ચૂંટણીઓ નજીક ભાળી સમસ્યાઓને ઉકેલશે મોદી સરકાર…

ગમી દિવસોમાં 5 રાજ્યોની ચૂંટણી યોજાનાર છે, ઉપરાંત 2019માં લોકસભાની ચૂંટણી પણ આવનાર છે. જેને ધ્યાનમાં લઈને કેન્દ્રની મોદી સરકાર દેશની સમસ્યાઓના ઉકેલ માટે તમામ પ્રયત્નો કરી રહી છે. તો બીજી તરફ મોદી સરકાર ઉદ્યોગોને ખુશ કરવા જાહેરાતો કરી રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક (એમએસએમઇ) ક્ષેત્ર માટે ઐતિહાસિક સહયોગ અને આઉટરિચ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનાં ભાગરૂપે પ્રધાનમંત્રીએ 12 મુખ્ય જાહેરાતો કરી હતી, જે દેશભરમાં એમએસએમઇની વૃદ્ધિ, વિસ્તરણ અને સુવિધામાં મદદરૂપ થશે.

એમએસએમઇ ક્ષેત્ર માટે જાહેર કરેલાં 12 નિર્ણયો નવા પ્રકરણની શરૂઆત કરશે. એમએસએમઇને ભારતમાં રોજગારીનું સર્જન કરતાં મુખ્ય ક્ષેત્રોમાંનું એક છે. ભારતની લઘુ ઉદ્યોગની સોનેરી પરંપરાઓમાં લુધિયાણાની હોઝિયેરી અને વારાણસીની સાડીઓનો લઘુ ઉદ્યોગ સામેલ છે.

કેન્દ્ર સરકારે શરૂ કરેલા આર્થિક સુધારાઓની સફળતાનો તાગ છેલ્લાં ચાર વર્ષમાં ભારતે વેપાર-વાણિજ્ય સુલભ કરવાનાં ક્રમાંકમાં 142માં સ્થાનથી 77માં સ્થાનની હરણફાળ પરથી મળી શકશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પાંચ પાસાં એમએસએમઇ ક્ષેત્રની સુવિધા માટે છે. એમાં ધિરાણ, બજારની સુલભતા, ટેકનોલોજી અપગ્રેડેશન, વેપાર અને વાણિજ્યમાં સરળતા તથા કર્મચારીઓ માટે સુરક્ષાની ભાવના સામેલ છે. આ ક્ષેત્ર માટે દિવાળીની ભેટ તરીકે આ 12 જાહેરાતો તેમણે કરી છે, જે આ દરેક પાંચ કેટેગરીઓની સમસ્યાનું સમાધાન કરશે.

પ્રથમ જાહેરાત સ્વરૂપે વડાપ્રધાને 59 મિનિટમાં લોન મેળવવા માટેનું પોર્ટલ લોંચ કરવાની જાહેરાત કરી, જેથી એમએસએમઇ માટે ધિરાણની સુવિધા સરળતાપૂર્વક ઉપલબ્ધ થશે. યોજનાથી રૂ.1 કરોડ સુધીની લોનને આ પોર્ટલ મારફતે સૈદ્ધાંતિક મંજૂરી મળી શકશે અને એ પણ ફક્ત 59 મિનિટમાં. આ પોર્ટલ સાથેની લિંક જીએસટી પોર્ટલ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવા ભારતમાં કોઈને બેંકની શાખાની મુલાકાત વારંવાર લેવાની જરૂર નહીં પડે.

બીજી જાહેરાતમાં તમામ જીએસટી સાથે નોંધાયેલા એમએસએમઇને નવી કે સંવર્ધિત લોન પર વ્યાજમાં 2 ટકાની મુક્તિ મળશે. પ્રી-શિપમેન્ટ અને પોસ્ટ-શિપમેન્ટનાં ગાળામાં લોન મેળવતાં નિકાસકારો માટે ઇન્ટરેસ્ટ રિબેટ 3 ટકાથી વધારીને 5 ટકા કરવાની જાહેરાત કરી હતી.

ત્રીજી જાહેરાત એ કરી હતી કે હવે રૂ.500 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી તમામ કંપનીઓ માટે ટ્રેડ રીસિવેબ્લ્સ ઇ-ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (ટ્રેડ્સ) પર ખરીદી ફરજિયાત બનાવવામાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ પોર્ટલ ઉદ્યોગસાહસિકોને તેમનાં આગામી રીસિવેબ્લ્સને આધારે બેંકોમાંથી ધિરાણ મેળવવા સક્ષમ બનાવશે. એનાથી રોકડ ચક્રની સમસ્યાઓનું સમાધાન થઈ જશે.

બજાર સુધી પહોંચવાની સરળતા અને સુલભતા

ઉદ્યોગસાહસિકો માટે બજાર સુધી પહોંચવાની સરળતા અને સુલભતા પર કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે. આ સંદર્ભમાં વડાપ્રધાને ચોથી જાહેરાત એ કરી હતી કે સરકારી કંપનીઓ માટે હવે તેમની કુલ ખરીદીનો 25 ટકા હિસ્સો એમએસએમઇ પાસેથી ખરીદવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જ્યારે અગાઉ સરકારી કંપનીઓ માટે આ હિસ્સો 20 ટકા હતો.

પાંચમી જાહેરાત મહિલા ઉદ્યોગસાહસિકો સાથે સંબંધિત છે. જેમાં એમએસએમઇ પાસેથી કુલ 25 ટકા ફરજિયાત ખરીદીમાંથી હવે 3 ટકા ખરીદી મહિલા ઉદ્યોગસાહસિકો પાસેથી ફરજિયાત બનાવવામાં આવી છે.

અત્યારે જીઇએમમાં 1.5 લાખથી વધારે સપ્લાયર નોંધાયેલા છે, જેમાંથી 40,000 એમએસએમઇ છે. રૂ.14,000 કરોડથી વધારે મૂલ્યનાં નાણાંકીય વ્યવહારો અત્યાર સુધી જીઇએમ મારફતે થાય છે.

છઠ્ઠી જાહેરાત એ છે કે હવે કેન્દ્ર સરકારનાં તમામ જાહેર સાહસોને જીઇએમમાં સામેલ થવું પડશે. તેમને જીઇએમ પર તેમનાં નોંધાયેલા વિક્રેતાઓ મળી જશે.

દેશભરમાં ટૂલ રૂમ ઉત્પાદનની ડિઝાઇનનો આવશ્યક ભાગ છે. તેમની સાતમી જાહેરાત એ હતી કે દેશભરમાં 20 કેન્દ્રો સ્થાપિત થશે અને ટૂલ રૂમ સ્વરૂપે 100 સ્પોક સ્થાપિત કરવામાં આવશે.

વેપાર અને વાણિજ્ય સરળ કરવા આઠમી જાહેરાત ફાર્મા કંપનીઓ સાથે સંબંધિત છે. ઔદ્યોગિક વસાહતો ફાર્મા એમએસએમઇનું સ્વરૂપ હશે. આ વસાહતો સ્થાપિત કરવાનાં 70 ટકા ખર્ચનું વહન કેન્દ્ર સરકાર કરશે.

નવમી જાહેરાત સરકારી પ્રક્રિયાઓ સરળ કરવા સાથે સંબંધિત છે. 8 શ્રમ કાયદાઓ અને કેન્દ્ર સરકારનાં 10 નિયમનો હેઠળ રિટર્ન હવે વર્ષમાં એક જ વખત ભરવું પડશે.

10મી જાહેરાત એ છે કે, હવે ઔદ્યોગિક એકમોની મુલાકાત ઇન્સ્પેક્ટર લેશે, પણ કયા ઇન્સ્પેક્ટર લેશે એનો નિર્ણય કમ્પ્યુટરાઇઝ રેન્ડમ ફાળવણી દ્વાર થશે.

એક એકમ સ્થાપિત કરવાનાં ભાગરૂપે ઉદ્યોગસાહસિકોને બે મંજૂરીઓની જરૂર પડશે – એક પર્યાવરણ સંબંધિત મંજૂરી અને બે, એકમ સ્થાપિત કરવા માટેની મંજૂરી. 11મી જાહેરાત એ છે કે, હવા અને પાણીનાં પ્રદૂષણ સંબંધિત કાયદાઓને હવે એક કાયદા હેઠળ વિલિન કરવામાં આવશે અને કોઈ પણ એકમને આ માટે બે મંજૂરીઓને બદલે એક જ મંજૂરી લેવી પડશે. રિટર્ન સેલ્ફ-સર્ટિફિકેશન મારફતે સ્વીકારવામાં આવશે.

12માં નિર્ણય એ હતો કે, એક વટહુકમ લાવવામાં આવ્યો છે, જે અંતર્ગત કંપની કાયદા હેઠળ આંશિક ઉલ્લંઘન માટે ઉદ્યોગસાહસિકોને કોર્ટમાં જવાની જરૂર નહીં પડે, પણ સરળ પ્રક્રિયા મારફતે આ ઉલ્લંઘનની ભૂલને સુધારી શકાશે.

એમએસએમઇ ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા વિશે પણ વાત કરી હતી. આ કર્મચારીઓ જન ધન ખાતાઓ, પ્રોવિડન્ટ ફંડ અને વીમો ધરાવે એ સુનિશ્ચિત કરવા એક અભિયાન શરૂ કરવામાં આવશે.

વડપ્રધાને કહ્યું હતું કે, આ નિર્ણયો લાંબા ગાળે ભારતમાં એમએસએમઇ ક્ષેત્રને મજબૂત કરશે. આ આઉટરિચ કાર્યક્રમનાં અમલ પર આગામી 100 દિવસ સઘન નજર રાખવામાં આવશે.