ગુજરાતમાં પ્રથમ તબક્કામાં સરેરાશ 68 ટકા મતદાન

ગુજરાત વિધાનસભા રચના માટેના લોકશાહી પર્વનું મહાદાન એટલે કે મતદાનનો દિવસ આવી ગયો છે. ગુજરાત વિધાનસભાની કુલ 68 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન સરેરાશ 68 ટકા નોંધાયું છે. વિધાનસભા ચૂંટણી માટે બે ચરણમાં મતદાન પ્રક્રિયા નક્કી થઇ છે, તેમાં પ્રથમ ચરણનું મતદાન આજે 9મી ડિસેમ્બરે યોજાયું હતું. હવે બીજા તબક્કો 14 ડિસેમ્બરે યોજાશે. આજે 9 ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની  કુલ 89 બેઠકો માટે યોજાયેલ આ મતદાનમાં 977 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં હતા. 89 બેઠક પર કુલ 977 ઉમેદવાર મેદાનમાં હતા. જેમાં 10 તાલુકા, 939 ગામડાં અને છ નગરપાલિકા વિસ્તાર આવે છે. તો જિલ્લાની દ્રષ્ટિએ જોઇએ તો કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરુચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના મતદારો તેમનો આગામી વિધાનસભ્યના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે.પ્રથમ તબક્કાના મતદાનનું લાઇવ અપડેટ

 • કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર કર્યું કે સરેરાશ 68 ટકા મતદાન થયું
 • મતદાન એકંદરે શાંતિપૂર્ણ થયું
 • સુરક્ષા એજન્સીઓનો કેન્દ્રીય ચૂંટણી પંચે આભાર માન્યો
 • ઈવીએમમાં ખરાબી થઈ હોવાની ફરિયાદો હતી, પણ મશીન તાત્કાલિક બદલીને મતદાન શરૂ કરાવી દેવાયું હતું.
 • બપોરે 4 કલાક સુધીમાં 60.16 ટકા મતદાન થયુંઃ ચૂંટણી પંચ
 • સરેરાશ 70 ટકા આસપાસ મતદાનની ધારણા
 • પાંચ વાગ્યે મતદાન પૂર્ણ, ટોકન લઇ ચૂકેલાં મતદારોને મત આપવા દેવાશે
 • કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટ આવીને મતદાન કર્યું
 • બપોરે બે વાગ્યા સુધીમાં 45.61 ટકા મતદાન, ચૂંટણીપંચે આપ્યો સત્તાવાર આંકડો
 • પોરબંદરના શારદાનગર સ્કૂલ મેમનવાડ મતદાનમથકમાં બ્લૂટૂથથી ઈવીએમ ચેડાંની ફરિયાદ સંદર્ભે ઇસીના ઓબ્ઝર્વર સહિતની ટીમે ખરાઇ કરવામાં આવી, પોલિંગ એજન્ટ મનોજ સિંગરખિયા પાસેના મોબાઇલની બ્લૂટૂથમાં જે નામ હતું તે ઇસીએ 105 હોવાથી ગેરસમજ થઇ છે, હેકિંગ થઇ હોવાનું માનવાનું કોઇ કારણ નથી શંકાને કોઇ કારણ નથીઃ ઇલેક્શન કમિશનને રીપોર્ટ સબમિટ કરાયો. ઇવીએમમાં ચેડાંના આક્ષેપની તપાસ માટે ચૂંટણીપંચની ટીમે સ્થળતપાસ કરી આક્ષેપ પુરવાર થતો ન હોવાનું જણાવ્યું
 • બપોરના 2 કલાક સુધીમાં નવસારીમાં 51 ટકા મતદાન નોંધાયું, જૂનાગઢ 43 ટકા રાજકોટ 40 ટકા
 • પૂર્વ સીએમ કેશુભાઇ પટેલે નાદુરસ્ત તબિયત છતાં ગાંધીનગરથી રાજકોટ આવીને બપોરે અઢી કલાકે મતદાન કર્યું
 • 12 વાગ્યા સુધીમાં 30.31 ટકા મતદાન
 • પ્રથમ ત્રણ કલાકમાં સરેરાશ 17થી 20 ટકા મતદાન
 • પ્રથમ બે કલાકમાં 15 ટકા મતદાન નોંધાયું
 • બરાબર સવારે 8 કલાકે મતદાન શરુ કરાયું
 • સીએમ રુપાણીએ મંદિરમાં દર્શન કરી મતદારોનો મતદાનની અપીલ કરી
 • મતદાતાઓ સવારથી જ મતદાનમથકો પર મોટીમોટી લાઇનમાં ઊભાં રહ્યાં છે
 • મહિલાઓ પણ મોટીસંખ્યામાં મતદાન માટે કતારમાં લાગી ગઇ છે
 • મતદાનના તમામ વિસ્તારોમાં યુવાન મતદારોમાં ઉત્સાહ
 • સીએમ રુપાણી મતદાનમથકે જઇ પત્ની અંજલિ અને પુત્ર સાથે મતદાન સંપન્ન કર્યું
 • કોસંબા પોલિંગ બૂથ 5નું ઈવીએમ ખોટકાયું, તરત જ બદલવામાં આવ્યું
 • ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગરમાં મતદાનમથકે સવારે 8.20 કલાકે પરિવાર સાથે મતદાન કર્યું, ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
 • કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલીમાં મતદાન કર્યું
 • રાજકોટના રૈયારોડ બૂથનંબર 11માં બે ઇવીએમમાં ખામી
 • તમામ મતવિસ્તારમાં શાંતિથી મતદાન પ્રક્રિયા થઇ રહી હોવાના અહેવાલ, મોટાભાગના વીઆઈપી મતદારોએ સવારમાં જ કરી લીધું મતદાન
 • ટેકનિકલ ખામીના કારણે પોરબંદરના નગરપાલિકા મતદાનમથકે અને વલસાડના બૂથનંબર 187માં ઈવીએમ ખોટકાયાં
 • પોરબંદરમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ મતદાન કર્યું, જનતા દ્વારા ભાજપનું અભિમાન ઉતારવાનો અભિપ્રાય આપ્યો
 • પાલીતાણાના ગોરજીની વાડી મતદાન મથકમાં ઇવીએમ બગડ્યું
 • નાંદોદની રાજેન્દ્ર શાળામાં ઈવીએમ મોકપોલમાં મત રજિસ્ટર ન થતાં, 20 મિનિટ મોડું મતદાન શરુ થયું
 • ઈવીએમ મોડું શરુ થતાં ગોવિંદ પટેલે પ્રિસાઇડિંગ ઓફિસરને વધુ સમય આપવા વિનંતી કરી
 • મતદાનના પ્રથમ કલાકમાં અંદાજે 8 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાના અહેવાલ
 • જે મથકો પર ઇવીએમ ખામીયુક્ત છે તે ખોટકાય છે તેના પર તરત જ ચૂંટણીપંચ દ્વારા ઈવીએમ બદલવામાં આવ્યાં
 • કેટલેક સ્થળે વરવધૂ લગ્નને માંડવે બેસતાં પહેલાં મતદાન કરતાં જોવા મળ્યાં
 • અર્જુન મોઢવાડિયા મતદાન મથકે મતદાન કરી બહાર આવી રહ્યાં હતાં ત્યાં કેટલાક લોકોએ સુરક્ષા જવાનો સાથે  મીડિયાને દ્રશ્યો લેવા બાબતે બોલાચાલી કરી
 • રાજકોટમાં કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પરિવારસહ મતદાન કર્યું, કોંગ્રેસની સરકાર બનવાનો દાવો કર્યો
 • G swan સેવા ખોરવાતાં ચૂંટણીપંચના કંટ્રોલરુમમાં વેબ કાસ્ટિંગ બંધ થયું, ટેકનિશિયન કામે લાગ્યાં
 • કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલે મતદાન કર્યું, કહ્યું કોંગ્રેસ 110 બેઠક જીતશે
 • જૂનાગઢમાં ભાજપના રેશમા પટેલ વોટ આપવા આવી પહોંચતાં કેટલાક પાટીદારોએ વિરોધ દર્શાવ્યો

રાજ્યના 19 જિલ્લામાં સવારના 8 વાગ્યાથી મતદાન શરુ થઇ સાંજે 5 કલાક સુધી રાજ્યના પ્રજાજનો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં તમામ વહીવટીય તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. 14,155 સ્થળ પર 24,679 મતદાનમથક પરથી કુલ 2,12,31,652 મતદારો પોતાનો મત આપશે. આ ચૂંટણીમાં 8 બેઠકના 2169 મતદાનમથકમાં મતદારોની સંખ્યા વધુ હોવાથી મતકુટિરની સાઇઝ વધારવામાં આવી છે.  શાંત-નિર્ભિક વાતાવરણમાં મતદાન યોજાય તે માટે ચૂંટણી પંચે 1 લાખ 74 હજાર પોલિસ કર્મચારીઓની સલામતી વ્યવસ્થા ગોઠવી છે. કુલ 2.41 લાખ ચૂંટણીકર્મી ફરજ બજાવશે. મતદાન મથકની ચૂંટણીસામગી લાવવા-લઇ જવા 4471 એસટી બસ ફાળવણી કરાઇ છે. મતદાતાઓને મતદાનની અપીલ કરતાં 93 લાખ બલ્ક મેસેજ મોકલવાની વ્યવસ્થા પણ ચૂંટણીપંચે કરી છે.મતદાન સમયે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની સાવચેતી પણ રાખવામાં આવી છે. 30 ટકા મતદાનમથક પર પોલિસ જવાનો સાદા ડ્રેસમાં ફરજ બજાવશે. કશી ઘટના બને તો તેના ફોટા અને મોબાઇલ વિડીયો રેકોર્ડિંગ ચૂંટણી પંચને મોકલી આપવામાં આવશે. સોસિઅલ મીડિયા દ્વારા કોઇ અટકચાળું ન કરે તે માટે સાયબર સેલની 24થી વધુ ટીમ નજર રાખશે.

દરેક મતદાનમથક પર વાહનો 100 મીટરની હદમાં લાવી શકાશે નહીં પરંતુ 200 મીટર દૂર ઉમેદવાર કામચલાઉ મથક બનાવી શકશે. થયેલાં મતદાનની ટકાવારી રીટર્નિંગ અધિકારી દર બે કલાકે મતદાનના આંકડા પૂરા પાડશે જેને અધિકારીઓ અપડેટ કરશે. સવારે સાડાદસ, બપોરે સાડાબાર, અઢી વાગ્યે અને સાંજે સાડા પાંચ વાગ્યે મતદાનના આંકડા અપડેટ કરાશે. આ ચૂંટણીથી વીવીપેટની નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેનાથી ઈવીએમમાં પડેલા મતની સંખ્યાને વીવીપેટ મશીનમાં પડેલી ચિઠ્ઠીઓની ગણતરી કરીને સરખી સંખ્યા ચકાસવામાં આવનાર છે.નોંધનીય છે કે વીવીપેટ મશીનમાં મતદાતાને સાત સેકેન્ડ સુધી પોતે જેને મત આપ્યો છે તેનું નિશાન જોવા મળશે.જેથી પોતે જેને મત આપવા માગે છે તેને જ પોતાનો મત ગયો છે તે મતદાતા સુનિશ્ચિત કરી શકશે.

ચૂંટણી પંચે આખા રાજ્યમાં કુલ 50,128 મતદાનમથકોમાંથી 23,500 એટલે કે 45 ટકા મતદાનમથક સંવેદનશીલ જાહેર કર્યાં છે. સંવેદનશીલજાહેર કરાયેલાં મતદાનમથકોમાંને કુલ ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યાં છે જેમાં અતિસંવેદનશીલ કેટેગરીમાં મૂક્યાં છે તેવા વિસ્તારોમાં પાટીદાર આંદોલન, દલિત આંદોલન અને ઓબીસી આંદોલન થયાં છે તે વિસ્તાર અને તે વર્ગના મતદાતા વધુ પ્રમાણમાં છે તેવા વિસ્તારમાંના મતદાનમથકોને અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યાં સુધી સેન્સિટિવ મતદાનમથકની વાત છે ત્યાં સુધી 20 ટકા બૂથ પરથી વેબ કાસ્ટિંગ કરીને નજર રાખવામાં આવશે.પ્રથમ ચરણની આ ચૂંટણીના રાજકીય પાસાંની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના દિગ્ગજનું ભાવિ 9મીએ ઈવીએમમાં સીલ થઇ જશે. મુખ્યપ્રધાન વિજય રુપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ,શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી આ ચરણની ચૂંટણી લડી રહ્યાં છે.

આ ચરણની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના  મુખીયાઓ ઉપરાંત પક્ષના ધુરંધર વક્તાઓની સભાઓ રેલીઓ લોકસંપર્કો યોજાયાં હતાં જેમાં  પીએમ મોદીએ 43 દિવસમાં 15,866 કિલોમીટરની યાત્રા કરી 18 રેલી, બે મંદિરના દર્શન અને 7 મુલાકાત કાર્યક્રમ કર્યાં છે. તો રાહુલ ગાંધીએ પણ 43 દિવસમાં 13,102 કિલોમીટરનો પ્રવાસ કરી 19 રેલી, 9 મંદિર દર્શન અને 6 મુલાકાત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જમવાના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ મોદીને માત આપી 5 કાર્યક્રમ કર્યાં જ્યારે મોદીએ તેવા કોઇ રોડકોર્નર નાસ્તા કાર્યક્રમમાં ભાગ લીધો નથી.

આ તબક્કાની ચૂંટણીમાં રાહુલનું સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ અને વિકાસ ગાંડો થયોના, જીએસટી વિરોધના મુદ્દા લઇને મેદાને ઉતરી તો ભાજપે કોંગ્રેસના વંશવાદ, ગુજરાતને અન્યાય ઉપેક્ષા, નર્મદા, અને રાહુલનું એકાએક મંદિર મંદિર જવું, સિબલ દ્વારા 2019 સુધી રામમંદિર કેસની સુનાવણી ટાળવાના મુદ્દાને ચગાવ્યાં હતાં. ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે પીએમ મોદી વિશે અભદ્ર ભાષાપ્રયોગ કરતાં કોંગ્રેસને ડેમેજ કંટ્રોલ કરવા છેવટે મોડી રાતે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવા પડ્યાં તેની પરેશાનીમાં છેલ્લી ઘડીનો પ્રચાર પોતાના બચાવકાર્યમાં ખર્ચાઇ ગયો હતો અને સામે ચાલીને આવી પડેલી તકનો ભાજપે, મોદીએ ભરપુર ઉપયોગ કરી લીધો હતો. હવે જોવાનું એ છે કૈ 18મીએ ઈવીએમ ખુલશે ત્યારે તેના પટારામાંથી સત્તાનું રતન કોને ફાળે જાય છે.

અહેવાલ- પારુલ રાવલ