યુપી ઇલેક્શનનું ઉદાહરણ ગુજરાતમાં? જો હા, તો… કોણ ફાવશે?

યુપીમાં એન મોકે પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામો સાનુકૂળ આવ્યાx એટલે ભાજપ ખૂબ ખુશ થયો; ગુજરાતમાં વધુ ખુશ થયો, કેમ કે યુપી કરતાંય સારા સમાચારની જરૂર ગુજરાતમાં વધારે હતી. મહાપાલિકા, નગરપાલિકા અને નગરપંચાયતોની ચૂંટણીમાં ભગવો ફરક્યો એટલે ગુજરાતમાં ફટાકડા ફૂટ્યાં. ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ એવી આશા વ્યક્ત કરવા લાગ્યા છે કે આવા જ ફટાકડા ફોડવાનો મોકો ગુજરાતમાં પણ મળશે. યુપીની પેટર્ન પર જ ગુજરાતમાં રીઝલ્ટ આવશે જોજો, એમ ભાજપતરફીઓ કહે છે; પણ આ પરિણામોનું જરા ઝીણવટથી વિશ્લેષણ કરનારા કહે છે, કે તોતો પરિણામ જરા જૂદું જ આવશે.

યુપીના પરિણામોનું એનેલિસિસ જુદી જુદી રીતે થઈ રહ્યું છે. ભાજપને લોકસભા અને વિધાનસભાના મૂકાબલે ઓછા ટકા મતો મળ્યા છે અને વિપક્ષના મતો વહેંચાયા છે વગેરે. આ રાબેતા મુજબનું વિશ્લેષણ છે. વધુ જાણકારો લિસ્ટને તપાસની કહી રહ્યા છે કે સૌથી વધુ અપક્ષો જીત્યા છે તેના પર કુંડાળું કરો.

જો ભાજપ યુપીની પેટર્નની આશા ગુજરાતમાં રાખતો હોય તો ગુજરાતમાં પણ અપક્ષોની યાદી પર રાઉન્ડ કરવાનો વારો આવે. આવે ખરો? સવાલ મુશ્કેલ છે, કેમ કે 1995થી ગુજરાતમાં સીધી ફાઇટ થતી આવી છે. તેમાં ત્રીજો મોરચો કે અપક્ષો બહુ ફાવ્યા નથી, પણ પહેલીવાર કંઈક અનોખા માહોલમાં 2017ની ચૂંટણી યોજાઈ રહેલી છે ત્યારે સૌથી વધુ અપક્ષો ઉમેદવાર બન્યા છે તે યોગાનુયોગ નથી, પણ જીતની તકની આશાનો સંચાર છે.

યુપીમાં સૌથી વધુ બેઠકો ભાજપને મળી છે, પણ બીજા નંબરે અપક્ષો આવ્યા છે. અપક્ષો કોઈને કોઈ પક્ષના બળવાખોરો હોય છે, પણ તેને વ્યાખ્યા માટે અપક્ષો જ ગણવા રહ્યા. ઇવીએમથી જ્યાં ચૂંટણી થઈ તે મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં મતદાનની ટકાવારી ઓછી હતી અને ભાજપને વધારે બેઠકો મળી છે. તેની સામે પાલિકા અને પંચાયતોમાં બેલેટ પેપરથી મતદાન થયું, ત્યાં મતદાનની ટકાવારી 60 કરતાં વધારે હતી અને અપક્ષોને સૌથી વધુ બેઠકો મળી છે. ભાજપ અને વિપક્ષ કરતાંય અપક્ષોને નગરોમાં વધુ બેઠકો મળી છે.

વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષોને માત્ર અઢી ટકા મતો મળ્યા, જ્યારે આ વખતે પંચાયતોની ચૂંટણીમાં તેમને સીધા જ 20.4 ટકા મતો મળ્યા છે. નાની ચૂંટણીમાં અપક્ષોને વધારે મતો મળે, પણ આટલા બધા ના મળે. કદી મળ્યા પણ નથી અને તેથી સૌનું ધ્યાન ખેંચાયું છે. તેની સામે ભાજપના મતોમાં 9 ટકાનો ઘટાડો થયો છે. ગત માર્ચમાં થયેલી ચૂંટણીમાં 39.7 ટકા મતો મળ્યા હતા, તે સ્થાનિક ચૂંટણીમાં ઘટીને 30.8 ટકા થઈ ગયા છે. લોકસભા જેવું જ થયું અને ફક્ત 30 ટકા મતો સાથે ભાજપે ત્રણ ચતુર્થાંશ બેઠકો મેળવી લીધી. ભાજપને 9 ટકા મતોનું નુકસાન થયું તેની સાથે એસપીને ફક્ત ત્રણ ટકાનું નુકસાન થયું છે (21.8માંથી ઘટીને 18), જ્યારે બીએસપીને ચાર ટકાનું (22.2માંથી 18) નુકસાન થયું છે. કોંગ્રેસના મતો 6.2 ટકામાંથી વધીને 10 ટકા થયા પણ તેની કોઈ નોંધ લેવાઈ નથી.
ગુજરાતમાં જો ચાર ટકા કોંગ્રેસના મતો વધવાના હોય, ભાજપના લોકસભા કરતાં 9 ટકા ઘટવાના હોય અને અપક્ષો તે ઘટેલા મતો લઈ જવાના હોય તો યુપીની પેટર્ન થઈ ગણાય. એટલે કે ગુજરાતની આ વખતની વિધાનસભામાં અપક્ષોની સંખ્યા વધી શકે છે.

બીજી બાજુ ઇવીએમ મશીન સામેનો ઉહાપોહ વધ્યો છે. એક મહિલા અપક્ષ ઉમેદવારે ફરિયાદ કરી છે કે તેના કુટુંબના નામો જે વોર્ડમાં નોંધાયેલા છે ત્યાં તેને ઝીરો મત મળ્યા છે. આ કેવી રીતે શક્ય બને એવો તેનો સવાલ છે. ચૂંટણીપંચે મોડે મોડ જવાબ આપ્યો છે કે એ બૂથનું મશીન ખરાબ થયું હતું. પણ જવાબ સામે સવાલ એ છે કે ઇવીએમ મશીનમાં ગરબડ થાય ત્યારે નુકસાન વિપક્ષને કેમ થાય છે? ભાજપને કેમ નુકસાન થતું નથી? બીજું લોજિક વિપક્ષ એ પણ આપે છે કે મહાપાલિકામાં ઇવીએમ મશીનો વપરાયા. તેથી ત્યાં ભાજપના મતોની ટકાવારી ઘટી, પણ ઓછી ઘટી છે. મહાપાલિકામાં 50 ટકા કરતાં ઓછું મતદાન થયું છતાં મતોનો ઘટાડો ઓછો થયો. બીજી બાજુ બેલેટ પેપર સાથે નગરપાલિકાઓમાં ચૂંટણી થઈ ત્યાં ભાજપના મતો વધારે ઘટ્યા છે. નગરપાલિકામાં સરેરાશ મતદાન 60 ટકા વધારે રહ્યું હતું અને છતાં ભાજપના મતો વધારે ઘટ્યા. વિપક્ષે ફરી એક વાર આ લોજિકના સહારે ઇવીએમ મશીન પર નિશાન તાક્યું છે.

ગુજરાતમાં 1995 પછી સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 977 અને બીજા તબક્કામાં 1176. બંને પક્ષોમાંથી ઘણા નેતાઓએ બળવાખોરી કરીને અપક્ષ તરીકે જંપલાવ્યું છે. ભાજપે એવા 14 નેતાઓને સસ્પેન્ડ પણ કર્યા છે. ભાજપમાં આટલી બળવાખોરી ભૂતકાળમાં થઈ નથી, ત્યારે આ ઉમેદવારોને એમ લાગે છે કે ભાજપ પક્ષને નહીં, પણ લોકો સ્થાનિક ઉમેદવાર જોઈને મત આપશે. બીજું લોજિક – ભાજપનો વિકલ્પ જે મતદારો શોધે છે તેને કોંગ્રેસ એટલી પસંદ નથી, પણ ત્રીજો વિકલ્પ મળતો હોય તો અજમાવશે. તેથી પણ અપક્ષો વધારે સંખ્યામાં છે. જો આ લોજિક પ્રમાણે પરિણામો નહિ આવે તો યુપીની જેમ ગુજરાતમાં પણ ઇવીએમનો દોષ કઢાશે.

બીજું યુપીના પરિણામોમાં ભાજપે 16 કોર્પોરેશનમાંથી 14 મેળવી લીધી તેનો પ્રચાર વધારે થયો છે. બીએસપીને બે કોર્પોરેશન મળી છે. મહાનગરોથી નગરોમાં આવીએ ત્યાં ભાજપને 70, અપક્ષોને 43, એસપીને 43, બીએસપીને 29 અને કોંગ્રેસને 9માં સત્તા મળી છે. તેનાથી નાના નગરોમાં નગર પંચાયતોની વાત કરીએ તો ભાજપના ફક્ત 100 હશે. તેની સામે 182 અપક્ષો પાલિકા પ્રમુખો બનશે. એસપીના 83, બીએસપીના 45 અને કોંગ્રેસના 17 પાલિકાપ્રમુખો હશે. આ આંકડા સ્થિતિને જરા બેલેન્સ કરનારા છે.

હવે છેલ્લે જોઈએ કે કુલ નગરસેવકોની સંખ્યામાં કોણ આગળ છે. અહીં આંકડા અપક્ષોની કેટલી મજબૂત સ્થિતિ છે તે દેખાડે છે. સૌથી વધુ 7229 અપક્ષ નગરસેવકો જીત્યા છે. તેની સામે ભાજપના ફક્ત 1586, એસપીના 903, બીએસપીને 477, કોંગ્રેસના 271 અને આમ આદમી પાર્ટીના 36 જીત્યા છે. હવે તમે જ બોલો યુપીની સ્થાનિક ચૂંટણીમાં કોનો ભવ્ય વિજય થયો કહેવાય? અને એ જ પેટર્નની આશા ગુજરાતમાં હોય તો શું થાય… અપક્ષોને કેટલી બેઠકો મળશે ગણવા માંડો.