ગુજરાતમાં આજે 19 જિલ્લાઓમાં 89 બેઠકો પર મતદાન

ગાંધીનગર – ભારે રોમાંચ અને ઉત્કંઠા જગાડનાર ગુજરાત વિધાનસભા ચૂંટણી – 2017નો તખ્તો તૈયાર છે. 182 બેઠકોવાળી વિધાનસભાની બે તબક્કામાં યોજાનાર આ ચૂંટણીના પહેલા તબક્કામાં આવતીકાલે 89 બેઠકો પર મતદાન થશે. શાસક ભારતીય જનતા પાર્ટી સામે વિરોધપક્ષ કોંગ્રેસે જોરદાર પડકાર ઊભો કર્યો છે.


આ 89 મતવિસ્તારો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આવરી લેતા 19 જિલ્લાઓમાં છે.

કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાર, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં થનાર મતદાન માટે કુલ 977 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.


આ 89 બેઠકોમાંથી હાલ 67 બેઠકો શાસક ભાજપના કબજામાં છે જ્યારે 16 કોંગ્રેસના તાબામાં છે. એક-એક બેઠક એનસીપી અને જેડી-યૂ પાસે છે તો અપક્ષો બાકીની બે બેઠક પર જીત્યા હતા.

શનિવારના પહેલા તબક્કામાં મુખ્ય હરીફાઈ રાજકોટ વેસ્ટ બેઠક પર છે જ્યાં વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઊભા છે. એમની સામે છે કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુ, જેઓ ગત્ ચૂંટણીમાં રાજકોટ ઈસ્ટ બેઠક પરથી જીત્યા હતા.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં, મહારથીઓ વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે. કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરીયા, કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને ભૂતપૂર્વ નાણાંપ્રધાન સૌરભ પટેલ ચૂંટણી લડી રહ્યા છે અને આ ત્રણેય નેતાને મતદારો જિતાડે છે હરાવે છે એ જોવાનું રહ્યું.

મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે.

કુલ 24,689 પોલિંગ બૂથ રાખવામાં આવ્યા છે. 2,12,31,652 મતદારો છે. આમાં 1,11,05,933 પુરુષો છે અને 1,01,25,472 મહિલાઓ છે. 247 મતદારો તૃતિય પંથીનાં છે.

આઠ બેઠક એવી છે જ્યાં 16થી વધારે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જામનગર રૂરલ બેઠક પર સૌથી વધારે, 27 ઉમેદવારો ઊભા છે.

જ્યાં 16 કરતાં વધારે ઉમેદવારો છે ત્યાં બે બેલટ યુનિટ હશે.