શું વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર માત્ર ડરાવવા માટે જ છે?

સંસ્કૃતિ શબ્દની વ્યાખ્યા ક્યારે બદલાય? જયારે સંસ્કૃતિના પરિમાણો બદલાવા લાગે. એક સાવ કોરા સફેદ વસ્ત્ર પર જાત જાતના રંગો ચડવા લાગે. અને અંતે પોત કેવું હતું એ શોધવાનું અશક્ય થઇ જાય. નવું પોત લઇ લેવું કે પછી જુના પોત ને જ ફરી કોરું બનાવવું એની દ્વિધામાં જીવતી વ્યક્તિ રંગબેરંગી પોત પર અવનવા અખતરા કરતી રહે. અને પોત સફેદીથી વંચિત થતું રહે. વળી જેમના મનમાં જે આવે એવા સૂચનો પણ આપતા રહે. જાણે મૂળ પોત એમણે પોતે જ ન બનાવ્યું હોય.

એક વાર અવનવા રંગે રંગાયેલું પોત પાછુ સફેદ થાય ખરું? વિચાર અદ્ભુત છે પણ એવો વિચાર કોઈ કરે છે ખરું? કે પછી સારા દેખાવા માટે રોજ નવા રંગે રંગાવું એ જ જીવન ક્રમ બની જાય છે? જીવનમાં અવનવા રંગો ચડે તો જીવન રંગીન બને પણ સંક્સ્કૃતિ પર અવનવા રંગો ચડે તો શું થાય? ફરી સંસ્કૃત સમયની સચ્ચાઈ સમજવી જ પડે. પણ શું એના માટે સમય છે ખરો? માત્ર તાળીઓ પાડવાથી પતિ જાશે ખરું?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપણે પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: એક ફિલ્મ આવી છે. લસ્ટ સ્ટોરીઝ. મને એમાં કોઈ સ્ટોરી જેવું ન લાગ્યું. પણ એમાંની વાર્તાઓ આપણી સંસ્કૃતિ માટે ઘાતક લાગી. એક વાર્તામાં એક દીકરીની દાદી એને સમજાવે છે કે જે પુરુષ સાથે શરીર મળે એની સાથે જ લગ્ન કરાય. પછી એ દીકરી જે છોકરો જોવા આવ્યો છે એની સાથે અલગ અલગ જગ્યાએ ટ્રાયલ લે છે. અને અંતે કહે છે કે હવે એ આકર્ષણ ઉભું થઇ ગયું છે. માનો કે પહેલા છોકરામાં એ સંતોષ ન મળ્યો. તો કેટલા ટ્રાયલ લેવાના? દીકરીની માનસિક સ્થિતિ, એનું સ્વાસ્થ્ય વિગેરેનો વિચાર જ નહિ. અન્ય એક વાર્તામાં કર્મના સિદ્ધાંતને પડકારવામાં આવ્યો છે. ચાર માંથી એક વાર્તા તો યાદ પણ નથી. આવી ફિલ્મની સફળતા આપણા સમાજની અભિરુચિ દર્શાવે છે. જે ફિલ્મનો વિરોધ કરવાનો હોય એ જ ચાલે છે. આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? આપણી સંસ્કૃતિ શું માત્ર કાગળ પર જ છે? ઘરે ઘરે વ્યસન આવી રહ્યું છે. શું આવી પ્રજા ભારતનું ભવિષ્ય નક્કી કરશે?

જવાબ: સત્યની સમજણ હોવી અને ગમતી વાતને સત્ય માની લેવી એ બંનેનો ભેદ જયારે સમજાય ત્યારે સમાજને સાચી દિશા મળે છે. ફિલ્મો જોઇને જીવનના નિયમો ન બનાવાય. પણ હવે તો રીલ્સ પણ લોકોને જીવનના પાઠ ભણાવે છે. ટૂંકમાં ઊંડાણમાં જવાનો રસ ઓછો થઇ રહ્યો છે. મન મળે કે ન મળે શરીર મળવું જોઈએ એ કલ્પના કેટલી ઘાતક છે? અને જો શરીર ન રહ્યું તો? તો નવું શરીર? ભૂખ અને પ્રેમની સમજણ વિનાની વાત પણ ચાલી જાય છે. જો મન મળેલા હોય તો અર્ધા શરીર વાળી વ્યક્તિ સાથે પણ જીવન પસાર થઇ જાય. જે વ્યક્તિના જીવનસાથીની અન્ય જગ્યાએ નોકરી હોય એમનું શું? અમને શરીરની ભૂખ જાગે તો શું થાય? આપની ચિંતા યોગ્ય છે. મોર્ડન દેખાવાની ઘેલછામાં આપે આપણાપણાને ભૂલી રહ્યા છીએ. રીલ્સ બનાવવામાં વ્યસ્ત વડીલો પાસે સંસ્કાર આપવાનો સમય ઓછો થઇ રહ્યો છે. અને દિશાહીન યુવાનો એજ રીલ્સ માંથી સંસ્કાર અને સંસ્કૃતિ શોધી લે એવું પણ બને. કોઈ પણ કાયદો કે વ્યવસ્થા આમાં મદદરૂપ નહિ થાય. દરેક વ્યક્તિ પોતે પોતાની જવાબદારી સમજવા લાગશે ત્યારે જ કોઈ ચમત્કારની અપેક્ષા રાખી શકાશે. બસ આપના જેવા વિચારો ધરાવતા લોકો સમાજમાં વધતા રહે.

સવાલ: હું એક ગ્રુપમાં છું. એમાં જ્યોતિષ અને વાસ્તુના વિદ્વાનો વિમર્શ કરતા રહે છે. કોઈ પણ વિષય પર વાત થાય, અંતે ડરાવવાની વાત જ આવે. શું આપણા વિષયો માત્ર ડરાવવા માટે જ છે?

જવાબ: એ ગ્રુપમાં સાચું જ્ઞાન ધરાવતા લોકો કેટલા છે? જે વિષય જીવન સાથે જોડાયેલા છે. એની માહિતી સાવ મફતમાં ? અને એ પણ એવા લોકોના ગ્રુપ પાસેથી જેમના જ્ઞાન વિષે આપને કોઈ માહિતી જ નથી? તમે કોઈ ડોક્ટરોના એવા ગ્રુપમાં નહિ હો એવી ઈશ્વરને પ્રાર્થના. જીવનની ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે વિષય બન્યા છે એ વિષય ને સમજવા માટે પણ આવા ગ્રુપમાં જોડાવું પડે? કે પછી જેમ સ્વસ્થ રહેવા સાચા ડોક્ટરને શોધવામાં આવે છે એવું જ કાઈ કરવું પડે?

સુચન: વાસ્તુશાસ્ત્ર જીવનની ઉર્જા સાથે જોડાયેલો વિષય છે. એના માટે સલાહકાર નિષ્ણાત હોય એ ખુબ જરૂરી છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)