14 ડિસેમ્બરે ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

નિતીન પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી જેવા દિગ્ગજોના ભાવિનો ફેંસલો થશે

મદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત અતિમહત્વના ગણી શકાય તેવા 14 જિલ્લાની 93 બેઠકોની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થયા છે, પણ તેની સાથે અનેક વર્તમાન નેતાઓ અને નવા યુવા ચહેરાઓનું ભાવિ 14 ડિસેમ્બરે ઈવીએમમાં કેદ થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 66.75 ટકા જેટલું ઓછુ મતદાન થયું છે., હવે પછીના બીજા તબક્કામાં મતદાન વધુ થાય તે માટે બન્ને રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પંચ પણ મતદાન જાગૃતિ લાવવા અનેક પ્રયાસો કરી રહ્યું છે. 2019ની લોકસભાની ચૂંટણી અગાઉ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ખુબ જ નિર્ણાયક બની જશે. કેન્દ્રમાં મોદી સરકારના બે આકરા નિર્ણયો નોટબંધી અને જીએસટીને ગુજરાતની પ્રજાએ આવકાર આપ્યો છે, કે જાકારો આપે છે, તે તો ઈવીએમમાં જ ખબર પડશે. હાલ તો મતદાર કળી શકાય તેમ નથી.

14 ડિસેમ્બરે 2.22 કરોડ મતદાતા 25,575 મતદાન મથકો પર મતદાન કરશે.રાજકીય પંડિતોના મતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભાજપને વધતે ઓછે અંશે નુકશાન થશે. પાટીદારોએ ભાજપ વિરુધ્ધ મતદાન કર્યું છે. હાર્દિક પટેલ ભાજપને મત નહી આપવાના શપથ લેવડાવી રહ્યા છે, જેથી ભાજપ 100 ટકા ચિંતામાં છે. હવે પછી બીજા તબક્કામાં વિજાપુર, રાધનપુર, મહેસાણા, વિસનગર, ઊંઝા પાટીદારના ગઢ છે, પાટીદારોના ઝોક કઈ તરફ રહે છે, તે તો 18 ડિસેમ્બરે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે જ ખબર પડશે. હાર્દિકના ભાજપ વિરુધ્ધના વલણને લઈને મોદીના ગુજરાતમાં ભાજપનો ગઢ સાચવવા માટે ખુબ પીએમ નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી હતી. અને જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ તરફથી વાણીવિલાસ થયો, તેના પીએમ મોદીએ સભામાં જવાબ આપ્યા છે. પ્રચારમાં તમામ બાબતોને નેવે મુકી દેવાઈ હતી. પાકિસ્તાન પણ ચૂંટણીપ્રચારમાં આવી ગયું હતું. અહેમદ પટેલને સીએમ બનાવવાની મંસા પણ આવી ગઈ… મણિશંકર ઐયરે મોદીને નીચ કહ્યા, તેમણે માફી માંગી છતાં ભાજપે આ મુદ્દાને ઉછાળ્યો, કોઈપણ પક્ષ ગુગલી બોલ આવે તો તેને ફટકારવાનું ચુક્યા નથી. બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર ખુબ આક્રમક રહ્યો છે. અંતે મતદાતા જ રાજા છે, કે તે કઈ બાજુ ઝૂકે છે.

બીજા તબક્કાની ચૂંટણી ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલ તેમની સામે કોંગ્રેસમાંથી જીવાભાઈ પટેલે ઉમેદવારી કરી છે. આ મહેસાણા બેઠક પર સૌથી વધુ 34 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. પાટીદારોના અનામત આંદોલન અને તે પછી નિતીનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં વાપરેલા શબ્દોથી પાટીદારો ગુસ્સે ભરાયેલા છે. નિતીનભાઈ સત્તામાં હોવા છતાં પાટીદારોને મનાવી શક્યા નથી. જેથી મહેસાણા બેઠક પર ભાજપ અન કોંગ્રેસ વચ્ચે ટફ ફાઈટ છે. હાઈકોર્ટે મહેસાણામાં વધુ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા માટે કહ્યું છે. પાટીદારોના જુથ વચ્ચે અથડામણ થાય તેવી શકયતાઓ ચર્ચાઈ રહી છે. મહેસાણાની જેમ રાધનપુર બેઠક પર કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને ટિકીટ આપી છે. તેમની સામે કોંગ્રેસના જ સભ્ય લવિંગજી ઠાકોર ભાજપમાં આવ્યા છે, ભાજપે તેમને ટિકીટ આપી છે. લવિંગજી ઠાકોરની જાહેરસભામાં બે વખત જીભ પણ લપસી ચુકી છે, પ્રજાને કહ્યું હતું કે કોંગ્રેસ આવે છે. રાધનપુર બેઠક પર 17 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

વટવા બેઠક પર 16 ઉમેદવારો જંગમાં છે, વટવામાં ભાજપ તરફથી ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાહેજા ચૂંટણી લડી રહ્યા છે. સિધ્ધપુરની બેઠક પર ભાજપના મોસ્ટ સીનીયર નેતા જયનારાયણ વ્યાસને ટિકીટ આપી છે, સિધ્ધપુરમાં 13 ઉમેદવારો જંગમાં છે. ધોળકા બેઠક પર ભુપેન્દ્રસિંહ ચુડાસ્માને રીપીટ કરાય છે, વિકાસથી વંચિત એવા ધોળકાવાસીઓમાં નારાજગી છતાં ઉમેદવાર બદલાયા નથી.  ડભોઈ બેઠક પર કોંગ્રેસના સિધ્ધાર્થ પટેલ સામે ભાજપના શૈલેષભાઈ મહેતા લડી રહ્યા છે. વડગામમાં જીગ્નેશ મેવાણી ઉભા રહ્યા છે, તેમની સામે ભાજપમાંથી વિજયભાઈ ચક્રવર્તી ઉભા છે.

અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો કુલ 21 બેઠકો પર ખરાખરીનો જંગ છે. જેમાં ભાજપનો ગઢ છે, અને કોંગ્રેસ 16 બેઠકો પર એડીચોટીનું જોર લગાવ્યું છે. અમદાવાદના ભાજપના ગઢમાં જો કોંગ્રેસ ગાબડુ પાડશે તો તે સફળ થઈ કહેવાશે. શહેરની 14 બેઠકો ભાજપના કબજામાં છે, તે બેઠક કોંગ્રેસ આંચકી લેવા ભારે મથામણ કરી રહી છે, પણ શહેરી મતવિસ્તારના મતદાતાઓના મત કળવા સહેલા નથી.

આ તમામ દિગ્ગજોના ભાવિનો ફેંસલો 14 ડિસેમ્બરે થશે. 14 ડિસેમ્બરે 350 અપક્ષ ઉમેદવારો સહિત કુલ 851 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

અહેવાલ- ભરત પંચાલ