આંખ મીચૌલીવાળી પ્રિયાના ગીત પર કેસ કેમ થયો?

આંખના એક ઉલાળે આખું ઇન્ટરનેટ હિલ્લોળે ચડ્યું છે. પ્રિયા બધાને એટલી બધી પ્રિય લાગે છે કે લોકો ડેટા કેટલો વપરાયો એ જોવાના બદલે વારેવારે પ્રિયાની ક્લિપ જોયા કરે છે. મલયામી ભાષાની ફિલ્મનું આ ગીત રિલિઝ થયું અને સોશિઅલ મીડિયામાં છવાઈ ગયું. પરંતુ તેની સામે અસામાજિક ટીપ્પણીઓ પણ થવા લાગી. આંખ મારવાની વાત યુવાનોને મસ્તી લાગે, મોટેરાઓને માતમની સ્થિતિ લાગે. એવું જ કૈંક થયું છે અને આ ગીત સામે પોલીસમાં કેસ પણ દાખલ થઈ ગયો છે.જોકે કેસ પ્રિયાની આંખમીચૌલીને કારણે નથી થયો. કદાચ એ પણ એક કારણ હશે, પણ મુખ્ય કારણ એ ગીતના શબ્દોને કારણે છે. ગીતોના શબ્દોના કારણે કેટલાકની લાગણી દુભાઈ છે. તેથી ફરિયાદ થઈ તેમાં નિર્માતા ઉપરાંત પ્રિયાનું નામ પણ લખાવાયું. સ્વાભાવિક છે કે ગીત પર કેસથી એટલી પબ્લિસિટીના મળે જેટલી પ્રિયા પર કેસ કરવાથી મળે. તેથી પ્રિયાનું નામ પણ એફઆઇઆરમાં લખાવાયું છે. પ્રિયાને જોકે તેનાથી થોડી વધારે પબ્લિસિટી મળી અને તેની બીજી એક આંખથી બંદૂક મારતી ક્લિપ પણ જોઈ લો, જે ફરતી થઈ ગઈ છે.
આ ગીત જોકે એક પ્રકારનું લોકગીત છે. કેરળના મલાબાર વિસ્તારમાં પ્રચલિત આ ગીત મપીલા પટ્ટુ પ્રકારનું લોકગીત ગણાય છે. ધાર્મિક પ્રકારનું આ ગીત છે, કેમ કે તેમાં ઇસ્લામના પયંગબર મોહમ્મદ અને તેમની શાદી ખદીજા સાથે થઈ તે વિશેનું ગીત છે.
આ ગીતની એક બીજી ધૂન 1978માં તૈયાર થઈ હતી. તેના પરથી અત્યારે બનેલું ગીત પ્રિયાની ફિલ્મમાં લેવામાં આવ્યું છે. માણિક્ય મલરાઇ પૂવી એ ગીતની પ્રથમ કડી છે. મલયાલી ફિલ્મ ઓરુ અડાર લવમાં તે લેવામાં આવ્યું છે અને તેમાં જ પ્રિયા પેલી આંખ મારે છે અને સૌને ઉલ્લાળી મૂકે છે.
ગીત એટલું બધું ચગ્યું કે સામાન્ય રીતે નવી ફિલ્મોના ગીતો રિલિઝ ના થાય તે સાંભળનારાએ પણ સાંભળ્યું. ના સાંભળ્યું નહીં, જોયું એમ કહો. આ ગીત જોયું અને તેમાં પ્રિયાના નખરાના કારણે સૌ ઘાયલ થયા, પણ કેટલાક નારાજ થઈ ગયા. ગયા મંગળવારે તેની સામે કેસ પણ થઈ ગયો. હૈદરાબાદમાં કેસ દાખલ થયો છે. ફરિયાદીનું કહેવું છે કે તેણે મલયાલી ગીતનો અનુવાદ સાંભળ્યો ત્યારે તેને આઘાત લાગ્યો. પોતાના ધાર્મિક લાગણી દુભાઈ ગઈ એમ તેનું કહેવું થયું છે.
આ ગીત તમે પણ સાંભળ્યું, ના ના જોયું છે કે તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એક બીજા સામે નેણના નખરા કરે છે. હવે ગીતના શબ્દોમાં પયગંબર મોહમ્મદ અને તેમનાં પ્રથમ બેગમ ખદીજા વિશેની વાત હોય અને તેમાં યુવાન હૈયા અને તેમની આંખો આ રીતે નાચતી હોય તે વાત કેટલાકને પસંદ પડી નથી. ગીત લોકપ્રિય થયું એટલે તેનો અનુવાદ કરીને પણ કેટલાકે મૂક્યો. તેથી તેમાં પયંગબરની શાદીનો ઉલ્લેખ જોઈને હૈદરાબાદમાં કેસ ફાઇલ થયો.
ઉત્તર કેરળમાં મલાબારના મુસ્લિમોમાં આ લોકગીત પ્રચલિત છે. ઇસ્લામમાં સંગીતની મનાઈ છે, પણ ભારતમાં આવેલા ઇસ્લામમાં સંગીત સ્વીકાર્ય બન્યું છે. સુફી પરંપરામાં તો સંગીત અને આપણા ભજનોની જેમ સુફી કવ્વાલીઓ અનિવાર્ય હિસ્સો પણ બન્યા છે. આ લોકગીત મલાબારમાં મુસ્લિમ પરિવારમાં શાદી હોય ત્યારે ગવાતું હોય છે. કૌટુંબિક મેળાવડામાં પણ ગીત ગવાતું રહ્યું છે. તેમાં અરબી, મલાયલી, ઉર્દુ, તમિલ, ફારસી શબ્દો પણ છે. આવા ઘણા બધા ગીતો મલાબાર વિસ્તારમાં મુસ્લિમોમાં પ્રચલિત છે. જે રીતે ભજન કિર્તનમાં દેવી તત્ત્વોની આરાધના થાય છે, તે રીતે આ ગીતોમાં ઇસ્લામ સાથે જોડાયેલા ધાર્મિક મહાનુભાવોનો આદર વ્યક્ત થાય છે. પયગંબર મોહમ્મદના જીવનની ઘટનાઓને પણ તેમાં આવરી લેવાતી હોય છે. કરબલા જેવી લડત અને તેમાં દેવાયેલી શહાદતની બીરદાવલી તેમાં હોય છે. 19મી સદીમાં થઈ ગયેલા મોઇનકુટ્ટી વૈડ્યાર નામના કવિએ આવા ઘણા ગીતો લખ્યા હતા.
આ ગીતમાં ખદીજાનું વર્ણન મોતી જેવા ફૂલ તરીકે થયું છે. તેમણે પયંગબરસાહેબને જોયા ત્યારે તેમના પ્રથમ નજરે પ્રેમ થઈ ગયો અને તેમની સાથે શાદી કરવાનો નિર્ણય લઈ લીધો હતો તેવી વાત ગીતમાં વણી લેવાઈ છે. ગીતમાં આગળ વર્ણન આવે છે કે ખદીજા પોતાનો પ્રેમ કઈ રીતે વ્યક્ત કરવો તે વિચારે છે અને બાદમાં પયંગબરસાહેબના કાકા અબુ તાલીબને સંદેશો મોકલાવે છે. અબુ તાલીબ શાદી માટે મંજૂરી આપે છે. નિકાહ થાય છે અને તે માટે ખદીજા દુલ્હનની જેમ સજેધજે છે. અલ્લાહના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમના નિકાહ થાય છે.
આ લાંબુ વર્ણન જોકે ફિલ્મના ગીતમાં નથી. ફિલ્મના ગીતમાં કેટલાક અંશો જ લેવાયા છે. પ્રેમની અભિવ્યક્તિ, પ્રથમ નજરે થતો પ્રેમ, આંખોથી વ્યક્ત થતો પ્રેમ વગેરે વર્ણન તે ગીતમાંથી લેવાયા છે. હવે વાંધો એ પડ્યો કે પ્રથમ નજરે પ્રેમનું જે વર્ણન ગીતમાં છે તે પવિત્ર પ્રેમ માટે છે, જ્યારે ફિલ્મમાં એ કડીઓ વખતે સ્ટુડન્ટ્સ એકબીજાને આંખોથી ભરીભરીને પીવે છે. ને પેલી પ્રિયા તો આંખ મારીને શરમાઈ જાય છે અને અનેકને શરમથી લાલલાલ કરી મૂકે છે.
પ્રિયાની આંખના ઉલ્લાળાની ક્લિપને રાતોરાત 20 લાખથી વધારે હિટ્સ મળી ત્યારે ફિલ્મના ડિરેક્ટર ઓમલ લુલુ ખુશ થયા હતા. મફતની પબ્લિસિટી તેમની મળી ગઈ હતી. પણ હવે ધર્મના નામે વિવાદ થયો એટલે ગભરાયા છે. હાલમાં જ પદ્માવતના વિવાદમાં ભારે હિંસા થઈ હતી. તેમાં હિંસા કરનારાએ રાજકીય લાભ લઈ લીધા અને ભણશાળીએ કમાણી કરી લીધી, પણ વિવાદ વધે તો નુકસાન પણ થઈ શકે. તેથી ઓમર લુલુ ખુલાસો કરતાં કહે છે કે તેમની આવી કોઈ ગણતરી હતી જ નહીં. તેમણે તો ગીતની કડીઓ એટલા માટે લીધી કે કેરળમાં તે લોકોમાં બહુ લોકપ્રિય છે. પોતાને બચપણમાં શાદીમાં જતા ત્યારે અનેક વાર આ ગીત સાંભળ્યું હતું. તેથી લોકોની યાદો તાજી થશે એમ વિચારીને પોતે ગીત લીધું હતું તેવો ખુલાસો ઓમર કરી રહ્યા છે.
જોકે ઓમરને પણ વિવાદ નહીં જ થાય તેવી ખાતરી નહોતી. ભણશાળીને પણ ખબર હતી કે વિવાદ વધશે, પણ તેમણે તેમાં લાભ જોયો હતો. લાગે છે કે ઓમરને પણ લાભ લેવાની ગણતરી છે. ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરતા ઓમર લુલુએ કહ્યું કે કેટલાક મુસ્લિમ વડીલોએ વિરોધ કર્યો હતો ખરો. પયંગબર અને ખદીજાના વિવાહિત પ્રેમ વિશેનું ગીત ફિલ્મમાં આવશે તો અપમાનજનક ગણાશે એવી ચેતવણી કેટલાક રૂઢિચૂસ્તોએ આપી પણ હતી. તેમ છતાં તેમણે ગીત લીધું. પ્રિયા છવાઈ ના ગઈ હોત અને ફરિયાદ ના થઈ હોત તો કદાચ કેરળના અમુક મુસ્લિમ જૂથો પૂરતી જ નારાજી રહી હોત. પણ વાત વાયરે ચડી એટલે હવે વિવાદને પણ હવા મળશે તેમ લાગે છે.
કમાણી કરી લેવાની લાલચે અને પ્રસિદ્ધિ મેળવી લેવાની લાલચે બંને તરફી લેભાગુ લોકો વિવાદો કરી રહ્યા છે તે ચિંતાજનક છે. સોશિઅલ મીડિયાને કારણે આવા વિવાદ રાતોરાત ફેલાઈ જાય છે. પરંપરાગત મીડિયામાં ધીરગંભીર તંત્રીઓ આવો વિવાદ ટાળવા કોશિશ કરે અને કોઈને પબ્લિસિટી ના આપે તો પણ વાત હવે રોકી શકાતી નથી. બંને તરફી લેભાગુ લોકો વિવાદનો લાભ લઈ લે છે અને વચ્ચે નાહકનું સરકારી સંપત્તિને નુકસાન થાય છે. ભોળા લોકોની ધાર્મિક લાગણી દુભાય તે જૂદું. ફરિયાદ કરનારાની લાગણી તો સ્વાર્થ ખાતર દુભાઈ હોય છે. પણ ભોળા લોકો સાચેસાચ કોચવાતા હોય છે. વિવાદ થાય નહી તો બહુ ઓછા લોકો સુધી આવું ગીત પહોંચતું હોય છે. તેથી લાગણી દુભાવાની વાત મર્યાદિત રહી હોત. પણ આજકાલ સોશિઅલ મીડિયામાં કશું મર્યાદિત રહેતું નથી. મર્યાદાભંગ મોટી મુશ્કેલીઓ નોતરી રહ્યો છે.