ન્યૂ ઇન્ડિયાનો નવો લાલ કિલ્લો!

15 ઓગસ્ટ આવી ગઇ છે. સ્વાતંત્ર્ય દિવસની આ સવારે દેશ આખાનું ધ્યાન એક જ જગ્યા પર હોય છેઃ દિલ્હીના લાલ કિલ્લા પર. 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લાના લાહોરી ગેટ પરથી તિરંગો ફરકાવ્યો ત્યારથી લઇને આજ સુધી આ ઐતિહાસિક દિવસે, આ ઐતિહાસિક સ્થળે વડાપ્રધાન તિરંગો ફરકાવે છે, અને રાષ્ટ્રજોગસંબોધન કરે છે.

પરંતુ સ્વતંત્ર ભારતના સાર્વભૌમત્વ અને સત્તાનું પ્રતીક બની રહેલા આ લાલ કિલ્લાનું મહત્વ ફક્ત આટલું જ નથી. પાંચમા મુઘલ સમ્રાટ શાહજહાંએ સત્તરમી સદીમાં, ઇ.સ. 1638માં પોતાની રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડી અને 1639માં લાલ કિલ્લાનું નિર્માણ શરૂ કર્યું એ પછીથી એ મુઘલ શાસન અને મુઘલ સ્થાપત્યનું પ્રતીક બની રહ્યો છે, પણ સ્વતંત્રતા પછી ઇતિહાસ-સ્થાપત્યના સંશોધકો-વિદ્વાનોની સાથે સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ એ કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. દિલ્હીમાં કોઇ ફરવા આવે અને લાલ કિલ્લાની મુલાકાતે ન જાય એવું ન જ બને.

લાહોરી, મોરી, અજમેરી, તુર્કમાન, કશ્મીરી જેવા ગેટ (દરવાજા) ઉપરાંત દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, તશીબખાના અને બક્ષબાગ જેવાં લાલ કિલ્લાના પરંપરાગત આકર્ષણોમાં હવે ઉમેરો થયો છે રેડ ફોર્ટ સેન્ટર અને જયહિંદ સાઉન્ડ-લાઇટ શોનો. જૂલાઇ 2022 માં રેડ ફોર્ટ સેન્ટર અને હમણાં જાન્યુઆરી 2023માં સાઉન્ડ-લાઇટ શોનું ઉદઘાટન થયા પછી આ પ્રાચીન વિરાસતે જાણે નવા રંગ-રૂપ ધારણ કર્યા છે.

તમને યાદ હોય તો વર્ષ 2018માં કેન્દ્ર સરકારે હેરીટેજ સ્થાપત્યોની જાળવણી-સંવર્ધન માટે પ્રવાસન મંત્રાલય અને આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા-એએસઆઇ સાથે ‘મોન્યુમેન્ટ મિત્ર’ એવી યોજના બહાર પાડી ત્યારે દિલ્હીસ્થિત જાણીતા ઉદ્યોગ જૂથ દાલમિયા ભારતને લાલ કિલ્લાની જાળવણી-સંવર્ધનનું કામ મળેલું. આ માટે નરેન્દ્ર મોદી સરકાર હવે દેશની કિંમતી ધરોહર ખાનગી ઉદ્યોગોને વેચી રહી છે એ મતલબનો બહુ મોટો વિવાદ પણ થયેલો.

પરંતુ એ યાદ રહે કે દાલમિયા ભારત જૂથ પાસે લાલ કિલ્લાની જાળવણીનું કામ છે, એનો કબજો નથી. સ્વતંત્રતા પછી છેક વર્ષ 2003 સુધી તો એનો કબજો ભારતીય લશ્કર પાસે જ હતો. એ પછી આ કિલ્લો એએસઆઇને સોંપવામાં આવ્યો. આજે પણ કિલ્લો એએસઆઇ પાસે જ છે, દાલમિયા ભારત જૂથ તો 2018 પછી જ ચિત્રમાં આવ્યું છે. જૂથના નવીદિલ્હીસ્થિત કમ્યુનિકેશન વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર પૂજા ભારદ્વાજ ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે કે, ‘અમારા માટે આ બિઝનેસ નથી. લાલ કિલ્લામાં જે કાંઇ પ્રકલ્પો ગ્રુપ દ્વારા હાથ ધરાયા છે એ ગ્રુપના સભ્યતા ફાઉન્ડેશનની સીએસઆર પ્રવૃત્તિનો ભાગ છે.’

આ પ્રકલ્પો એટલે રેડ ફોર્ટ સેન્ટર અને સાઉન્ડ-લાઇટ શો. કિલ્લામાં 19મી સદીમાં બ્રિટીશરોએ એક બેરેક બનાવેલી. જર્જરીત થઇ ચૂકેલી આ બેરેક બિલ્ડીંગનું પુરાતત્વીય અને પર્યાવરણના નિયમોનો ભંગ ન થાય એ રીતે રિસ્ટોરેશન (સમારકામ) હાથ ધર્યા પછી આ સેન્ટર બનાવવામાં આવ્યું છે. લાલ કિલ્લાની મુલાકાતે જતી વખતે તમે સૌ પ્રથમ આ સેન્ટરની મુલાકાત લ્યો એટલે આખો લાલ કિલ્લો શું છે અને એનું મહત્વ શું છે એનો ખ્યાલ આવી જાય.

સેન્ટરમાં અતિઆધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એને શક્ય એટલું ઇન્ટએક્ટીવ બનાવવામાં આવ્યું છે, જેથી આપણા જૂના-પુરાણા મ્યુઝીયમ જેવો કંટાળો ન આવે. પહેલા માળે જે પ્રદર્શની છે એ સફર, જિંદગી, તારીખ અને હમ એક હૈ એમ જૂદા જૂદા વિભાગમાં વહેંચી નખાયેલ છે. સફર વિભાગમાં લાલ કિલ્લા અને શાહજહાંએ શાહજહાંબાદ વસાવ્યું એ પહેલાંનું દિલ્હી કેવું હતું એની ઓડિયો-વિઝ્યુઅલ ઝાંખી મળે છે. જિંદગી વિભાગમાં આવો એટલે કિલ્લાનું સ્થાપત્ય, મુગલ પરિવારની રહેણીકહેણી અને પરંપરાઓની સાથે કિલ્લાની વૈભવી જીવનશૈલીનો અંદાજ મળે. તારીખ વિભાગમાં ભારતીય ઇતિહાસની કેટલીક મહત્વની ઘટનાઓ વિશે જાણવા મળે તો હમ એક હૈ વિભાગમાં રેડ ફોર્ટ ભારતના એક કિલ્લા તરીકે અને ભારતીય વિવિધતાની એકતાના પ્રતીક તરીકે સરસ રીતે દર્શાવાયો છે. અહીં તમે ભારતીય એકતા-સંવાદિતાનું અદભૂત આર્ટ ઇન્સ્ટોલેશન જોઇ શકો અને આ એકતા માટે શપથ પણ લઇ શકો એવી વ્યવસ્થા છે!

આ સેન્ટરમાં ફરતાં ફરતાં જ તમે કિલ્લાના મુખ્ય નવ સ્થળની મુલાકાત લેતા હો એવું અનુભવી શકો. ઓગમેન્ટેટેડ રિઆલિટીની મદદથી ફોટોગ્રાફ લઇ શકો અને જાણે એ જ સ્થળ, એ જ કાળમાં તમે વિહરી રહ્યા હો એવું ફીલ કરી શકો.

એ પછી ડિસેમ્બર, 2022થી અહીં માતૃભૂમિ નામે એક નવો શો ઉમેરાયો છે. પ્રોજેક્શન મેપિંગની મદદથી આ શો મુલાકાતીઓને પ્રાચીન હરપ્પનકાળથી શરૂ કરીને વેદિક યુગ, મૌર્ય-ચૌલા અને ગુપ્તા વંશના ભારતની ઝલક આપે છે. સ્પિરિચ્યુઆલિટી, ફિલોસોફી, ગણિત, વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં ભારતે કરેલી પ્રગતિનો અહેસાસ પણ આ શો કરાવે છે. સાથે સાથે ભારતીય હોવાનું ગૌરવ પણ થાય.

લાલ કિલ્લામાં ઉમેરાયેલું છેલ્લું નવું નક્કોર આકર્ષણ એટલે જયહિંદ સાઉન્ડ એન્ડ લાઇટ શો. આમ તો અગાઉ પણ અહીં સાઉન્ડ-લાઇટ શો હતો, પણ મર્યાદિત અર્થમાં. આ શોમાં સત્તરમી સદીથી લઇને અત્યાર સુધીના ભારતના ઇતિહાસનું કલાત્મક ચિત્રણ રજૂ કરાયું છે. પ્રોજેક્શન મેપિંગ, ફિલ્મ્સ, સાઉન્ડ ઇફેક્ટ, સ્ટેજ પર કલાકારોનું જીવંત પરફોર્મન્સ, નૃત્ય અને પપેટ્રી જેવા કલાના વિવિધ માધ્યમોનું યોગ્ય સંયોજન અહીં અદભૂત રીતે કરવામાં આવ્યું છે. દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચેનું યુધ્ધ, મરાઠા સામ્રાજ્યનો ઉદય અને લાલ કિલ્લા પર એમનો કબજો, ઇ.સ. 1857નો વિપ્લવ, સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી ભારતે સતત સાધેલી પ્રગતિનું સરસ નિરુપણ કરાયું છે એમાં.

આ શોનું સૌથી મોટું આકર્ષણ એ છે કે એની કમેન્ટરી માટે અવાજ અમિતાભ બચ્ચને આપ્યો છે. વિખ્યાત નૃત્યાંગના અને કોરિયોગ્રાફર મૈત્રેયી પહારીએ ડિરેક્ટ કરેલા આ શોમાં વક્ત એટલે કે સમયની ભૂમિકામાં બચ્ચનસા’બ દર્શકોને નોબતખાના, દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસમાં ખેંચી જાય છે અને પછી પપેટ્રી આર્ટીસ્ટ તમારી સામે ઇ.સ. 1648માં લાલ કિલ્લાનું ઉદઘાટન થયું એ દ્રશ્ય ખડું કરે છે. કથક નૃત્ય તમને એ જમાનાની ઉજવણીમાં ખેંચી જાય છે, તો એ પછી સ્ટેજ પર તમારી સામે દીવાન-એ-ખાસ જીવંત થાય છે. વાયોલિનવાદક શરદચંદ્ર શ્રીવાસ્તવનું સંગીત, પપેટિયર દાદી પુદુમજી સહિત સાંઇઠ કલાકારો એક કલાકના આ શોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દે છે. જાન્યુઆરી, 2023માં જ ગૃહમંત્રી અમિત શાહે આ શોનું ઉદઘાટન કર્યું હતું.

દાલમિયા ભારતના મેનેજિંગ ડિરેક્ટર પુનિત દાલમિયા કહે છે, ‘કલાકારોના જીવંત પરફોર્મન્સ અને હાઇ-ટેક પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજીના સમન્વયથી બનેલો ભારતની કોઇપણ હેરીટેજ સાઇટ પરનો આ પહેલો શો છે. ભારતના સમૃધ્ધ અને ગૌરવશાળી ઇતિહાસનું જીવંત નિદર્શન કરતો આ શો જોવા હું ખાસ કરીને દેશની સ્કૂલોના વિદ્યાર્થીઓને અપીલ કરું છું.’

અફકોર્સ, લાલ કિલ્લાની એન્ટ્રી ફી ચૂકવ્યા પછી તમારે આ સેન્ટર કે શો જોવા માટે અલગથી ફી ચૂકવવી પડે છે, પણ આ આવકમાંથી અમુક રકમ એએસઆઇને ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીની રકમ એની જાળવણી-સંભાળ પાછળ ખર્ચવામાં આવે છે.

વેલ, આપણે ત્યાં એએસઆઇ હેઠળ આવતી મોટાભાગની હેરીટેજ સાઇટ્સની સ્થિતિ વિશે કાંઇ કહેવા જેવું તો નથી જ. બજેટ અને દેખભાળ ઉપરાંત નવી આઇડિયાઝના અભાવે સરકારી પેન્શન (એટલે કે ગ્રાન્ટ)થી નભતી આ સાઇટ્સ સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ બેનમૂન હોવા છતાં ઉકરડાઓ સમાન રહી ગઇ હતી. આ સંજોગોમાં એનું ટેકનોલોજીની મદદથી નવીનીકરણ થાય અને પ્રવાસીઓ આવતા થાય તો એમાં ખોટું નથી.

વાત જ્યાં સુધી લાલ કિલ્લાની છે, તો લાલ કિલ્લો એ ફક્ત હેરીટેજ સાઇટ કે ફરવાનું સ્થળ નથી. એ ભારતની સ્વતંત્રતા અને શૌર્યનું પ્રતીક છે. એમાં સ્થાપત્યકલા ઉપરાંત એવું કાંઇક તત્વ છે, જે એને અન્ય પુરાતત્વીય સ્થાપત્યોથી અલગ ઓળખ આપે છે.

કદાચ એટલા માટે જ લાલ કિલ્લા માટે કવિઓએ ગાયું છેઃ

‘મેરા લાલ રંગ હિન્દ કે શહીદોં કી કુરબાની હે, મેરી શિખા પે લગા તિરંગા વીરોં કો મેરી સલામી હે
હિન્દ દુલારોં લાલ રંગ મેરા આબાદ હી રહને દો, દીવારોં પર કાલિખ મત પોતો મુજકો આઝાદ હી રહને દો
મૈં લાલ કિલા હૂં સિંઘાસન નહીં રાજ દરબારોં કા, મૈં પ્રતીક હૂં માતૃભૂમિ કા, ભારત કે રાજ દુલારોં કા...’

ચાલો ત્યારે, લાલ કિલ્લા પરથી સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ!

  • કેતન ત્રિવેદી (નવી દિલ્હી)

લાલ કિલ્લાના સાઉન્ડ-લાઇટ શોની એક ઝલક માટે કરો ક્લિકઃ