ગુજરાત અને કર્ણાટકના રાજકારણનું કનેક્શન

છેલ્લાં બે દાયકામાં ગુજરાત અને કર્ણાટકનું રાજકારણ એક કે બીજી રીતે એક બીજા સાથે જોડાતું રહ્યું છે. ગુજરાતની ચૂંટણી પૂરી થાય એટલે છ મહિના પછી કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે. ભાજપ માટે ગુજરાત મહત્ત્વનું છે તે રીતે કોંગ્રેસ માટે કર્ણાટક મહત્ત્વનું છે, કેમ કે દક્ષિણમાં આ એક માત્ર રાજ્યમાં તેની સત્તા છે. ગુજરાતમાં 1995માં ભાજપની પોતાની સરકાર બની; તે પહેલાં જનતા દળ (ગુજરાત) સાથે ગઠબંધન થયું હતું. કર્ણાટકમાં પણ દેવે ગોવડાના જનતા દળ (સેક્યુલર) સાથે 2006માં ગઠબંધન થયું અને ભાજપને સત્તામાં ભાગીદારી મળી હતી.ચીમનભાઇ પટેલ સાથે ભાજપની ભાગીદારી અધવચ્ચેથી તૂટી અને ચીમનભાઇ ફરી કોંગ્રેસમાં જતાં રહ્યાં.કર્ણાટકમાં પણ જેડી(એસ) સાથેના સંબંધો બગડ્યાં, કેમ કે જેડી(એસ)ની દાનત ભાજપને સત્તામાં ભાગીદારી આપવાની નહોતી. કોંગ્રેસને સત્તા પર આવતી રોકવા મજબૂરીથી બંને પક્ષોએ સમાધાન કર્યું અને પહેલીવાર સંયુક્ત સરકારમાં યેદીયુરપ્પા સીએમ બન્યા. તે પછીની ચૂંટણીમાં 2008માં ભાજપ પ્રથમવાર પોતાની બહુમતી પર સત્તા મેળવી શક્યું. ગુજરાતમાં પણ ચીમનભાઇ સાથેની ભાગીદારીમાંથી છૂટ્ટા થયા પછી ભાજપ 1995માં પોતાની બહુમતી મેળવી શક્યું.

સત્તા મળ્યા પછી ગુજરાતમાં આંતરિક બળવો થયો. હજુરિયા-ખજુરિયા કાંડમાં કેશુભાઇ પટેલને સત્તા પરથી હટાવી દેવાયા. એ જ રીતે કર્ણાટકમાં પણ ભાજપને સત્તા અપાવનાર યેદીયુરપ્પાને ત્રણ વર્ષ પછી ભાજપના મોવડીમંડળે હટાવી દીધાં. કેશુભાઇને હટાવવા માટે તેમના જમાઇ ભ્રષ્ટાચાર કરે છે તે ફરિયાદ મોવડીઓને કરાઇ હતી, જ્યારે યેદીયુરપ્પાના કિસ્સામાં તેમની સામે અને તેમના પુત્રો સામે માઇનિંગ સહિતના કૌભાંડોની ફરિયાદ મોવડીઓને કરાઇ હતી. યેદીયુરપ્પાએ નારાજ થઈને પોતાનો કર્ણાટક જનતા પક્ષ બનાવ્યો અને તેના કારણે ભાજપે સત્તા ગુમાવવી પડી. કેશુભાઇ પક્ષમાં જ સમસમીને રહ્યાં અને ભૂકંપ પછી અક્ષમતાના બહાને તેમને હટાવાયા. ભાજપ ગુજરાતમાં હારી જાય તે પાલવે નહીં તેથી કેશુભાઇને ફરી હટાવી દેવાયા.

કર્ણાટકમાં પ્રથમવાર જ સત્તા મળી અને દક્ષિણનું દ્વારા ખૂલ્યું, પણ ભાજપ માટે સત્તા જાળવવી ગુજરાત જેટલી અનિવાર્ય નહોતી. એટલે યેદીયુરપ્પાનું નુકસાન ખાળી શકાયું નહિ અને 2013માં ફરી કોંગ્રેસની સરકાર આવી. કેન્દ્રમાં સત્તા મળ્યા પછી ભાજપ માટે ફરી કર્ણાટકનું મહત્ત્વ વધ્યું છે. દક્ષિણમાં હજીય સૌથી સારી સ્થિતિ ભાજપની કર્ણાટકમાં જ રહી છે. તેથી યેદીયુરપ્પાના મનામણા કરીને અને તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હોવા છતાં ભાજપમાં પરત લઈ લેવાયા. બીજી બાજુ કેશુભાઇ રહી રહીને ભાજપમાંથી અલગ થયા અને 2007માં પક્ષ બનાવ્યો. ભાજપને નુકસાન કરવાની વાત બાજુએ રહી, ભાજપને જીતાડવામાં જ કેશુભાઇનો ફાળો રહ્યો અને ચૂંટણી પરિણામો પછી નરેન્દ્ર મોદી તરત જ તેમના ઘરે જઈને કેશુભાઇને પેંડો ખવરાવી આવ્યા હતા.

ગુજરાત અને કર્ણાટકમાં બંનેમાં નેક્સ્ટ ઇલેક્શન હવે ભાજપ અને કોંગ્રેસ માટે અંત્યત અગત્યની બની. ગુજરાતમાં 2017માં ભાજપ માટે સત્તા જાળવવી અતંત્ય જરૂરી, જ્યારે કોંગ્રેસ માટે ઉત્તર ભારતમાં અસ્તિત્ત્વ બચાવવા ગુજરાતમાં સત્તાનો વનવાસ પૂરો કરવો પણ અત્યંત જરૂરી. બીજી બાજુ કર્ણાટક દક્ષિણનું દ્વાર છે તે એક વાર ખૂલ્યું હતું તે ભાજપે ફરી ખોલવું અત્યંત જરૂરી છે. તેથી 2018ની કર્ણાટકની ચૂંટણી ભાજપે ફરી જીતવી પડે.આ દરમિયાન ફરી એક વાર ગુજરાત અને કર્ણાટકના રાજકીય પ્રવાહો એકબીજામાં ભળ્યા. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી અને ભાજપે કોંગ્રસને તોડી નાખવાની રમત આદરી. કોંગ્રેસે પોતાના બચેલા ધારાસભ્યોને કર્ણાટક ભેગા કર્યા. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોવાથી સલામતી હતી. સિમ્બોલિક રીતે અહમદ પટેલને હરાવવા માટે દાવ ખેલ્યો જે ભારે પડ્યો. કોંગ્રેસના 14 ધારાસભ્યોને તોડી નાખ્યા, પણ બાકીના 44ને કોંગ્રેસ કર્ણાટક લઈ ગઈ અને બચી ગઈ. તેમાંથીય એક ગદ્દાર નીકળ્યો, પણ તે પછીય રાજ્યસભાની એક બેઠક કોંગ્રેસ જીતી ગઈ. તેના કાર્યકરોમાં જબરદસ્ત જોશ જાગ્યો. મરણ પથારીએ બેઠેલી કોંગ્રેસ બેઠી થઈ અને ચાલતી થઈ. 2014માં 26માંથી 26 બેઠકો અને કેન્દ્રમાં સત્તા પછી ગુજરાત 2017માં જીત આસાન લાગતી હતી. તે જીત મુશ્કેલ થઈ ગઈ.

કર્ણાટક સાથેનું કનેક્શન અહીં પૂરું થશે એમ લાગતું નથી. કર્ણાટકમાં પણ હવે ગુજરાતવાળી કરવાની ગોઠવણ ચાલે છે તેવી ચર્ચા છે. ગુજરાતવાળી એટલે વિપક્ષને ચૂંટણી પહેલાં જ તોડી નાખવો. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધરમૈયાએ હાલમાં જ નિવેદન આપ્યું છે કે ભાજપના કેટલાક નેતાઓ તેમના સંપર્કમાં છે. કર્ણાટકના ભાજપના ધારાસભ્યોને લાગે છે કે ભાજપ ડૂબતું જહાજ છે એટલે તેઓ કોંગ્રેસમાં જોડાવા માગે છે એમ તેમણે કહ્યું. ગુજરાતના પરિણામો આવી જાય એટલે કર્ણાટક ભાજપમાં મોટા ગાબડાં પડશે એવો ઇશારો તેઓ કરી રહ્યા છે.

બીજી બાજુ કર્ણાટકની સ્થાનિક પરિસ્થિતિ પણ એવી ઊભી થઈ રહી છે કે કોંગ્રેસને સાનુકૂળ થાય. ગુજરાતમાં જુદા જુદા આંદોલનના કારણે ઊભી થયેલી સ્થિતિ કોંગ્રેસને સાનુકૂળ થઈ છે. જેડી(એસ) અને કોંગ્રેસ વચ્ચે ફરી ગઠબંધન થઈ શકે છે. ગઠબંધન થાય તો મતો વહેંચાઇ જતા અટકે અને કોંગ્રેસને નુકસાન અટકે. ગુજરાતમાં પણ આ વખતે મતો વહેંચાઇ જતા અટક્યા છે અને તેના કારણે જ કોંગ્રેસને નુકસાનની ચિંતા ટળી છે તે વાતની અહીં સરખામણી થઈ શકે છે. જેડી(એસ)ના નેતા દેવે ગોવડાએ સિદ્ધરમૈયાના વખાણ કર્યા છે. ગોવડાનો પૌત્ર યુવાન થયો છે અને તેને રાજકારણમાં લોન્ચ કરવાનો છે. ગુજરાતમાં પણ યુવાન રાજકારણીઓ આ વખતે લોન્ચ થઈ રહ્યા છે.

દેવે ગોવડાએ વખાણ કર્યા અને કહ્યું કે સિદ્ધરમૈયાની સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. આ મુદ્દો પણ મહત્ત્વનો છે, કેમ કે યેદીયુરપ્પા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપોથી જ ભાજપ મોવડીએ હટાવ્યા હતા. કેન્દ્રસ્તરે ભાજપ કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારનો મુદ્દો જ વધારે ચગાવે છે, પણ કર્ણાટકમાં તે મુદ્દો નહિ ચાલે તેવો ઇશારો દેવે ગોવડાએ કર્યો છે. કેશુભાઇએ 2007માં પોતાના ચેલા નરેન્દ્ર મોદીને મદદ કરી હતી અને કોંગ્રેસના મતો તોડ્યા હતા દેવે ગોવડા 2018માં પોતાના ચેલા સિદ્ધરમૈયાને કોંગ્રેસના મતો ના તૂટે તે રીતે મદદ કરવા તૈયાર થયા છે. સિદ્ધરમૈયા જનતા દળમાં જ હતા અને દેવે ગોવડાની નીકટ હતા. જોકે બધા પક્ષોમાં બને છે તેમ ગોવડાએ પુત્રપ્રેમને આગળ રાખ્યો હતો. ચેલા સિદ્ધરમૈયાને ડેપ્યુટી સીએમ બનાવ્યા, પણ સીએમ બનાવવાની વાત આવી ત્યારે પુત્ર કુમારસ્વામીને આગળ કરી દીધા. સીએમ બનવા હકદાર ચેલા સિદ્ધરમૈયાને લટકાવી દીધા હતા. નારાજ થયેલા સિદ્ધરમૈયા જેડી(એસ) છોડીને કોંગ્રેસમાં ગયા અને પોતાની તાકાત પર સીએમ બન્યા. ચેલાની તાકાત જોયા પછી કેશુભાઇ નમી પડ્યા હતા. પોતાના પુત્ર ભરત ખાતર મોદીને શરણે ગયા. દેવે ગોવડા પણ પોતાના ચેલાની તાકાત જોયા પછી પૌત્ર પ્રાજ્વલ રેવન્ના ખાતર સિદ્ધરમૈયાના શરણે જવા તૈયાર થયા છે.

ગુજરાત ભાજપમાં આંતરિક અસંતોષ છે તો કર્ણાટક ભાજપમાં પણ આંતરિક અસંતોષ છે. યેદીયુરપ્પા પરત ફર્યા તે ભાજપના ઘણા સિનિયરોને નથી ગમ્યું. ગુજરાતમાં અમિતભાઇ જૂથ અને આનંદીબહેન જૂથ આમનેસામને છે, તે રીતે કર્ણાટકમાં યેદીયુરપ્પા અને ઇશ્વરપ્પા જૂથ આમનેસામને છે. કર્ણાટકમાં લિંગાયત મતો મહત્ત્વના ગણાય છે. યેદીયુરપ્પાને તેથી જ ભાજપ સાચવે છે. ગુજરાતમાં આનંદીબહેન અને નીતિન પટેલ વગેરેને સાચવવની કોશિશ થાય છે તે રીતે. પણ એક લિંગાયત નેતા ઉમેશ કાટ્ટી હાલમાં ભાજપના મોવડીઓથી ભારે નારાજ થયા છે. લિંગાયત શૈવ પંથી છે. લિંગાયતોનું એક જૂથ અલગ ધાર્મિક ઓળખ માટે માગણી કરી રહ્યું છે. માત્ર હિન્દુ નહીં, પણ અલગ ધર્મ તરીકે લિંગાયતને માન્યતાની માગણી સાથે સંમેલન મળ્યું તેમાં ધારાસભ્ય ઉમેશ કાટ્ટી ભાગ લેવા માગતા હતા. પણ તેમને પક્ષના મોવડીએ મનાઈ કરી તેથી અકળાયા છે. ગુજરાતની સ્થિતિની સરખામણી અહીં જોઈ શકાય છે.
ગુજરાતમાં રાહુલ ગાંધીની કસોટી છે. કર્ણાટકમાં પણ તેમની કસોટી છે, કેમ કે ગત વખતે કર્ણાટકમાં વિજય મળ્યો ત્યારે રાહુલ અને તેની ટીમને જશ મળ્યો હતો. રાહુલની (ગુજરાતના મધુસુદન મિસ્ત્રી સહિતની) ટીમે ઉમેદવારોની પસંદગીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો હતો. આ વખતે ગુજરાતમાં પણ ઉમેદવારોની પસંદગીમાં જૂથવાદની બાદબાકીનો અભિગમ અપનાવાયો છે. ગુજરાતમાં તે અભિગમ જીતે તો કર્ણાટકમાં બીજી વાર તેને ફેઇલ થવા દેવાય નહિ. ગુજરાતમાં રાહુલ અને અમિત શાહની સ્ટ્રેટેજી આમનેસામને છે તે જ રીતે કર્ણાટકમાં પણ બંને નેતાઓ આમનેસામને છે. થોડા મહિના પહેલાં બંને નેતાઓ એક જ દિવસે કર્ણાટકમાં ભેગા થઇ ગયા હતા ત્યારે ભારે ચર્ચાઓ જાગી હતી.

તેથી જ કહી શકાય કે ફરી એક વાર ગુજરાત અને કર્ણાટકનું રાજકારણ એક બીજા સાથે સંકળાતું રહ્યું છે અને હજી 2018ની મધ્ય સુધી અવશ્ય જોડાયેલું રહેશે. કેટલીક બાબતોમાં સરખાપણું અને કેટલીક બાબતોમાં વિરોધાભાસ રહ્યો છે. ભાવીમાં સરખાપણું હશે કે વિરોધાભાસ એ જાણવા રાહ જોવી રહી.