પ્રચાર મહારથી પ્રશાંત કિશોર હવે આ પક્ષમાં ઢળ્યાં છે ત્યારે…

માનો પ્રચારનો છે. તકલાદી અને નકામી વસ્તુને પણ પ્રચારના માધ્યમથી વેચી શકાય છે. રાજકારણમાં સૌથી વધુ પ્રચારનું માહાત્મ્ય છે. તમારે કામ પર નહીં, પ્રચાર પર વધુ ધ્યાન આપવાનું હોય છે. આમ પણ પોતાનો પ્રચાર વધારે કરી શકે તેવા જન્મજાત ગુણ ધરાવનારા જ નેતા બનતા હોય છે. પણ આ નેતાઓને પણ મદદ કરનારા કેવા નેતા બની શકે? એ હવે ખબર પડશે, કેમ કે રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારમાં મદદ કરનારા પ્રશાંત કિશોર પોતાનો પ્રચાર કરવામાં પણ એટલા જ કુશળ સાબિત થયા છે. નરેન્દ્ર મોદી પોતાના જોરે ચૂંટણી જીત્યા હતા, પણ પ્રશાંત કિશોર કહેવારાવ્યા કરતા હતા કે પ્રશાંત કિશોરના પ્રચારના કારણે 2014ની લોકસભાની ચૂંટણી જીતી શકાઈ. એથી જ નરેન્દ્ર મોદીએ તેમને રવાના કરી દીધા હતાં. નરેન્દ્ર મોદી પ્રશંસામાં પાર્ટનરશીપ પસંદ કરતા નથી.

નરેન્દ્ર મોદીએ હટાવ્યા એટલે પ્રશાંત કિશોર તેમના ઓરિજનલ દુશ્મન નીતિશકુમાર પાસે પહોંચ્યા. ભારતીય રાજકારણના સૌથી દંભી ચહેરામાંના એક નીતિશની નૌટંકીને કોઈ ના પહોંચે. નરેન્દ્ર મોદીનું નામ ભાજપમાં વડાપ્રધાનના દાવેદાર તરીકે આગળ થયું તે સાથે જ નીતિશકુમારે મોકો જોઈને ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો. પોતે બિહારમાં બહુ લોકપ્રિય છે એવા વહેમમાં તેઓ હતા. તેમની મહત્ત્વાકાંક્ષા કેન્દ્રમાં એનડીએની સરકાર આવે તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની હતી. અડવાણી સાથે રહીને આગળ વધવાની ગણતરી હતી, પણ અડવાણી જ પાછળ રહી ગયા એટલે નીતિશકુમાર આજે ફરીથી નરેન્દ્ર મોદીના ખોળામાં બેસી ગયા છે. દરમિયાન બિહારમાં તેમને ખ્યાલ આવી ગયો કે ભાજપના સાથ વિના સત્તા જાળવવી મુશ્કેલ છે. ત્રિપાંખીયો જંગ થાય તો કદાચ ભાજપ જીતી જાય અને નહી તો આરજેડી, પોતાના જેડી(યુ)નો નંબર ક્યાંય લાગે તેમ નહોતો. તેથી પ્રશાંત કિશોરે એ સૂચન આપ્યું, જે સામાન્ય કાર્યકર પણ આપી શક્યો હોત. જેડી (યુ) અને આરજેડી ભેગા થઈ જાય તો ભાજપ ઘરભેગું થઈ જાય. સવાલ એ હતો કે બંને પક્ષોને ભેગા કરવાનું કામ કરે કોણ અથવા તે માટે સમજાવટ કોણ કરે. પ્રશાંત કિશોરે અહીં પણ જશ ખાટ્યો છે કે તેમણે બંને પક્ષો વચ્ચે સમજૂતી કરાવી.

આ અમેરિકન પદ્ધતિનું માર્કેટિંગ છે, જેમાં સાદી વાતને બહુ વિદ્વતાપૂર્વક રજૂ કરવામાં આવે છે. સીધી રીતે વાત કરવાના બદલે કોન્ફરન્સ બોલાવવામાં આવે, સૌને આકર્ષક ફોર કલર પેજીસમાં પોઈન્ટ્સ આપવામાં આવે. તેમાં સવાલો હોય અને પછી કોન્ફરન્સની શરૂઆત કરી એક પછી એક સવાલનો જવાબ આપવામાં આવે. એ જવાબ જે પહેલાંથી બધાને ખબર જ હોય, પણ બહુ વિધિસર તેને રજૂ કરવામાં આવ્યો હોય એટલે તે સારો લાગે. પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવે. તેમાં ચાર્ટ્સ બનાવાયા હોય, ટકાવારી દેખાડાઈ હોય અને સંભવિત સિનારિયો દર્શાવાયો. ચાને રસોડામાં તૈયાર કરીને આપી દો તે સારી જ હોય, પણ તેના બદલે દિવાનખંડમાં રાઉન્ટ ટેબલની ફરતે મહેમાનોને બેસાડવાના, ખુરશીઓ પર નેપકિન મૂકવાના, ટેબલ પર ટેબલ ક્લોથ હોય, વચ્ચે ફૂલોનો ગુચ્છો મૂક્યો હોય. હવે ચા આવે તે પહેલાં પ્લાસ્ટિકનો નવો ક્લોથ પાથરવામાં આવે, પછી મોટી ટ્રે આવે, ટ્રેમાં વચ્ચે આકર્ષક બે કિટલી હોય, એકમાં ઉકાળેલી ચા હોય, એકમાં દૂધ હોય, સુગર ફ્રી અલગ હોય, ચાંદી જેવી લાગતી ચમચી હલાવવા માટે હોય.

ટૂંકમાં તમે સમજી ગયા. પ્રશાંત કિશોરે નીતિશ કુમાર અને લાલુ યાદવને ભેગા કર્યા અને ભાજપને પાઠ ભણાવ્યો. ત્યારબાદ કોંગ્રેસ સાથે પણ કામ કર્યું, પણ કોંગ્રેસ અદભૂત ચીજ છે. તેમના નેતાઓને બેસાડીને ઉપર વર્ણવેલું પ્રેઝન્ટેશન કરો તો કહેશે કે આ લઈ જાવ અને તૈયાર ચા લાવો. જમાનાના ખાધેલા કોંગ્રેસી નેતાઓએ પોતાની રીતે પંજાબ જીત્યું, પણ ઉત્તર પ્રદેશમાં પેલી સમજાવટ કામ ના આવી. એસપી અને બીએસપી માનવાના નહોતા એટલે પ્રશાંત કિશોર તેમને મનાવી શક્યા નહિ. હવે સંજોગોએ આપોઆપ એસપી અને બીએસપીને ભેગા કરી દીધા છે, ત્યારે વગર કોઈ સ્ટ્રેટેજીએ યુપીમાં ભાજપની બધી જ સ્ટ્રેટેજી નકામી થઈ જશે.

પ્રશાંત કિશોર પર પાછા ફરીએ. તેમને ખ્યાલ આવી ગયો કે માત્ર પ્રોફેશનલ તરીકે લાંબો સમય રાજકીય પક્ષો વચ્ચે કામ કરવું મુશ્કેલ છે. આખરે તેઓ જનતા દળ (યુ)માં જોડાઈ ગયા છે. નીતિશકુમારે પોતાના બંગલે નાનકડો કાર્યક્રમ કરીને કાર્યકર તરીકેની રસિદ ફાડીને પ્રશાંત કિશોરને આપી છે. મજાની વાત એ છે કે ભાજપ અને જેડી (યુ) હવે બિહારમાં દોસ્ત બની ગયા છે. આરજેડી આ દોસ્તી પછી ઉલટાનું મજબૂત બન્યું છે. લાલુપુત્ર તેજસ્વી તેજ ચાલ ચાલીને નીતિશ ચાચાના દંભને ખૂલો પાડી રહ્યા છે. નીતિશના દંભને ઢાંકવાનું કામ આ વખતે પ્રશાંત કિશોર માટે મુશ્કેલ બનવાનું છે.

પ્રશાંત કિશોર હવે જેડી (યુ)માં નેતા બન્યા છે, ત્યારે તેમણે પક્ષીય રાજકારણનો પણ સામનો કરવાનો રહેશે. મૂળ તો કિશોર પોતે પણ બિહારી છે. નીતિશે તેમને બિહારનું ભાવી ગણાવ્યું તેના કારણે પક્ષના કેટલાક સિનિયર નેતાઓના કાન ચમક્યા છે. પ્રશાંતને અપાતા મહત્ત્વથી બાકીના નેતાઓ સાવધ થઈ ગયા છે. રાજ્યસભાના સભ્ય આરસીપી સિંહ અત્યારે પક્ષમાં નંબર ટુ ગણાતા હતા. શરદ યાદવની વિદાય પછી નીતિશકુમાર એકહથ્થુ શાસન ચલાવી રહ્યા છે, પણ આરસીપી ધીમે ધીમે પક્ષનું સંગઠન હાથમાં લઈ રહ્યા હતા. જોકે પેટાચૂંટણીમાં તેજસ્વી યાદવે જેડી (યુ)ને હરાવ્યું ત્યારથી આરસીપી સિંહની વ્યૂહાત્મક ક્ષમતા પર શંકાઓ ઊભી થવા લાગી છે.
જોકે અત્યારે સંગઠન કરતાં પ્રશાંત કિશોરનો ઉપયોગ ભાજપ સાથે વાટાઘાટો કરવામાં વધારે થશે તેમ લાગે છે.

ભાજપે નીતિશકુમારને પાંજરામાં પૂરી દીધા છે. ગઠબંધનમાં સાથે લીધા પછી નીતિશકુમારની હાલત બૂરી થઈ છે. તેમને ખ્યાલ આવી ગયો છે કે પોતાના ભાગે ભાજપ હવે બિહારમાં વધારે મજબૂત બનશે. તેથી ભાજપ બેઠકોની વહેંચણી વખતે બરાબર દાવ લગાવવાનો છે. પ્રશાંતનો ઉપયોગ તેની સામે દલીલો કરવામાં થશે. પેલી પ્રેઝન્ટેશન સ્ટાઇલ પ્રમાણે અલગ અલગ બેઠકો પર કઈ રીતે જેડી (યુ) મજબૂત છે તેવો પ્રભાવ પાડવા માટે અને વધારે બેઠકો માગવા માટે પ્રશાંત કિશોરનો ઉપયોગ થશે. જોકે ભાજપ પાસે પાંચ નહિ, પચાસ પ્રશાંત કિશોર છે એટલે આ દાવ બહુ સફળ થાય તેમ નથી. બીજી બાજુ પ્રશાંત કિશોરને પણ બેસવા માટે ડાળની જરૂર હતી. ભારતીય રાજકારણમાં પ્રોફેશનલ તરીકે લાંબી તક હવે વધી નહોતી. ભાજપ, જેડી (યુ) અને કોંગ્રેસ સાથે (તથા આડકતરી રીતે આરજેડી અને એસપી સાથે પણ) કામ કરી લીધા પછી તેમની અસલિયત પક્ષના નેતાઓને સમજાઈ ગઈ હતી.

માયાવતી, મમતા, ચંદ્રબાબુ કે શરદ પવાર જેવા નેતાઓ જમાના ખાધેલા છે એટલે તેમને પ્રશાંતમાં રસ ના પડે અને દક્ષિણ ભારતનું જ્ઞાતિગણિત બિહારી પ્રશાંત કિશોર ના સમજી શકે. તેથી દક્ષિણમાં પણ તેમના માટે હવે ક્યાંય તક નહોતી, તેથી જેડી (યુ)ના સભ્ય તરીકે જોડાઈ જવા સિવાય છુટકો નહોતો. નીતિશ અને પ્રશાંત બંને પ્રારંભિક સફળતાઓ અને હોય તેના કરતાં વધારે શાણા દેખાવાનો પ્રયોગ પાર કરી ચૂક્યા છે. બંને ખુલ્લા પડી ગયેલા છે. બંને બીજાનો ઉપયોગ કરે છે તે સમજાઈ ગયું છે. બીજાનો ઉપયોગ કરવાનો જ હોય, પણ બીજાનો ઉપયોગ કરવા માટે તમારે શક્તિશાળી બનવું પડે. નબળો માણસ બીજાનો ઉપયોગ ના કરી શકે. આ વાત આ બંને નેતાઓ નહોતી સમજી શક્યા એટલે માનતા હતા કે પોતે બીજાનો ઉપયોગ કરીને શક્તિશાળી થઈ શકે છે. શક્તિશાળી સ્વંય થવું પડે, ગંગામાં સ્નાન સ્વંય કરવું પડે, ઊંડા પાણીમાં સ્વંયને તરતા આવડવું પડે. બંને નેતાઓ 2019ની ચૂંટણી પહેલાં ઊંડા પાણીમાં પડવાની તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે જોવાનું એ છે કે ત્યાં સુધીમાં તેઓ તરવાનું શીખી ગયા હશે કે પછી ટાયરો પાણીમાં નાખીને તેના સહારે તરતા રહેશે