ચૂંટણી પંચની ભલામણથી ICAI (ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા) દ્વારા રાજકીય પક્ષોમાટે હિસાબો રાખવા માટેની માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. તે મુજબ તમામ રાષ્ટ્રીય તેમજ ક્ષેત્રિય રાજકીય પક્ષો દ્વારા તેમની મિલકત અને જવાબદારીઓ, આવક અને ખર્ચની વિગતો કેન્દ્રિય ચૂંટણી પંચને મોકલવાની થાય છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા 2019-2020 (છેલ્લા ઉપલબ્ધ) અહેવાલોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેની વિગતો નીચે મુજબ છે:
રાષ્ટ્રીય પક્ષો પાસે કુલ 6988.57 કરોડ રૂપિયાની મિલકત છે, જ્યારે ક્ષેત્રિય પક્ષો પાસે 2129.38 કરોડ રૂપિયાની મિલકત છે.
નાણાકીય વર્ષ 2019-20માં દેશના રાષ્ટ્રીય અને પ્રાદેશિક, એમ બંને સ્તરના રાજકીય પક્ષોની સંપત્તિના આંકડાની ચૂંટણી સુધારાની ભલામણ કરતા ગ્રુપ – એડીઆર દ્વારા એક અહેવાલમાં જાહેરાત કરવામાં આવી છે. તે વર્ષમાં ભાજપે રૂ. 4,847.78 કરોડની સંપત્તિની ઘોષણા કરી હતી, જે તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધારે હતી. તે પછીના નંબરે માયાવતીનાં વડપણ હેઠળની બહુજન સમાજ પાર્ટી આવે છે – રૂ. 698 કરોડ સાથે. કોંગ્રેસ પાર્ટી પાસે રૂ. 588.16 કરોડની સંપત્તિ હતી અને તે ત્રીજા નંબરે હતી.
આ વિષ્લેષણ અનુસાર, સાત રાષ્ટ્રીય અને 44 પ્રાદેશિક પક્ષોએ વર્ષ 2019-20 દરમિયાન એમની પાસેની સંપત્તિની ઘોષણા કરી હતી. રાષ્ટ્રીય પક્ષો પાસે કુલ રૂ. 6,988.57 કરોડ અને પ્રાદેશિક પક્ષો પાસે રૂ. 2,129.38 કરોડની સંપત્તિ હતી. તમામ પક્ષોની કુલ સંપત્તિમાં, ભાજપ પાસે સૌથી વધુ – 69.37 ટકા સંપત્તિ હતી.
44 પ્રાદેશિક પક્ષોમાં, ટોચની 10 પાર્ટીઓ પાસે કુલ રૂ. 2,028.715 કરોડની સંપત્તિ હતી. એમાં સમાજવાદી પાર્ટી પાસે સૌથી વધારે – રૂ. 563.47 કરોડની સંપત્તિ હતી, જે કુલ સંપત્તિનો 26.46 ટકા હિસ્સો થાય છે. તે પછીના ક્રમે તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) રૂ. 301.47 કરોડ અને ઓલ ઈન્ડિયા અન્નાદ્રમુક રૂ. 267.61 કરોડ સાથે રહી.