ્ત્રીઓ, દિલીપ પાંડગાવકર અને એમ. જે. અકબર જેવા પત્રકારો અને ભૂતપૂર્વ આઈએફએસ અમલદાર વિનોદ ગ્રોવર તથા એમનેસ્ટી ઇન્ટરનેશનલના જાવેદ લાઇક પણ જોડાયા. હુર્રિયતના નેતાઓ ઉપરાંત કાશ્મીરના ધારાશાસ્ત્રીઓ, પત્રકારો, બુદ્ધિજીવીઓ સાથે આ સમિતિની બેઠકો થઈ. મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ શરૂઆતમાં વિરોધ પછી કહ્યું હતું કે હુર્રિયત ચૂંટણીનો બહિષ્કાર ના કરવાની હોય તો પોતાને પણ કાશ્મીર સમિતિના પ્રયાસો સામે વાંધો નથી.
જોકે વાત થોડા જ વખતમાં આડા પાટે ચડી ગઈ, કેમ કે હુર્રિયતની માગણી હતી કે ચૂંટણી થોડી મોડી કરો. સરકાર ઝડપથી ચૂંટણી કરાવી નાખવા માગતી હતી. અબ્દુલ્લાની પાર્ટીએ પણ  2002માં ભાજપનો સાથ છોડી દીધો હતો અને તેને લાગતું હતું કે હુર્રિયત પણ ચૂંટણી લડે તો તેમના પક્ષનો ગજ વાગશે નહીં. ઝડપથી ચૂંટણી થઈ જાય, 2002ના સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં જ ચૂંટણી થઈ જાય તો હુર્રિયત પણ ન ફાવે. તેથી કાશ્મીરી કમિટીના પ્રયાસો ત્યાં જ ભાંગી પડ્યાં હતાં.
પરંતુ રામ જેઠમલાણી અનપ્રેડિક્ટેબલ કહેવાતાં હતાં તે આવા કારણોસર. તેઓ પોલિટિકલી કરેક્ટ ના લાગે તેવી વાત પણ જાહેરમાં કરતાં હતાં. ભાજપની નીતિઓ સામે વાંધો પડ્યો ત્યારે જાહેરમાં ટીકા કરેલી અને ભાજપ સાથે છેડો પણ ફાડી નાખ્યો હતો. દેશને તોડી નાખવા માગતી હુર્રિયત સાથે વાતચીત કરવાથી શું વળવાનું હતું તે વાત સાચી, પણ જેઠમલાણી વકીલ તરીકે જાણતાં હતાં કે સામા પક્ષ સાથે વાત કરી લેવામાં શું વાંધો છે.કાશ્મીર સમિતિના વડા તરીકે અશોક ભાણને રાખવામાં આવ્યાં હતાં. તેમણે શબ્બીર શાહ અને અબ્દુલ ગની ભટ વગેરે સાથે વાતચીત શરૂ રાખી હતી. એક તબક્કે કોઈ જાતની પૂર્વશરતો વિના વાટાઘાટો કરવાની તૈયારી પણ હુર્રિયત તરફથી આવી હતી. ખાસ કરીને વાજપેયીએ 15 ઑગસ્ટના ભાષણમાં કાશ્મીરમાં થયેલી ભૂલોને સુધારીને નવેસરથી શરૂઆતની વાત કરી હતી તેને આવકાર મળ્યો હતો.

કેટલીક અન્ય માગણીઓ પણ કરવામાં આવી હતી. રાજકીય કેદીઓને છોડી દેવા, જેલમાં રહેલાં કેટલાંક ઉદ્દામવાદીઓને છોડવા, સુરક્ષા કામગીરીમાં વધારે સાવધાની. સાથે જ કાશ્મીર છોડી ગયેલાંને પરત લાવીને વસાવવા માટેની તૈયારી પણ બતાવાઈ હતી, પણ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ એટલે કાશ્મીર કમિટીના પ્રયાસો અર્થહિન બની ગયાં હતાં. આજના સંદર્ભમાં લાગે છે કે હુર્રિયત જેવા દેશવિરોધી જૂથો સાથે વાતચીતનો કોઈ અર્થ ન સરે. પરંતુ આ બે દાયકા પહેલાંની વાત છે અને જેઠમલાણીના સાથીઓ તેમના અવસાન પછી તેમણે કરેલાં ઘણાં કાર્યોને યાદ કર્યા, તેમાં કાશ્મીરમાં કશોક ઉકેલ લાવવાના પ્રયાસોને પણ યાદ કરી રહ્યાં છે. શાંતિ ભૂષણ અડવાણીને મળ્યાં ત્યારે તેમણે જણાવ્યું હતું કે હુર્રિયત પાકિસ્તાન સાથે સંપર્કમાં રહીને તેની કઠપૂતળી તરીકે કામ કરતું હોય ત્યારે તેની સાથે વાતચીતનો કોઈ અર્થ નથી. તેની સામે સમિતિના સભ્યોનું કહેવું હતું કે …પણ એ જ વાત અગત્યની છે. હુર્રિયત પાકિસ્તાની નેતાઓના દોરિસંચારથી કામ કરે છે તે તેઓ જાહેરમાં સ્વીકારે છે. પાકિસ્તાની દોરવણી પ્રમાણે જ તેઓ વાતચીત માટે તૈયાર થયાં છે, ત્યારે વાતચીત કરી લેવાય. પાકિસ્તાનના મનમાં શું છે તેની પણ ખબર પડે.

વધુ કેટલાક મહિના કાશ્મીરી નેતાઓ સાથે કાશ્મીર સમિતિની વાતચીત ચાલતી રહી, પણ આખરે જેઠમલાણી પણ થાક્યાં. તેમને સમજાઈ ગયું કે સરકાર હુર્રિયત સાથે વાતચીત માટે ગંભીર નથી. ચૂંટણીમાં ભાગ લેવા ઉપરાંત હિંસાનો વિરોધ કરવાનો, બધાંના માનવઅધિકારોનું સન્માન કરવાનો, કોમ, ધર્મ અને ભાષાના ભેદભાવ વિના વૈવિધ્યનો સ્વીકાર કરવાનો સંકલ્પ પણ કાશ્મીર કમિટી અને હુર્રિયતના વધુ એક સંયુક્ત નિવેદનમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જોકે રામ જેઠમલાણીએ જાહેરમાં એવું કહ્યું હતું કે કાશ્મીર કમિટી કંઈ ભારત સરકારનું પ્રતિનિધિત્વ નથી કરતી, તે ભારતની જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ વાત કદાચ ભાજપના નેતાઓને પસંદ પડે તેવી નહોતી. બીજી બાજુ અડવાણીએ લીધેલું વલણ પણ સાવ આધારવિહિન નહોતું. હુર્રિયત એકતરફ જેઠમલાણીની કાશ્મીર કમિટીને એમ કહેતું હતું કે તેઓ ચૂંટણીમાં ભાગ લેશે, પરંતુ 2002ના તે જ વર્ષે 14 ઑગસ્ટના રાષ્ટ્રને સંબોધનમાં મુશર્રફે એવું કહ્યું હતું કે કાશ્મીરમાં ચૂંટણી એ ફારસ છે. મુશર્રફે ફરી એકવાર કાશ્મીરીઓને ચૂંટણીમાં ભાગ ન લેવા માટેની ઉશ્કેરણી જ કરી હતી. પાકિસ્તાન આવી બેવડી ચાલ કાયમ ચાલતું હતું. જેઠમલાણી અને તેમની કાશ્મીર કમિટીમાં રહેલા શુભઈરાદા ધરાવતા સજ્જનો આ વાત સમજતા નહોતાં અથવા સમજતાં હતાં તો તેની ગંભીરતાને સમજતાં નહોતાં. કદાચ તેમનો હેતુ ભારતને પરેશાન કરતી એક સમસ્યાનો ઉકેલ લાવવાનો જ હતો, પણ કદાચ તેમનો માર્ગ નક્કર ધરતી પર ઊભો રહી શકે તેવો નહોતો.

કાશ્મીર તો એક માત્ર ઉદાહરણ છે કે રામ જેઠમલાણી કઈ રીતે જાહેર બાબતોમાં પોતાનો અભિપ્રાય મક્કમ રીતે વ્યક્ત કરતાં હતાં. વકીલ તરીકે તેઓ દાણચોરો અને ભ્રષ્ટાચારીઓના કેસ લડતાં હતાં. ત્યારે પણ કહેતાં કે વકીલનું કામ તેના અસીલને બચાવવાનું છે. વકીલ તેનો ધર્મ ચૂકશે તો વકીલાત પાછળનો ઉદ્દેશ માર્યો જશે. આ વાત આજે રાજકીય ભક્તિ વધી પડી છે ત્યારે ભક્તજનોને સમજાતી નથી. પત્રકારોનો ધર્મ શાસક પક્ષની ટીકા કરવાનો હોય છે. પત્રકારો તેનો ધર્મ ચૂકશે ત્યારે લોકતંત્રની ઇમારતને અડીખમ રાખવાના, લોકતંત્રના ચોથા સ્થંભ તરીકેના તેના અવતારકૃત્ય પાછળનો ઉદ્દેશ જ માર્યો જશે. જેઠમલાણીએ પોતાની દલીલો કરવાની ફરજ છેક સુધી નીભાવી હતી.