વાસ્તુ: ભારતીય વાસ્તુમાં દરેક દિશાનું મહત્વ

ઈશ્વર ક્યાં મળે? શું ઈશ્વરને પણ ખરીદી શકાય? શું ઈશ્વરના દરબારમાં સફળ માણસો માટે જ જગ્યા છે? આવા સવાલો સાંભળવા મળે ત્યારે મનમાં વિચાર આવે કે જેણે જગતનું સર્જન કર્યું છે, જે જગતનો આધાર છે, જે જગતના કણ કણમાં છે એના માટે પણ હવે સવાલો ઉદ્ભવે છે? એના માટે જવાબદાર કોણ? કેટલીક ગેરમાન્યતાઓ? કેટલાક તુક્કાઓ? કેટલાક ભૌતિક્તાવાદી વિચારો? અને કેટલાક કહેવાતા વિચારકો? કે પછી આપણે સહુ જેમણે પહેલા કોઈ સવાલો ન કર્યા અને હવે વિમાસણમાં જીવી રહ્યા છીએ. વાયરસ દેખાતો ન હતો પણ એ બધાને મહિનાઓ સુધી ઘરમાં પૂરી રાખવા માટે સક્ષમ હતો. એ જ રીતે ઈશ્વરને અનુભવાય. એને માત્ર આકારોમાં શોધવા ન જ જવાય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપણે પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શ્રાવણ મહિનો શરુ થઇ ગયો. જે લોકો પાસે પૂજા આરાધના માટે સહેજ પણ સમય નહતો, એ અચાનક મંદિરોની લાઈનોમાં દેખાવા લાગ્યા છે. જેમને સાચી શ્રદ્ધા છે એ લોકોને પણ એમના લીધે લાઈનમાં ઉભા રહેવું પડે છે. શું એક મહિનો આવું કરવાથી ઈશ્વર મળી જશે? વળી કેટલાક લોકો તો જાણે ફોટા પાડવા જ આવ્યા હોય એવું લાગે છે. એક ભાઈ વિડીઓ લેતા લેતા લાઈનમાં ચાલતા હતા એના લીધે બધાને અગવડ પડતી હતી. આવું કરવામાં કઈ આસ્થા હોય છે? વળી પ્લાસ્ટીકની થેલી માંથી સીધા જ ઉભા ઉભા દુધનો અભિષેક કરતા લોકો પણ જોવા મળે છે. કોઈ ફોર્માલીટી પૂરી કરતી ભીડ ભગવાનને શું સમજે છે? શું આવું કરવાથી મનોકામના પૂરી થઇ જશે? વળી મંદિરમાં ગાર્ડ ઉભા હોય છે. એ ચાલો ચાલો ની રાડારાડ કરતા હોય. દર્શન થયા પણ ન હોય ત્યાં ખસેડી દે. ખરેખર ઈશ્વર ક્યાં મળે એ સમજાવશો.

જવાબ: આપની અકળામણ સમજી શકાય તેમ છે. ઈશ્વર ક્યાં નથી? ઈશ્વર તો સર્વશ્વ છે. ભારતમાં કર્મના સિદ્ધાંતની વાત કરવામાં આવી છે. સત્કર્મો થકી પણ ઈશ્વર પ્રાપ્ત થઇ શકે છે. માત્ર મનને મનાવવા દેવસ્થાનમાં જવાનો અર્થ નથી. સાચા માંથી યાદ કરવાથી પણ ઈશ્વર મળે છે. ઈશ્વર આપણી અંદર પણ છે. આપણો આત્મા એ પરમાત્માનો અંશ છે. આત્માને ગમતું કરો. ઈશ્વર મળી જશે.

સવાલ: હું ખુબ જુનો વાચક છું. મારા ઘરમાં ઈશાનમાં સંડાસ આવે છે. તો એનું સમાધાન આપશો.

જવાબ: આપ જુના વાચક છો તેથી આપને ખબર હશે કે સાચી રીત એ છે કે આખા મકાનને સમજી અને વાસ્તુના નિર્ણયો લેવાય. એક એક જગ્યાનો દોષ જોઈ અને એનું નિરાકરણ લાવવાથી આખા વાસ્તુની ઉર્જા સકરાત્મક ન જ થઇ શકે. ઇશાન એટલે હૃદય સાથે જોડાયેલી દિશા. એની નકારાત્મકતા હ્રદયની લાગણી અને એની ક્ષમતાને અસર કરે. તેથી જ જો સમગ્ર મકાનની માહિતી મળે તો વધારે સારું નિરાકરણ આપી શકાય.

સુચન: ભારતીય વાસ્તુમાં દરેક દિશાનું સામાન મહત્વ છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)