પર્યાવરણ રક્ષણ માટે કાર્ય કરતી બિન-સરકારી સંસ્થા ટોક્સિક્સ લિન્ક દ્વારા હાલમાં જ ખેતીવિષયક જમીનમાં માઈક્રોપ્લાસ્ટિકની અસર અંગે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. માટીના નમૂનાઓમાં માઈક્રોપ્લાસ્ટિક પુષ્કળ પ્રમાણમાં હોવાનું તેને માલૂમ પડ્યું છે. તે ખેતરો પ્લાસ્ટિક મલ્ચ શીટનો ઉપયોગ કરે છે. છોડના મૂળની આસપાસ પ્લાસ્ટિકની ફિલ્મનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ દુનિયાભરમાં ચાલી રહ્યો છે. ભારતમાં આ ઉપયોગ છેલ્લા અમુક દાયકાઓથી કરાય છે. આને પ્લાસ્ટિક મલ્ચિંગ કહેવાય છે. ખેતીની ઉપજ વધારે થાય એ માટે માટીમાં તાપમાન અને ભેજને જાળવી રાખવા માટે માટી પર મલ્ચિંગ કરવાનો એક ચીલો પડી ગયો છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકના અમુક કૃષિ પટ્ટાવિસ્તારમાં હાથ ધરાયેલા અભ્યાસમાં અમુક ચોંકાવનારી જાણ થઈ હતી કે પ્લાસ્ટિકના અત્યંત ઝીણા કણ જમીનમાં ઊંડે સુધી હોવાનું માલૂમ પડ્યું હતું. એવો સંકેત મળ્યો છે કે પ્લાસ્ટિક મલ્ચ શીટ્સના બેફામ ઉપયોગને કારણે માટી પણ દૂષિત થાય છે. માઈક્રોપ્લાસ્ટિક માનવ પર્યાવરણ માટે હાનિકારક છે એટલું જ નહીં, પરંતુ એ માનવ રક્ત અને ફેફસાંમાં પણ ઘૂસી જાય છે.
માટીના લેવામાં આવેલા નમૂનાઓનું ટેસ્ટિંગ મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન સંસ્થામાં કરવામાં આવ્યું હતું. તમામ નમૂનાવાળી માટીમાં માઈક્રોપ્લાસ્ટિકની હાજરી માલૂમ પડી હતી. મોટા ભાગના ખેડૂતો એમની વપરાઈ ગયેલી પ્લાસ્ટિક મલ્ચ શીટ્સનો નિકાલ કરવા માટે કચરા-સ્થળોનો ઉપયોગ કરે છે.
આધુનિક ખેતીવાડી પદ્ધતિમાં પ્લાસ્ટિકના ઉપયોગથી આપણા પર્યાવરણ તંત્રની સ્થિરતા પર જોખમ ઊભું કરે છે. મલ્ચિંગ માટે વપરાતું પ્લાસ્ટિક ખૂબ જ પાતળું હોય છે. ખેતરોમાંથી આવી પ્લાસ્ટિક ફિલ્મ્સ હટાવી તેનું રીસાઈક્લિંગ કરવાનું ઘણું જ ખર્ચાળ થાય અને કઠિન પણ બને. પરિણામે, આવી શીટ્સ ખેતરમાં જ પડી રહે છે અથવા ખેડૂતો એને નજીકની કચરાપેટીઓ કે કચરાના સ્થળોએ જઈને ફેંકી આવે છે. આવા માઈક્રોપ્લાસ્ટિક કણ માટીમાં ભળીને વધે છે. તે માટી-જમીનને દૂષિત કરે છે અને આખરે પરિણામસ્વરૂપ તે છોડ કે પાક સુધી પહોંચે છે. આમ તે પર્યાવરણ તથા માનવ આરોગ્યને માઠી અસર કરે છે, એમ ટોક્સિક્સ લિન્કનાં ચીફ પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રીતિ બાંઠિયા મહેશ કહે છે.
તાજેતરમાં એક અભ્યાસ પરથી માનવ લોહીમાં માઈક્રોપ્લાસ્ટિક હોવાનું માલૂમ પડ્યું હતું. માનવ રક્તના લેવામાં આવેલા 80 ટકા નમૂનાઓમાં માઈક્રોપ્લાસ્ટિકના સૂક્ષ્મ કણ હોવાનું વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું હતું. આવા કણ પાંચ મિ.મી.થી પણ ઓછા વ્યાસવાળા હોય છે અને તે પર્યાવરણમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો મોટો સ્ત્રોત હોય છે.
ટોક્સિક્સ લિન્ક દ્વારા મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લા અને કર્ણાટકના બેલગામ જિલ્લામાં હાથ ધરવામાં આવ્યો હતો. અહીં છેલ્લા 20 વર્ષથી ઘણા ખેડૂતો એમના ખેતરમાં પ્લાસ્ટિક શીટ્સનો ઉપયોગ કરે છે. મલ્ચ થયેલી માટીમાં તો માઈક્રોપ્લાસ્ટિક મોટા પ્રમાણમાં હોવાનું માલૂમ પડ્યું જ છે, પરંતુ મલ્ચ ન કરાયેલી માટીમાં પણ તેની હાજરી જોવા મળી છે. આનો મતલબ એ કે માઈક્રોપ્લાસ્ટિક જમીનને દૂષિત કરે છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચકાસવામાં આવેલી કૃષિ જમીનમાં આર્સેનિક, લેડ (સીસું), બોરોન અને કેડમિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાનું માલૂમ પડ્યું હતું. કૃષિ પદ્ધતિમાં પ્લાસ્ટિક મલ્ચની પર્યાવરણીય ચિંતાને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિક ફિલ્મ મલ્ચના વિકલ્પોનો ઉપયોગ કરાય તે આવશ્યક છે. આ માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે – જેમ કે, ઓર્ગેનિક મલ્ચિંગ, પેપર (કાગળ) મલ્ચ અને બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક. ટોક્સિક્સ લિન્કના સહાયક ડાયરેક્ટર સતિષ સિન્હા કહે છે, આ માટે ખેડૂતોમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.