છત્તીસગઢમાં માયા(વતી) અને (અજિત) જોગીઃ કોનો સંસાર બગડશે?

ટોકટી પછી ઇન્દિરા ગાંધીને હરાવવા માટે બધા જ પક્ષો એકઠા થઈ ગયા હતા. એક જ લક્ષ્ય હતું કે કોંગ્રેસને હરાવવી. તેના કારણે ભાજપના પૂર્વાવતાર જનસંઘને પણ જનતા મોરચામાં સ્વીકારી લેવાયો હતો. હકીકતમાં આવો મોરચો તૈયાર થાય તેમાં જનસંઘ અગ્રણી ભૂમિકા પણ ભજવી હતી. તે વખતે તે હજી રાષ્ટ્રીય પક્ષ બન્યો નહોતો, પણ બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતો હતો. એવી જ કંઈક સ્થિતિ હાલમાં દેશમાં છે. કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ ના રહે તેવી સ્થિતિ છે. તેથી તેની મહત્ત્વાકાંક્ષા ફરીથી પોતાનું સ્થાન રાષ્ટ્રીય સ્તરે મજબૂત કરવાની છે. તે માટે તે જુદા જુદા પક્ષોને એકઠા કરીને ભાજપને હરાવવાના એક માત્ર ઉદ્દેશથી ગઠબંધન કરવા માગે છે.ફરક એટલો છે કે તે વખતે કોંગ્રેસ શક્તિશાળી હતી અને સામે કોઈ જ રાષ્ટ્રીય પક્ષ નહોતો. કોંગ્રેસની ત્યારે પડતી કળા હતી, જ્યારે અત્યારે ભાજપની ચડતી કળા છે. ત્યારે પ્રાદેશિક પક્ષો માંડ માંડ કોંગ્રેસને તોડીને તૈયાર થઈ રહ્યા હતા. અત્યારે પ્રાદેશિક પક્ષો અનેક ચૂંટણીઓ લડીને અનુભવી અને પીઢ થઈ ગયા છે. રાજ્યમાં જ રહીને રાષ્ટ્રીય કક્ષાએ ભૂમિકા ભજવવાની મહત્ત્વાકાંક્ષાઓ પ્રાદેશિક પક્ષોની પણ છે.

તેથી આ વખતે મહાગઠનબંધન કરવું હોય તો નવેસરથી વિચારવાનું રહે. બીજું ત્યારે કોંગ્રેસ જૂની આદતને કારણે અહમમાં હતી અને મોરચો ઊભો ના થાય તે માટે કોઈ કોશિશ કરી નહોતી. સરકાર બની ગઈ પછી તેને તોડી પાડ્યો હતો તે જુદી વાત છે, પણ અગાઉથી મોરચો બને જ નહીં તે માટે કોઈ કોશિશ કરી નહોતી. ભાજપ એવા કોઈ અહમમાં નથી અને માંડ માંડ કેન્દ્રમાં સત્તા મળી છે, ત્યારે કોઈ પણ ભોગે તેને ગુમાવવાની નથી તેનો જોશ છે. તેથી અત્યારથી જ મોરચો તૈયાર ન થાય તેના ભરપુર પ્રયાસો થઈ રહ્યા છે.

આ જ પ્રયાસોના ભાગરૂપે સીધી રીતે કે આડકતરી રીતે એવી સ્થિતિ ભાજપ સર્જી રહ્યું છે કે મોરચા આડે મુશ્કેલીઓ આવતી રહે છે. કોંગ્રેસના છત્તીસગઢના જૂના નેતા અજિત જોગી પક્ષમાં રહીને અકળાયા કરતા હતા. બે વર્ષ પહેલાં તેમણે પક્ષ છોડી દીધો હતો. હવે તેઓ આગળ આવ્યા છે અને અલગ પક્ષ બનાવીને ચૂંટણી લડવા તૈયાર થયા છે. તેમની સાથે ગઠબંધનની જાહેરાત માયાવતીએ કરી દીધી છે.છત્તીસગઢમાં એક જ મંચ પર અજિત જોગી અને માયાવતીને જોઈને સૌ ચોંક્યા હતા. કોંગ્રેસે આક્ષેપો કરવાનું શરૂ કર્યું છે કે અમિત શાહે પાછલા બારણેથી અજિત જોગીને ઊભા કર્યા છે અને તેમના દ્વારા માયાવતીને લલચાવ્યા છે. વાત સાચી હોય કે ખોટી, કોંગ્રેસે પોતાની રીતે વિચારવાનું જરૂરી છે તે વિચાર્યું નથી. છત્તીસગઢમાં માયાવતીએ અલગ ચોકો માંડીને કોંગ્રેસને ચેતવણી આપી દીધી છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વધારે બેઠકો નહિ આપો તો પોતે પોતાની રીતે ચાલશે.

કોંગ્રેસને આ ભારે પડી શકે છે. લોકસભાને હજી વાર છે, અત્યારે વિધાનસભામાં જ કોંગ્રેસની ગણતરીઓ આના કારણે ઊંધી પડી શકે તેમ છે. છત્તીસગઢમાં ભાજપ ત્રણ વખતથી જીતતું આવ્યું છે. બંને પક્ષો વચ્ચે બેઠકો અને મતોની ટકાવારીનો મોટો ફરક નથી. પણ આ એકથી ચાર ટકાના મતો જ હાર જીત નક્કી કરે છે, પણ કોંગ્રેસ એટલી સુક્ષ્મ ગણતરી કરી શકતું નથી.

2003થી જ કથાનો આરંભ થયો હતો. કોંગ્રેસમાંથી અલગ થયેલા શરદ પવારની પાર્ટી એનસીપીએ સાત ટકા મતો તોડ્યા અને તે સાથે જ ભાજપ અઢી ટકા વધારે મતોથી જીતી ગયું. (ભાજપ – 39.26, કોંગ્રેસ 36.71). તે વખતે બીએસપીના પણ પોણા પાંચ ટકા મતો હતા. બીએસપી 4થી 6 ટકા મતો સતત મેળવતું આવ્યું છે. આ મતો કોંગ્રેસ માટે સત્તાનો રસ્તો બની શકે છે, પણ તે માટે બીએસપીને મોટી કિંમત ચૂકવવી પડે તેમ છે. બીજી ચૂંટણીમાં એનસીપી નીકળી ગયું હતું, પણ બીએસપીના મતો વધીને 6 ટકા થયા હતા. આ વખતે બંને પક્ષોના મતો વધ્યા અને ભાજપ માત્ર દોઢ ટકા વધારે મતોથી જીત્યું (ભાજપ – 40.33, કોંગ્રેસ 38.68). 2013માં હવે અપક્ષ વત્તા બીએસપી (4.3) સાડા નવ ટકા મતો લઈ ગયા તેથી બંને પક્ષો વચ્ચેનો મતોનો તફાવત માત્ર પોણો ટકો જ રહી ગયો (ભાજપ – 41.00, કોંગ્રેસ 40.30). છેલ્લી ત્રણેય ચૂંટણીમાં બંનેની બેઠકોની સંખ્યા પણ સમાન જ રહી છે – ભાજપ – 50, 50 અને 49; કોંગ્રેસ – 37, 38, 39.મતોની કુલ ટકાવારી પ્રમાણે બેઠકો ગણી લેવાથી ભૂલ થવાની સંભાવના રહે છે. એટલે સીધું ગણીત એવું ના મંડાય કે બીએસપીને એવરેજ ચાર ટકા મતો કોંગ્રેસને મળવાથી કોંગ્રેસ જીતી જશે. પરંતુ આટલી નીકટની લડાઈમાં સમજૂતિ કામ આવે છે. કેટલીક બેઠકો બહુ ઓછા માર્જિનથી ગુમાવી હોય ત્યાં ફરક પડે છે. બીજું મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ લગભગ આવી જ સ્થિતિ છે તેથી કોંગ્રેસ યેનકેનપ્રકારેણ ભાજપ વિરુદ્ધ મોરચો બનાવવા માગતું હોય તો જુદી રીતે વિચારવું પડે.1977માં જનસંઘે પોતાની ઓળખ અને વિચારધારાને પડતી મૂકીને માત્ર રાજકીય ગણતરી કરી હતી. કોંગ્રેસે તે શીખવું પડે તેમ છે. પોતે માત્ર નામનો જ રાષ્ટ્રીય પક્ષ છે તે સ્વીકારવું પડે અને પ્રાદેશિક પક્ષને જરાય મદદ નહીં કરવાની વિચારધારા છોડવી પડે. પોતાના ભોગે પ્રાદેશિક પક્ષ મજબૂત થશે એવો અહમ છોડવો પડે. કદાચ મજબૂત થાય તો ટૂંકા ગાળે મજબૂત થવા પણ દેવો પડે. આગળ જતા પોતાના માટે રાષ્ટ્રીય કક્ષાએ ચેલેન્જ ઊભી થશે તેવું વિચારવાના બદલે પોતે અત્યારે રાષ્ટ્રીય પક્ષ રહી શકે તેવી સ્થિતિમાં જ નથી તેમ વિચારવું જરૂરી છે.

માયાવતીનો પક્ષ બીએસપી 35 બેઠકો પર લડશે, જ્યારે અજિત જોગીનો પક્ષ 55 બેઠકો લડવાનો છે. માયાવતીએ કહ્યું કે ગઠબંધન જીતશે તો અજિત જોગી મુખ્ય પ્રધાન બનશે. અજિત જોગીની ફરી મુખ્યપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષાનો લાભ લઈને માયાવતીએ કોંગ્રેસ પર દબાણ વધાર્યું છે. ભાજપના નેતાઓએ પણ અજિત જોગીની મહત્ત્વાકાંક્ષાને હવા આપી છે. આ બંને પક્ષો ભેગા મળીને છત્તીસગઢમાં સરકાર બનાવી લેશે તેવું બિલકુલ માનવાની જરૂર નથી. બીએસપી 2, 2 અને છેલ્લે 2013માં એક બેઠક જીત્યું હતું. આ ગઠબંધનથી તેની એકાદ બેઠક વધી શકે છે, જ્યારે અજિત જોગી પોતાની અને એકાદ ટેકેદારની બેઠક જીતી શકે છે. બંનેની મળીને ચાર બેઠકો હોય અને ભાજપ-કોંગ્રેસે ટેકો લેવાની સ્થિતિ આવે ત્યારે કર્ણાટક જેવું થશે, કે ગોવા – મણીપુર જેવું તે હવે ચૂંટણી પરિણામો પછી ખબર પડશે.