ગુજરાત ચૂંટણી જંગઃ પુનરાવર્તન કે પરિવર્તન ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજાવાની જાહેરાત થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 9 ડીસેમ્બરે મતદાન થશે અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે 14 ડીસેમ્બરે મતદાન થશે અને મતગણતરી 18 ડીસેમ્બરે થશે. આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જો કે ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થાય તેના એક મહિના પહેલાથી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે, અને હવે આ ગરમાવો વધશે. શિયાળાની શરૂઆત થઈ ચુકી છે, ઠંડીએ દસ્તક દીધી છે અને રાજકીય ગરમીમાં હવે વધારો થશે. આ વખતનો ચૂંટણી જંગ અન્ય ચૂંટણીઓ કરતા અલગ જ હશે. જોઈએ કે પુનરાવર્તન થાય છે કે પરિવર્તન… પણ તેના માટે સત્તાના સમીકરણો ગોઠવવાનું આજથી જ શરૂ થઈ જશે.

જે કોઈ મળે તે બધા એમ કહે છે આ વખતે તો ચૂંટણી જંગ જબરો જામવાનો છે. ભાજપ વિકાસના નામે ચૂંટણી લડશે, પણ વિપક્ષોએ વિકાસને ગાંડો કર્યો છે. હવે ભાજપ વિકાસના કામોની યાદીની સાથે પ્રજા સમક્ષ જઈને કહે છે કે આને વિકાસ કહેવાય…? તેવા પ્રશ્ન પુછે છે. ‘હું વિકાસ છુ હું ગુજરાત છુ’ની ટેગ લાઈન આપી છે. કોંગ્રેસ પણ યેનકેન પ્રકારે આ ચૂંટણીનો જંગ જીતવા માંગે છે. પ્રદેશ કોંગ્રેસ પ્રજાને અનેક વચનો આપી રહી છે, પેટ્રોલ-ડીઝલ પરનો વેટ સંપૂર્ણ માફ કરવા સુધીની રાહત આપવા કહ્યું છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પોતાના કર્યા છે. હવે તેમની નજર પાટીદાર નેતાઓ પર છે. હાર્દિક પટેલ ભાજપને હરાવવા નિકળ્યા છે, પણ કોંગ્રેસ સાથે છે, તેવું સ્પષ્ટ નથી. કોંગ્રેસ હાર્દિકને અપનાવવા તડજોડ કરી રહી છે, પણ હાર્દિકનું મન જીતી શકાયું નથી. હાર્દિક પાટીદારો માટે અનામત માગે છે. કોંગ્રેસ તે આપી શકે તેમ નથી. દલિતોના નેતા જિગ્નેશ મેવાણીને કોંગ્રેસે આમંત્રણ આપ્યું છે. આમ તો કોંગ્રેસે હાર્દિક પટેલ, અલ્પેશ પટેલ અને જિગ્નેશ મેવાણીને વિધાનસભાની ટિકિટ આપવા સુધીની ઓફર કરી છે.

બીજી તરફ શંકરસિંહ વાઘેલાનો જનવિકલ્પ મોરચો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને 182 બેઠકો પર ચૂંટણી લડશે. એનસીપી કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તેવી શકયતા હાલ છે, પણ હજીસુધી કાઈ ફાઈનલ નથી. ગુજરાતના રાજકારણમાં વર્ષોથી જોવા જઈએ તો બે જ પક્ષનો જંગ રહ્યો છે. બીજા પક્ષો ફાવ્યા નથી. પણ આ વખતનું ચિત્ર કંઈક અલગ છે. પાટીદારોની રૂખ કઈ તરફ રહે છે, તેના પર ચૂંટણી જંગનો મદાર છે. હાલ તો પાટીદારોમાં ભાગલા પડી ગયા છે. વરુણ પટેલ અને રેશ્મા પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે, તેમણે હાર્દિક પટેલની તમામ ગુપ્ત માહિતીઓ મિડિયા સામે રજૂ કરી છે, અને હાર્દિકની સ્ટ્રેટેજી ખુલ્લી પડી ગઈ છે. તો બીજી તરફ નરેન્દ્ર પટેલે મિડિયા સામે આવીને ભાજપ પર એક કરોડની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો છે. મિડિયા સામે 10 લાખ રજૂ કર્યા, અને કહ્યુ કે ભાજપ કાલે બાકીના 90 લાખ આપવાનો વાયદો કર્યો હતો. જે પછી ભાજપની ફજેતી થઈ, અને નરેન્દ્ર પટેલે તો ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ પણ કરી. ભાજપ દ્વારા પાટીદાર નેતાઓને ખરીદવાનું ચાલુ કર્યું છે, તે બાબત છતી થઈ ગઈ. આ બધુ ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ થઈ ગયું છે, કોણ જાણે ચૂંટણીની તારીખની જાહેરાત પછી શું થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની તારીખોની જાહેરાત થયા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સનુ યોજી હતી. વિજયના વિશ્વાસ સાથે વિજય રૂપાણીએ ગુજરાતમાં 150+  બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમે વિકાસના મુદ્દે આગળ વધીશું. અમે લોકો જ્ઞાતીવાદ અને જાતીવાદથી પર થઈને રાષ્ટ્રવાદથી ચૂંટણી લડીશું.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે કશું નથી અને તે માત્ર અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી ત્રણની સામે શરણાર્થી બની ગઈ છે. આ ત્રણ લોકોની પાછળ કોંગ્રેસ ગઈ છે, તે કોંગ્રેસનો પરાજય નિશ્ચિત કરશે. આ ત્રણ લોકોની પાછળ જેવી રીતે કોંગ્રેસ લાગી છે તે જોતા લાગે છે કે કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે. આ ત્રણ લોકો કોંગ્રેસના આયોજન હેઠળ કામ કરી રહ્યા છે. દેશના વિકાસ માટે ગાંધીજીએ જે કોંગ્રેસ બનાવી હતી તે વાતથી કોંગ્રેસ ભટકી ગઈ છે.પ્રદેશ કોંગ્રેસ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસને 125થી વધુ બેઠકો મળશે, અને ભાજપને 50થી ઓછી બેઠકો મળશે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ તારીખોની જાહેરાતનું સ્વાગત કરે છે. જનતા પણ કેટલાય દિવસોથી તારીખોની રાહ જોઈ રહી હતી, તમામની આતુરતાનો અંત આવ્યો છે. આપણે અપેક્ષા રાખીએ કે ગુજરાતમાં ચૂંટણી પંચની આચારસંહિતા મુજબ ગુજરાતમાં ચૂંટણી થાય, અને લોકોનો લોકશાહી પર વિશ્વાસ ટકી રહે. કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા સંપૂર્ણપણ સજ્જ છે, અને આ વખતે પરિવર્તન થવાનું છે.

ટૂંકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામવાનો છે. ભાજપના ચાણકય ગણાતા અમિત શાહ હાલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વિધાનસભાના ઉમેદવારોના નામની ચર્ચા કરી રહ્યા છે. તેઓ નવી નીતિ અખત્યાર કરશે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું છે કે કોંગ્રેસ ખામ થીયરી અપવાની રહી છે. પીએમ નરેન્દ્ર મોદી પણ કાર્યકરની જેમ ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરવા આવશે, કારણ કે તેમના માટે ગુજરાત વિધાનસભા જીતવી અને તે પણ 150 બેઠકો સાથે જીતવી છે. ટાર્ગેટ એચીવ કરવો છે, કારણ કે તેમના માટે નાકનો સવાલ છે. ઉત્તર પ્રદેશનો ગઢ જીત્યા પછી અન્ય રાજ્યોને બતાવવા માટે પણ તેઓ ગુજરાતમાં ટાર્ગેટ મુજબ બેઠકો જીતવા કમર કસશે, આકાશ પાતાળ એક કરશે. તેની સામે કોંગ્રેસ પણ સત્તા મેળવવા તમામ જોર લગાવી દેશે. રાહુલ ગાંધીએ ભાજપના ખોખલા વિકાસના બણગા ફૂંકનારાની સામે જંગ છેડી દીધો છે. મોદી સરકારની તમામ નીતિઓ વિરુધ્ધ પ્રજા સામે સાચી સ્થિતી રજૂ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ એ ભાજપ માટે લોકસભા 2019ની ચૂંટણી જંગી બહુમતીથી જીતવા માટેનો લિટમસ ટેસ્ટ હશે… બીજી તરફ કોંગ્રેસ પણ બતાવશે કે હવે પરિવર્તનની લહેર છે…

અહેવાલ- ભરત પંચાલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]