કોમેડી વિનાની કોમેડી ઓફ એરર્સ

સૌથી પહેલાં એક સ્પષ્ટતાઃ રોહિત શેટ્ટીની ફિલ્મ છે, બે રણવીર-બે વરુણ શર્મા છે, ઢગલાબંધ કોમેડિયનો (સંજય મિશ્રા-સિદ્ધાર્થ જાધવ-જોની લીવર-વ્રજેશ હીરજી-બ્રિજેન્દ્ર કાલરા) છે એટલે આ તો ખડખડ હસાવતી ધમાલ કોમેડી ફિલ્મ હશે એવું ધારીને ‘સરકસ’ જોવા જવાના હો તો સાવધાન. ‘સરકસ’ કોમેડી ફિલ્મ નથી જ નથી. ફરહાદ સામજી-સંચિત બેદ્રે-વિધિ ઘોડગાવકર દ્વારા લિખિત 138 મિનિટની ફિલ્મમાં આઠ મિનિટ પણ હસવું આવતું નથી. અનેક ઠેકાણે કંટાળાજનક બની જતી ‘સરકસ’ 2022ની સાવ બેદરકારીથી બનાવેલી ફિલ્મની પંગતમાં બેસી શકે એવી ફિલ્મ છે.

ફિલ્મમાં જોડિયા ભાઈઓની બે જોડી છે. બન્ને જોડીનાં નામ રૉય અને જૉય છે. એક રૉય-જૉય ઊટીમાં, એક રૉય-જૉય બેંગલોરમાં. 1942માં અનાથાશ્રમમાંથી રૉય-જૉય (રણવીરસિંહ-શર્મા) અને રૉય-જૉય (રણવીરસિંહ-વરુણ શર્મા)ને ગોદ લેવામાં આવે છે, 1960ના દાયકામાં બન્ને જોડી જુવાન થાય છે. ઊટીવાળા રૉય-જૉય વારસામાં મળેલું સરકસ ચલાવે છે, જ્યારે બેંગલોરના રૉય-જૉયના બિઝનેસ છે. સરકસવાળા રૉય પાસે એવો સુપર પાવર છે કે જીવંત વાયરને હાથમાં પકડવા છતાં એને કંઈ થતું નથી, પણ એ જ્યારે આ ખેલ ભજવે ત્યારે સેંકડો માઈલ દૂર બેંગલોરના રૉયને એનો કરન્ટ લાગે છે. ભાઈ રોહિતને એમ કે આનાથી તો જબરદસ્ત હાસ્ય નિષ્પન્ન થશે. ડિંગો.

બેંગલોરના રૉય-જૉયને ટી-એસ્ટેટ ખરીદવાના કામસર ઊટી જવાનું થાય છે (યાદ છે, ગુલઝારની ‘અંગૂર’ના અશોક અને એનો નોકર બહાદુર દ્રાક્ષની વાડી ખરીદવા બીજા શહેરમાં જાય છે?). કેટલાક મામૂલી ચોર, એક ટૅક્સીવાળો, એક પોલીસ ઈન્સ્પેક્ટર અને ઊટીના અન્ય શહેરીજનો બેંગલોરના રૉય-જૉયને ઊટીના રૉય-જૉય સમજી બેસે છે અને…

ઊટીના રૉયની પત્ની (પૂજા હેગડે) બેસ્ટસેલર નવલકથાલેખિકા છે, જેની ગોદ લગ્નનાં પાંચ વર્ષ પછી પણ સૂની છે એટલે એને અનાથાશ્રમમાંથી બાળક દત્તક લેવું છે, પણ રૉય કહે છે કે “ઉછેર કરતાં લોહીની સગાઈ મહત્વની.” ફિલ્મનું હાર્દ આ જ છેઃ પરવરિશ મહત્વની, લોહીની સગાઈ નહીં. ઓકે. બેંગલોરના રૉયની ગર્લ ફ્રેન્ડ (જૅકી ફર્નાન્ડીસ) છે. એના બાપા સંજય મિશ્રા છે, જેમના અથાગ પ્રયાસ છતાં કોમેડી નથી થતી તે નથી જ નથી. સેમ્પલઃ કારના દરવાજામાં ફસાઈને સૂજી ગયેલી આંગળી બતાવતાં એ કહે છે, “કાલે હું આવું ત્યારે દરવાજો ખુલ્લો રાખજો કેમ કે મારા આંગળા હવે ડોરબેલ વગાડવા લાયક રહ્યા નથી.”

વિલિયમ શેક્સપિયરની ‘ધ કૉમેડી ઑફ એરર્સ’ પરથી આજ સુધી સંખ્યાબંધ ફિલ્મ, નાટક બન્યાં છે. આપણે માટે બેસ્ટ અડેપ્શન છેઃ ગુલઝાર સાહેબની ‘અંગૂર.’ રોહિત અને એમના લેખકોએ આ ફિલ્મમાંથી અનેક સંવાદ, સિચ્યુએશન લીધાં હોવા છતાં એ ‘અંગૂર’ની નજીક પણ આવતી નથી. ખરું જોતાં ‘સરકસ’ ખરા અર્થમાં ખાટી દ્રાક્ષ છે.

ફિલ્મમાં ઊટી અને બેંગલોરની વાત છે. બન્ને શહેરના સેટ્સ બનાવતાં બનાવતાં અચાનક આર્ટ ડિરેક્ટરનો ફિલ્મમાંથી રસ ઊડી ગયો હશે અને એમણે ગ્રીન પેઈન્ટના ડબ્બા જમીન પર ઢોળી દીધા હશે એટલે ચારે સઘળું લીલું જ લીલું. જાણે કોઈ થિમ પાર્ક. રણવીરસિંહની કારકિર્દીનો કદાચ આ સૌથી ખરાબ પરફોરમન્સ છે. ‘અંગૂર’માં બહાદુર તરીકે દેવેન વર્મા રીતસરના છવાઈ ગયેલા, જ્યારે અહીં રૉયનો ભાઈ બનતા વરુણ શર્મા દસમા નંબરનો સાઈડ હીરો હોય એવો લાગે.

‘સરકસ’ની મને ગમી ગયેલી વાતઃ ઈન્ટરવલ અને ધી એન્ડ.

ધૅટ્સિટ.