કઈ ચૂંટણીમાં કેટલા મહિલા-પુરુષ ઉમેદવાર?

લોકસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે. ગુજરાતની બધી જ બેઠકોના ઉમેદવાર જાહેર થઈ ચૂકયા છે. ત્યારે આજે અહીં વાત કરવી છે મહિલા ઉમેદવારોની. ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષે ચાર ચાર મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં અત્યાર સુધી કેટલી મહિલા ઉમેદવારોને તક મળી એ વિશે જાણવું રસપ્રદ છે.

મહિલાઓને ટિકિટ આપવામાં નિરસતા

એકબાજુ  રાજકીય પક્ષ સંસદમાં મહિલા સશક્તિકરણની અને 33 ટકા અનામતની વાતોના બણગા ફૂંકે છે. જ્યારે મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવણીની વાત આવે ત્યારે એમને ખુણામાં ધકેલી દે છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં નિરસતા દાખવી છે. ભાજપની વાત કરીએ તો વર્તમાન સાંસદ પૂનમ માડવને યથાવત રાખીને એમને ફરી વખત જામનગરથી ચૂંટણી લડવાની તક આપી છે. જ્યારે અન્ય ત્રણ નવા ચહેરા પૈકી બનાસકાંઠાથી ડો. રેખાબહેન ચૌધરી, સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયા અને ભાવનગર બેઠક પરથી નીમુબહેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે.

જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો બનાસકાંઠાથી ગેનીબહેન ઠાકોર, અમરેલીથી જેનીબહેન ઠુંમ્મર, દાહોદથી ડો. પ્રભા તાવડિયા અને ગાંધીનગર બેઠક પર અમિત શાહની સામે સોનલ પટેલને ટિકિટ ફાળવી છે. અહીં એક ચિત્ર સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ ભાજપમાં બંને પક્ષ બધી જ રીતે અલગ છે પરંતુ મહિલાઓને જ્યારે ટિકિટ ફાળવણી કરવાની વાત આવે ત્યારે બંને પક્ષમાં સમાનતા જોવા મળે છે.

રાજકારણના ઈતિહાસમાં ડોકિયુ કરીએ તો મહિલાઓની ટિકિટ ફાળવણીમાં રાજકીય પક્ષોએ હંમેશા પીછેહટ જ કરી છે. શરૂઆત કરીએ પ્રથમ લોકસભા ચૂંટણીની તો 1962માં ગુજરાતમાં પ્રથમ વખત લોકસભા ચૂંટમી યોજાઈ હતી. ત્યારથી લઈને 2019 સુધીમાં કુલ 3562 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં મહિલા ઉમેદવારી માત્ર 160 હતી.

લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવાર

1962માં અમરેલી બેઠક પરથી જયાબહેન શાહ અને બનાસકાંઠા બેઠક પરથી જોહરાબહેન ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ વિજતા પણ બન્યા હતા. 1977ની લોકસભામાં મહેસાણા બેઠક પરથી મણીબહેન પટેલ એક માત્ર વિજયી મહિલા ઉમેદવાર હતા. જ્યારે 1980ની લોકસભા ચૂંટણીમાં છ મહિલા ઉમેદવાર હતા પરંતુ એક પણ મહિલા ઉમેદવાર સાંસદ બન્યા ન હતા. તો વળી 1984ની વાત કરીએ તો 11 મહિલા ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી જેમાં કચ્છ બેઠક પરથી ઉષાબહેન ઠક્કર વિજેતા થયા હતા. 1998-99 અને 2004 એમ ત્રણ વર્ષ સળંગ ટર્મમાં વડોદરા બેઠક પરથી જયાબહેન ઠક્કર સાંસદ રહ્યાં. ગુજરાતમાં 1962માં બે, 1984માં બે, 1991માં એક, 1996માં બે, 1998માં ચાર, 1999માં ત્રણ, 2004માં એક, 2009માં ચાર, 2014માં ચાર, 2019માં છ મહિલા સાંસદો બન્યા બતાં.

અન્ય નોંધનીય બાબત એ પણ છે કે ગુજરાત મહિલાઓ ઉમેદવારોને વિજેતા બનાવવામાં થોડી ઉદાસીનતા દાખવે છે. જેના કારણે અમદાવદ પશ્રિમ, ગાંધીનગર, પોરબંદર, પાટણ, પંચમહાલ, ખેડા, ભરૂચ, વલસાડ અને નવસારી બેઠક પરથી ક્યારેય મહિલા ઉમેદવારને ચૂંટીને સાંસદમાં મોકલવામાં નથી આવ્યા.