નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટઃ મહાનગર મુંબઈને મળશે બીજું એરપોર્ટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે મુંબઈની પડોશના નવી મુંબઈ શહેરના નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મોદીએ રીમોટ કન્ટ્રોલ વડે ભૂમિપૂજન વિધિ સંપન્ન કરી હતી.

નવી મુંબઈ એરપોર્ટના પ્રથમ તબક્કાનું બાંધકામ 2019ના ડિસેમ્બર સુધીમાં પૂરૂં થઈ જશે એ સાથે જ તે મુંબઈ મહાનગરનું બીજું એરપોર્ટ બનશે.

સમગ્ર એરપોર્ટ 2031 સુધીમાં કાર્યાન્વિત થઈ જવાની ધારણા છે.

આ પ્રસંગે કેન્દ્રના શિપિંગ પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વડા પ્રધાને ભૂમિપૂજન સમારંભમાં પોતાના સંબોધનનો આરંભ મરાઠી ભાષામાં કર્યો હતો.

નવી મુંબઈ એરપોર્ટની વિશેષ બાબતોઃ

– નવી મુંબઈના એરપોર્ટ પ્રોજેક્ટની જાહેરાત 21 વર્ષ અગાઉ, 1997માં કરવામાં આવી હતી. એ વખતે પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 3000નો અંદાજવામાં આવ્યો હતો, આજે એ વધીને રૂ. 16,700 કરોડ થઈ ગયો છે.

– આ એરપોર્ટ પ્રોજેક્ટથી 1.25 લાખ લોકોને રોજગાર મળશે

– એરપોર્ટ 2,320 હેક્ટર જમીન પર બંધાશે. આ જમીન ઉલ્વે, કોપર અને પનવેલ નગરોનો હિસ્સો ધરાવે છે

– મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરનાર જીવીકે ગ્રુપને જ નવી મુંબઈ એરપોર્ટના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો

– જીવીકે ગ્રુપ આ એરપોર્ટ પ્રોજેક્ટમાં 74 ટકા હિસ્સો રાખશે જ્યારે સરકાર સંચાલિત કંપની સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (CIDCO) તથા એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો હિસ્સો 13-13 ટકા રહેશે.

– પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું બાંધકામ કરવા માટે જીવીકે ગ્રુપે રૂ. 4000 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. આ પ્રોજેક્ટ 2019ના ડિસેમ્બર સુધીમાં પૂરો કરવાની કંપનીની નેમ છે.

– ફેઝ-1 તૈયાર થઈ ગયા બાદ નવી મુંબઈ એરપોર્ટનો વર્ષેદહાડે આશરે 1 કરોડ જેટલા વિમાન પ્રવાસીઓ ઉપયોગ કરશે

– એરપોર્ટના ફેઝ-1 બેઝ અને રનવે ઉલ્વેમાં હશે. એરોનોટિકલ હેતુ માટે ઉલ્વેમાં ડુંગરોની જે હારમાળા છે એને આવતા વર્ષના આરંભમાં તોડી પાડવામાં આવશે.

– નવી મુંબઈ એરપોર્ટનો બીજો તબક્કો 2022માં પૂરો થવાની ધારણા છે.

– બીજો તબક્કો પૂરો થયા બાદ એરપોર્ટની ક્ષમતા વાર્ષિક અઢી કરોડ વિમાન પ્રવાસીઓની અવરજવર સુધી વધી જશે

– ત્રીજો તબક્કો 2027 સુધીમાં પૂરો થવાની ધારણા છે.

– 2031 સુધીમાં પ્રોજેક્ટનો ચોથો તબક્કો પૂરો થશે અને એ સાથે જ આ એરપોર્ટ પરથી વાર્ષિક 6 કરોડ જેટલા વિમાન પ્રવાસીઓ અવરજવર કરતા થશે.

– નવી મુંબઈનું એરપોર્ટ શરૂ થવાથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરનો બોજો હળવો થશે.

– મુંબઈના એરપોર્ટ પરથી દરરોજ 900 ફ્લાઈટ્સનું સંચાલન થાય છે. અહીં વર્ષેદહાડે આશરે 4 કરોડ જેટલા વિમાન પ્રવાસીઓની અવરજવર રહે છે.

– નવી મુંબઈના એરપોર્ટ પર બે રનવે હશે. બંને રનવે એકબીજાને સમાંતર રહેશે. દરેક રનવે 4000 મીટરનો હશે

– એરપોર્ટ પ્રોજેક્ટને લીધે નવી મુંબઈમાં કુલ 10 ગામોને અસર પડી છે. ‘સીડકો’ કંપનીએ સરકારે ઓફર કરેલું વળતર સ્વીકારી લેવા 3,500 અસરગ્રસ્ત પરિવારોને સમજાવ્યા છે

– વળતર પેકેજ અંતર્ગત પ્રત્યેક અસરગ્રસ્ત પરિવારને આર્થિક લાભ અપાશે, પરિવારના એક સભ્યને એરપોર્ટ ખાતે નોકરી અપાશે, ભાડાં ભથ્થું અપાશે અને એરપોર્ટ નજીક સૂચિત રહેણાંક કોલોની ‘પુષ્પક નગર’માં એક ઘર આપવામાં આવશે

પીએમ મોદીના સંબોધનનાં અંશઃ

  • જૂની સરકારોનો સ્વભાવ હતો લટકાવવાનો, અટકાવવાનો, ભટકાવવાનો. લગભગ 10 લાખ કરોડ રૂપિયાની કિંમતની યોજનાઓ આમ જ લટકેલી, અટકેલી, ભટકેલી હતી. એમને અમે કાર્યાન્વિત કરી છે, આર્થિક ભંડોળની વ્યવસ્થા કરી છે અને હવે ઝડપી ગતિએ તે ચાલી રહી છે
  • એવી અટકેલી યોજનાઓમાંની એક છે નવી મુંબઈનું એરપોર્ટ
  • અમે સત્તા પર આવ્યા બાદ એર ટ્રાફિક માટે એક ધારાધોરણ નિશ્ચિત કર્યું છે
  • સમુદ્ર કિનારાનો ઉપયોગ વધારવાની અમારી સરકારની યોજના છે­
  • ગ્લોબલાઈઝેશન આપણા આજના સમયની વાસ્તવિક્તા છે. જાગતિકીકરણ સાથે ગતિ જાળવવા માટે આપણે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે
  • અમે ‘પ્રગતિ’ નામે એક પહેલ શરૂ કરી છે અને યોજનાઓને પૂર્ણ કરવાને પ્રાધાન્ય આપ્યું છે
  • ભારતનું એવિએશન સેક્ટર ઝડપથી વિકાસ પામી રહ્યું છે. વિમાન પ્રવાસ કરનારાઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે
  • એક અભ્યાસ અનુસાર, એવિએશન ક્ષેત્રમાં 100 રૂપિયા ઈન્વેસ્ટ કરવામાં આવે તો એમાંથી 325 રૂપિયાનું નિર્માણ થાય