ડિયર ફાધરઃ શાનદાર, જબરદસ્ત, જિંદાબાદ!

જેનાં દુઃખ સરખાં એના દેખાવેય સરખા…

ગણિતના પેપરમાં ગમેતેટલી સારી કવિતા લખો, માર્ક ઝીરો જ મળે…

અમને પોલીસને પૂરતા પગાર સિવાય બીજું બધું જ મળે છે…

આદિત્ય રાવલ લિખિત, ઉમંગ વ્યાસ દિગ્દર્શિત ‘ડિયર ફાધર’માં આવા ચબરાક સંવાદ સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે સર્જકે પોતાનાં વિષયવસ્તુ ઍસ્ટાબ્લિશ કરવા જે સ્વરૂપ તથા પ્રબુદ્ધ પ્રેક્ષક પાસે જવાની મૅથડ પસંદ કરી છે એમાં એક પૅટર્ન છે.

કોઈ પણ ત્રિકોણને ત્રણ ખૂણા હોય છે એમ ‘ડિયર ફાધર’નાં ત્રણ પાત્ર છેઃ પતિ-પત્ની (ચેતન ધાનાણી-માનસી પારેખ) અને પતિના પિતા અથવા પત્નીના સસરા. મનસુખ માંકડ (પરેશ રાવલ) ગૅલરીમાંથી નીચે પટકાય છે, એમને હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવે છે એ છે ફિલ્મનો ઉપાડ. માંકડ-ફૅમિલીમાં બનેલી આ ઘટના ઘરના તંગ વાતાવરણને લીધે ઘટી? એ એક્સિડન્ટ છે? કે આત્મહત્યા? કે મર્ડર? એવા શંકા સાથે ઈન્વેસ્ટિગેશન શરૂ કરે છે ઈન્સ્પેક્ટર જાડેજા (પરેશ રાવલ). આ ઈન્સ્પેક્ટર જાડેજા એટલે ફિલ્મનું ચોથું પાત્ર. મનસુખ માંકડ અને ઈન્સ્પેક્ટર જાડેજા ફ્રૉમ ક્રાઈમ બ્રાંચ એ બન્ને પાત્ર એક જ કલાકાર ભજવે છેઃ પરેશ રાવલ.

મૂળ ડૉ. વિવેક બેળેની કથા પરથી ઉત્તમ ગડાએ લખેલું નાટક અને એ પરથી આદિત્ય રાવલે આલેખેલાં પટકથા-સંવાદમાં માપસરની કૉમેડી છે, લાગણીનીતરતાં દશ્યો છે, સ્માર્ટ ડાયલૉગ્સ છે. વળી સેકન્ડ હાફ અથવા ઉત્તરાર્ધમાં જે રીતે રહસ્યમય વાતાવરણ સર્જાયું છે એ પ્રેક્ષકની ઉત્કંઠામાં, કુતૂહલતામાં વધારો કરે છે.

પરેશ રાવલને માયબોલી ચિત્રપટમાં, એ પણ ડબલ રોલમાં જોવા એ એક અનુભવ જ નહીં, પણ ઘટના છે. મનસુખ માંકડ અને ઈન્સ્પેક્ટર જાડેજાની બેવડી ભૂમિકામાં ભાષા-બોલીવૈવિધ્યથી લઈને હાવભાવ, સૂક્ષ્મ છટા, વગેરેથી એ રીતસરના છવાઈ જાય છે.

તો માનસી પારેખ અને ચેતન ધાનાણીના સ્ટ્રૉન્ગ સપોર્ટ પરેશભાઈને મળ્યા છે. મૅથ્સ પ્રોફેસર માનસીનું માપીતોલીને, ગણતરીપૂર્વકનું દાઢમાં બોલવું તથા ઉપરથી બેફિકર, પણ અંદરથી ડિસ્ટર્બ ચેતન એમ બન્ને સાવ સહજ લાગે છે. માનસીની ધારદાર, અણિયાળી સંવાદછટા, વક્રોક્તિ એનું વ્યક્તિત્વ સમજવામાં મદદરૂપ થાય છે.

આ પહેલાં એક ઉત્કૃષ્ટ ફિલ્મ ‘વેન્ટિલેટર’ આપનાર ઉમંગ વ્યાસનું ડિરેક્શન ચકચકિત છે. માંકડ-ફૅમિલીનું ઘર હોય, હૉસ્પિટલ હોય, રિસોર્ટ્સનાં દશ્ય હોય કે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં દોડતી કારમાં ત્રણ મુખ્ય પાત્રનાં દશ્ય હોય- સર્જકની ચતુરાઈપૂર્વકની સિમ્પ્લિસિટી, બારીકાઈ તરત આંખે વળગે છે.

અહીં બે આંગળી મોઢામાં નાખીને જોરદાર સીટી મારવી છે રજત ધોળકિયા અથવા જુકુ સર માટે. ફિલ્મને એક અલગ ઊંચાઈએ લઈ જતા એમના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માટે. ફિલ્મ સાથે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખાસ માણજો. ભાઈ ભાઈ, રજતભાઈ!

અંતે એક ઈન્ટરેસ્ટિંગ ટ્રિવિયાઃ ‘ડિયર ફાધર’ પરેશભાઈના એ જ શીર્ષકવાળા નાટક પરથી સર્જાઈ છે. રસપ્રદ વાત એ કે રંગભૂમિથી રૂપેરી પરદાની ‘હેરાફેરી’ પરેશભાઈએ અગાઉ પણ કરી છે. જેમ કે, ‘આંધળોપાટો’ નાટક પરથી ‘આંખે’ (2001), ‘અફલાતૂન’ પરથી ‘ગોલમાલઃ ફન અનલિમિટેડ’ (2006), ‘મહારથી’ પરથી ‘મહારથી’ (2008), ‘કાનજી વિરુદ્ધ કાનજી’ પરથી ‘ઓ માય્ ગૉડ’ (2012), વગેરે. એમ જોવા જઈએ તો, મોટા ભાઈ હેમંત પટેલની ભૂમિકાવાળી ‘બાગબાન’ (2003)નાં મૂળિયાં પણ ગુજરાતી નાટકમાં જ હતાંને.

આજે 4 માર્ચે રિલીઝ થયેલી ‘ડિયર ફાધર’ અને પરેશ રાવલ માટે કહેવાનું કે “દેર આયે દુરસ્ત આયે”. શાનદાર, જબરદસ્ત, જિંદાબાજ!