કશ્મીરમાં 9 વર્ષ બાદ નવેમ્બરની શરુઆતમાં બરફવર્ષા, અદભૂત નજારો

કશ્મીર- નવેમ્બરની શરૂઆત થતાં જ ઠંડીએ દસ્તક આપી દીધી છે. આ સાથે જ જમ્મુ અને કશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. શનિવારે ઉત્તરાખંડ સ્થિત ચારધામમાંથી એક એવા કેદારનાથ મંદિરમાં ભારે બરફવર્ષા થઈ. બરફવર્ષાને કારણે સમગ્ર કેદાર ઘાટી સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે.જેને પગલે કેદારનાથ મંદિરમાં દર્શન માટે પહોંચનારા ભક્તોને થોડી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. કહેવાય છે કે, કેદાર ઘાટીનું વાતાવરણ શુક્રવાર સુધી સાફ હતું. કેદારનાથ ઘાટી ઉપરાંત ઉત્તરાખંડમાં સ્થિત યમુનોત્રીમાં પણ બરફવર્ષા થઈ છે.

તો બીજી તરફ, શનિવારે જમ્મુ અને કશ્મીરમાં પણ ભારે બરફવર્ષા થઈ છે. જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં શનિવારે સવારે હળવી બરફવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદ પડયો હતો. તેનાથી અહીં પહોંચેલા મુસાફરો બહુ જ ખુશ થયાં હતાં. જોકે, બરફવર્ષાની સાથે જ અહીં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.

તો જમ્મુ અને કશ્મીરના ઉપરી વિસ્તારોમાં બરફવર્ષા થઈ. જ્યારે મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યું કે, ગત 12 કલાક દરમિયાન જોજિલા દર્રા, દ્રાસ, કારગિલ, સોનમર્ગ, પહેલગામ અને ગુલમર્ગમાં બરફવર્ષા નોંધાઈ છે. તેમણે કહ્યું કે, આ સમય દરમિયાન ઘાટી અને જમ્મુ સંભાગમાં મેદાની વિસ્તારોમાં તેજ વરસાદ ચાલુ રહ્યો હતો.

ગુલમર્ગ અને પહેલગામ પહાડી સ્ટેશનોમાં બરફવર્ષાને કારણે મુસાફરો બહુ જ ખુશ છે. ઉપરી વિસ્તારોમાં બરફવર્ષાને પગલે ઘાટી અને મૈદાની વિસ્તારોમાં ઠંડી હવાઓ ચાલી રહી છે અને રાતના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર પર્યટકો જૂદા જૂદા વિસ્તારોમાં થયેલી બરફવર્ષાના ફોટો શેર કરી રહ્યાં છે. જેથી તે આ ખુશનુમાં મોસમનો ભરપુર આનંદ ઉઠાવતા નજરે પડે છે.