મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ હજી ગઈ કાલે રવિવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘ગુજરાતલક્ષી’ નીતિઓ વિશે આકરી ટીકા કર્યા બાદ એમની ‘મનસે’ પાર્ટીના કાર્યકર્તાઓએ આજે મુંબઈ અને પડોશના પાલઘરમાં ગુજરાતીઓની વ્યાપારી પેઢીઓને નિશાન બનાવી હતી.
મનસેના કાર્યકર્તાઓના એક જૂથે મુંબઈમાં તેમજ મુંબઈ-અમદાવાદ હાઈવે પર વસઈ શહેર નજીક ગુજરાતીમાં લખેલા સાઈનબોર્ડ્સ/હોર્ડિંગ્સ દર્શાવતી રેસ્ટોરન્ટ્સ અને ઓફિસો પર હુમલો કર્યો હતો.
ઘણા કાર્યકર્તાઓના હાથમાં મનસે પાર્ટીના ધ્વજ હતા અને તેઓ ગુજરાતી-વિરોધઈ નારા લગાવતા હતા. એમણે ગુજરાતી ભાષામાં લખેલા સાઈનબોર્ડ્સને નુકસાન પહોંચાડ્યું હતું અથવા એને ખંડિત કરી નાખ્યા હતા.
મનસેના થાણે જિલ્લા એકમના વડા અવિનાશ જાધવે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે વસઈ મહારાષ્ટ્રમાં છે, ગુજરાતમાં નહીં. અમે અહીંયા હવે પછી ગુજરાતીમાં લખેલા સાઈનબોર્ડ્સ ચલાવી નહીં લઈએ.
વસઈ શહેર મહારાષ્ટ્ર-ગુજરાતની સીમાથી આશરે 110 કિ.મી. દૂર આવેલું છે. અહીં ગુજરાતીભાષી લોકો નોંધપાત્ર સંખ્યામાં રહે છે. વધુમાં ઘણા ગુજરાતીઓનો અહીં વ્યાપાર છે અને કારખાનાઓ પણ છે.
મનસે પાર્ટીના કાર્યકર્તાઓએ એવી જ રીતે, મુંબઈમાં કાંદિવલીમાં એક ફરસાણની દુકાનને ટાર્ગેટ બનાવી હતી અને ગુજરાતી ભાષામાં લખેલા એ સાઈનબોર્ડને હટાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
httpss://twitter.com/aryanshah84/status/975754305431982081
આ બંને બનાવના સંબંધમાં પોલીસે લગભગ એક ડઝન જેટલા લોકોને અટકાયમાં લીધા છે.
પોલીસે ગુજરાતીઓના વર્ચસ્વવાળા મહોલ્લાઓમાં ચોકીપહેરો વધારી પણ દીધો છે.
(વસઈ શહેરની હદમાં આવેલા નેશનલ હાઈવે પર મનસેના કાર્યકર્તાઓએ ગુજરાતી રેસ્ટોરન્ટનું ગુજરાતીમાં લખેલું બોર્ડ ફાડી નાખ્યું)
httpss://twitter.com/ANI/status/975612491706363904
httpss://twitter.com/PagalAnna/status/975614155737747456
ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ રવિવારે ગુડી પડવા તહેવાર નિમિત્તે મુંબઈમાં યોજેલી એક જાહેર સભામાં વડા પ્રધાન મોદી, ભાજપપ્રમુખ અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.
રાજ ઠાકરેએ વડા પ્રધાન મોદીના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા, જેનો અંદાજિત યોજનાખર્ચ રૂ. 110 લાખ કરોડ છે. એવી જ રીતે, ઠાકરેએ રૂ. 22,000 કરોડના ખર્ચવાળા સૂચિત મુંબઈ-વડોદરા એક્સપ્રેસવે પ્રોજેક્ટની પણ ટીકા કરી હતી.
ઠાકરેએ એવો દાવો કર્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રમાંથી પ્રાપ્ત કરવામાં ગુજરાત નિષ્ફળ ગયું હતું એટલે હવે મોદી સરકાર અમદાવાદ અને ગુજરાતને ફાયદો થાય એવી રીતે મુંબઈનો ઉપયોગ કરવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ કરે છે, કારણ કે એ લોકો ભૂતકાળને ભૂલ્યા નથી.