સુભાષ કપૂર પોતે દિલ્હીમાં પત્રકારત્વ કરતા ત્યારે એમનું ક્ષેત્ર હતું રાજકારણ અને કોર્ટ-કચેરી. નોકરીની ફરજ રૂપે
એમને કોર્ટમાં જવાનું થતું. સાથે કથા-પટકથા લખતા, શોર્ટ ફિલ્મ બનાવતા. 2007માં પહેલી ફિલ્મ આવીઃ ‘સે સલામ ઈન્ડિયા’. જો કે આ સ્પોર્ટ્સ ડ્રામાને બોક્સ ઓફિસ પર ભાગ્યે જ કોઈએ સલામ ભરી.
એ પછીના વર્ષે અમેરિકાના પગલે વૈશ્વિક આર્થિક મંદી ફેલાઈ. અમેરિકા સેટલ થવાનું ગાંડપણ ત્યારે ચરમસીમાએ હતું, પણ અમુક આર્થિક કૌભાંડના લીધે પરિસ્થિતિ ડામાડોળ હતી. અંગત અનુભવ તથા અમેરિકાની મંદીની પૃષ્ઠભૂમાં સુભાષજીએ કથા-પટકથા લખી ને એમ આપણને મળી ‘ફઁસ ગયે રે ઓબામા’ (2010). સંજય મિશ્રા-રજત કપૂર-નેહા ધુપિયા-મનુ રિશી-અમોલ ગુપ્તેને ચમકાવતી આ કોમેડી ફિલ્મ સારી ચાલી. ત્યાર પછી દિલ્હીમાં એક ચકચારભરેલા કારઅકસ્માતને સાંકળી લઈ 2013માં બનાવી ‘જોલી એલએલબી’. અરશદ વારસી, બમન ઈરાની અને સૌરભ શુક્લાને ચમકાવતી આ ફિલ્મ ધૂમ ચાલી. આનાથી પોરસાઈને સુભાષજીએ 2017માં ‘જોલી એલએલબી પાર્ટ ટુ’ બનાવ્યો, જેમાં ઉત્તર પ્રદેશમાં થયેલા પોલીસ એન્કાઉન્ટરને પડકારતા વકીલ જોલીની વાત હતી. આમાં ફરક એટલો કે જોલી અક્ષયકુમાર હતો અને બમન ઈરાનીની જગ્યાએ આવ્યા અનુ કપૂર.

કટુ રાજકીય વ્યંગ પર કોમેડીનું મધમીઠું પડ ચડાવીને રજૂ કરવામાં માહેર સુભાષ હવે ત્રીજા હફ્તા સાથે હાજર છે. ફિલ્મની પ્રેરણા છેઃ 2011માં ઉત્તર પ્રદેશમાં ગ્રેટર નોઈડાના ભટ્ટા-પરસૌલ ખાતે જમીન અધિગ્રહણ વિરુદ્ધ ઉગ્ર બનેલું ખેડૂતઆંદોલન. વિકાસની રાજનીતિના પ્રવાહને મંદ પાડી દેતા આ આંદોલન અને એની પાછળ ખેલાયેલી રાજનીતિ, વગેરેને આવરી સુભાષજીએ કથા-પટકથા લખી. લીગલ કોમેડીના આ ત્રીજા હફ્તામાં લેખક-દિગ્દર્શક આપણને એક ટિકિટના પૈસામાં બે જોલી આપે છેઃ જગદીશ્વર મિશ્રા (અક્ષય કુમાર) અને જગદીશ ત્યાગી (અર્શદ વારસી).
મધ્યાંતર પહેલાં ફિલ્મ, દિલ્હીની લોઅર કોર્ટમાં અસલી જોલી સાબિત કરવાની બાધાબાધીથી ધીમી ગતિએ આગળ વધતી રહે છે. મધ્યાંતર બાદ, ફિલ્મની શરૂઆતમાં જ અંદેશો મળી જાય છે એમ, બંને જોલી એક થઈ જાય છે. એમના ક્લાયન્ટ છેઃ બિકાનેર નજીકના ગામડાના ગરીબ ખેડૂતો, જેમની જમીન કાવાદાવાથી હડપ કરી લેવામાં આવી છે. આ જ ગામના એક ખેડૂત અને તેની પુત્રવધૂની આત્મહત્યા વાર્તામાં વળાંક લાવે છે. કુટંબની વૃદ્ધ સ્ત્રી (સીમા બિસ્વાસ), બે બકરી, સ્ટીલનું પવાલું અને અડગ ઈરાદા સાથે ન્યાય મેળવવા દિલ્હી આવે છે, સવાલ એ છે કે શું બંને જોલી એને તથા અન્ય ખેડૂતોને ન્યાય અપાવી શકશે? કેમ કે સામે છેઃ ખેડૂતોની સેંકડો એકરનાં ખેતરો પર કાર-રેસ-સરકીટ બનાવવા માગતા માથાભારે, વગદાર ધનાઢ્ય હરિભાઈ ખૈતાન (ગજરાજ રાવ), એનો ભેજાબાજ લોયર વિક્રમ (રામ કપૂર).

ફિલ્મની મુશ્કેલી એ છે કે વેરવિખેર વાર્તાસંધાન ફિલ્મને એના લક્ષ્ય સુધી પહોચવા દેતું નથી. બે જોલીની ધીમી ગતિની અથડામણ વાર્તાને એવી ભારે બનાવી દે છે કે અઢી કલાકની ફિલ્મ શરૂઆતથી લાંબી લાગવા માંડે છે. રાજકીય કટાક્ષ, ખેડૂતોના પ્રશ્નો અને સમાજનાં ડબલ સ્ટાન્ડર્ડ પર ટિપ્પણીનું બેલેન્સિંગ કરવાના પ્રયાસમાં લેખક-દિગ્દર્શક સુભાષજી સુંદરલાલ ત્રિપાઠીને (સૌરભ શુક્લાને) જરા વધારે મહત્વ આપી બેઠા. આ વખતે ત્રિપાઠી ડેટિંગ-એપ અને સ્વાઈપ-રાઈટમાં મસ્ત છે. કોર્ટની તારીખથી વિશેષ ડેટનું મહત્વ સમજી ગયેલા વિધુર ત્રિપાઠી વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારી (શિલ્પા શુક્લા) સાથે રમૂજી દ્રશ્યો ભજવે છે, પણ એક તબક્કે દ્રશ્યો બાલિશ લાગે છે. બન્ને જોલીની પત્ની- હુમા કુરેશી અને અમૃતા રાવ સદંતર વેડફાયાં છે. એમને માત્ર રાખવા ખાતર રાખવામાં આવી છે.
સુભાષ કપૂર ખેડૂતની બાજુ માંડે છે, પણ એમનામાં રહેલો પત્રકાર કિસાન-વિરોધી મૂડીવાદી અવાજને પણ સ્થાન આપે છે. કોર્પોરેટ સાથે સાઠગાંઠ ધરાવતા થિંક-ટેંક કલ્ચરને પણ એમણે બે-ચાર લગાવી છે. આને લીધે અમુક સમયે ફિલ્મ વર્બોસ, ઉપદેશાત્મક બીન જાય છે.
જો કે ફિલ્મ ખરાબ નથી. બે જોલી, હાંસિયામાં ધકેલાઈ ગયેલા ખેડૂતને મળતી વાચા, કોમેડી, સશક્ત અભિનય, વગેરે માણવા જોલી ‘એલએલબી-3’ જોઈ શકાય.


