રાજ્યસભામાં પણ ભાજપની બહુમતી થાય તો શું થાય?

ત જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણીઓ હતી. ગોવા, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં. તેમાંથી આપણને ગુજરાતની ચૂંટણી વધારે યાદ છે, કેમ કે અહમદ પટેલ રસાકસીભરી ચૂંટણીમાં આખરે જીત્યાં. કોંગ્રેસના દગાખોર સભ્યોએ ભાજપને મત આપ્યાં, પણ મત આપતા પહેલાં રાઘવજી પટેલ અન ભોળાભાઇ ગોહેલે અન્યને બતાવ્યાં. તેથી તેની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઇ અને અહમદ પટેલ જીતી ગયાં. તે સાથે જ ગુજરાતમાંથી રાજ્યસભાની એક વધારાની બેઠક લઇ લેવાની ભાજપની ગણતરી ઊંધી વળી ગઈ.જો તે એક વધારાની બેઠક મળી ગઈ હોત તો ઓગસ્ટમાં જ ભાજપ રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ બની ગયો હતો. પણ તે માટે તેણે વધુ એક વર્ષ રાહ જોવી પડશે અને જુલાઇ 2018માં તે રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ બની શકશે. જુલાઇ 2017માં ગોવાની એક બેઠક પર ચૂંટણી થઈ તેમાં ભાજપ ફાવ્યું અને કોંગ્રેસની એક બેઠક પડાવી લીધી. ગોવામાં છેલ્લે થયેલી ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો કોંગ્રેસને મળેલી પણ તડજોડ કરીને ભાજપે સરકાર બનાવી લીધેલી. એવી જ તડજોડ ગુજરાતમાં કામ આવી નહીં. 18 ઓગસ્ટે પશ્ચિમ બંગમાં છ બેઠકોની ચૂંટણી હતી, પણ તેમાં કોઈ તડજોડ થાય તેમ નહોતી એટલે સર્વસંમતિથી પસંદગી થઈ ગઈ. તેમાં ડાબેરીની એક બેઠક ઓછી થઈ, તૃણમૂળ કોંગ્રેસની એક વધીને પાંચ થઈ અને કોંગ્રેસની એક યથાવત રહી. એ સાથે જ રાજ્યસભામાં કોંગ્રેસ અને ભાજપની સંખ્યા એકસમાન 57 થઈ ગઈ.

લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ઇતિહાસ રચાયો હતો. પ્રથમવાર ભાજપ 283 બેઠકો સાથે લોકસભામાં એકલે હાથે બહુમતી મેળવી શક્યો. એવો જ ઇતિહાસ હવે જુલાઇ 2018માં રચાશે, કેમ કે ભાજપ પ્રથમવાર રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ બની જશે. છેલ્લે ચૂંટણી યોજાઈ તેમાં ગોવા અને મણીપુરમાં પણ ભાજપે સરકારો બનાવી લીધી. કોંગ્રેસને માત્ર પંજાબમાં ફરી સત્તા મળી અને સાથે ફક્ત પાંચ જ રાજ્યો તેની પાસે રહ્યા છે. હિમાચલ પ્રદેશ ભાજપે કોંગ્રેસ પાસેથી જીતી લીધું તે સાથે 19 રાજ્યોમાં ભાજપ અથવા તો ભાજપના સાથી પક્ષોની સરકારો થઈ ગઈ છે.
હવે આઠ રાજ્યોની ચૂંટણી છે તેમાંથી ચારની ચૂંટણી પ્રથમ છ મહિનામાં થઈ જશે. તેમાંથી ત્રણ નાના રાજ્યો છે ઇશાન ભારતના ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ અને ચોથું મોટું રાજ્ય છે કર્ણાટક. કર્ણાટકમાં કોંગ્રેસને અને ત્રિપુરામાં ડાબેરીઓને હરાવવાની ભાજપની નેમ છે. કદાચ સરકાર ના પણ બને, પરંતુ ધારાસભ્યોની સંખ્યા વધે તો રાજ્યસભામાં બેઠકો વધે તેવી શક્યતા છે. તેથી કાચા અંદાજ પ્રમાણે ભાજપની રાજ્યસભાની 13 બેઠકો વધે તેમ છે, જ્યારે કોંગ્રેસની ઘટશે. હવે બંનેની સરખેસરખી 57 છે તે જોતાં ભાજપની વધીને 70 થઈ જાય અને કોંગ્રેસની ઘટીને 47 થઇ જશે.

જોકે 245 સભ્યસંખ્યા ધરાવતી રાજ્યસભામાં એનડીએના સાથી પક્ષો સાથે પૂર્ણ બહુમતી મળે તે માટે ભાજપે વધુ રાહ જોવી પડશે. 2019માં વધુ આઠ રાજ્યોની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી પણ ખરી. એટલે આગામી લોકસભામાં શું સ્થિતિ હશે તેની સાથેસાથ રાજ્યસભામાં શું સ્થિતિ હશે તે પણ જોવાનું રહેશે. જો લોકસભા 2019 પણ ભાજપે ફરી જીતી લીધી તો તે પણ એક ઇતિહાસ હશે. બિનકોંગ્રેસી સરકાર પ્રથમવાર બીજી ટર્મ માટે ચૂંટાઇ હશે અને હિન્દી બેલ્ટના તથા પશ્ચિમ બંગ સહિતના મોટા રાજ્યોની ચૂંટણી પછી પ્રથમવાર કદાચ 2020માં રાજ્યસભામાં પણ બિનકોંગ્રેસી પક્ષોની સંપૂર્ણ બહુમતી હશે.

તે સાથે જ કદાચ ભારતના રાજકારણમાં એક મહત્ત્વનો બદલાવ આવશે. અત્યારે લોકસભામાં તો ભાજપ અને એનડીએની બહુમતી હોવાથી ખરડા પસાર કરવા સહેલા છે, પણ રાજ્યસભામાં હજીય મુશ્કેલી નડે છે. હાલમાં જ ત્રિપલ તલાકના બિલમાં એ જ થયું. લોકસભામાં સુધારાઓને ફગાવીને પાસ કરી શકાયું, પણ રાજ્યસભામાં કોંગ્રેસે સુધારા સૂચવ્યા અને ખરડો લટકી પડ્યો. જોકે ત્રિપલ તલાકના મુદ્દે પોતપોતાના કારણોસર શિવસેના અને ચંદ્રબાબુ નાયડુના ટીડીપીએ ભાજપને ટેકો આપ્યો નહોતો. તેનો અર્થ એ થયો કે ત્રિપલ તલાક જેવા ખરડામાં ભવિષ્યમાં એનડીએમાં સાથી હોય તેવો પક્ષ પણ આડો ચાલી શકે છે.આઝાદી પછી ત્રણ દાયકા સુધી કોંગ્રેસની પોતાની જ બહુમતી સરકારો રહી અને લોકસભા તથા રાજ્યસભા બંનેમાં તેની બહુમતી હતી. તેથી કાયદા પસાર કરાવવા માટે ખાસ મુશ્કેલી નડતી નહોતી. કટોકટી પછી જનતા મોરચો ઊભો થયો, ત્યારથી દેશનું રાજકારણ અનેક-પાંખીયું બન્યું છે. 1984માં કોંગ્રેસને જબરદસ્ત બહુમતી મળી તે અપવાદ સિવાય બંને ગૃહોમાં એક જ પક્ષનું વર્ચસ રહ્યું નથી. કોંગ્રેસ અને ભાજપ બંનેની (અને ત્રીજા મોરચાની પણ) ગઠબંધન સરકારો જ બની છે. ગઠબંધનમાં સગપણ સ્વાર્થનું હોય છે એટલે ત્રિપલ તલાક બિલમાં થયું તેમ શિવસેના અને ટીડીપી આડા ચાલ્યા હતા. અમેરિકા સાથે અણુ સમજૂતી કરવાની હતી ત્યારે કોંગ્રેસની સાથે રહેતા આવેલા ડાબેરી પક્ષો આડા ફાટ્યાં હતા.

આ સંજોગોમાં ભારતમાં ખરડો પસાર કરાવવો એ સરકારની ખરી કસોટી હોય છે. અત્યારે એનડીએ સરકાર અનિવાર્ય હોય ત્યારે વટહુકમ બહાર પાડીને કામ ચલાવે છે. પણ લાંબો સમય વટહુકમથી ચાલે નહિ. બીજો એક રસ્તો સરકારે કાઢ્યો છે મની બિલ મૂકવાનો. મની બિલ એટલે કે નાણાં ખરડો મૂકવામાં આવે તે વિપક્ષના વિરોધ છતાં પસાર કરી શકાય. પણ એ શોર્ટ કટ પણ વટહુકમની જેમ લાંબો સમય કે વારંવાર વાપરવો યોગ્ય રહે નથી.

જો અને તોની ભાષામાં વાત કરીએ તો 2020 સુધીમાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં એનડીએની બહુમતી હોય તો મૂળભૂત અધિકારો સિવાયના નવા ખરડા અને પાછળથી થયેલા બંધારણીય સુધારાઓમાં સુધારા થઇ શકે. જોકે મૂળભૂત બંધારણમાં ફેરફાર કરવા માટે સાદી બહુમતી ચાલે નહીં. બંધારણમાં સુધારા કરવા માટે બંને ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી જોઈએ. બે તૃતીયાંશ બહુમતી પછી દેશના 15 રાજ્યોના ધારાગૃહોમાં પણ તેને પસાર કરાવવા પડે. લોકસબામાં બે તૃતીયાંશ અને 15 રાજ્યોમાં ભાજપ અને એનડીએની બહુમતી સંભવિત લાગે છે, પણ રાજ્યસભામાં પણ બે તૃતીયાંશ બહુમતી શક્ય બનશે કે કેમ તેની પાછળ હજી પ્રશ્નાર્થ લાગેલો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]