સ્વ-છબિના ગાંડપણનો ક્લોઝઅપ…

2014માં 63 વર્ષની વયે જેણે આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો એ ફાંકડા ઍક્ટર રોબિન વિલિયમ્સે ફાઈનલ એક્ઝિટ પહેલાં એક ફિલ્મમાં કામ કરેલું ‘વન અવર ફોટો’. 2002માં આવેલી આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં રોબિન વિલિયમ્સ ફોટો ટેક્નિશિયન બનેલો અર્થાત્ રોલ ડેવેલપ કરીને પ્રિન્ટ્સ કાઢવાની નોકરી. એ સાવ એકલો છે. ન તો કોઈ મિત્ર, ન ગર્લફ્રેન્ડ. સવારથી સાંજ બસ, યંત્રવત્ રોલ ડેવેલપ કર્યા કરે. ન્યૂ યૉર્કનો એક પરિવાર એની પાસે નિયમિત રોલ ડેવેલપ કરાવવા આવે. રોબિનને આ પરિવારનું એક જાતનું વળગણ થઈ પડે છે, અને…

હશે. આપણે રોબિનના એકલતાની કે વળગણની વાત નથી કરવી. આ ફિલ્મમાં (ફોટોગ્રાફ્સ વિશે) એક ડાયલૉગ છેઃ

“ભાવિ પેઢીને આ તસવીરો વિશે જો કાંઈ કહેવાપણું હોય તો એ આ છેઃ હું અહીંયાં, આ સ્થળે હતો. હું હયાત હતો. હું જુવાન હતો, હું ખુશ હતો… અને આ દુનિયામાં કોઈક એવું હતું, જેને મારી દરકાર હતી, જેણે મારા ફોટા પાડ્યા હતા.”

જો કે સ્માર્ટ ફોન અને સેલ્ફીને લીધે હવે આપણી દરકાર કરનારાની, કે કોઈ આપણો ફોટો પાડે એની જરૂર જ રહી નથી. આ બાબતમાં હવે આપણે આત્મનિર્ભર બની ગયા છે, કારણ આપણે આપણી જાતની જેટલી દરકાર કરીએ છીએ એટલું બીજું કોઈ કરતું નહીં હોય. આપણને જોઈએ એવા એન્ગલથી આપણે જ સ્વ-છબિ પાડી લઈએ છીએ.

આજે સેલ્ફીનો વિષય ઉખેળવાની વજહ છે ‘ચિત્રલેખા’નો તાજો અંક. બે દહાડા પછી એટલે 18 જૂને ‘આંતરરાષ્ટ્રીય પિતૃ દિવસ’ છે એ નિમિત્તે અમારા તેજસ્વી કાર્ટૂનિસ્ટ કાનજી મકવાણાએ આ અંકમાં કાર્ટૂન દોર્યું છે, જેમાં (ફાધર્સ ડેના દિવસે) પિતા એના પુત્રને ઘઘલાવતાં કહે છેઃ “મને ખબર છે તું આજે મારી સાથે ફક્ત સેલ્ફી લેવા જ આવ્યો છે.” મુક્કાની જેમ વાગતું આ કાર્ટૂન આજે આપણે કેવા દૌરમાં જીવી રહ્યા છે એનો ચિતાર આપે છે.

થોડા જ દિવસ પહેલાં મુંબઈમાં ગુલઝાર સાહેબ સાથે વાર્તાલાપનો એક કાર્યક્રમ હતો. કાર્યક્રમ માટે એ સ્થળ પર પધાર્યા ત્યારે લોકોએ એમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી એમને અકળાવી મૂક્યા. આજકાલ જાણીતી અને માનીતી વ્યક્તિઓ સાથે સેલ્ફી લેવાનું ઝનૂન વધી રહ્યું છે. થોડા સમય પહેલાં કરીના કપૂર મુંબઈ ઍરપૉર્ટની બહાર નીકળી કે એક બહેને તરત ફોન કાઢી એની સાથે સેલ્ફી લેવાનો યત્ન કર્યો એવો વિડિયો વાઈરલ થયો. કરીના તો જાણે આજુબાજુ કોઈ છે જ નહીં એ રીતે નિર્લેપ ભાવે, સેલ્ફી આપ્યા વિના  ત્યાંથી ચાલી જાય છે. આ વિશે સોશિયલ મિડિયા પર ભારે વિતંડાવાદ થયો. કોઈએ કરીનાને ન કહેવાનું કહી નાખ્યું તો કોઈએ કહ્યું “શું કામ આવા લોકોને આટલો ભાવ આપવો”?

અચ્છા, આમાં ગમ્મત એ છે કે એક બાજુ સેલ્ફી લેનારા એવું બતાવવા માગતા હોય કે આમની સાથે તો આપણે ઘર જેવું, ફલાણો કે ફલાણી તો આપણાં જિગરી, તો બીજી બાજુ પેલી જાણીતી વ્યક્તિ (ક્રિકેટર-ઍક્ટર-રાજકારણી-સોશિયલ મિડિયા ઈન્ફ્લુઅન્સર) ના હાવભાવ પરથી ખ્યાલ આવી જાય કે આ જબદસ્તીથી લીધેલી સ્વ-છબિ છે. અનેક વાર એમનાં મોઢાં દિવેલ પીધું હોય એવાં હોય છે, ક્યારેક એ લોકો ભળતી જ દિશામાં જોતા હોય, અમુક સેલ્ફીમાં એના સ્ટાફમાંથી સેલ્ફી લેનારાઓને હડસેલી કાઢતા હોય.

આપણે મિત્રો સાથે ક્યાંક ફરવા ગયા કે રેસ્ટોરાંમાં જમવા ગયા ને યાદગીરી માટે એકાદ સેલ્ફી લીધી તે એક વાત ને કોઈ સેલિબ્રિટી ક્યાંક અચાનક મળી જાય ને જબરદસ્તીથી, વિચિત્ર એન્ગલવાળી સેલ્ફી લેવી એ જુદી વાત. કોઈ માણસ ક્યાંકથી આવતો હોય, એના મનની સ્થિતિ કેવી હોય, એને તમારી સાથે દૂર દૂરનો સંબંધ નથી, તમારી સાથે (રાધર કોઈની બી સાથે) ફોટો પડાવવાની એની ઈચ્છા જ નથી, ને તમે એક્સપેક્ટ કરો કે એ તમારી બાજુમાં હસતું મોઢું રાખીને ઊભો રહી જાય?

તમારું શું કહેવું છે?