કર્ણાટકના બનાવોઃ કોંગ્રેસ કભી નહીં સુધરેગી ક્યા?

ર્ણાટકમાં કોંગ્રેસે હાથમાં આવેલી, આવેલી નહીં પણ હાથમાં રહેલી બાજી ગુમાવી હતી તેમ હજી પણ કેટલાક જાણકારો કહે છે. સ્થિતિ સારી હતી, પણ બે કે ત્રણ ખોટા પગલાં લીધા અને મામલો હાથમાંથી સરકી ગયો. સિદ્ધરમૈયા પર વધારે વિશ્વાસ રખાયો અને લિંગાયતને લઘુમતીનો દરજ્જો આપવાનો મુદ્દો ધાર્યા કરતાં ઉલટો પડ્યો. લિંગાયતનો ફાયદો ન મળ્યો, ઉલટાના વોક્કાલિગા સહિતના મતો પણ જતાં રહ્યાં. નરેન્દ્ર મોદીના આગમન પછી સ્પર્ધા સ્થાનિક ન રહી અને રાષ્ટ્રીય કક્ષાની બની ગઈ. કોંગ્રેસે તેમાં પડવાનું જ નહોતું, પણ છતાંય ટ્રેપમાં આવી ગઈ.છેલ્લાં ત્રણેક વર્ષથી સતત કોંગ્રેસ પરિવર્તનની વાત કરી રહી છે. સોનિયા ગાંધીની જગ્યાએ રાહુલ ગાંધી સુકાન સંભાળે અને નવી ટીમ તૈયાર થાય, નવી સ્ટ્રેટેજી અપનાવે વગેરે વાતોનો અમલ થોડો થાય છે અને પછી કંઈક એવું થાય છે કે કોંગ્રેસ ફરી પોતાની જૂની ઘરેડમાં જતી રહે છે. આંતરિક લોકશાહીના નામે જૂથબંધી ચાલવા દેવાની મોવડીમંડળની રીત હવે પક્ષને નડી રહી છે. મોવડીમંડળની સત્તા અકબંધ રહે છે, પણ પ્રાદેશિક કક્ષાએ સત્તા ગુમાવવાનો વારો આવે છે તે જૂથબંધીના કારણે તે વાત કોંગ્રેસને સ્પષ્ટપણે સમજાતી નથી.

કર્ણાટકની વાત કરતાં પહેલાં સાથોસાથ મોવડીમંડળની જ વાત કરી લઇ તો ફરી એવા અણસાર છે કે રાહુલ ગાંધીની ટીમ પણ 10, જનપથથી જ કામ કરવાની છે. ગોસીપ અનુસાર સોનિયા ગાંધીના સહાયક વિન્સેન્ટ જ્યોર્જ પરત આવવાના છે. પુલોક ચેટરજી જેવા વિશ્વાસુ પણ વધુ સક્રીય થવાના છે. તેનો અર્થ એ થયો કે સોનિયા કોંગ્રેસમાંથી રાહુલ કોંગ્રેસ તરફનું પરિવર્તન સંપૂર્ણ કે સ્વીફ્ટ નથી.

કર્ણાટકની વાત કરીએ કે કર્ણાટકમાં પણ રાહુલ ગાંધીની ટીમે છેક સુધી કામ કર્યું હતું અને જોરદાર કેમ્પેઇન ચલાવી હતી. ધાર્મિક સ્થળોની મુલાકાતોની ભલે ટીકા થઈ, પણ ગુજરાતની જેમ કર્ણાટકમાં પણ તેનો ફાયદો દેખાઇ રહ્યો હતો. પરંતુ પરિણામો ધાર્યા ન આવ્યા અને ત્રણ ડઝન બેઠકો ગુમાવવી પડે તે પછી ફરી સુકાન સોનિયા ગાંધીએ હાથમાં લઈ લીધું હતું. કોંગ્રેસ પોતે સરકાર નહિ બનાવે, પણ ટેકો આપશે તેવો નિર્ણય એકદમ ઝડપથી લીધો, તે ત્યારે વ્યૂહાત્મક લાગ્યો હતો, પણ હવે ઉતાવળો પણ લાગી રહ્યો છે.

આવું કહેનારા બહારના લોકો નથી, પણ કર્ણાટકના આંતરિક જૂથો જ છે. મર્યાદિત સંખ્યામાં પ્રધાનપદાં મળવાના હતા. એટલે પ્રધાન કોણ બને તે માટે જૂથો વચ્ચે ખેંચતાણ ચાલી. તે પછી ખાતાં કેવાં મળશે તેની પણ મથામણ ચાલી હતી. મહિનો થવામાં છે ત્યારે હવે જૂથબંધી અને કોંગ્રેસનો આંતરિક કકળાટ કર્ણાટકમાં વધારે સ્પષ્ટ રીતે બહાર આવી રહ્યો છે.

આંતરિક વર્તુળોનું કહેવું છે કે થોડી ધીરજ રાખી હોત અને માત્ર સંયુક્ત સરકારનો ઇશારો કર્યો હોત તો પણ જેડીએસ માની ગયું હોત. દેવે ગોવડાએ બરાબર બાર્ગેન કર્યું હોત, પરંતુ છેવટે ભાજપના બદલે કોંગ્રેસને જ ટેકો આપવાનું પસંદ કર્યું હોત તેવું કેટલાકનું કહેવાનું થાય છે. જોકે વાત એટલી સહેલી નથી. થોડું મોડું થયું હોત તો ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે સરકારની રચનાનો દાવો કરીને જેડીએસ પર દબાણ લાવીને તેને ટેકો આપવા મજબૂર કરી શક્યો હોત.

એટલે કોંગ્રેસ સરકાર બનાવે અને જેડીએસ ટેકો આપે તે વાત બધા સ્વીકારવા તૈયાર નથી. તો પછી પ્રધાનપદાં વધારે અને ખાતાં સારા માગવા જોઈતા હતા તે કકળાટ હજીય ચાલે છે. સામી બાજુ રાષ્ટ્રીય સમીકરણોને કારણે કોંગ્રેસને પણ ગરજ છે તે જાણી ગયેલા કુમારસ્વામીએ આકરી સોદાબાજી કરી હતી. તેમણે મહત્ત્વના ખાતાં પોતાની પાસે રાખ્યા છે.

આ જ મામલે કોંગ્રેસમાં કમઠાણ મચેલી છે. એમ. બી. પાટિલ નામના ધારાસભ્યની આગેવાનીમાં કેટલાક અસંતુષ્ટ કોંગ્રેસીઓ ગત અઠવાડિયે દિલ્હી પહોંચ્યા હતા અને પક્ષપ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા હતા. જોકે કોઈ ઉકેલ આવ્યો હોય તેમ લાગતું નથી, કેમ કે પાટિલે કહ્યું કે 15થી 20 અમારા સાથીઓને ઘણા સવાલો છે. તેમની સાથે કર્ણાટક જઈને ચર્ચા કરીશું અને ત્યારબાદ આગળના કાર્યક્રમો વિશે વિચારીશું.

બેઠકમાં અહમદ પટેલ, કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ દિનેશ ગુંડુ રાવ અને કૃષ્ણા બાયરે ગોવડા જેવા નવા બનેલા પ્રધાનો પણ તેમાં હાજર હતા. બાયરે ગોવડાએ કહ્યું પણ ખરું કે સમાધાન માટે પ્રયાસો ચાલુ છે અને પ્રાદેશિક નેતાઓ સાથે પણ ચર્ચા થશે.

કહેવા ખાતર તો કહ્યું કે પોતે કોંગ્રેસ છોડી દેવાના નથી, પણ પાટિલે પોતાના સાથીઓ સાથે ચર્ચા કરશે એમ કહ્યું તેનો અર્થ જૂથબંધી અટકશે નહિ. 15 દિવસ સરકાર ચલાવવા મળે તે દરમિયાન કેટલાક કોંગ્રેસીઓને તોડી નાખવાની ભાજપની ચાલ હતી. તે ચાલ હજી પડતી મૂકવામાં આવી નથી. પાટિલ જેવા આઠ નેતાઓને ભાજપ તોડી નાખે તો નવી સરકારનો ખેલ ખતમ થઈ શકે છે. ગુજરાતમાં 14 કોંગ્રેસી ધારાસભ્યોને તોડી નખાયા હતા તે યાદ રાખવું જોઈએ.

લિંગાયત લઘુમતિ દરજ્જાનો મુદ્દો લાવનારા પાટિલ મહત્ત્વના નેતા છે અને તેઓ પોતાના જૂથની બેઠકો બોલાવીને મોવડીઓ પર સતત દબાણ લાવી રહ્યા છે. તેમણે દિલ્હીની મુલાકાત પછી કહ્યું કે ‘રાજ્યની સ્થિતિને રાહુલ ગાંધીને જાણ કરી છે. મેં મારા માટે કશું માગ્યું નથી. ફરિયાદ કરનારામાં હું એકલો નથી. બીજા સાથીઓ પણ છે એટલે તેમની સાથે વાત કર્યા પછી જ આગળની વાત કરીશ.’ પક્ષ છોડવાનો નથી, ભાજપને મળ્યો નથી કે ભાજપે સંપર્ક પણ કર્યો નથી અને પોતાની લડાઇ કોંગ્રેસમાં જ રહેવા માટેની છે તેવી સ્પષ્ટતા તેમણે કરી, પણ રાજકારણમાં બોલ્યું ફરી જવું સહજ હોય છે. વિજયપુરા જિલ્લામાંથી જીતેલા પાટિલ આગલી સરકારમાં સિંચાઇ પ્રધાન હતા. તેમને પક્ષપ્રમુખ બનવામાં રસ છે, તે વાતને પણ તેમણે નકારી હતી.

જેડીએસ-કોંગ્રેસની સરકારમાં 25 પ્રધાનોને સમાવાયા છે. પરંતુ તેમાં એમ. બી. પાટિલ અને દિનેશ ગુંડું રાવ જેવા માજી પ્રધાનોને સ્થાન મળ્યું નથી. રામલિંગા રેડ્ડી, આર. રોશન બેગ, એચ. કે. પાટિલ, તનવીર સૈત, શામનૂર શિવશંકરાપદ, સતીષ ઝારખીહોલી – આ બધા પણ સિદ્ધરમૈયા સરકારમાં પ્રધાન હતા, પરંતુ અત્યારે તેમને પણ લેવાયા નથી. જોકે સંયુક્ત સરકારમાં જેડીએસના હિસ્સો પણ હોય એટલે કોંગ્રેસને ઓછા પ્રધાનપદાં મળશે તે સ્પષ્ટ હતું, પણ કોને લેવા અને કોને ના લેવા તે કોંગ્રેસ મોવડીમંડળ માટે માથાનો દુખાવો થયો છે.

આવી બાબતોમાં પહેલેથી જ ચર્ચા કરીને કેમ નિર્ણય નથી લેવાતો તેવો પ્રશ્ન કોંગ્રેસમાં અસ્થાને હોય છે. ચર્ચા થતી હોય છે, પણ તેમાં દરેક જૂથના નેતા પોતાના વધુમાં વધુ ટેકેદારોને સ્થાન અપાવી દેવા માટે જ કોશિશ કરતા હોય છે. તે ચર્ચા વખતે મોવડીમંડળને અણસાર આવી જતો હોય છે, પણ સ્પષ્ટ નથી થતું કે આ પસંદગી પ્રક્રીયા પછી કેટલો અસંતોષ થશે. અસંતોષ થશે તે નક્કી જ હોય છે અને કોંગ્રેસ કલ્ચર પ્રમાણે બાદમાં રિસામણા મનામણા થાય. પણ આ જમાનો પરસેપ્શનનો છે. પ્રચારનો છે. કોંગ્રેસની આંતરિક ખેંચતાણ જાહેરમાં અને સોશ્યલ મીડિયામાં મજાકનું કારણ બની છે. ત્યારે કોંગ્રેસે પરિવર્તન એ લાવવું રહ્યું કે અસંતોષ ક્યાં થશે તે પ્રથમ તબક્કે જ જાણીને, પ્રથમથી જ તેનું નિરાકરણ લાવવાની કોશિશમાં લાવી જવું જોઈએ. જોકે થોડી વાર માટે સ્પીડ પકડી લેતી કોંગ્રેસ ગાડી નાનકડું ચઢાણ આવે એટલે કેટલી જૂની ગઈ છે અને એન્જિન હવે ઓવરહોલ માગે છે તેનો ખ્યાલ આવી જાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]