બમ્બઈ મેરી જાન: ઍક્ટરો બન્યા વેબસિરીઝની જાન…

1970ના દાયકામાં અમેરિકામાં ફ્રાન્સિસ ફૉર્ડ કપોલાએ ‘ગૉડફાધર’ બનાવી, જે પરથી હિંદીમાં કૂંડીબંધ ફિલ્મો બની. આમાં ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ નોંધનીય છે. પછી 1980-1990ના દાયકામાં સિનેમાવાળાનો આ એક હાથવગો વિષય થઈ પડ્યોઃ મુંબઈની અંધારી આલમ. બે ડૉન વચ્ચે વૉર. રિયલ ગેંગસ્ટરની કથામાં મરી-મસાલા ભભરાવી, એને (એક ડૉનને) ઑલમોસ્ટ મહાન બનાવીને રજૂ કરવાનો. ગરીબોનો બેલી, પરિવારપ્રેમી, નિર્બલને જુલમથી બચાવનાર, વગેરે. અંતમાં એ શા માટે અંડરવર્લ્ડમાં ગયો એનું જસ્ટિફિકેશન આપી દેવાનું- “જજ સાહબ, કોઈ ભી આદમી માઁ કે પેટ સે ગુનહગાર નહીં નિકલતા, યે જુલમી સમાજ ઉસે ડૉન બનાતા હૈ”… ફિન્નિશ.

ગઈ કાલે (14 સપ્ટેમ્બરે) રેન્સિલ ડી’સિલ્વા અને શુજાત સૌદાગરે પ્રાઈમ વિડિયો પર ક્રાઈમ સિરીઝ ‘બમ્બઈ મેરી જાન’ના 10 એપિસોડ ઠાલવ્યા, જેમાં એક સંવાદ છે, જે બોલે છે દેશના મોસ્ટ વૉન્ટેડ ડૉનની બહેનઃ “ગુના બે પ્રકારના હોય છેઃ એક, ખુદા ઔર ઉસકે બંદે કે બીચ… બીજાઃ બંદે ઔર બંદે કે બીચ… ખુદા તો બંદાને માફ કરી દે છે, પણ બંદા કંઈ ખુદા નથી હોતા. એ માફ નથી કરતા”.

આ સિરીઝ ક્રાઈમ રિપોર્ટર હુસૈન ઝૈદીના પુસ્તક ‘ડોંગરી ટુ દુબઈ’ પર આધારિત છે. પુસ્તક પરથી પટકથા લખી છે રેન્સિલ ડી’સિલ્વા અને સમીર અરોરાએ, સંવાદ અબ્બાસ, હુસૈન દલાલના છે. ક્રિયેટર છેઃ રેન્સિલ ડી’સિલ્વા અને શુજાત સૌદાગર.

1960-1970ના એ દાયકા, જેમાં કાંડાંઘડિયાળ, ગોગલ્સ, પરફ્યુમ, ટેપ રેકોર્ડર, પૅન્ટ-સફારી સુટનું સ્ટ્રેચેબલ કાપડ, શર્ટ માટે બોસ્કી કપડું, વગેરે દાણચોરીથી આવતાં. સોનાનાં બિસ્કૂટ ભરેલી લાકડાંની પેટીઓ ભરેલી બોટ કાળી રાતે વરસોવાના કિનારે નાંગરતી. અને મુંબઈ પર હાજી મસ્તાન, કરીમ લાલા, વરદરાજન્ મુદલિયાર જેવાઓ રાજ કરતા. આ સમયકાળમાં ‘બમ્બઈ મેરી જાન’ આકાર લે છે.

સિરીઝના સર્જકો ઘણું કરીને મૂળ કૃતિ (પુસ્તક)ને વળગી રહ્યા છે, ડૉનને હીરો બનાવવાના પ્રયાસમાં ખાસ છૂટછાટ લીધી નથી. હા. દાઉદ ‘ધ દાઉદ’ બન્યો એમાં એની ભૂલ નહોતી એવું ઠસાવવાનો પ્રયાસ જરૂર કરવામાં આવ્યો છે. પાત્રોનાં નામ આમતેમ કર્યાં છે, પણ ક્લિયરલી ખબર પડી જાય છે કે કોની જિકર થઈ રહી છે. હાજી ઈકબાલ છે, અઝીમ પઠાન છે અને અન્ના મુદલિયાર છે. દાઉદ અહીં દારા કાદરી છે, બહેન હસીનાને નામ મળ્યું છે હબીબા. માન્યા સુર્વેને ગણ્યા સુર્વે નામ મળ્યું છે.

કથા માંડે છે રત્નાગીરીથી ટ્રાન્સફર થતાં મુંબઈ આવેલો ઈમાનદાર પોલીસ ઈન્સ્પેક્ટર ઈસ્માઈલ કાદરી (કેકે મેનન). ઈસ્માઈલ મિયાંના ત્રણ બેટા ક્રિમિનલ માનસિકતા ધરાવે છે, એક માથાભારે બેટી છે. સ્પૉટલાઈટ છે બેટા દારા કાદરી (અવિનાશ તિવારી) પર. સંજોગવશાત્ ઈસ્માઈલે અંધારી આલમમાં જવું પડે છે, પણ એ ઈચ્છે છે કે દીકરાઓ આમાં ન આવે, પરંતુ દારા જેનું નામ. એ પણ પોતાનો ચોકો રચીને ડૉન બની જાય છે.

યાદ હોય તો, દાઉદ ઈબ્રાહિમ એક પ્રામાણિક પોલીસ કૉન્સ્ટેબલનો બેટો હતો, જે દેશનો સૌથી મોટો ડૉન બન્યો. અબ્બાએ વારંવાર પ્રયાસ કર્યા એને અંધારી આલમથી બચાવવા, આમ છતાં એ માથાભારે ડૉન બનીને જ રહ્યો, દુબઈ શિફ્ટ થયો. તે પછી એણે કેવાં કેવાં કુકર્મ કર્યાં એની યાદી આપી સિરીઝની જેમ કોલમ લંબાવવાનો ઈરાદો નથી.

શું ગમ્યું? આ સિરીઝ કેકે મેનન, અવિનાશ તિવારીની છે. મસ્જિદ માટે ફાળો ઉઘરાવતા લુખ્ખામાંથી મુંબઈના સૌથી મોટા ડૉન બનવા સુધીનો એનો અભિનય વખાણવાલાયક છે. અને કેકે મેનન. કમ્માલ. આ ઉપરાંત અમાયરા દસ્તૂર, કૃતિકા કામરા, સૌરભ સચદેવ, નિવેદિતા ભટ્ટાચાર્ય જેવા કલાકારો ગમી ગયા. 1970ના દાયકાનું મુંબઈ સર્જવામાં, પ્રોડક્શન ડિઝાઈનિંગમાં લેવામાં આવેલી જહેમત પરદા પર દેખાય છે. દરેક એપિસોડમાં સર્જકો સસ્પેન્સ, ઍક્શન, ડ્રામાના ડોઝ થોડી થોડી વારે આપ્યા કરે છે, થોડી થોડી વારે કોઈ ને કોઈ ઘટના ઘટે એટલે પ્રેક્ષકનું ધ્યાન બીજે ફંટાય નહીં, કંટાળો નહીં આવે.

શું ન ગમ્યું? લંબાઈ. ઈય્યાર, પીએચ.ડી. થોડું કરવાનું છે કે આટલી લાંબી બનાવી કાઢી? અને વાયોલન્સ? ઓહોહોહો… ફૅમિલી સાથે દીવાનખંડના ફૅમિલી ટીવી પર આ સિરીઝ જોવાય નહીં એટલી મારકૂટહિંસા. બીજા રૂમમાં આખી રાત જાગીને આઈપૅડ પર જોવી પડી. ગુણાંક આપવા હોય તો પાંચમાંથી ત્રણ આપું.