16 જૂને ‘આદિપુરુષ’ રિલીઝ થવાની છે. એ ‘આદિપુરુષ’, જેની ઝલકમાત્ર જોઈને સિનેમાપ્રેમીઓ ભડક્યા હતા. મોટી રામાયણ તો ફિલ્મની નબળી સ્પેશિયલ ઈફેક્ટ્સના લીધે થયેલી. હવે બેએક દિવસ પહેલાં તિરુપતિમાં ‘શ્રી વેન્કટેશ્વર યુનિવર્સિટીના સ્ટેડિયમ’માં “જય શ્રી રામ” અને “જય બજરંગ બલી”ના ઉદઘોષ વચ્ચે એનું ફાઈનલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં નિઝામ સરકીટનો સુપરસ્ટાર પ્રભાસ બન્યો છે રાઘવ, ક્રીતિ સેનન બની છે જાનકી, મરાઠી સિરિયલ ‘જય મલ્હાર’માં ખંડોબા દેવની ભૂમિકા ભજવીને લોકચાહના મેળવનાર દેવદત્ત નાગે બન્યો છે બજરંગ બલી, સૈફ અલી ખાન લંકેશ્વર, તો ડિરેક્ટર લવ રંજનનો ફેવરીટ સનીસિંહ બન્યો છે ભ્રાતાશ્રી લક્ષ્મણ. અજય દેવગનની ‘તાન્હાજી’ના સર્જક ઓમ રાઉત છે ડિરેક્ટર.
કહે છે કે ‘આદિપુરુષ’ના નિર્માતા ભૂષણ કુમારે ટ્રેલર રિલીઝ કરવાનો પ્રસંગ યોજ્યો એમાં આશરે ત્રણ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. પચાસ લાખ રૂપિયાના તો ખાલી ફટાકડા ફોડવામાં આવ્યા. ફિલ્મના યુનિટમાંથી કોઈએ મને કહ્યું કે જાનકીજીની ભૂમિકા ભજવતી ક્રિતી સેનનને આ ફિલ્મ માટે જેટલા પૈસા ચૂકવવામાં આવ્યા એના કરતાં તો ટ્રેલર-લૉન્ચ ઈવેન્ટમાં વધુ ખર્ચો કરવામાં આવ્યો. સંગીતકાર જોડી અજય-અતુલના ધમાકેદાર ગીત-સંગીતના સથવારે ટ્રેલર લૉન્ચિંગ બાદ મેકર્સ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ‘આદિપુરુષ’ના દરેક શોમાં એક સીટ ખાલી રાખવામાં આવશે, હનુમાનજી માટે.
આ જાહેરાત સાંભળીને મને એક પ્રસંગ યાદ આવી ગયોઃ થોડા સમય પહેલાં હું અયોધ્યા ગયેલો. રામ લલાનાં દર્શન બાદ હું ત્યાંના પ્રખ્યાત મંદિર હનુમાનગઢીમાં દર્શને ગયો. મંદિરના સભાખંડમાં કથા ચાલતી હતી. ત્યાં એક ગાદી ખાલી રાખવામાં આવેલી. મેં પૂછ્યું કે ‘અહીં કોણ બિરાજશે’? તો વ્યવસ્થાપકે કહ્યું “અહીં હનુમાન જતિ ખુદ બેસવા આવે છે.”
બહરહાલ હનામનજીની ખાલી સીટવાળી જાહેરાત બાદ ‘કાર્તિકેય 2’ અને ‘ધ કશ્મીર ફાઈલ્સ’ના પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલે ‘આદિપુરુષ’ની દસ હજાર ટિકિટો ખરીદીને લોકોને મફત વહેંચવાની જાહેરાત કરી. આ ઍનાઉન્સમેન્ટ બાદ રણબીર કપૂરે કહ્યું કે “મારી બી દસ હજાર ટિકિટ”. હા, રણબીર દસ હજાર ટિકિટ ગરીબ બાળકોને મફત વહેંચશે. પછી તો રામ ચરણ તેજા પણ જથ્થાબંધ ટિકિટખરીદીમાં જોડાયા અને અક્ષયકુમાર, અજય દેવગન જોડાય એવાં એંધાણ છે.
જો કે બોલિવૂડવાળા આ બધું જોઈને ખંધું હસતાં કહે છેઃ આ તો માર્કેટિંગની એક વ્યૂહનીતિ છે. છેલ્લા થોડા સમયથી પ્રચારની આ નવી રીતમાં સર્જકો સમાજના વિવિધ લોકોને ફિલ્મ સાથે જોડી રહ્યા છે. એક જાણીતા ટ્રેડપંડિતે મને કહ્યું કે “આદિપુરુષના નિર્માતા ભૂષણ કુમાર ખુદ જ આ લોકોના નામે ટિકિટો ખરીદીને વહેંચી રહ્યા છે અને ફિલ્મની તરફેણમાં એક હવા બનાવી રહ્યા છે. ‘પઠાણ’ની રિલીઝ વખતે પણ મેકર્સે આ રીતે જથ્થાબંધ ટિકિટો ખરીદીને જબરદસ્તીથી ફિલ્મ હિટ બનાવેલી.”
અંજનીસુત માટે એક સીટ ખાલી રાખીને એક શ્રદ્ધાળુ વર્ગને આકર્ષવામાં આવ્યો છે. મુંબઈના જાણીતા મલ્ટિપ્લેક્સના મૅનેજર ‘ચિત્રલેખા’ને કહે છેઃ “આદિપુરુષની ટિકિટનો ભાવ અઢીસો રૂપિયા હશે, પણ વાયુપુત્રની ખાલી સીટની આજુબાજુની સીટમાં બેસવું હોય તો પાંચસો રૂપિયા લાગશે. એટલે એ રીતે જોતાં પવનપુત્રની ખાલી સીટના પૈસા આ રીતે વસૂલી લેવામાં આવશે.”
દરમિયાન સમાચાર આવે છે કે ‘દંગલ’, ‘છિછોરે’ના સર્જક નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર રામનો પાઠ ભજવશે. સીતા માટે આલિયા ભટ્ટ સાથે વાત ચાલી રહી છે. તો રાવણનો પાઠ સર્જકો સાઉથના ઍક્ટર યશને આપવા માગે છે. એટલે એમ કહી શકાય કે ‘આદિપુરુષ’ને તારવા, ફિલ્મનો પ્રચાર કરવા બીજા કોઈની રામાયણના રામને શરણે ગયા છે.
હિંદી ઉપરાંત તમિળ-તેલુગુ-મલયાલમ-કન્નડમાં ‘આદિપુરુષ’ વાજતેગાજતે સિનેમાનગરીમાં આવશે ત્યારે ટિન્સેલપુરીના લોકો એને કેવોક આવકાર આપે છે તે તો 16 જૂને જ ખબર પડે.