શું ગોવામાં પણ ભેગાભેગી ચૂંટણી આવી પડશે?

ક સાથે ચૂંટણીઓ કરાવી લેવાનો ચસકો ભાજપને લાગ્યો છે, કેમ કે હાલના સમયમાં બીજા કોઈ પણ રાજકીય પક્ષ કરતાં ભાજપ પાસે સૌથી વધારે સંગઠન શક્તિ છે. સૌથી વધારે ફંડ તેને મળી રહ્યું છે, કાર્યકરોની સંખ્યા સૌથી વધારે છે અને તેમની પાસેથી જૂથબંધી વિના કડક હાથે કામ કરાવી શકાય તેવા મોવડીમંડળની સ્થિતિ છે. સોશિયલ મીડિયાની ટીમ તૈયાર કરીને રાતદિવસ પ્રચારનો મારો ચાલે છે- પોતાના વખાણ કરવાના અને બાકી બધાને બદનામ કરી મૂકવાના. બીજા પક્ષો આ રમત સમજે, પોતાના કાર્યકરોને સાવધ કરે, તેમને કામ કરવા મજબૂર કરી શકે અને પૂરતું ભંડોળ મેળવી શકે તે પહેલાં ભાજપ એક પછી એક ચૂંટણીઓ જીતી લેવા માગે છે.

તેથી જ ચાર રાજ્યોની ચૂંટણી સાથે પાંચમાં તેલંગણા રાજ્યની ચૂંટણી પણ આવી પડી છે. ભાજપ અને કેસીઆરનો પક્ષ તેલંગણા રાષ્ટ્રીય પરિષદ નકલી કુસ્તી કરી રહ્યાં છે. ખાનગીમાં બંને એક જ છે. તે જ રીતે હવે છઠ્ઠા એક રાજ્યની ચૂંટણી પણ આ વર્ષના અંતે યોજાઈ તેવી શંકા વિપક્ષને જાગી છે. તે રાજ્ય છે ગોવા – ગોવા કોંગ્રેસ ચોંકી ઊઠી છે અને તેને લાગી રહ્યું છે કે ગોવામાં પણ વહેલી ચૂંટણી કરાવી નાંખવાનો ખેલ ગોઠવાઈ ગયો છે.

મનોહર પર્રિકરને મોટા ઉપાડે કેન્દ્રમાં લઈ જવાયા હતા. તેઓ જાણે બહુ હોંશિયાર છે અને સંરક્ષણ પ્રધાન તરીકે ચમત્કાર કરી દેખાડશે તેવી હવા ઊભી કરીને તેમને ગોવાથી દિલ્હી લઈ આવવામાં આવ્યા હતાં. જોકે તેમને દિલ્હીમાં ફાવ્યું નહીં અને ગોવામાં 2017માં ચૂંટણી થઈ તે પછી ઊભી થયેલી સ્થિતિમાં તેઓ ફરી ગોવા જતા રહ્યાં. કોંગ્રેસને 40માંથી 17 અને ભાજપને માત્ર 13 બેઠકો મળી. પર્રિકરની જગ્યાએ ભાજપે મુખ્ય પ્રધાન બનાવેલા તે લક્ષ્મીકાંત પર્સેકર પોતાની બેઠક પણ હારી ગયા. આમ છતાં કોંગ્રેસ સરકાર ના બનાવી શકી, કેમ કે અન્યને 9 બેઠકો મળી હતી. મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી ભાજપ સાથેનું ગઠબંધન છોડીને અલગ ચૂંટણી લડી હતી અને તેને ત્રણ બેઠકો મળી હતી. કોંગ્રેસ અને ભાજપ બંનેના નેતાઓ માંથી ઊભી થયેલી પ્રાદેશિક ગોવા ફોરવર્ડ પાર્ટી પણ ત્રણ બેઠકો મેળવી ગઈ અને ત્રણ અપક્ષો હતા. તેમાંથી આખરે એક અપક્ષ સિવાય બાકીનો ટેકો મળી જતાં ભાજપે સરકાર બનાવી. પણ તે વખતે ગોમાંતક પાર્ટીએ માગણી કરી હતી કે માત્ર પર્રિકરને મુખ્યપ્રધાન બનાવો.

મુખ્યપ્રધાન તરીકે તેમની લોકપ્રિયતા કરતાંય વ્યક્તિગત સંબંધોના કારણે ગોવામાં ભાજપને ઓછી બેઠકો મળી છતાં સરકાર બનાવવા મળી, પણ હવે પર્રિકરની તબિયત વધારે બગડી છે. થોડા મહિના પહેલાં કેન્સરની સારવાર માટે તેઓ અમેરિકા પણ ગયા હતા. ફરી તેમની તબિયત લથડી છે અને તેમને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરાયા છે. આ વખતે પર્રિકરે સામેથી ભલામણ કરી છે કે, પોતાની જગ્યાએ અન્ય કોઈને સીએમ બનાવવામાં આવે. ભાજપમાંથી કોણ સીએમ બને તે માટેની ખેંચતાણ ઑલરેડી ચાલુ થઈ ગઈ છે. આંતરિક ખેંચતાણ કરતાંય વધારે ચિંતા સાથી પક્ષોની છે. પર્રિકર મુખ્યપ્રધાન હોય તો જ ટેકો આપવાની વાત ગોમાંતક પાર્ટીએ કરી હતી. તે જ રીતે ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈએ પણ સ્પષ્ટતા કરી છે કે પર્રિકર સીએમ છે ત્યાં સુધી જ ભાજપને તેમનો ટેકો છે.

ભાજપે હાલમાં એવી માગણી પણ કરી કે બંને પક્ષોએ ભાજપમાં ભળી જવું જોઈએ, પણ બંન્ને પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ ના કહી છે, અને નવા સીએમની પસંદગીમાં તેમના અભિપ્રાય વિના નહીં ચાલે તેવી વાત પણ સ્પષ્ટ કરી દીધી છે. મોકો જોઈને ગોમાંતક પાર્ટીએ માગણી પણ કરી છે કે સૌથી સિનિયર પ્રધાનને સીએમ બનાવવા જોઈએ. સૌથી સિનિયર પ્રધાન તેમના જ ધવલીકર છે, એટલે આડકતરી રીતે પોતાની સરકારની રચના કરવાની માગણી ગોમાંતક પાર્ટીએ કરી છે.આ સંજોગોમાં ભાજપ પાસે વિકલ્પો ઓછા રહ્યાં છે. તેના કારણે જ હવે ચર્ચા ચાલી છે કે ભાજપ કદાચ આ આંતરિક અસંતોષનો લાભ લઈને વિધાનસભાને વિખેરી નાખવાનું પસંદ કરશે. ભાજપમાંથી એવા નેતા પસંદ થાય, જેમને સાથી પક્ષોનો ટેકો ના મળે અને તેના કારણે સરકાર લઘુમતીમાં આવી જાય તેથી બહાનું પણ મળે કે વિધાનસભા ભંગ કરવી જરૂરી છે. કર્ણાટકમાં બન્યું તે રીતે નાના પક્ષને મોટો પક્ષ ટેકો આપે અને સરકાર ચાલે તેવું કશું થાય – કોંગ્રેસ ટેકો આપે અને ગોમાંતક પાર્ટીની સરકાર બને તેવું કશું થાય – તે પહેલાં જ ભાજપ વિધાનસભા વિખેરી નાખવા માગે છે.

ગોમાંતક પાર્ટીની માગણીનો ગોવા ફોરવર્ડ પાર્ટીએ અને એક અપક્ષ પ્રધાને પણ વિરોધ કર્યો છે. આ ચાર ભેગા થાય અને કોંગ્રેસના 17 તેમને ટેકો આપે તો વૈકલ્પિ સરકાર બની શકે છે. જોકે તે બહુ દૂરની વાત છે અત્યારે ભાજપમાં જ આંતરિક હલચલ મચી છે એટલે દિલ્હીથી મોવડીઓ ગોવા દોડ્યા છે. બીજા બે પ્રધાનો પણ બીમાર પડીને હોસ્પિટલમાં છે એટલે રવિવારે પાર્ટીની મિંટિગમાં 14થી 11 જ હાજર હતાં. કોંગ્રેસને મોકો મળી ગયો છે. કોંગ્રેસે ભાજપની આંતરિક લડાઈને સત્તા માટેની લડાઈ ગણાવીને કહ્યું કે ભાજપ અને તેમના સાથીઓમાં સત્તાની એટલી ભૂખ છે કે બીમાર મુખ્યપ્રધાન અને બે પ્રધાનો હોસ્પિટલમાં છે, ત્યારે પાછળથી એકબીજાને પાડી દેવાના ખેલ ચાલી રહ્યા છે. ભાજપ પાસે પર્રિકર પછી બીજો કોઈ નેતા નથી જે સ્વીકાર્ય બને તે સ્થિતિનો બરાબરનો લાભ કોંગ્રેસ લઈ રહી છે.

ગોવા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સ્થિતિનો ફાયદો લઈને ભાજપની ગણતરી વિધાનસભાને વીખેરી નાખવાની છે.

ભાજપના બીજા કોઈ નેતાને સાથી પક્ષો સ્વીકારવાના નથી અને સાથી પક્ષોમાંથી કોઈને ભાજપ સીએમ બનાવશે નહીં. તેથી સાથી પક્ષો ટેકો પાછો ખેંચે એટલે વિધાનસભા વિખેરી નાખીને પાંચ રાજ્યો સાથે વર્ષના અંતે જ તેમાં ફરી ચૂંટણી કરાવી લેવાની ભાજપની ગણતરી છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ગોવા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગિરિશ ચોંડાકરે રાજ્યપાલને ચેતવણી આપી છે કે ભાજપ સરકારના કોઈ નિર્ણયને અનુમોદન આપતા પહેલાં મુખ્ય વિપક્ષની વાત સાંભળવી. કોંગ્રેસને રાજ્યમાં સ્થિર સરકાર રચવા માટેની તક આપવી જોઈએ તેવી માગણી પણ ચોંડાકરે કરી છે.

પર્રિકરની તબિયત વિશે ચિંતા વ્યક્ત કરીને તેઓ જલ્દી સાજા થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરવા સાથે કોંગ્રેસના નેતાઓએ ટોણો પણ મારી લીધો છે કે, છેલ્લા એક વર્ષથી ગોવાની સરકાર પણ બીમાર પડી ગઈ છે. તેમણે કહ્યું કે ‘કોંગ્રેસને મેન્ટેડ મળ્યો હોવા છતાં તેને છીનવીને ભાજપે સરકાર બનાવી તે પછી એક વર્ષમાં બધા જ મુખ્ય મુદ્દાઓમાં ભાજપની બિનકાર્યક્ષમતા દેખાઈ આવી છે’.

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરિકર પેન્ક્રીઆટિક કેન્સર માટે અમેરિકામાં સારવાર લીધા બાદ લગભગ ત્રણ મહિને 14 જૂન, ગુરુવારે ભારત પાછા ફર્યા હતા. મુંબઈ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા બાદ પરિકર ત્યાંથી ગોવાના તિસવાડીસ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા.

ભાજપને સમજાયું છે કે, પર્રિકરની ગેરહાજરીમાં કોઈ એક નેતાને આગળ કરવો મુશ્કેલ છે. પક્ષના ધારાસભ્યોને કદાચ મનાવી લેવાશે, પણ સાથી પક્ષોને મનાવી લેવા ભાજપ માટે મુશ્કેલ છે. તે સંજોગોમાં સાથી પક્ષોને પડતા મૂકીને ભાજપ દાવ ખેલી લેવા માગતો હોય તો નવાઈ ના કહેવાય. મહારાષ્ટ્રમાં પણ શિવસેનાને ધીમે ધીમે નબળો પાડીને તેને નાનો બનાવવાનો ખેલ ગોવામાં પણ પાડવાનો છે. ત્રણ ત્રણ પક્ષો પાસે ત્રણ ત્રણ બેઠકો અને ત્રણ અપક્ષો પણ છે, ત્યારે ત્રેખડ ટાળીને એકલા હાથે સત્તા મેળવવા માટે વધુ એક વર્ષ રાહ જોવાના બદલે ભાજપ અત્યારે જ શક્તિ પ્રદર્શન કરી લેવા માગે તેવું બની શકે છે.