છીછરા સરોવરમાં ખીલતું અભિનયનું ‘પંકજ’

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, પ્રજાસત્તાક દિવસ અને લોક સભા ચૂંટણીના આગમન ટાણે લેખક-દિગ્દર્શક રવિ જાધવ ભારતના એક શ્રેષ્ઠતમ વડા પ્રધાનનું જીવન આપણી સામે લઈને આવ્યા છેઃ ‘મૈં અટલ હૂં.’ સંયોગથી 2024 એ અટલબિહારી રામબિહારી વાજપેયીનું જન્મ શતાબ્દી વર્ષ છે. રાષ્ટ્રીય સેવક સંઘમાં પ્રવેશથી લઈને ભારતીય જનતા પક્ષના સ્થાપક અને સ્વતંત્ર ભારતના 10મા વડા પ્રધાન બનવા સુધીનો વાજપેયીનો પ્રવાસ દર્શાવતી આ ફિલ્મ સાથે સંકળાયેલાં બે નામઃ અભિનેતા પંકજ ત્રિપાઠી અને ડિરેક્ટર રવિ જાધવ.
બન્ને નૅશનલ એવૉર્ડ વિજેતા. રવિ જાધવ એટલે ‘બાલગંધર્વ,’ ‘નટરંગ,’ ‘બાલક પાલક,’ ‘ટાઈમપાસ’ જેવી મરાઠી ફિલ્મોના સર્જક. થોડા જ સમય પહેલાં એમની ‘તાલી’ ફિલ્મ (સુસ્મિતા સેનવાળી) ઓટીટી પર રિલીઝ થઈ. -અને પંકજ ત્રિપાઠી. એક સક્ષમ કલાકાર. આવા બે મહારથી ભેગા મળીને, જેમના વેરી પણ વખાણે એવા રાજકારણીના જીવન વિશે ફિલ્મ સર્જે તો કંઈ જબરદસ્ત જોવા મળશે એવી અપેક્ષા સાથે ગયેલો હું નિરાશા લઈને આવ્યો. અપેક્ષા હતી કે અટલજીના જીવનનાં, એમના વ્યક્તિત્વનાં કેટલાંક અજાણ્યાં પાસાં જોવા-જાણવા મળશે. કમનસીબે, આ ફિલ્મ ભારતીય રાજકારણ વિશેનું પાઠ્યપુસ્તક કે રેફરન્સ બુક પરદા પર વાંચતા હોવાની કે દસ્તાવેજી ચિત્રપટ જોયાની પ્રતીતિથી વિશેષ કંઈ નથી. નવાઈની વાત એ કે અટલજીની કેટલીક સિદ્ધિ તથા એમની કવિતા એન્ડ ટાઈટલ્સમાં વૉઈસઓવર અને તસવીરો સાથે દેખાડવામાં આવી છે. કેટલા પ્રેક્ષક અંત બાદ આ બધું જોશે?

ફિલ્મ શરૂ થાય છે 1999થી, પડોશી મુલ્કે આપણી પીઠ પાછળ ખંજર ભોંક્યું ત્યારથી. અર્થાત્ પાકિસ્તાને કારગિલમાં ઘુસણખોરી ત્યારથી. PMO ઑફિસમાં ત્રણેય લશ્કરી પાંખના વડા સાથેની બેઠકમા વાજપેયી મહત્વનો નિર્ણય લે છે.


કટ ટુ ફ્લૅશબૅક. સર્જક આપણને અટલજીનું બાળપણ બતાવે છે. શાળામાં અટલને કાવ્યપઠન કરવાનું હોય છે. જે રાજકારણી પોતાનાં વક્તવ્ય માટે જાણીતા બન્યા એ અણીના ટાંકણે સ્ટેજ ફીઅરના લીધે ઘેર ભાગી છૂટે છે. તે પછી પિતા (પીયૂષ મિશ્રા) બાળ અટલને કાવ્યપઠન કે પ્રવચન કેવી રીતે કરવું એની ટિપ્સ આપે છે. તે પછી અટલ ક્યારેય એમાં ફેલ થતા નથી.

અચાનક ફિલ્મ વિચિત્ર વળાંક લઈને રોમાન્ટિક બની જાય છે. કૉલેજમાં સાથે ભણતી રાજકુમારી (એકતા કૌલ) અને અટલજી એકમેકની નજીક આવે છે, વરસતો વરસાદ, પુસ્તકમાં મોરપિચ્છ ને એવું બધું… આ સાથે જ પટકથાની ગતિ ફ્રેક્ચરવાળા પગે ચાલતા કાચબા જેવી થઈ જાય છે. ઈન ફૅક્ટ, મધ્યાંતર પહેલાં ફિલ્મ કંટાળાજનક લાગે છે. વર્ષો વીત્યે વાજપેયીજી સંસદસભ્ય બનીને દિલ્હી જાય છે ત્યાં ફરી એમને ફરી રાજકુમારી મળે છે. આ રાજકુમારી કૌલ, પતિ પ્રોફેસર બ્રિજનાથ કૌલ તથા એમની પુત્રી નમિતા સાથે વાજપેયીના સંબંધનાં સમીકરણ પણ ઉપરછલ્લા દર્શાવવામાં આવ્યાં છે.

મધ્યાંતર બાદ ફિલ્મ થોડી ગતિ પકડે છે. કવિ, લેખક, વક્તા, ઉમદા ઈન્સાન ને એટલા જ ઉમદા મુત્સદ્દી-રાજકારણી અટલજીની રાજકીય કારકિર્દીનાં એક પછી એક પડળ ખૂલતાં જાય છે. એક્સટર્નલ અફૅર્સ મિનિસ્ટર તરીકે એ ભારતને એક નવી ઊંચાઈએ લઈ જાય છે. વડા પ્રધાન તરીકે પોખરાણમાં સફળ ન્યુક્લીઅર ટેસ્ટ, કારગિલ યુદ્ધમાં વિજય, વગેરે.


આમ છતાં ફિલ્મ કોઈ અસર છોડતી નથી એનું કારણ છે નબળો સ્ક્રીનપ્લે (રિશી વીરમણિ-રવિ જાધવ). વાજપેયીજીની બે મોટી સફળતા એટલે દેશને ન્યુક્લીઅર નૅશન બનાવવું તથા કારગિલ યુદ્ધમાં વિજય. આ બન્ને ઐતિહાસિક ઘટનામાં વડા પ્રધાન તરીકે એમનો ફાળો શું અને કેટલો એ વિશે જાણવાની મનની મનમાં જ રહી જાય છે. એવી જ રીતે ઑપરેશન બ્લુ સ્ટાર, ઈમરજન્સી, બાબરી મસ્જિદ-રામમંદિરની ઘટના, હિંદુ-મુસ્લિમ વચ્ચે તણાવ, વગેરેમાં ભાગ્યે જ કોઈ ઊંડાણ છે. ફિલ્મમાં અટલજીની માનવીય બાજુ રજૂ થાય છે બાબરી મુદ્દે. ભાજપના જ કાર્યકરો આપસી વાતચીતમાં કહે છે કે બાબરી ડિમોલિશનથી એ વ્યથિત છે.

140 મિનિટ પ્રેક્ષકને ખુરશીમાં બેસાડી રાખે છે વાજપેયીજીનાં મૂળ પ્રવચનના અંશ (ખાસ કરીને રામલીલા મેદાન પર તથા એ પહેલાં કૉલેજમાં), એમની કવિતા અને પંકજ ત્રિપાઠીનો દાદૂ અભિનય. ફિલ્મને મારા ખભે ઊંચકી લેવી છે એવા પંકજના ‘અટલ’ નિશ્ચયના કારણે આ સહ્ય બને છે.!ક્લિયરલી, પંકજભૈય્યા આનાથી વધુ સારી પટકથા ડિઝર્વ કરે છે. અન્ય કલાકારોમાં રાજા રામસેવક (લાલ ક્રિશન અડવાની), દીનદયાળ ઉપાધ્યાય (દયાશંકર પાંડે), જેવા સપોર્ટિંગ ઍક્ટર્સ પણ છાપ છોડી જાય છે.