આધાર કાર્ડના આધારે તમારી આપવીતી સૌ જાણી શકશે?

પવીતી કહેવી આપણને સૌને ગમે છે. અરે ભઇ, જુઓને… એમ કહીને આપણે આપણી વાતો પરિચિતોને કહેતા હોઇએ છીએ. જોકે બધી વાતો બધા જાણે તે આપણને ગમે નહિ. કોને મળ્યા, ક્યાં ગયા હતા, કોની સાથે વારંવાર વાત થાય છે, બેન્ક ખાતાં કેટલા છે અને શું ખરીદી થઈ – આ બધી બાબતો જાહેર થઈ જાય તે આપણને ગમે ખરું?

આમ તો આપણી સોસાયટી બોલકી છે. આપણને બોલબોલ કરવું ગમે. ઉપરની કેટલીક વાતો કરવી ગમે પણ ખરી. અમે તો 4K અલ્ટ્રા હાઇ ડેફિનેશન ટીવી લાયા તે દેખાડો કરવાનું ગમે. પણ દોઢ લાખ રૂપિયાનું ટીવી ખરીદી આવ્યા તે ઇન્કમ ટેક્સ ઓફિસર જાણી જાય તે ના ગમે.

આધાર કાર્ડના કારણે તમારી રજેરજની માહિતી સરકારી માણસના હાથમાં આવી શકે છે તેવી ચર્ચાના કારણે એક પ્રકારની ગુસપુસ શરૂ થઈ છે. શું સરકારી તંત્ર હવે તમારા પર સતત નજર રાખી શકશે? તમારી એકએક પ્રવૃત્તિની જાણ આધાર કાર્ડના ડેટાનો એક્સેસ ધરાવતો અધિકારીને થઈ જશે?

તમને અત્યારે પણ વારેવારે ફોન આવતા હશે. ફોનવાળા કહેશે તમારો આધાર નંબર લાવો. બેન્કવાળા કહેશે તમારો આધાર નંબર લાવો. સોશ્યલ મીડિયામાં આધાર નંબર પર જાતજાતના જોક્સ પણ ચાલે છે. પણ આ બધા વચ્ચે સોશ્યલ મીડિયામાં કોઈએ ગંભીર ચિંતા પણ વ્યક્ત કરી છે. ઓળખના આધારભૂત પુરાવા તરીકે ગણાવાઇ રહેલું આધારકાર્ડ હકીકતમાં સર્વેલન્સ ટેક્નોલોજી છે એવું કહીને કેટલાકે બધાને ચોંકાવી દીધા છે.

આ એક કટાક્ષ છે, પણ ગંભીર કટાક્ષ છે. 1984 નામની જ્યોર્જ ઓરવેલની નવલકથા જાણીતી છે. બીગ બ્રધર સત્તા કબજે કરી લે છે અને પછી નાગરિકોને નિયંત્રણમાં રાખવા શું શું કરે છે તેની કટાક્ષમય કથા તેમાં છે. એક ટેલિસ્ક્રીન હોય છે જેના પરથી નાગરિકોને બીગ બ્રધરના ભાષણો સાંભળવાના હોય છે. ઠેર ઠેર આવા ટેલિસ્ક્રીન હોય છે. હકીકતમાં તે માત્ર ભાષણો સંભળાવવા માટે નથી હોતા. સર્વેલન્સ માટે પણ હોય છે. તેની અંદર છુપા કેમેરા પણ હોય અને માઇક્રોફોન પણ હોય. એટલે નાગરિકો શું કરી રહ્યા છે તેના પર નજર રહે અને તેમનો ગણગણાટ પણ સત્તાધીશોના કાને પડી જાય.

ટેક્નોલોજી 1984ની સ્થિતિ કરતાં આજે ઘણી આગળ વધી ગઈ છે. માત્ર આધાર કાર્ડ શા માટે, તમે સોશ્યલ મીડિયામાં શું કરો છો અને નેટ પર શું સર્ચ કરો છો તેના આધારે તમારા પર જાહેરખબરોનો મારો ચાલે છે. આ ટેક્નોલોજી એટલી આધુનિક થઈ ગઈ છે કે તમારી જાણ બહાર તમારી પ્રવૃત્તિઓ નોંધાતી રહે છે. પણ આધાર કાર્ડ તેનાથીય આગળ વધી શકે તેવી ચિંતા કેટલાક વ્યક્ત કરી રહ્યા છે.

આધાર કાર્ડને જુદી જુદી અનેક બાબતો સાથે જોડવાની વાત છે. હાલમાં જ એક સમાચાર આવ્યા કે તમારો આધાર નંબર કોઈને મળી જાય તો તમારા કેટલા બેન્ક ખાતા છે અને કઇ કઇ બ્રાન્ચમાં છે તે સહેલાઇથી જાણી શકાય. કેટલીક બેન્કોએ ઓનલાઇન વ્યવસ્થા કરી છે કે તમારું ખાતું આધાર સાથે જોડાઇ ગયું છે કે કેમ તે ચેક કરી શકાય. આવું ચેકિંગ કરવા પર કોઈ નિયંત્રણ નથી એટલે તમારો નંબર હાથ લાગી જાય તો રેન્ડર સર્ચ કરીને તમારું ખાતું કોઈ બેન્કમાં છે કે કેમ તે ચેક કરી શકાય.

આધારના સર્વરનો એક્સેસ જેની પાસે હોય તેવી પાસે તેનાથીય વધારે માહિતી મળવાનું સરળ બની જાય. તમારો ફોન પણ આધાર સાથે જોડવાનો છે. તમે ફોનમાં જીપીએસ ચાલુ રાખો એટલા આખો દિવસ ક્યાં રખડપટ્ટી કરી તે નોંધાતું રહે. તેનો અર્થ એ કે તમે સવારે ઘરેથી કેટલા વાગ્યે નીકળ્યા, ક્યાં ક્યાં ફર્યા, કયા રેસ્ટોરન્ટમાં જમીને કેટલું બિલ ઓનલાઇન ચૂકવ્યું, પેટ્રોલ કાર્ડથી કેટલું પેટ્રોલ કયા પંપે ભરાવ્યું, કયા શોરૂમાં જઈને શું ખરીદી આવ્યા તે બધું જ જાણી શકાય.

ટેક્નોલોજીના ફાયદા છે, પણ તેનો દુરુપયોગ ના થાય તેની કાળજી લેવી પડી. હાલમાં જ ટ્રીબ્યુ અખબારના પત્રકારે ચોંકાવનારો અહેવાલ આપ્યો કે આધારનો ડેટા માત્ર 500 રૂપિયમાં મળી જાય છે. કોઈ વ્યક્તિ પાંચસો રૂપિયા આપીને તમારા કેટલા ખાતા છે, તેમાં કેટલું બેલેન્સ છે, તમારા ફોન નંબર કયા છે વગેરે બધું જ જાણી શકે. આવું જાણીનું શું કરે તેની કલ્પના તમે કરી લો.

બીજી બાજુ સીસીટીવી સર્વેલન્સ પણ ગુના ઉકેલમાં મદદરૂપ થાય છે. કોલ રેકર્ડથી ગુના ઉકેલી શકાય છે. પણ ક્યારેય ગરબડ પણ થઈ જાય. કોઈ કંપની પોતાનો કર્મચારી હરિફ કંપનીની બિલ્ડિંગમાં ગયો હતો તે જાણીને કોઇ કાર્યવાહી કરે તો શું થાય? કર્મચારી એ જ બિલ્ડિંગમાં અન્ય ઓફિસમાં મિત્રને મળવા ગયો હોય, પણ ખુલાસો કોણ પૂછવાનું? પેલા ચાર રસ્તા પર સરકારે ઠેર ઠેર સીસીટીવી લગાવ્યા છે. તેનાથી ક્રાઇમ રેટમાં ઘટાડો થાય ત્યારે ખરો, પણ અત્યારે ઇ-મેમો આવે છે ત્યારે મોકાણ થાય છે. ઇ-મેમો સાથે સીસીટીવીની તસવીર પણ હોય છે. તે તસવીરમાં કોઈને લિફ્ટ આપી હોય તો તે પણ આવી જાય. આવો ઇ-મેમો ઘરે પહોંચે ત્યારે જોવા જેવી થઈ હોય તેવા કિસ્સાઓ અવારનવાર આવતા રહે છે.

આપવીતી કહેવાની વાત આપણા હાથમાં છે. કોને કહેવી, ક્યારે કહેવી અને કઇ રીતે કહેવી તે આપણે નક્કી કરી શકતા હોઇએ છીએ. પણ બીજા લોકો તમારી આપવીતી આપમેળે જ જાણતા થઈ જાય તો શું થાય – એ કલ્પના જ અત્યારે છે. ભવિષ્યમાં આધાર કાર્ડ જો ખરેખર સુપ્રીમ કોર્ટ પણ ફરજિયાત કરી દે તો – જે કંઇ થશે, તે કલ્પના કરતાંય ચોંકાવનારું હશે ખરું?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]