હાર્દિક પટેલ: રાજકીય શતરંજનો ખેલાડી કે મહોરું?

છેવટે, ધારણા પ્રમાણે જ, હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના રાજકીય હનીમૂનનો અંત આવ્યો છે. છેલ્લા કેટલાક સમયના એના નિવેદનો અને ઉદયપુરની ચિંતન શિબિરમાં ગેરહાજરી પછી એ કોંગ્રેસ છોડશે એ નક્કી જ હતું એટલે એની કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની ઘટનાથી નવાઇ પામવા જેવું નથી. સવાલ એ છે, હવે પછી હાર્દિક પટેલ શું કરે છે? અટકળો પ્રમાણે એ ભાજપમાં જ જોડાય છે કે છેલ્લી ઘડીએ સૌને ચકમો આપીને આમ આદમીનું ઝાડું પકડે છે?

6 જૂલાઇ, 2015ના રોજ વિસનગરમાં પટેલ અનામતની માગણી સાથે બાઇક રેલીથી આંદોલનની શરૂઆત કરનાર હાર્દિક પટેલનો રાજકીય ઉદય ઘણો ઝડપથી થયો. 25 ઓગસ્ટ, 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની રેલી પર પોલીસના હુમલાની ઘટના પછી તો એ રાતોરાત હીરો બની ગયો. પાટીદાર સમાજના લાખ્ખો યુવાનોની નવી નેતાગિરી લઇને એ ગુજરાતની રાજકીય ક્ષિતિજે અચાનક ઉભર્યો અને થોડાક જ સમયમાં રાજકીય આકાશમાં ઝળહળવા માંડ્યો. પાટીદાર સમાજના સ્થાપિત આગેવાનો મોં વકાસીને જોતા રહ્યા અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં એ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજોની હરોળમાં બેસીને પક્ષમાં પાટીદાર સમાજનો ચહેરો બની રહ્યો. પોતે ચૂંટણી ન લડી શક્યો, પણ પોતાના સાથીઓને ટિકીટ અપાવીને લડાવી શકે એટલે તાકાતવર બની ગયો.

જાહેરજીવનની આ સાત અને કોંગ્રેસના નેતા તરીકેની ચાર-સાડા ચાર વર્ષની કરિયરની હાર્દિક પટેલની સફરમાં એને અપેક્ષા કરતાં ઘણું મળ્યું અને સાથે સાથે ઘણું ગમાવ્યું ય ખરું. અમદાવાદ જિલ્લાના વીરમગામ તાલુકાના ચંદ્રનગરી જેવા નાનકડા ગામમાં 1993માં જન્મેલા આ યુવાને બીજા નેતાઓને ઇર્ષા આવે એ હદે ખૂબ નાની વયે રાજકારણમાં પોતાની જાતને ઉંચા પદે મૂકી દીધી. કોંગ્રેસમાં બીજા યુવાનોને જ્યાં પહોંચવા માટે માથે ધોળા આવી જાય ત્યાં, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદે, એ ઉંમરની પચીસીએ જ પહોંચી ગયો. મમતા બેનરજી અને નિતિશકુમારથી માંડીને શરદ પવાર જેવા નેતાઓ સાથે સ્ટેજ પર બેસતો થઇ ગયો. આંદોલનકારી તરીકે બાળાસાહેબ ઠાકરેના શિવસૈનિક બોલે એવી ભાષા બોલનાર હાર્દિક રાજકારણમાં જોડાયા પછી થોડીક સંયમિત ભાષા બોલતો થયો, આંદોલન પછી ફક્ત પાટીદારોના અન્યાયની વાત પડતી મૂકીને એ સમાજના દરેક વર્ગ માટે બોલતો થયો, પણ ગુજરાતના રાજકારણમાં એના એકેએક નિવેદનની નોંધ લેવાતી રહે એવું સ્થાન એ ચોક્કસ મેળવી ચૂક્યો હતો.

એક વાતની નોંધ લેવી પડે. ગુજરાતમાં પાટીદારોને અનામત ન મળી, પણ ગરીબ સવર્ણોને ઉચ્ચ અભ્યાસમાં પડતી મુશ્કેલી, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ઉંચી ફી ભરીને થાકેલા સવર્ણ મધ્યમ વર્ગ માટે જે બીન-અનામત આયોગ બન્યું અને મુખ્યમંત્રી સહાય યોજના અમલમાં આવી, આર્થિક રીતે નબળા વર્ગ માટે એડમિશનમાં અનામતની જોગવાઇ અમલી બની એ માટે તમારે હાર્દિક પટેલને ક્રેડિટ આપવી જ પડે. એના આંદોલનના પગલે જ સરકાર આમ કરવા મજબૂર બનેલી એ હકીકત છે. જો હાર્દિકે આ આંદોલન ન કર્યું હોત તો આર્થિક રીતે નબળા સવર્ણોનો આ પ્રશ્ન ક્યારેય સપાટી પર આવ્યો જ ન હોત અને સરકાર આર્થિક અનામતના આ મુદ્દાને સામેથી ક્યારેય અડી જ ન હોત! નો ડાઉટ, ક્રેડીટ ગોઝ ટુ હાર્દિક પટેલ.

પણ ત્યાં સુધીમાં હાર્દિક પટેલ આ બધા મુદ્દાઓને છોડીને રાજકારણમાં ક્યાંય આગળ નીકળી ચૂક્યો હતો. અનામત આંદોલનના અમુક સાથીદારો કાં તો એને છોડીને જતા રહ્યા, કાં તો હાર્દિકે એમને છોડી દીધા. 2015માં સાવ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતા હાર્દિક પટેલની લાઇફસ્ટાઇલ સાવ ટૂંકાગાળામાં બદલાઇ ગઇ. એની આર્થિક પ્રગતિ બધાની નજરે ચડતી ગઇ. સેક્સ સીડીકાંડને લઇને એના પર આક્ષેપો થયા. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદે રહેવા છતાં કોંગ્રેસમાં એનું ખાસ પ્રદાન ન રહ્યું. ન તો કોંગ્રેસમાં એ નવા યુવાનોને જોડીને કોઇ પરિવર્તન લાવી શક્યો. આ બાબતમાં કોંગ્રેસના નેતાઓ વધારે જવાબદાર છે કે હાર્દિક પોતે એ અલગ ચર્ચાનો વિષય છે, પણ રાજકારણમાં પ્રવેશીને હાર્દક પટેલ બીજા રાજકારણીઓ જેવો જ રાજકારણી બની ગયો.

કોંગ્રેસ છોડ્યા પછી હવે ભાજપમાં જવું કે આમ આદમી પાર્ટીમાં જોડાવું કે પછી રાજકીય જીવનમાં શું કરવું-શું ન કરવું એ નક્કી કરવાનો એને સંપૂર્ણ અધિકાર છે, પણ જો એ ભાજપમાં જોડાય છે તો જીએમડીસી ગ્રાઉન્ડની ઘટના પછી જે ભાજપના નેતાઓ સામે હાર્દિકે બેફામવાણી વિલાસ કર્યો છે, જે ભાજપ શાસકોના નિર્ણયોની આકરી ટીકા કરી છે એ જ ભાજપના નેતાઓના મોંફાટ વખાણ કરવા પડશે અને રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જ એ વિશ્વસનિયતા ગુમાવશે. રાજકીય પ્રગતિ માટે કોંગ્રેસમાં એની સામે જે આંતરિક પડકારો હતા એના કરતાં અનેકગણા પડકારો એની સામે ભાજપમાં હશે.

હા, એ જો આમ આદમી પાર્ટીમાં જોડાય છે તો એનું રાજકીય ભાવિ આગામી વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી જ નક્કી થઇ જશે.

2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતના રાજકારણમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી નામના ત્રણ યુવાનોનો પ્રવેશ થયો હતો અને એ ચૂંટણીમાં આ ત્રણેય કેન્દ્રસ્થાને હતા. એમાંથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇને આજે પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા મથે છે, જિજ્ઞેશ મેવાણી કોઇ ઉતાવળ કર્યા વિના પોતાને લાંબી રેસનો ખેલાડી પૂરવાર કરી રહ્યો છે અને ક્રિકેટનો જબરદસ્ત શોખીન હાર્દિક પટેલ રાજકારણના ગ્રાઉન્ડમાં પહેલી ઇનિંગ પૂરી કરીને બીજી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય શતરંજમાં આ ખેલાડી બને છે કે મહોરું એ પણ આ ઇનિંગમાં નક્કી થઇ જશે. રાજકારણનો આ જ તો ખેલ છે!

(કેતન ત્રિવેદી)