ભૂષણ કુમાર-ઓમ રાઉત-મનોજ મુન્તશીર ઍન્ડ મંડળીએ ‘આદિપુરુષ’ વિવાદ વધુ વકરે નહીં એ માટે અમુક સંવાદ, સીન્સમાં સુધારાવધારા કર્યા છે. “કપડા તેરે બાપ કા”…વાળો સંવાદ હવે કંઈ આવો છેઃ “કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગ ભી લંકા કી ઔર જલેગી ભી તેરી લંકા”… અને “તૂ અંદર કૈસે ઘુસા…તૂ જાનતા ભી હૈ કૌન હૂં મૈં?” આ સંવાદ હવે, “તુમ અંદર કૈસે ઘુસે… તુમ જાનતે ભી હો કૌન હૂં મૈં?” એવો થયો છે. મતલબ હનુમાનજીને તુંકારે સંબોધવામાં આવેલા તે બદલીને માનાર્થે સંબોધવામાં આવે છે. આ જ સંવાદમાં થોડા ફેરફાર કરીને મારે મેકર્સને સવાલ પૂછવો છેઃ “તમે આ વિષયમાં ઘૂસ્યા શું કામ? તમને ખબર છે ખરી કે, રામાયણ એટલે શું?”
‘આદિપુરુષ’ જોઈને સિનેમાપ્રેમીઓ ભડક્યા, પણ આપણે ત્યાં એવાય દાખલા છે, જેમાં ફિલ્મની રિલીઝ પહેલાં જ સર્જકોએ નાનામોટા ફેરફાર કરવા પડ્યા છે. જેમ કે અક્ષય કુમારની ફિલ્મ સ્ટેટ વર્સીસ જૉલી એલએલબીના એક સીનમાં અક્ષયકુમારના પગમાં બાટા કંપનીના શૂઝ દેખાડીને એ વિશે વક્ર ટિપ્પણી કરવામાં આવેલી. ફિલ્મનું ટ્રેલર જોઈને કંપનીનો પિત્તો ગયો. એણે સર્જકો પાસેથી ત્રણ કરોડ રૂપિયાનું વળતર માગ્યું. જો કે ફિલ્મમાં એ કમેન્ટ મ્યુટ કરી નાખવામાં આવતાં મામલો થાળે પડ્યો. આ જ ફિલ્મમાં જમ્મુ-કશ્મીરમાં ટેરરીઝમનો સંદર્ભ હતો એટલે એની પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકવામાં આવેલો. આવા વધુ કિસ્સા જોઈએ તોઃ
* સલમાન ખાને બનેવી આયૂષ શર્માને બોલિવૂડમાં લૉન્ચ કરવાનું બીડું ઝડપ્યું જે માટે વડોદરાની પ્રસિદ્ધ નવરાત્રીની પૃષ્ઠભૂમાં એક પ્રણયકથા રજૂ કરવી એવું નક્કી થયું. ટાઈટલ રાખવામાં આવ્યું ‘લવરાત્રી’. જો કે ધાર્મિક લાગણી દુભાયા બાદ ‘લવરાત્રી’ બની ‘લવયાત્રી’.
* સંજય લીલા ભણસાલીએ રાણી પદ્માવતીની શૌર્યગાથા પર આધારિત ફિલ્મનું શીર્ષક ‘પદ્માવતી’ રાખેલું, પરંતુ રાજપૂત કરણી સેનાએ વાંધો ઉઠાવતાં બદલીને ‘પદ્માવત’ કરવું પડ્યું.
* આ પહેલાં સંજયભાઈએ રણવીરસિંહ-દીપિકા પદુકોણને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી કરુણ પ્રણયકથા બનાવેલીઃ ‘રામ-લીલા’, પણ કોઈએ જનહિતની અરજી કરી કે ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલી રામ-લીલા શીર્ષકથી સિનેમાપ્રેમીને લાગશે કે આ તો ધાર્મિક ચિત્રપટ છે. એટલે રિલીઝના થોડા દિવસ પહેલાં શીર્ષક ‘ગોલિયોં કી રાસલીલાઃ રામ-લીલા’ કરવામાં આવ્યું. જેમની લાગણી દુભાયેલી એમણે કહ્યું, હવે નો પ્રોબ્લેમ.
* કોરિયોગ્રાફર-ડિરેક્ટર પ્રભુદેવાએ શાહીદ કપૂર-સોનાક્ષી સિંહાને લઈને મારામારીવાળું પિક્ચર બનાવેલું- ‘રામ્બો રાજકુમાર’, પરંતુ હોલિવૂડમાં ‘રામ્બો’ સિરીઝની ફિલ્મો બનાવવાળાએ ‘રામ્બો’ શબ્દ સામે કૉપીરાઈટનો મુદ્દો રજૂ કરતાં પ્રોડ્યુસરે ફિલ્મનું શીર્ષક જ નહીં, મુખ્ય પાત્રનું નામ પણ બદલવું પડ્યું. ફિલ્મનું નવું નામ પડ્યું ‘આર…રાજકુમાર’.
* વિવાદસમ્રાજ્ઞી કંગના રણોટ પણ ફિલ્મના શીર્ષકના કારણે મુશ્કેલીમાં મુકાઈ હતી. એક મનોરોગી (કંગના)ની કથની કહેતી ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’? શીર્ષક સામે સાઈકિયાટ્રિક સોસાયટીએ વાંધો ઉઠાવતાં ‘મેન્ટલ’ની આગળ ‘જજ’ ઉમેરી નવું નામ પાડવું પડ્યું- ‘જજમેન્ટલ હૈ ક્યા’?
* ‘વિકી ડોનર’, ‘પિકુ’ જેવી ફિલ્મના સર્જક શુજિત સરકારે સરસમજાની પોલિટિકલ ઍક્શન થ્રિલર ફિલ્મ બનાવીઃ ‘જાફના’. ભારતના વડા પ્રધાનની હત્યાનું કાવતરું શ્રીલંકમાં કેવી રીતે રચાયું એ સંજોગોની આસપાસ ફરતી, જૉન અબ્રાહમ-નરગિસ ફખરીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મના શીર્ષક સામે શ્રીલંકાને વાંધો પડ્યો. કારણ? ફિલ્મની રિલીઝ બાદ ઉત્તરી શ્રીલંકામાં વસેલા ખૂબસૂરત નગર જાફના અને શ્રીલંકાનાં નામ બદનામ થશે. એટલે પછી ‘જાફના’ બન્યું ‘મદ્રાસ કેફે’.
* પ્રિયદર્શનની ઈરફાન ખાન-શાહરુખ ખાન (અતિથિવિશેષ) અભિનિત ‘બિલ્લુ બાર્બર’ શીર્ષક સામે હૅર સ્ટાયલિસ્ટ ઍસોસિયેશને વાંધો ઉઠાવતાં કહ્યું કે “બાર્બર શબ્દથી અમારી લાગણી દુભાશે”. એમણે ચૉઈસ આપી કે રાખવું જ હોય તો ‘હૅરડ્રેસર બિલ્લુ’ રાખો, પણ સર્જકોએ માત્ર ‘બિલ્લુ’ રાખ્યું.