કિશોરીઓ પર બળાત્કારઃ બ્રજેશ ઠાકુરની બદમાશીની કથા

નીતિશકુમાર બહારથી જેટલા સજ્જન દેખાવાની કોશિશ કરે છે એનાથી અનેકગણા રીઢા રાજકારણી તરીકેની ઓળખ વધારે ને વધારે દૃઢ થતી જાય છે. નેતા તરીકે સફળ થવું એક વાત છે અને થોડી ગણી આબરૂ જાળવી રાખવી જુદી વાત છે. ચીમનભાઈ પટેલ નેતા તરીકે સફળ થયા હતા, પણ તેમની આબરૂ ક્યારેય એટલી સારી થઈ નહોતી. નીતિશકુમાર એ જ કેટેગરીમાં આવી ગયાં છે, કેમ કે સત્તા ખાતર તેમણે એવાં એવાં ગંદા કામ કર્યા છે કે રીઢા રાજકારણીને પણ શરમ આવે.ભાજપમાં જોડાવાનું, છુટ્ટા થઈ જવાનું, લાલુ યાદવનો સાથ લેવાનો અને છોડી દેવાનો એ બહુ સામાન્ય બદમાશી છે. નીતિશકુમાર પૈસા વાપરીને લોકોને ખરીદી લેવામાં, દલાલોને પત્રકાર બનાવીને તેમના અખબારોને લાખો રૂપિયા આપવામાં, બીજા ચોરલૂંટારાઓને એનજીઓ ખોલી આપીને તેમને પણ કરોડો રૂપિયા આપવામાં માહેર સાબિત થયા છે. નીતિશ કેવા કેવા માણસોને પોષે છે તેનો સૌથી વરવો નમૂનો હવે બહાર આવી ગયો છે.

8થી 14 વર્ષી બાળકીઓને અનાથાશ્રમમાં આશરો આપીને તેનું જાતીય શોષણ કરનારા બ્રજેશ ઠાકુરને નીતિશકુમાર અને તેમના પક્ષના નેતાઓ સાચવતા આવ્યાં છે. આઠ દસ વર્ષની બાળકીઓ સાથે રોજેરોજ કુકર્મ થતાં હતા. તેમને અધિકારીઓ પાસે અને નેતાઓ પાસે મોકલવામાં આવતી હતી. રાક્ષસ બ્રજેશ ઠાકુર પોતે રોજેરોજ બળાત્કાર કરતો હતો તે જુદું. બ્રજેશ ઠાકુરની બદમાશીની કથા તેના કરતાં સવાયા તેના બાપથી શરૂ થઈ. તેનો બાપ રાધા મોહન ઠાકુર હતો શિક્ષક, પણ શિક્ષકના પગારમાં તેને સંતોષ થાય તેમ નહોતો. તે શિક્ષક હતો ત્યારથી જ આડા ધંધે ચડી ગયો હતો. પૈસા ક્યાંથી મળે તેની ખણખોદ કરતાં તેને ખ્યાલ આવ્યો હતો કે ચોપનિયું કાઢવાથી લોકોને બ્લેકમેઇલ કરી શકાય છે તેણે વાણી નામનું ચોપાનિયું ચલાવ્યું હતું. થોડા વખતમાં તે બંધ કરી દીધા પછી 1982માં તેણે પ્રાતઃ કમલ નામનું ચોપાનિયું ચાલુ કર્યું. તેની નીચે નકરો કાદવ રહેવાનો હતો તેની રાધા મોહન ઠાકુરને ખબર હતી એટલે નામ પણ કમલ રાખ્યું. મુઝફ્ફરનગરમાં બ્લેકમેઇલિંગનો ધંધો આ ચોપાનિયા સાથે ચાલવા લાગ્યો એટલે શિક્ષકની નોકરી છોડીને ફુલટાઇમ આ ધંધામાં જ આવી ગયો.તે વખતે ન્યૂઝપ્રિન્ટની અછત હતી. ન્યૂઝપ્રિન્ટના બહુ મોટા કૌભાંડો તે જમાનામાં થયા હતા. જિલ્લે જિલ્લે ચોપાનિયા ફૂટી નીકળી પડ્યા હતા, જેના બે જ કામ રહેતા હતા – બ્લેકમેઇલિંગ કરવાનું અને ન્યૂઝપ્રિન્ટ વેચવાની. રાધા મોહન આવા બદમાશોનો રિંગલીડર બન્યો હતો. તેણે બિહારમાં ઠેરઠેર ચાલતા નાના નાના ચોપાનિયાને ન્યૂઝપ્રિન્ટ સપ્લાય કરવાની એજન્સી ખોલી હતી. સરકારી ઓફિસોમાં મોકલવા માટે બસ્સો પાંચસો કોપી છાપીને ચોપાનિયાનો ધંધો ચાલે. તેની સામે હજારોમાં સરક્યુર્લેશન બતાવવાનું. પ્રાતઃ કમલની પણ અઢીસો ત્રણસો કોપી છપાતી હતી અને નીતિશકુમારની સરકારમાંથી 40 લાખ રૂપિયાની જાહેરાત લેવા માટે સરક્યુલેશન 60,682નું બતાવાતું હતું. અનેક ચોપાનિયાની ન્યૂઝપ્રિન્ટ રાધા મોહન ખરીદતા હતો અને મોટા અખબારોને વેચીને તગડો નફો કમાતો હતો.
બાપ કરતાં બેટો સવાયો તે રીતે બ્રજેશ ઠાકુર એક્રેડિટેશન સમિતિમાં સભ્ય બની ગયો છે. સારા પત્રકારોને કદી એક્રેડિટેશન મળતું નથી. બ્લેકમેઇલિંગ કરનારા જિલ્લાના ચોપનિયાઓને તે છુટથી અપાય છે, કેમ કે બ્રજેશ ઠાકુર જેવા બ્લેકમેઇલરો કમિટિમાં હોય છે. ન્યૂઝપ્રિન્ટનો ધંધો બંધ થઈ ગયો અને જાહેરખબર વર્ષે માંડ 40ની લાખ મળતી હતી તે પછી વધારે કમાણી કરવા માટેનો ધંધો બ્રજેશ અને તેના બાપે શોધી કાઢ્યો હતો – એનજીઓ ખોલવાનો.
રાધા મોહનના વખતથી એનજીઓ ખોલીને સરકારમાંથી ગ્રાન્ટ લેવાનો ધંધો બાપદિકરો કરતા હતા. મુઝફ્ફરનગરમાં શહેરના સારા વિસ્તારમાં તેમણે ત્રણ માળનું રહેવાનું ઘર બનાવ્યું છે અને તેની બાજુમાં જ ત્રણ માળની બિલ્ડિંગ બનાવી છે, જેમાં અનાથાશ્રમ ચાલતું હતું. તેમાં 32 જેટલી કિશોરીઓને રાખવામાં આવી હતી. અનાથ એવી આ બાળકીઓનું છેલ્લા કેટલાય વર્ષોથી બ્રજેશ જાતીય શોષણ કરતો હતો.

નીતિશકુમારના જેડીયુના એક નેતા રામનાથ ઠાકુરના ચમચા તરીકે બ્રજેશ નીતિશનો પણ દોસ્ત બન્યો હતો. અગાઉ બ્રજેશ આનંદ મોહનસિંહ સાથે પણ જોડાયો હતો. લાલુ યાદવ સામે પડકાર ફેંકવા માટે આનંદ મોહનસિંહે પોતાની બિહાર પિપલ્સ પાર્ટી એવી અલગ પાર્ટી બનાવી હતી. આનંદ જેલમાં હતો ત્યારે પણ તેની પત્ની લવલી સિંહ જીતી ગઈ હતી. 1995માં આનંદ મોહન સિંહના પક્ષમાંથી બ્રજેશ સિંહે પણ ચૂંટણીમાં જંપલાવ્યું હતું, પણ તે હારી ગયો હતો. 2000માં ફરી વાર ચૂંટણી લડ્યો પણ ત્યારે ફાવ્યો નહીં. આ વખતે યાદવ વિરોધી હોવાથી આનંદ મોહનને એનડીએમાં લેવામાં આવ્યો હતો. તેના પક્ષને બે ટિકિટો આપવામાં આવી હતી, તેમાંથી એક બ્રજેશને મળી હતી. એનડીએના નેતાઓ તેના માટે પ્રચારમાં પણ આવ્યાં હતાં.

આનંદ મોહનસિંહનું માત્ર પોતાના વિસ્તાર પૂરતું જ ગજું હતું એટલે બ્રજેશ સત્તામાં રહેલા આરજેડીના નેતા રઘુનાથ ઝાની નજીક જતો રહ્યો હતો. ધીરે ધીરે તે સરકીને જેડી(યુ)ના નેતાઓ સાથે અને કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરની સાથે રહેવા લાગ્યો. નીતિશકુમાર અને લાલુ યાદવ સાથેની પોતાની તસવીરો બતાવીને તે પ્રભાવ પાડતો રહેતો હતો. આગળ જતા તેની વાઇફને પણ નીતિશકુમારની સરકારે નિગમમાં મૂકી દીધી હતી. નીતિશકુમાર કેટલા બેશરમ રાજકારણી બની શકે તેનું ઉદાહરણ આ કેસથી જ વધારે સ્પષ્ટ બન્યું છે. 32 બાળકીઓ પર સતત બળાત્કાર થવાનો કેસ બહાર આવ્યો અને દેશભરમાં હાહાકાર મચ્યો, પણ નીતિશકુમારના પેટનું પાણી પણ હલ્યું નથી. ઉલટાનું બ્રજેશની પત્ની સાથે નિગમના એક કાર્યક્રમમાં હાજર રહ્યા અને તેને પોતાની બાજુમાં જ બેસાડી. બળાત્કારી બ્રજેશની લુચ્ચી રીતે હસતી તસવીરો બધે ફરતી થઈ છે તેનું કારણ પણ આ જ છે. તે જાણે કહી રહ્યો હતો કે નીતિશકુમાર તો અપના દોસ્ત હૈ અને મેરી વાઇફ કે સાથ એક હી સ્ટેજ પર બૈઠે. મુઝે કુછ નહીં હોને વાલા.
આવી નફ્ફટાઇ પછી નીતિશકુમારની આબરૂ તળિયે પહોંચી છે.

આરજેડી સાથે અને બિહારના મતદારો સાથે દગો કરીને ભાજપના ખોળામાં બેસી ગયા તે માત્ર રાજકીય બદમાશી હતી. સત્તા ખાતર રાજકીય બદમાશી આ દેશમાં ચાલતી રહે છે. કોણ કોના ખોળામાં બેસી જાય કહેવાય નહી, પણ બળાત્કારી અને બદમાશ દલાલોને છાવરવાની એક હદ હોય છે. ગુંડાઓ અને દલાલો ચૂંટણી લડવામાં ઉપયોગી થતા હોય છે, એટલે નેતાઓ તેમનો ઉપયોગ કરતા રહે છે. પણ ગુંડાઓ અને દલાલોને એક હદથી મોટા થવા દેવામાં આવે ત્યારે તે નેતાને ભારે પડી જતું હોય છે. બ્રજેશ અને તેનો બાપ રાધા મોહન બહુ મોટા થઈ ગયા છે. તેમના ત્રણ ત્રણ અખબારો ચાલે છે, ડઝનબંધ એનજીઓ ચાલે છે. લાખો રૂપિયાની જાહેરખબરો અને કરોડો રૂપિયાનું ફંડ તેમના એનજીઓને મળે છે. અનાથાશ્રમની કિશોરીઓ મોકલીને કોન્ટ્રેક્ટરો પડાવી લેવાય છે અને તેમાંથી પણ કમાણી થાય છે. ઠાકુરના ઘરે મહેફિલો થતી રહે છે, તેમાં નેતાઓ અને અધિકારીઓ આવીને જલસા કરે છે. કરોડો રૂપિયાની કમાણી બાપદીકરો કરી રહ્યા છે ત્યારે હજીય નીતિશકુમાર વાતનો વીટો વાળી દેવાની કોશિશ કરી રહ્યો હોય તેવી છાપ પડી છે. દેશના વડાપ્રધાન બનવાના સપના જોનારા નીતિશ ગલી કક્ષાનું રાજકારણ ખેલનારા નીકળ્યા છે તે આ કિસ્સાએ વધારે સ્પષ્ટ કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]