કેવળ ભાઈ, જરાય નહીં જાન જેવી છે ‘કિસી કા ભાઈ’ વોટેવર વોટેવર…

2015માં ‘બાહુબલી’ રિલીઝ થઈ તે પછી સિનેમાપ્રેમી સતત એક સવાલ પૂછ્યા કરતા કે “કટપ્પાએ બાહુબલીને માર્યો શું કામ?” જવાબ, જો કે, ‘બાહુબલી’ના સેકન્ડ પાર્ટમાં મળી ગયો, પરંતુ અમુક સવાલ એવા હોય છે, જેના જવાબ ક્યારેય નથી જડતા. જેમ કે, મૂળ ફિલ્મ ઓટીટી પર કે ટેલિવિઝન પર જોઈએ એ ભાષામાં મળતી હોવા છતાં શા માટે અમુક કલાકારો-સર્જકો એની રિમેકના ફંદામાં પડતા હશે?

વસ્તુ એવી છે કે આજથી આઠેક વર્ષ પહેલાં અજિત નામના તમિળ સુપરસ્ટારની એક ફિલ્મ આવેલીઃ ‘વીરમ.’ ઠીક ઠીક ચાલેલી. એના પરથી તેલુગુ ઍક્ટર પવન કલ્યાણે ‘કટમારાયુડુ’ બનાવી. સુપર ફ્લૉપ. એ જ ‘વીરમ’ અને ‘કટમારાયુડુ’થી પ્રેરિત થઈને સલમાન ખાન અને ડિરેક્ટર ફરહાદ સામજીએ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ બનાવી. હવે, આ લોકોએ તમિળમાંથી બનાવી કે તેલુગુમાંથી એ તો એમને ખબર, પણ બન્નેએ મળીને પ્રેક્ષકોને બનાવ્યા એટલું ચોક્કસ.

વાર્તા કેટલીક પુરાણી હિંદી ફિલ્મોની ભેળપૂરી જેવી છે, જેવી કે છ ભાઈના એક મોટા ભાઈવાળી ‘સત્તે પે સત્તા,’ બે ભાઈના મોટા ભાઈવાળી ‘હમ,’ ચાર ભાઈના મોટા ભાઈ અમરીશ પુરીવાળી ‘હલચલ,’ વગેરે. દિલ્હીના કોઈ એક કાલ્પનિક મહોલ્લામાં ચાર ભાઈનો એક પરિવાર (સલમાન ખાન-રાઘવ જુયાલ-જસ્સી ગિલ-સિદ્ધાર્થ નિગમ) છે. ત્રણ નાના ભાઈને એકલા હાથે ઉછેરનાર ભાઈજાન (સલમાન ખાન) લગ્ન નથી કરવા માગતા કેમ કે ઘરવાળી કેવી આવે ખબર નહીં. સંપીને રહેતા ભાઈઓમાં ફાટફૂટ પડાવે તો? જો કે ત્રણ ભાંડરડાંની ગર્લફ્રેન્ડ (શેહનાઝ ગિલ-વિનાલી ભટનાગર-પલક તિવારી) છે એટલે પોતાની ગાડી પાટે ચડે એ સારુ એ લોકો ભાઈજાનને ભાગ્યલક્ષ્મી (પૂજા હેગડે) સાથે પ્રેમમાં પાડવાનો પ્લાન બનાવે છે. આમાં ટ્રબલ એ છે કે ભાગ્યલક્ષ્મીના મોટા ભાઈ અનન્ય ગુંડામનેની (વેંકટેશ)ને મારામારી કરવાવાળા ગમતા નથી. ભાઈજાનને અહિંસક બનવામાં વાંધો નથી, પણ એને ખબર પડે છે કે કોઈ એક નાગેશ્વરે (જગપતિ ચૌધરીએ) ભાગ્યલક્ષ્મીને, એના મોટા ભાઈને, આખા પરિવારને મારવાનો પ્લાન બનાવ્યો છે એટલે એ ભાવિ પત્ની-સાળા સાહેબ ઍન્ડ ફૅમિલીને બચાવવા દિલ્હીથી હૈદરાબાદ પહોંચે છે.

ઈન્ટરવલ પહેલાંનો ભાગ તો જેમતેમ સહન થાય છે, પણ સેકન્ડ હાફ એટલે કે ઉત્તરાર્ધમાં મુશ્કેલીની વણજાર છે. ભાઈની ઈમેજને સુટ થાય તે માટે સર્જક (ભાઈ પોતે એમ વાંચો) સાવ જુદો ટર્ન લઈ લે છેઃ જાવું’તું અમદાવાદ ને પહોંચી ગયા હૈદરાબાદ જેવો ઘાટ. અને ફિલ્મની પહેલી ફ્રેમ જોતાં જ ખ્યાલ આવી જાય છે કે ડિરેક્ટર ફરહાદ સામજીને કોણ ડિરેક્શન આપી રહ્યું હશે. ભાઈની એન્ટ્રી પર થિએટરમાં કોઈ સીટી મારે એની રાહ જોયા વગર ફિલ્મના ઍક્ટરો પાસે જ સીટી મરાવી દીધી છે, ભાઈનું ન તો નામ છે ન અટક એટલે આખી ફિલ્મમાં…. સમજી ગયાને, શું રીપીટ થયા કરે છે? ભાઈજાન અચાનક ભગવદ્ ગીતાના શ્ર્લોક બોલવા મંડે છે (“ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે… સમવેતા યુયુત્સવ…”), ભાઈજાન સાઉથ-ટાઈપ ગીત પર નાચે (‘યેંત્મ્મા યેંત્મ્મા’) અને સાઉથના સુપરસ્ટાર વેંકટેશ પંજાબી સોંગ (બિલ્લી બિલ્લી) ભાંગડા કરે…

આઘાતજનક હકીકત તો એ કે સલમાન ખાન જેવો સ્ટાર 2023માં આવી ફૂલિશ-બાલિશ સ્ક્રિપ્ટને લીલી ઝંડી આપે છે? શું એને કોઈ કહેવાવાળું નથી કે ભાઈ, જરીક જાળવ્યો જા. શું ભાઈનો (તેમ જ અન્ય કલાકારો-દિગ્દર્શકોનો) હિંદી સિનેમાલેખકો પરથી વિશ્વાસ ઊઠી ગયો છે? આજે કેટલાબધા પ્રતિભાશાળી લેખકો બચાડા અવનવા વિષયોવાળી કથા-પટકથા લઈને પ્રોડ્યુસર-ડિરેક્ટરની ઑફિસના ધક્કા ખાય છે. એમની કથા-પટકથા વાંચવી તો બાજુએ, એમને ઑફિસમાં પ્રવેશ પણ મળતો નથી.

ટૂંકમાં, મસાલા મૂવીના નામે વાર્તામાં કોઈ પણ જાતના નાવીન્ય વિનાની કથા, ચવાઈને ચુથ્થો થઈ ગયેલું કથાકથન અને બુદ્ધિવિહીન કૉમેડી-ડ્રામા-ઍક્શન પાછળ સવાબે કલાક (ઘેરથી થિએટર સુધી જવાના ને પાછા આવવાના અલગ) આપવા હોય તો તમારી મરજી.