તેલંગણામાં ગઠબંધનનો પ્રથમ ટેસ્ટ થઈ જશે

લોકસભાની ચૂંટણી આવે ત્યાં સુધીમાં મહાગઠબંધન કેવું થશે તેની માત્ર ચર્ચા છે. તેનો કોઈ તાજો નમૂનો જોવા મળતો નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સીધી લડાઈ ભાજપ સાથે છે. છેલ્લે કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં હોવાથી અને મોટો પક્ષ હોવાથી પ્રાદેશિક પક્ષ જેડી (એસ) સાથે ગઠબંધન કર્યું નહોતું. જેડી(એસ)ને પણ ઓછો રસ હતો. પછી પરિણામો આવ્યા અને સમજાયું કે સાથે રહેવામાં સાર હતો એટલે સ્વાર્થનો સંબંધ બાંધ્યો.

આ વર્ષના અંતે પાંચમું રાજ્ય ચૂંટણીની લાઇનમાં જોડાયું છે તે તેલંગાણામાં પણ કંઈક અંશે કર્ણાટક જેવી સ્થિતિ છે. કોંગ્રેસ અહીં મોટો પક્ષ રહ્યો નથી અને સત્તામાં પણ રહ્યો નથી. પરંતુ બીજો એક પ્રાદેશિક પક્ષ પણ સત્તામાં રહ્યો નથી અને મોટો પણ રહ્યો નથી. બીજો પક્ષ એટલે તેલુગુ દેસમ પાર્ટીમાં. સંયુક્ત આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસની સામે તે જ સૌથી મજબૂત, સત્તાધારી પ્રાદેશિક પક્ષ હતો. તે પછી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) નામે અલગ પ્રદેશની માગણી સાથેનો પ્રાદેશિક પક્ષ ઊભો થયો અને તે સૌથી મોટો બન્યો. ગત વખતે જંગી બહુમતી ટીઆરએસને મળી હતી. તે પછી ધીમે ધીમે તેલુગુ દેસમના નેતાઓને પોતાના પક્ષમાં લઈ લીધા. મૂળ તેલુગુ દેસમ પક્ષ માત્ર આંધ્રમાં સત્તામાં રહ્યો, પણ તેના 14 જેટલા ધારાસભ્યોને તેલંગણામાં કોઈ ભવિષ્ય ન દેખાયું એટલે ટીઆરએસમાં જોડાઈ ગયા.

રાજ્યના ભાગલા પડ્યા ત્યારે કેન્દ્રમાં સત્તા કોંગ્રેસની હતી. ભાગલા પડ્યા પણ બહુ કડવાશ સાથે ભાગલા પડ્યા હતા. તેના કારણે કોંગ્રેસને બંને નવા રાજ્યોમાં ભોગવવું પડ્યું છે. બંને જગ્યાએ કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોની બહુ પાછળ રહી ગયો છે. તેના માટે આશ્વાસન એટલું કે તેના સ્થાને રાષ્ટ્રીય પક્ષ તરીકે ભાજપ બેમાંથી એકેય રાજ્યમાં હજી સુધી પોતાનું સ્થાન જમાવી શક્યો નથી. તેથી રાષ્ટ્રીય પક્ષ તરીકેની પોતાની ઓળખ તેલંગણામાં જાળવી રાખવા, થોડો વધારે સારો દેખાવ કરવા અને ભાજપને જગ્યા ના મળી જાય તે માટે જૂનિયર સાથી તરીકે પણ ગઠબંધનમાં જોડાવા માટે કોંગ્રેસ તૈયાર થયો છે.તેના કારણે તેલંગણામાં દરેક રાજ્યની પરિસ્થિતિ પ્રમાણે કેવું ગઠબંધન આકાર લેશે તેની ચકાસણી થઈ જશે.

લોકસભા પહેલાં આ ચકાસણી અગત્યની સાબિત થશે, કેમ કે ભલે લોકસભાની ચૂંટણી હોય, પણ કોંગ્રેસે દરેક રાજ્યમાં અલગ અલગ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગઠબંધનમાં જોડાવું પડે તેમ છે. રાષ્ટ્રીય પક્ષ તરીકેની ઓળખ માત્ર નામની છે અને તેનો ખાસ કોઈ ઉપયોગ નથી. આ વાત સ્વીકારવા સાથે ગમે તેવો પણ રાષ્ટ્રીય પક્ષ ખરો એમ કહીને બાર્ગેઇનિંગ કરવાની કોશિશ પણ કોંગ્રેસ કરશે. ત્યારે જે કસોટી થવાની છે તે કસોટી તેલંગણામાં થવા લાગી છે.

હાલ પૂરતી વાત પ્રાદેશિક એકમ પર છોડી દેવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુએ પણ વાત તેમના તેલંગણા ખાતેના એકમ પર છોડી દીધી છે. બંને પક્ષના સ્થાનિક નેતાઓ એકબીજા સાથે ચર્ચા કરશે અને બેઠકોની વહેંચણી કરશે. હાલ પૂરતું એટલું નક્કી થયું છે કે ‘મહાકુટમી’ કરવું. તેમાં ડાબેરી પક્ષ સીપીએમ પણ જોડાશે. અન્ય નાના નાના પક્ષોને પણ જોડવામાં આવશે. તેની સામે ટીઆરએસ અને ભાજપે દેખાવ ખાતર એકબીજાની ટીકા કરવાનું ચાલુ રાખ્યું છે. ગઠબંધન નહીં કરવામાં આવે તેમ કહીને ખાનગીમાં થાય તેટલી ગોઠવણ કરાશે, કેમ કે તેમના સંબંધોનું પણ આ પરિક્ષણ છે. વિધાનસભામાં ભાજપ ટીઆરએસને મદદ કરે અને લોકસભામાં તે વળતી મદદ કરે. તથા દિલ્હીમાં જરૂર પ્રમાણે ટેકો આપે.

ટીડીપી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા ભૂતકાળમાં રહી છે, પણ નાયડુને કોંગ્રેસનો પરિચય જ નથી તેવી વાત પણ નથી. 1978માં ચંદ્રબાબુ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને પ્રધાન પણ બનેલા. તે પછી તેમના સસરા એન. ટી. રામરાવે તેલુગુ દેસમની સ્થાપના કરી. આગળ જતા જમાઈએ સાળાઓને ધકેલીને પક્ષ પર કબજો કરી લીધો હતો. કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે તેમની સાથે સારા સંબંધો તેમણે રાખ્યા હતાં.

આ ઉપરાંત કોંગ્રેસના ટેકાથી યુનાઇટેડ ફ્રન્ટની સરકાર બની ત્યારે તેના કન્વીનર તરીકે તેમણે જ કોંગ્રેસ સાથે વાટાઘાટો કરી હતી. તેથી કોંગ્રેસ સાથે કામ કરવામાં નાયડુને એટલી મુશ્કેલી નહીં નડે, પણ કોંગ્રેસ એટલા માટે વિચારવાનું છે કે, નાયડુના નામથી તેલંગણામાં કેટલું નુકસાન થાય. રાજ્યના ભાગલા પડ્યા ત્યારે નાયડુ જ મુખ્ય પ્રધાન હતા. તેઓ મૂળ રાયલસીમા વિસ્તારના છે અને ભાગલા ના પડે તેવો તેમનો મત રહ્યો હતો. તેથી તેલંગણા પ્રદેશમાં નાયડુ વિલન તરીકે વધારે જાણીતા છે. તેમની સામેનો રોષ પાંચ વર્ષ પછી ઓછો થયો હશે કે કેમ તેનો પણ ટેસ્ટ થશે. બીજી બાજુ કોંગ્રેસ સામે પણ ભાગલાનો વિરોધ અને ભાગલામાં વિલંબ બંને કારણે રોષ રહ્યો હતો. જોકે કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ તરીકે ઓળખ આગળ કરીને તેમાંથી બહાર નીકળી શકે છે. બીજી બાજુ હૈદરાબાદ શહેર અને તેની આસપાસના તથા પૂર્વ તરફના વિસ્તારોમાં એવો વર્ગ હજી પણ છે, જે તેલુગુ દેસમનું સમર્થન કરતો હોય. આ વિસ્તારોમાં રાયલસીમા અને તટીય આંધ્રના લોકો મોટી સંખ્યામાં વસેલા છે. તેનો લાભ કોંગ્રેસ સાથે ગઠબંધન થાય તો મળી શકે છે.

બીજી બાજુ પોતાના હવેના રાજ્ય આંધ્રમાં પણ કદાચ તેમણે કોંગ્રેસનો સાથ લેવો પડી શકે છે. કોંગ્રેસના એક જમાનાના દિગ્ગજ મુખ્યપ્રધાન જે તેલુગુ દેસમને પણ હરાવી શક્યા હતાં, તે રાજશેખર રેડ્ડીના પુત્ર જગનમોહન રેડ્ડી કોંગ્રેસથી નારાજ થઈને પ્રાદેશિક પક્ષ બનાવીને બેઠા છે. ભાજપ અને તેમની વચ્ચે નીકટતા વધતી જાય છે. જગનમોહનની વધતી તાકાતને ખાળવા અને ભાજપ અહીં સ્થાન ના જમાવે તે માટે કદાચ આગળ જતા આંધ્રમાં પણ તેલુગુ દેસમ અને કોંગ્રેસે સાથે આવવાનું વિચારવું પડે. કોંગ્રેસની આબરૂ ભાગલાના કારણે બંને રાજ્યમાં ગઈ હતી, ત્યારે રાષ્ટ્રીય અને મુખ્ય પક્ષોમાંના એક તરીકેનો ભૂતકાળ ભૂલીને કોંગ્રેસે નવેસરથી શરૂઆત કરવાની છે. તે શરૂઆત યુપી અને બિહારમાં કરી, પણ અધુરા મને. હવે તેલંગણામાં પ્રોસેસ ચાલી રહી છે અને તેનો ટેસ્ટ થઈ જશે. તે પછી લોકસભા વખતે આંધ્ર અને પશ્ચિમ બંગાળમાં, તામિલનાડુમાં અને મહારાષ્ટ્રમાં, તેમજ હરિયાણા અને ગોવા જેવા નાના રાજ્યોમાં પણ વિચારવાનું આવશે. ઓરિસ્સા અને ઝારખંડ પણ ખરા.

ગોવાનું વિચારવામાં આવે તો સાથોસાથ દિલ્હીનું પણ વિચારવાનું આવશે, કેમ કે બંને જગ્યાએ આમ આદમી પાર્ટી પણ ચિત્રમાં આવશે. બીએસપી સાથે એકથી વધુ રાજ્યોમાં સામસામે બેસીને વાત કરવાનું થશે. તેથી તેલંગણામાં તેનું રિહર્સલ કરવાની તક કોંગ્રેસને મળી છે. તે જ રીતે તેલુગુ દેસમ જેવા પ્રાદેશિક પક્ષને પણ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ગઠબંધન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. અન્ય પ્રાદેશિક પક્ષો વતી તે પણ આ રિહર્સલ જ કરી રહ્યો છે.