જમીન તેમજ જળસપાટી, બંને પર ઉતરે એવું સી-પ્લેન…!!

સ્પાઈસજેટ એરલાઈને મુંબઈના ગિરગામ ચોપાટી ખાતે તેના સી-પ્લેન (Sea Plane)ની સફળતાપૂર્વક અજમાયશ કરી છે. આ સેવા રાબેતા મુજબની વિમાનસેવા કરતાં અનોખી એ રીતે છે કે આમાં વિમાન જમીન પર તેમજ પાણીની સપાટી ઉપર પણ ઉતરી શકે છે.

શનિવારે, મુંબઈ એરપોર્ટ પરથી સી-પ્લેન વિમાને ઉડ્ડયન કર્યું હતું અને ગિરગામ ચોપાટીના દરિયામાં સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું.

સ્પાઈસજેટ કંપનીએ જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ કંપનીના સહયોગમાં સીપ્લેન ટ્રાયલ્સ યોજી હતી. એ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનો ગજપતિ રાજુ, નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા. એમણે પહેલી સીપ્લેન ફ્લાઈટના લેન્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું.

સીપ્લેન સેવા શરૂ થયા બાદ પ્રાદેશિક કનેક્ટિવિટી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

સ્પાઈસજેટ અને સેટોચી હોલ્ડિંગ્સ છેલ્લા છ મહિનાથી ભારતના નાના નગરો તેમજ શહેરોમાં સી-પ્લેન સેવા શરૂ કરવા માટે કામ કરી રહી છે. સી-પ્લેન સેવાનું વિમાન 10 અને 14 સીટવાળું હોય છે.

સ્પાઈસજેટના તમામ સીપ્લેન્સને ભારતની એવિએશન રેગ્યૂલેટર એજન્સી ડીજીસીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આ સેવામાં વિમાનો એવા નગર કે શહેરમાં ટેક ઓફ્ફ અને લેન્ડ કરી શકે છે જ્યાં લેન્ડિંગ સ્ટ્રીપ્સ કે રનવે ન હોય પરંતુ નદી કે સમુદ્ર હોય.

જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ સ્મોલ એરક્રાફ્ટ એવિએશનમાં સ્થાપક છે.

ભારતમાં નદી કે ખાડી કે સમુદ્ર જેવા જળવિસ્તારો મારફત એર કનેક્ટિવિટીના સેક્ટરમાં સેવાની શક્યતા ચકાસનાર સ્પાઈસજેટ પહેલી અને હાલ એકમાત્ર ભારતીય કંપની છે.

શનિવારે ચોપાટીના દરિયામાં કરાયેલી ટ્રાયલ આ મહત્વાકાંક્ષી યોજનાની ટ્રાયલ્સનો બીજો તબક્કો હતી. પહેલા તબક્કામાં, નાગપુર અને ગુવાહાટીમાં વિમાનની જમીન પર અજમાયશ કરવામાં આવી હતી.

દિલ્હી અને આગ્રા વચ્ચે પણ આ સેવા શરૂ કરવાનું કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ છે.

ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ઉપરાંત ઈશાન ભારત, આંદામાન, લક્ષદ્વીપમાં સી-પ્લેન સેવા શરૂ કરવાનું વિચારણા હેઠળ છે.

ભારતમાં પેસેન્જર ટ્રાફિકની દ્રષ્ટિએ એવિએશન ઉદ્યોગ ઝડપથી વિકાસ પામી રહ્યો છે. સી-પ્લેન સેવાથી આ ટ્રાફિકમાં જોરદાર ઉછાળો આવી શકે છે.

ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિકની દ્રષ્ટિએ એવિએશન માર્કેટમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે.

દુનિયાના દેશોમાં આ પ્રકારના 200 જેટલા વિમાનો ઉડી રહ્યા છે. સેટોચી કંપની છેલ્લા દસેક વર્ષથી QUEST બ્રાન્ડ અંતર્ગત પાણી અને જમીન સપાટી પર ઉતરી શકે એવા વિમાન બનાવે છે.

સી-પ્લેન સેવાથી શું ફાયદો થશે?

સામાન્ય વિમાન સેવાની સરખામણીએ સી-પ્લેન સેવા ઘણી સસ્તી પડે છે.

અજમાયશની સફળતાને પગલે જાપાની કંપની ‘મેક ઈન ઈન્ડિયા’ યોજના અંતર્ગત ભારતમાં જ તેના સી-પ્લેન્સ બનાવશે.

આ નવી સેવાથી અંતરિયાળ વિસ્તારોને પણ એવિએશન નેટવર્ક સાથે જોડી શકાશે. એવા વિસ્તારોમાં એરપોર્ટ કે રનવે બનાવવા માટે થનાર ખર્ચો બચાવી શકાશે.

સી-પ્લેન સેવા ભારતમાં એરલાઈન તેમજ પર્યટન, બંને ઉદ્યોગ માટે એક નવી માર્કેટ ખોલી આપશે અને રીજનલ કનેક્ટિવિટી ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવી દેશે.

સ્પાઈસજેટની ક્ષમતા

સ્પાઈસજેટ એરલાઈન ભારતમાં 51 શહેરો વચ્ચે વિમાન સેવા આપે છે. તે રોજ આશરે 396 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. એમાં સાત ઈન્ટરનેશનલ ફ્લાઈટનો પણ સમાવેશ થાય છે.

સી-પ્લેન શું હોય છે

સી-પ્લેન વોટરબોડીઝ પર લેન્ડ કરી શકે છે. એ વિમાનને જળસપાટી પર લેન્ડ કરી શકાય છે અને ત્યાંથી જ ટેક ઓફ્ફ પણ કરી શકાય છે.

આ સેવામાં મર્યાદિત પ્રમાણમાં ટર્મિનલ ઈન્ફ્રા ઈન્વેસ્ટમેન્ટ કરાય છે.