મહારાષ્ટ્રમાં હાલમાં જ પુણે જિલ્લાના ભીમા-કોરેગાંવ ગામમાં દલિતો સામે અભૂતપૂર્વ કહેવાય એવી હિંસા જોવા મળી હતી, જેઓ ગઈ 1 જાન્યુઆરીએ દલિત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હતા. એ દલિત સૈનિકો 1818માં બ્રિટિશ લશ્કરનો હિસ્સો હતા અને પેશ્વાઓ વિરુદ્ધ લડ્યા હતા. દલિતો દર વર્ષે 1 જાન્યુઆરીએ આ ગામમાં ભેગા થાય છે અને વિજયદિવસ ઉજવે છે. દેશનું બંધારણ ઘડનાર ડો. બાબાસાહેબ આંબેડકરે પણ 1927માં એ ગામની મુલાકાત લીધી હતી અને તે લડાઈમાં શહીદ થયેલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ વખતે એ લડાઈની 200મી તિથિ હતી એટલે દલિતોએ મોટા પાયે એની ઉજવણી કરી હતી, પરંતુ ગોવિંદ ગાયકવાડ નામના દલિતની સમાધીને ખંડિત કરવામાં આવતાં તેઓ ભડક્યા હતા. બાદમાં કથિતપણે સવર્ણ લોકો તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એ હિંસાનો પડઘો પુણે જિલ્લા તથા મુંબઈમાં પડ્યો હતો અને એને પગલે દલિતો દ્વારા મહારાષ્ટ્ર બંધ પણ પાળવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો હતો.
નરેન્દ્ર મોદીની સરકારે શાસન સંભાળ્યું છે ત્યારથી આ ત્રીજી વખત એને દલિતો સાથે ઘર્ષણ થયું છે. પહેલી વાર ગુજરાતના ઉનામાં થયું હતું જ્યાં ગૌહત્યાના મામલે કથિતપણે સંઘ પરિવારના કાર્યકર્તાઓએ કેટલાક દલિતોની મારપીટ કરી હતી.
બીજી વારનું ઘર્ષણ હૈદરાબાદ યૂનિવર્સિટીમાં થયું હતું જ્યાં આંબેડકર સ્ટુડન્ટ્સ એસોસિએશન તથા ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી જેને પગલે રોહિત વેમુલા નામના દલિત વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી.
હવે એ બંને ઘટના કરતાં પણ વધારે ગંભીર બનાવો મહારાષ્ટ્રમાં બન્યા છે. જમણેરી વિચારસરણી ધરાવતા હિન્દુ સંગઠનોએ દલિતો પર દબાણ લાવવાનો પ્રયાસ કરતાં બંનેનાં લોકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.
ગયા વર્ષના મે મહિનામાં ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રાજપૂતોએ મહારાણા પ્રતાપની જન્મતિથિ નિમિત્તે સરઘસ કાઢતાં દલિતોએ વાંધો ઉઠાવ્યો હતો. એના અમુક અઠવાડિયાઓ બાદ, રાજપૂતોએ આંબેડકર જન્મતિથિ નિમિત્તે દલિતો ઉજવણી કરે એ સામે વિરોધ ઉઠાવ્યો હતો.
આમ, મોદી સરકારના શાસનમાં સવર્ણો અને દલિતો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી છે.
200 વર્ષ પહેલાંની લડાઈવાળી ઘટનામાં દલિતો સાથે ઈસ્ટ ઈન્ડિયા કંપની જોડાઈ હતી જે હિન્દુવાદી સંગઠનોને ગમતું નથી.
ભારતીય જનતા પાર્ટી અગાઉ દલિત નેતા બાબાસાહેબ આંબેડકરને પસંદ કરતી નહોતી, પરંતુ મુસ્લિમો અને દલિતોના ભેગા થવાથી રાજકીય ફટકો પડવાની ગંભીરતાને કારણે ભાજપે આંબેડકર પ્રતિ પોતાનું વલણ કૂણું બનાવ્યું છે.
ભાજપે દલિત નેતા રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા હતા અને જે આજે એ હોદ્દા પર બિરાજમાન પણ છે.
પરંતુ, મહારાષ્ટ્રમાં દલિતો સાથેનું ઘર્ષણ ભાજપ માટે ચિંતા ઉપજાવનારું છે, કારણ કે આવતા વર્ષે આઠ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે.
ભારતની કુલ વસ્તીમાં દલિતોનો હિસ્સો 16.6 ટકા છે જ્યારે મુસ્લિમોનો હિસ્સો 14.2 ટકા છે. આગામી ચૂંટણીઓ પૂર્વે આ બંને સમુદાયનાં લોકો જો ભાજપ વિરુદ્ધનું વલણ અપનાવે તો શાસક પક્ષ માટે મુશ્કેલી વધી જાય એમ છે.
ભાજપ યુવા નેતાઓને ટાર્ગેટ બનાવે છેઃ દિલ્હીમાં જિજ્ઞેશ મેવાણીનો ‘હુંકાર’
ગુજરાતના વડગામમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીતીને વિધાનસભામાં પ્રવેશ મેળવનાર યુવા દલિત નેતા અને વ્યવસાયે વકીલ એવા જિજ્ઞેશ મેવાણીની આગેવાની હેઠળ દલિતોએ શાસક ભારતીય જનતા પાર્ટીને સીધો પડકાર ફેંક્યો છે.
મેવાણીએ આજે, મંગળવારે દિલ્હીમાં પોલીસે પરવાનગી આપી ન હોવા છતાં ‘યુવા હુંકાર રેલી’ યોજી હતી અને એમાં ભાજપ વિરુદ્ધ આકરાં પ્રહારો કર્યા હતા. રેલીમાં પાંખી હાજરી હોવા છતાં મેવાણી દિલ્હી પહોંચીને પોતાનો ઉભરો ઠાલવવામાં સફળ થયા છે.
મેવાણીએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ મારી જેવા નેતાઓને ટાર્ગેટ બનાવે છે. ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે મળીને મહારાષ્ટ્રમાં ભીમા-કોરેગાંવમાં દલિતો સામે હિંસા ભડકાવી હતી.
મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના યુવા મતદારોએ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને મને જે ટેકો આપ્યો હતો એને કારણે ભાજપ 150ને બદલે માત્ર 99 બેઠકો જ જીતી શક્યો હતો. અમને ટાર્ગેટ બનાવવાનું આ પરિણામ છે. હવે એને લીધે આરએસએસ અને ભાજપના લોકોએ ભીમા-કોરેગાંવમાં હિંસા ફેલાવી હતી, જેમાં એક યુવકનો જાન ગયો હતો અને અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
દિલ્હી પોલીસે રેલી માટે અગાઉ પરવાનગી આપી નહોતી તે છતાં મધ્ય દિલ્હીમાં સંસદભવનથી થોડેક દૂર આવેલા જંતર મંતર ખાતે રેલી યોજવામાં આવી હતી. જોકે મેવાણી તથા એમના સમર્થકોએ વડાપ્રધાનના કાર્યાલયે મોરચો લઈ જવાનો એમનો પ્લાન પડતો મૂક્યો હતો.
નવા ચૂંટાયેલા વિધાનસભ્ય મેવાણીએ રેલીમાં કહ્યું હતું કે હું કાયમ તમામ સમાજના લોકોને સંગઠિત કરવા વિશે કહેતો આવ્યો છું. જ્યારે ભાજપે 22 વર્ષના શાસન દરમિયાન વિભાજનકારી રાજકારણ ખેલ્યું છે. અમે લવ-જિહાદમાં માનતા નથી. અમે 14 એપ્રિલે વેલેન્ટાઈન્સ ડે પણ ઉજવીશું.