આધાર કાર્ડની ડેડલાઇન લંબાવવા માટે કેન્દ્ર તૈયાર

મારા મોબાઇલ પર વારંવાર મેસેજ આવતા હશે – આધાર કાર્ડ જોડો. મોબાઇલ સાથે જોડો, પાન કાર્ડ સાથે જોડો, બેન્ક ખાતા સાથે જોડો, રેશન કાર્ડ સાથે જોડો, ડીપી એકાઉન્ટ સાથે જોડો, અહીં જોડો, ત્યાં જોડો. લોકો કંટાળવા લાગ્યા હતા કે ક્યાં ક્યાં જોડવા. વળી પાછું ચૂંટણી કાર્ડ તો અલગથી કઢાવવાનું. રેશન કાર્ડ અલગથી કઢાવવાનું. પાન કાર્ડ અલગથી કઢાવવાનું. સરકાર મોટી ખરીદી કરો તો પણ પાન કાર્ડ માગે છે. સરકારનો ઇરાદો સારો છે કે ધનવાન લોકો જે ટેક્સ નથી ભરતા તેની માહિતી મળે.ઇરાદો સારો છે, પણ તેમાં સામાન્ય લોકો હેરાન થાય છે. બીજું પ્રાઇવસીનું શું તે મુદ્દો બહુ ચગ્યો છે. આ પ્રાઇવસી એટલે શું તે ભારતીય આમ આદમીને સમજાવવું મુશ્કેલ છે. આમ આમદી સમજદાર નથી એવું નથી. અમારી સમજ છે કે સામાન્ય માણસ વધારે કોમન સેન્સ ધરાવતો હોય છે, પણ પ્રાઇવસીનો કન્સેપ્ટ ભારતમાં નથી. પડોશીને ત્યાં શું રસોઇ બનવાની છે તે જાણવું સહજ ગણાતું હોય ત્યાં મારું પૂરું નામ શું છે અને એડ્રેસ શું છે અને બીજો અને ત્રીજો મોબાઇલ છે તેનો નંબર શું છે તે ખાનગી રાખવાની વાત ગળે ઉતરતી નથી.

આધાર કાર્ડના વિરોધમાં બહુ દલીલો થઈ છે, પણ તે મુખ્યત્વે અંગ્રેજી મીડિયામાં. અંગ્રેજી મીડિયામાં વાત બહુ ચગે પછી ભારતીય ભાષાઓના અખબારોમાં પણ તેની ચર્ચા ઉપડે, પણ તેમાં સ્વતંત્ર રીતે ચર્ચા મોટા ભાગે થતી નથી. તેથી આધાર કાર્ડમાં મૂળ મુદ્દો શું છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. આ લેખમાં તે સ્પષ્ટ કરવાનો ઇરાદો પણ નથી, કેમ કે તે માટે લાંબી ચર્ચા કરવી પડે તેમ છે. પહેલાં તો પ્રાઇવસીનો કન્સેપ્ટ ક્લિયર કરવો પડે. આધુનિક જમાનામાં તમારો ડેટા અયોગ્ય હાથમાં જાય તો શું થાય તે સમજાવવું પડે. એક દાખલો આપી દઈએ – તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ લિન્ક કરેલા હોય એટલે કોઈકના હાથમાં તે આવી શકે. સરકારી કચેરીમાં બેઠેલો ક્લર્ક સાહેબ વતી કામ કરતો હોય તે તમારા ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢી લે. આ પ્રિન્ટના આધારે તે મોબાઇલ નંબર લઇ લે.

તમને થાય કે મોબાઇલ નંબર મેળવી લે તેમાં શું મોટી વાત છે – તો અખબારો જરા ધ્યાનથી વાંચજો. આજકાલ પોલીસ મોબાઇલ નંબરોની ચકાસણી કરીને, કોલ રેકર્ડ ચકાસીને ગુના ઉકેલે છે. તમારા નામે અજાણી વ્યક્તિ મોબાઇલ લઇ લે અને ન કરે નારાયણને કોઇ ગંભીર ગુનામાં તે અજાણ્યે પણ સંડોવાઇ જાય તો તમે પણ સંડાવાઇ જાવ. મોબાઇલ નંબર ચકાસણીમાં નામ તમારું નીકળે, સરનામું તમારું નીકળે.

આ બધા કારણસર ડેટાની ચોરી ના થાય તે જરૂરી છે. વધારે ગંભીર દાખલો આપીએ – તમારા બધા બેન્ક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ જોડાઇ ગયું હોય એટલે તમારી કુલ બચત અને આવકનો અંદાજ સરકારી તંત્રને આવી શકે. સરકારી તંત્ર સુધી વાત બરાબર છે, કેમ કે ઇરાદો સારો છે. ઇરાદો ટેક્સ વસુલ કરવાનો છે. પણ ફરી યાદ કરાવીએ કે આળસુ ઇન્કમ ટેક્સ કમિશનર પીસીમાં પાસવર્ડ નાખીને પોતાના ક્લર્કને ડેટા ખોલી આપે. પેલો ક્લાર્ક દસ પંદર લોકોના બદ્ધેબદ્ધાં ખાતાંની માહિતી જાણી લે. આવી જાણકારીનો શો ઉપયોગ થઇ શકે? જેમના દિમાગ ફર્ટાઇલ હોય તે ઉપયોગ કરી શકે. ભાગીદારો એક બીજાથી માહિતી છુપાવતા હોય છે. ભાગીદારો વચ્ચે ઝઘડા થઈ શકે. ભાઇઓ એકબીજાથી માહિતી છુપાવતા હોય છે. ભાઇઓ વચ્ચે ઝઘડા થઇ શકે. પતિ પત્નીથી અને કમાતી પત્ની પતિથી અને પતિ-પત્ની બંને સંતાનોથી અને સંતાનો વાલીઓથી આવક છુપાવતા હોય છે. કુટુંબમાં ઝઘડા થઈ શકે છે.

ટૂંકમાં તમે વાત સમજી ગયો છો એટલે મૂળ મુદ્દા પર આવીએ કે આધાર કાર્ડનું શું કરવું તેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. વિવિધ જગ્યાએ આધાર કાર્ડ લિન્ક કરવાની મુદત 31 ડિસેમ્બર 2017 છે. આધાર કાર્ડને અનિવાર્ય કરવા સામે કેટલીક સંસ્થાઓએ વિરોધ કર્યો છે. આવો વિરોધ સુપ્રીમે સંપૂર્ણપણે સ્વીકાર્યો નથી. સુપ્રીમે સાથોસાથ આધાર કાર્ડ દ્વારા ઓળખ પાકી કરવાની પ્રક્રીયા પાછળના સરકારી તંત્રના શુભ ઇરાદાને પણ પારખ્યો છે. એટલે સુપ્રીમ પણ ઉતાવળ કરીને નિર્ણય કરવા માગતી નથી. સરકાર પાસેથી સુપ્રીમ કોર્ટે જવાબો માગ્યા છે.

સરકાર જવાબો આપે અને તેની સામે ફરિયાદ કરનારી સંસ્થાઓ પોતાના સર્વે, તારણો દ્વારા જોખમો સુપ્રીમ સામે સ્પષ્ટ કરે તેમાં સમય લાગે તેમ છે. પ્રાઇવસીનો મુદ્દો પણ કઇ રીતે નક્કી કરવો તે પણ મક્કમતાથી એકેય પક્ષ નક્કી કરી શક્યો નથી. તેથી લાગે છે કે આધાર કાર્ડ માટેની મુદત વધારવામાં આવશે. કેન્દ્ર સરકારના પ્રતિનિધિએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું પણ છે કે જરૂર પડ્યે આધાર કાર્ડની મુદત લંબાવી શકાય છે. મુદત કદાચ 31 માર્ચ સુધી લંબાવવામાં આવે તેવી શક્યા છે. તો નવી મુદત પડે ત્યારે ફરી અહીં આવજો, માહિતી આપીશું.