અમર જવાન જ્યોતિને NWMની જ્યોતિમાં ભેળવવામાં આવશે

નવી દિલ્હીઃ ઇન્ડિયા ગેટ પર પ્રગટી રહેલી અમર જવાન જ્યોતિનું રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પરની જ્વાળામાં વિલય થશે. શુક્રવારે બપોરે અમર જવાન જ્યોતિનો એક હિસ્સો નેશનલ વોર મેમોરિયલ લઈ જવામાં આવશે, એમ સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. બપોરે 3.30 કલાકે બંને મશાલોનો વિલય સમારોહ થશે. બંને સ્મારકો વચ્ચેનું અંતર માંડ અડધા કિલોમીટરનું છે. આશરે ત્રણ વર્ષ પહેલાં 25 ફેબ્રુઆરી, 2019એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલનું ઉદઘાટન કર્યું હતું. અહીં 25,942 સેનિકોનાં નામ સુવર્ણ અક્ષરોમાં લખાયેલા છે.

અમર જવાન જ્યોતિનું નેશનલ વોર મેમોરિયલમાં વિલય કેમ થઈ રહ્યો છે, એ જાણીએ…

  • અમર જવાન જ્યોતિ દિલ્હીના ઇન્ડિયા ગેટની નીચે છે. ઇન્ડિયા ગેટને અંગ્રેજોએ 1921માં બનાવ્યો હતો. એ પહેલા વિશ્વયુદ્ધમાં 84,000 સૈનિકોની યાદમાં અને એ પછી શહીદ જવાનો શહીદ થયા હતા.
  • 1971ના પાકિસ્તાનના યુદ્ધમાં ભારતના કેટલાય જવાનોએ પ્રાણોની આહુતિ આપી હતી. જ્યારે 1971નું યુદ્ધ ખતમ થયું ત્યારે 3843 શહીદોની યાદમાં એક અમર જ્યોતિ પ્રગટાવવાનો નિર્ણય થયો હતો.
  • ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ 26 જાન્યુઆરી, 1972એ અમર જવાન જ્યાતિનું ઉદઘાટન કર્યું હતું.
  • અહીં શહીદોનાં નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. દર વર્ષે એ ગુમનામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમણે દેશની રક્ષા માટે જીવ આપ્યો હતો.
  • નેશનલ વોર મેમોરિયલના અમર ચક્રમાં પણ અમર જવાન જ્યોતિ છે. ઇન્ડિયા ગેટ પર પ્રગટી રહેલી જ્યોતને એમાં વિલીન કરવામાં આવશે.
  • વળી, પહેલાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની પરંપરા હવે અહીં શિફ્ટ થઈ રહી છે.
  • મહત્ત્વના પ્રસંગોએ સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ અહીં જ માળાર્પણ કરે છે.