…કે માલ્ટા તેરી યાદ આયી!

જે એટલે કે લંબોદર સંકષ્ટ ચતુર્થીના સુપ્રભાતે ‘મોજમસ્તી…’માં કયો ટૉપિક લેવો એનો વિચાર કરી રહ્યો હતો ત્યાં પાસે પડેલા 2-3 દિવસનાં છાપાંમાંથી એકનું મથાળું સામે નાચી રહ્યું- “માલ્ટાનાં કૅથલિક ડેમોક્રેટ રૉબર્ટા મૅટ્સૉલાને યુરોપીય સંઘની સંસદનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.” પાંચેક લાખની વસતી ધરાવતા બચૂકડા માલ્ટાની 43 વર્ષી આ રાજકારણી ઍબોર્શનની કટ્ટર વિરોધી છે, પણ એલજીબીટી (લેસ્બિયન-ગે-બાયસેક્સ્યુઅલ-ટ્રાન્સજેન્ડર)ના હકની તરફેણમાં છે ને એવી બધી જફા ભૂલી મેં માલ્ટા પર કૉન્સન્ટ્રેટ કરવાનું નક્કી કર્યું.

-કેમ કે માંકડા જેવું મારું મન માલ્ટા વાંચતાં જ હૂપાહૂપ કરતું સન 1976ની સાલમાં પહોંચી ગયું હતું. ઈટાલી-લિબિયાની વચ્ચે આવેલું માલ્ટા નકશામાં એક ટપકું જેવું દેખાય, પણ મધ્ય ભૂમધ્ય સાગરનાં સ્ફટિક શાં શુદ્ધ ભૂરાં જળ, પ્રાકૃતિક લીલુંછમ્મ સૌંદર્ય, અણમોલ વારસા જેવાં સ્થાપત્યો માણવા-જોવા દર વર્ષે હજારો પ્રવાસી અહીં ઊતરી પડે છે. આ ઉપરાંત માલ્ટા યુરોપિયન અને અમેરિકન ફિલ્મસર્જકોનું પૉપ્યુલર શૂટિંગ ડેસ્ટિનેશન છે. ‘કેસિનો રૉયાલ,’ ‘ગ્લેડિયેટર,’ ‘ધ કાઉન્ટ ઑફ મોન્તે ક્રિસ્તો,’ ‘ટ્રૉય,’ ‘ગેમ ઑફ થ્રોન્સ,’ જેવી અઢળક ફિલ્મ-ટીવીસિરીઝ-વેબશો-ડૉક્યુમેન્ટરી અહીં સર્જાયાં છે.

-અને રામાનંદ સાગરની ‘ચરસ’ (1976). આ ફિલ્મથી માલ્ટા તે સમયે ઈન્ડિયામાં જબ્બર ફેમસ થઈ ગયેલું. યુગપ્રવર્તક ટીવીસિરિયલ ‘રામાયણ’ ઉપરાંત ‘લવ-કુશ’ અને ‘ક્રિશ્ના’થી પવિત્ર સર્જક તરીકે પ્રસિદ્ધ થયા એના લોન્ગ લોન્ગ અગો રામાનંદજી એન્ટરેઈનિંગ ફિલ્મો બનાવવા માટે ફેમસ હતા. ‘ઘૂંઘટ’, ‘આરઝૂ’, ‘ગીત’, ‘લલકાર’, જેવી અનેક ફિલ્મ એમણે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી. 1968માં એમણે બિરુત તથા અન્ય ફોરેન લોકેશન પર શૂટ કરેલી ‘આંખે’ (ધર્મેન્દ્ર-માલા સિંહા) આજે પણ એક બહેતરીન સ્પાય ફિલ્મની કેટેગરીમાં આવે છે.

તો, ‘શોલે’ની અપ્રતિમ સફળતા બાદ એની જોડી ધર્મેન્દ્ર-હેમામાલિનીને ચમકાવતી ‘ચરસ’ની વાર્તા લખતી વખતે રામાનંદ સાગરે યુગાંડાની રાજકીય અસ્થિરતા અને ભારતીયોની હિજરતને વગેરે વણી લીધેલા. તે સાથે એમને વિચાર આવ્યો કે ‘આંખે’ની જેમ ‘ચરસ’નું પણ ફોરેનમાં શૂટિંગ કરવું. વાર્તા સાવ સાદી હતીઃ સૂરજ (ધર્મેન્દ્ર) પોતાના પિતાને પૈસેટકે પાયમાલ કરનારા તથા એમની હત્યા કરનારા રૉબર્ટ (અમજદ ખાન) અને કાલિચરણ (અજિત) સામે વેર વાળવાનું નક્કી કરે છે, પણ ખબર પડે છે કે બન્ને માલ્ટામાં ડ્રગ્ઝનો બિઝનેસ કરે છે એટલે સૂરજ માલ્ટા પહોંચે છે. એક પૅરેલલ સ્ટોરી ગીત-સંગીત-નૃત્યના શો કરતી સીમા (હેમામાલિની)ની ચાલે છે, જે કાલિચરણના દબાણને વશ થઈ ચરસનો મોટો જથ્થો પોતાના મ્યુઝિકલ-શોના સેટ્સમાં સંતાડીને માલ્ટામાં ઘુસાડે છે.

‘ચરસ’ની માલ્ટામાં શૂટ થયેલી સિક્વન્સીસમાં ખાસ તો એક લાંબી ચેઝ છે. સૂરજની મોટરબાઈક ને કાલિચરણની કાર માલ્ટાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી રહે છે. જો કે ટ્રુથ કહું તો, આજેય કોઈ ઊંઘમાંથી ઉઠાડીને ‘ચરસ’ અને માલ્ટા વિશે પૂછે તો આંખ ઉઘાડ્યા વગર વર્ણન કરું એની એક યાદગાર સોંગ સિક્વન્સનું. ધર્મેન્દ્ર-હેમામાલિની પર શૂટ થયેલું રોમાન્ટિક યુગલગીતઃ “આજા તેરી યાદ આયી” (મોહમ્મદ રફી-લતા મંગેશકર). આનંદ બક્ષીએ આ ગીત લખ્યું ને ગીતનો ઉપાડ પણ કર્યો (“દિલ ઈન્સાન કા એક તરાઝૂ” યાદ છેને?) સૂરજ-સીમા એકબીજાને શોધતાં, મધર મેરીને પ્રાર્થના કરતાં માલ્ટાની વિવિધ સ્ટ્રીટ્સમાં ભટકતાં રહે છે. પાંચેક મિનિટના આ સોંગના અંતે બન્નેનું પુનર્મિલન થઈ જાય છે.

એ પહેલાં “રાજા ના જા દિલ તોડકે” (લતા મંગેશકર) પણ રામાનંદ સાગરે માલ્ટાના ખૂબસૂરત લોકાલ્સ પર શૂટ કરેલું. એમ તો લક્ષ્મીકાંત-પ્યારેલાલે સ્વરાંકિત કરેલાં આ ફિલ્મનાં બધાં જ ગીત હિટ હતાં. “કલ કી હસીન મુલાકાત કે લિયે” (કિશોરકુમાર-લતા મંગેશકર), “મેરા નામ બેલેરિના” (આશા ભોસલે), “મૈં ઈક શરીફ લડકી બદનામ હો ગઈ” (લતા મંગેશકર), શીર્ષકગીત “ચરસ ચરસ” (આશા ભોસલે-મહેન્દ્ર કપૂર).

સુપરહિટ ‘ચરસ’ની રિલીઝનાં વર્ષો બાદ અમજદ ખાને એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે “ફિલ્મ (‘ચરસ’)માં મારું કૅરેક્ટર ‘ઠીક મારા ભાઈ’ જેવું હતું, પણ ગબ્બરસિંહને અચાનક સાંપડેલી લોકપ્રિયતાને રોકડી કરવા રામાનંદ સાગરે રૉબર્ટનું પાત્ર લંબાવી કાઢેલું.”

હેમામાલિની માટે 1976 બધી રીતે શુભ રહ્યું. ‘ચરસ’ ઉપરાંત એની ‘દસ નંબરી’ (મનોજકુમાર), ‘આપબીતી’ (શશી કપૂર) અને ‘માઁ’ (ધર્મેન્દ્ર) જેવી ફિલ્મો રિલીઝ થઈ. બૉક્સ ઑફિસ પર આ બધી જ ફિલ્મો હિટ હતી.

રામાનંદ સાગરની ‘ચરસ’ બાદ મોહન સેહગલે ધર્મેન્દ્ર-જિતેન્દ્ર-હેમામાલિની-ઝીનત અમાન-અમજદ ખાનને ચમકાવતી એક ફિલ્મ માલ્ટામાં શૂટ કરીઃ ‘સમ્રાટ’ (1982). બે કુશળ તરવૈયા-ડૂબકીખોર રામ અને રાજુ (ધર્મેન્દ્ર-જિતેન્દ્ર) સમુદ્રમાર્ગે સ્મગલિંગ કરતા રણબીર (અમજદ ખાન)ને પકડવાના મિશન સાથે નીકળે છે એવી વાર્તા કે માલ્ટા કે ડિરેક્શન આપણા દર્શકોને જચ્યાં નહીં. ફિલ્મ રિલીઝ થઈ એવી જ ભુલાઈ ગઈ.

‘ચરસ’ની રિલીઝનાં 42 વર્ષ બાદ, 2018માં બે ફિલ્મ આવી જેનો અમુક ભાગ માલ્ટામાં શૂટ થયાઃ અમિતાભ બચ્ચન-આમીર ખાનને ચમકાવતી ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ અને સલમાન ખાન-કટરિના કૈફની ‘ભારત’ (2018).